સંસ્કૃતિ મુજબનું જીવન જીવવું જોઈએ, અને મા ભારતીના સન્માન તેમજ રક્ષણ માટેની જવાબદારી નિભાવવી જોઈએ

0
198

  • ઘર-પરિવારની મુખ્ય સ્ત્રીઓમાં ધૈર્ય ધારણ કરવું અને ખમી જવું તે કે સહન કરી જવાની શક્તિ જેવા બે ગુણ હોય તો મોટેભાગે ઘર્ષણ થી એ પરિવાર બચી જતો હોય છે,
  • પરિસ્થિતિ ને સુધારવાની છે, એટલે કે સાચા હિન્દુ બની દેખાડવાનું છે, જે વર્ણ ને માત્ર વ્યવસ્થા માટે જ સ્વીકારે છે, બાકી જેનાં મનમાં ઉંચ નીચનો ભાવ નથી, તે જ સાચો હિન્દુ છે.
  • પશ્ચિમ નું એ કલ્ચર પણ આપણા લોહીમાં વણાઈ ગયું હોય, તેમ આજનો આધુનિક સમાજ વર્તી રહ્યો છે. પોતાની સંસ્કૃતિ, તેમજ પોતાની ભાષા, કે પોતાના ધર્મમાં ખોટ હોય, તેમ તે અન્ય દેશોમાં વસવાટ પણ કરી રહ્યો છે

મિત્રો- શુભ સવાર.

હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ.દ્રઢ મનોબળ કે દ્રઢ સંકલ્પ પણ પૃથ્વી તત્વની પુષ્ટિ થતાં જ શક્ય બને છે. આ ઉપરાંત પૃથ્વી ગોળ હોવાથી કેન્દ્ર બિંદુ એક હોવા છતાં જુદા જુદા બિંદુએથી તેનો જુદો જુદો નજારો પ્રાપ્ત થાય છે, અને ગોળ હોવાથી જ તે પરિભ્રમણ કરી શકે છે. એમ બદલાતા યુગ સાથે અથવા તો પરિવર્તનનો દોર પૃથ્વી તત્વની પુષ્ટિ થતાં જ સાહજિકતાથી અપનાવી શકાય છે. ઘર-પરિવારની મુખ્ય સ્ત્રીઓમાં ધૈર્ય ધારણ કરવું અને ખમી જવું તે કે સહન કરી જવાની શક્તિ જેવા બે ગુણ હોય તો મોટેભાગે ઘર્ષણ થી એ પરિવાર બચી જતો હોય છે, અને એકંદરે એ પરિવારમાં પ્રેમ પ્રસન્નતા અને શાંતિ રહે છે. એટલે કે મૂળભૂત રીતે તો આ પંચમહાભૂત તત્વની પુષ્ટિ થી આપણને પ્રસન્નતા અને શાંતિ પ્રાપ્ત થવી જોઈએ,ચાહે પછી એ કર્મ ધર્મ કે એનો મર્મ પામી જવાથી થાય કે, માનવતા નો ઉંચો ધર્મ નિભાવવાથી પ્રાપ્ત થાય. આજકાલ ધર્મને લઈને બહુ બધા સવાલો સમાજમાં પ્રસ્તુત થાય છે, કે આખરે ધર્મ કોને કહેવાય? આપણે હિન્દુ ધર્મની વાત કરીએ તો, સીધો સાદો સવાલ દરેક જણ પોતાને કરે કે, શું વર્ણ નું ત્રાગું પરિચય કે ઓળખાણ માં ઉમેરી દેવા માત્રથી શું આપણે હિન્દુ થઈ જઈએ છીએ? ના એ એટલું સહેલું નથી. હિન્દુ કહેવડાવવા માટે, મા ભારતીની રક્ષા માટે કેટલા ત્યાગ અને બલિદાન આપવા પડે, પોતાની નિજી જરૂરિયાતો ભૂલી સમાજ સેવાના કામ કરવા પડે.તો આજે સમાજમાં હિન્દુત્વનો નારો લઈને નીકળેલા સમાજના ઠેકેદારો ના ખભા કેટલા મજબૂત છે,એ તો આવનારો સમય બતાવશે. પણ આજે આપણે હિન્દુ વિચારધારા ના મહત્વના ગુણ વિશે ચિંતનમાં વાત કરીશું.

મૂળભૂત રીતે હિંદુ શબ્દ નો અર્થ આપણા એકેય પુરાણોમાં કે ઉપનિષદોમાં પ્રાપ્ત થતો નથી. હિન્દુ એ ભૌગોલિક શબ્દ છે, અને સિંધુ નદીના તટ પર વસવાટ કરનારા નું અપભ્રંશ હિન્દુ થયું એવું ઘણાનું માનવું છે. પરંતુ મૂળમાં હિમાલય થી શરૂ કરીને દક્ષીણના સમુદ્ર સુધીના વિસ્તારને હિન્દુસ્તાન કહેવામાં આવે છે, અને આ પ્રદેશોમાં જે વસે છે, એમને હિન્દુ કહેવામાં આવે છે, અને એમના ધર્મને હિન્દુધર્મ કહેવામાં આવે છે. હવે મૂળભૂત રીતે જોઈએ તો આટલા પ્રદેશોમાં જેને જેને સ્થાન મળ્યું છે એટલે કે ત્યાંના નાગરિક હોવાનું બહુમાન પ્રાપ્ત થયું છે, તેમણે આ સંસ્કૃતિ મુજબનું જીવન જીવવું જોઈએ, અને મા ભારતીના સન્માન તેમજ રક્ષણ માટેની જવાબદારી નિભાવવી જોઈએ. પરંતુ હકીકત આનાથી ઉંધી છે, જે થાળીમાં જમ્યા તેમાં જ છેદ કરવાની કોશિશ પ્રવર્તમાન સમાજમાં થઈ રહી છે, અને એટલે જ સમાજમાં હિન્દુત્વનો નારો લાગ્યો છે. