આજનો પ્રવર્તમાન સમાજ આધુનિકતાની દોડમાં પોતાના સંસ્કૃતિ ગત અને અતિ મૂલ્યવાન સંસ્કારો ભૂલતો જાય છે

0
171

મિત્રો- શુભ સવાર.

હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. અગ્નિ દાહક છે, અગ્નિ ઉર્ધ્વ ગતિ કરે છે, તેમજ અગ્નિ યજ્ઞ માટે સૌથી જરૂરી છે. આ ઉપરાંત આપણે ત્યાં અગ્નિને દેવને પવિત્ર પણ ગણવામાં આવે છે, એટલે અગ્નિની સાક્ષીએ આમ કર્યું, એમ પણ કહેતા હોઈએ છીએ. લગ્ન નામનો પવિત્ર સંસ્કાર પણ અગ્નિની સાક્ષીએ થાય છે. સપ્તપદી ના મંગળફેરા પણ અગ્નિની સાક્ષીએ ફરતા હોય છે, આ ઉપરાંત જીવનનો અંતિમ સંસ્કાર એટલે કે ફરી પાછો આ પંચતત્ત્વ નો બનેલો દેહ જ્યારે મૃત્યુ પામે, ત્યારે તેના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. આ ઉપરાંત માનવી પંચમહાભૂત માંથી બનેલો હોવાથી અગ્નિ કોઈને કોઈ રીતે તેનામાં સમાયેલો હોય છે. જેમ કે આપણે શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ કે ઈર્ષાથી સળગી ઉઠયો, બદલાની આગ તેના મનમાં ભરી છે, કે દિલ સળગી ગયું, એટલે અગ્નિ પવિત્ર હોવા છતાં, કોઈવાર તેની ઉર્ધ્વગતિ ન થાય તો તે નકારાત્મક શક્તિ પણ બની શકે. જિંદગીના કઈ કેટલાય રંગ છે, અથવા તો કેટલાય પહેલું છે. દરેક પહેલું પર આપણા ગુણો તત્ક્ષણ પરિણામ આપતાં નથી,અને તેથી કોઈ કોઈ વાર અણસમજ કે આળસમાં જીવ ગેર માર્ગે દોરાઈ જાય છે, જેમકે આજનો પ્રવર્તમાન સમાજ આધુનિકતાની દોડમાં પોતાના સંસ્કૃતિ ગત અને અતિ મૂલ્યવાન સંસ્કારો ભૂલતો જાય છે, અને તેના પરિણામ વિશે વિચારતો નથી. ક્યારેક અહમ, ક્રોધ કે બદલો લેવાની વૃત્તિ એક ભયંકર પરમાણુ બોમ્બ જેવી સ્થિતિ પણ સર્જે છે. અગ્નિ ઔષધનું કામ પણ કરે છે, એમાં પણ શિયાળા ચોમાસામાં તો એ બહુ જ ફાયદાકારક સાબિત થાય છે, અને પૂરતા પ્રમાણમાં જઠરાગ્નિ ન હોય તો ઘણા બધા શારીરિક તેમજ માનસિક વિકારો થવાની શક્યતા રહે છે. આત્મ દીપ પ્રજ્વલિત હોય તો માનવીને સત્યની પરખ જલ્દી થાય છે, પરંતુ આ સાચું આ ખોટું એ ભેદ જાણ્યા પછી સત્યને દ્રઢતાથી વળગી રહેવું, પણ એટલું જ જરૂરી છે. એટલે કે ચલિત થઈએ તો, જેટલો માર્ગ કાપ્યો હોય ત્યાં સુધીની યાત્રા નકામી પણ જાય! અગ્નિ તત્વ કોઈને કોઈ રૂપે માર્ગને પ્રકાશિત તો રાખી શકે, પરંતુ આપણામાં દ્રઢ વિશ્વાસ ન હોય તો એ નકામું છે. તો દ્રઢતા એ પંચમહાભૂતનું પૃથ્વી તત્વ છે, અને એના વિશે આજે આપણે ચિંતનમાં વાત કરીશું.

જે અચલ છે તે પૃથ્વી, અથવા તો જે પોતાના સ્થાન પર કાયમ રહે તેને આપણે પૃથ્વી કહેતા હોઈએ છીએ. બ્રહ્માંડમાં કેટલા એ ગ્રહ આ રીતે અસ્તિત્વ ધરાવે છે, એમાં પૃથ્વી નામક આ ગ્રહ સૌથી વધુ જમીન ની સપાટી ધરાવે છે, અને તેથી તેનાં પર જનજીવન છે. હવે તો અન્ય ગ્રહ પર પણ જન જીવનની શક્યતા શોધાઈ રહી છે, કારણ કે વધતી જતી વસ્તી અને વધતું જતું પ્રદૂષણ આ બંને કારણે પૃથ્વી પર ગમે ત્યારે પ્રલય આવી શકે, અને તેનું અસ્તિત્વ પૂરું થઈ જાય તો! એટલે એની પહેલા ધનાઢ્ય લોકો અન્ય ગ્રહ પર પોતાનું અસ્તિત્વ ટકાવી શકે, એવા પ્રયત્નો પણ કરી રહ્યા છે.

પ્રાથમિક શાળામાં ભૂગોળ ભણતાં ત્યારે આપણે સૌએ પૃથ્વીનો ગોળો જોયો છે,અને પૃથ્વી પર સાત ખંડો આવેલા છે, પરંતુ તાજેતરમાં એક આઠમો ખંડ પણ અસ્તિત્વ ધરાવે છે,એવી શોધ થઈ,જે ન્યુઝીલેન્ડ પાસે છે, અને તેનો 94 ટકા ભાગ પાણી માં છે.આ ઉપરાંત પૃથ્વી પર પાંચ મોટા મહાસાગર આવેલાં છે, જેને કારણે તેનાં 71 ટકા વિસ્તારમાં સમુદ્ર ના ખારા પાણી છે,અને 18 ભાર વનસ્પતિ છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, સૂર્ય ફરતે પરિભ્રમણ કરે છે, અને એક પરિભ્રમણ કરતાં 365 દિવસ થાય છે, જ્યારે પૂર્વ થી પશ્ચિમ તરફની તેની ગતિ ,23 કલાક 56 મીનિટ ને 4 સેકન્ડમાં પુરી થાય છે, એટલે દિવસ રાતનું પરિભ્રમણ, એટલે એ રીતે પૃથ્વી અચલ છે એ સત્ય કદાચ એટલું સાચું નથી. પરંતુ આપણું સ્થાન આપણે ઈચ્છીએ નહીં ત્યાં સુધી બદલાતું નથી, એ રીતે આ સત્યને જોવું પડે.

પૃથ્વીનો બીજો ગુણ ધારણ કરવું તે છે, એટલે કે રાય રંક કે સારું ખરાબ ના ભેદ વગર સૌને ધારણ કરે છે. આપણે ઉપર જોયું તેમ પૃથ્વીનો ગ્રહ સૌથી વધુ જમીનની સપાટી ધરાવતો ગ્રહ છે. સૂર્યમંડળના કે આકાશ ગંગાના બીજા કોઈ ગ્રહમાં આટલી જન જીવનની શક્યતા વિચારી પણ શકાય નહીં. પૃથ્વી પોતાના પેટાળમાં અસંખ્ય લાવા ધરાવે છે, છતાં તેની પર વસતા સચરાચર જીવોને તેનાથી પ્રતાડિત કરતી નથી, અને બને ત્યાં સુધી સ્થિર રાખવા કોશિશ કરે છે. પૃથ્વીનું અસંતુલન એ બહુ ખતરનાક છે અને આપણે સૌ જાણીએ છીએ કે ધરતીકંપ થાય ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે, અને 2000 ની સાલ નો ધરતીકંપ આપણને સૌને યાદ છે. ધરતીકંપનું વૈજ્ઞાનિક કારણ પણ આપણે સૌ જાણીએ છીએ, એટલે કે પૃથ્વીના પેટાળના જે સ્તર છે, જે પ્લેટ આવેલી છે, તે હલી જાય ત્યારે આ પરિસ્થિતિ થાય છે. વધતા જતાં પ્રદુષણ ને કારણે તાપમાન અત્યંત વધી જાય, ત્યારે અંદરનો લાવા અને બહારની ગરમી આ પરિસ્થિતિનું નિર્માણ કરવા કારણભૂત બને છે. આપણી કેટલી બધી બેજવાબદારી હોવા છતાં પણ પૃથ્વી પોતાનું સંતુલન ટકાવી રાખવા કોશિશ કરે છે, અને આપણું અસ્તિત્વ આ રીતે બચી જાય છે, પણ ક્યાં સુધી??

અચલ રહેવું, ધારણ કરવું, ઉપરાંત ધીરજ રાખવી,આ ઉપરાંત પૃથ્વીનો એક અનન્ય ગુણ પોષણ કરવાનો પણ છે. એટલે કે પોતે ગરમી સહન કરે, ટાઢ સહન કરે, વરસાદ સહન કરે, બધું જ સહન કરે,અને એક માતા જેમ પોતાના સંતાનને પોતાનું દૂધ પીવડાવીને પોષણ કરે, તેમ પોતાની પર આટલી બધી ઋતુના પ્રભાવ સહન કરીને તે વનસ્પતિઓને પોષણ આપે છે, નદી નાળા રુપે પાણીને સ્થાન આપે છે, અને આ રીતે અનાજ કે અન્ય ફળ શાકભાજી થાય છે,એના દ્વારા આખી જીવસૃષ્ટિનું પોષણ થાય છે.આ ઉપરાંત રહેવા માટેનું સ્થાન આપે છે, જ્યાં એ પોતાના કુટુંબ કબીલા સાથે રહે છે. હવે ગરમીનાં દિવસોમાં આપણે જોઈશું તો તેની પર ચાસ પડી જશે, છતાં એ અચલ ઉભી રહી આપણને બચાવશે, કારણ કે પૃથ્વી એ સ્ત્રી લીંગ ધરાવે છે, અને તેથી એ સંવેદનશીલ હોય છે, પોતાને આશરે આવેલા નું રક્ષણ કરવું એ તેની ફરજમાં આવે છે, આવું વિચારીને એ આપણા બધા દોષ માફ કરીને પણ એ અચલ રહી આપણને ધીરજથી ધારણ કરે છે, પોષણ કરે છે, અને રક્ષણ પણ કરે છે.

પંચદેવની પૂજા માં મા જગત જનની જગદંબા દુર્ગાની પૂજા કરવાથી આપણામાં પૃથ્વી તત્વની પુષ્ટિ થાય છે, એ આપણે જોયું હતું. તો હવે પંચમહાભૂતના આ પૃથ્વી નામના તત્વના ગુણોથી આપણે પરિચિત થયાં અને એ રીતે જો આપણામાં પણ આ ગુણ આવે, એટલે કે સત્યની બાબતે દ્રઢ વિશ્વાસ કેળવી અચલ કે અડગ રહેવું, અને, સદગુણોને ધારણ કરવાં, સહન કરીને પણ સૌનુ પોષણ કરવું, અને શૌર્ય કે સાહસ શક્તિથી સૌનું રક્ષણ પણ કરવું. જો આ રીતે પૃથ્વી તત્વને જોવામાં આવશે, અથવા તો તેની પુષ્ટી કરવામાં આવશે, તો પૃથ્વી પર વસતા અસંખ્ય પરિવારો સંતુલિત થશે, અને એ રીતે ધીરે ધીરે પૃથ્વી પણ સંતુલિત રહેશે. તો બદલાતી આ આધુનિકતાની લહેરમાં જ્યાં સૌ કોઈ ને પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવું છે, મહાસત્તા બનવું છે, ત્યાં ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ આવી ને ઉભી રહે, એટલે કે જળ છે ત્યાં સ્થળ, અને સ્થળ છે ત્યાં જળ,પણ થઈ શકે છે, એટલે કે પ્રલય થઈ શકે. પરંતુ આપણી સંસ્કૃતિ આપણને લડાઈ ઝઘડા શીખવતી નથી,અને એ જો એકવાર મહાસત્તા બની જાય તો, વારંવાર આવાં યુદ્ધ ન થાય, અને એ રીતે પૃથ્વી સંતુલિત રહે,અને પૃથ્વી પર જનજીવન સુરક્ષિત રહે. આપણે સૌ આપણા માંના પૃથ્વી તત્વની પુષ્ટિ કરી અને તેના સદગુણોને ગ્રહણ કરીએ, અથવા તો કેળવવાની કોશિશ કરીએ, અને એ રીતે પૃથ્વી પર વધી ગયેલા પાપાચારથી એને મુક્ત કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસમાં સ્નેહ વંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here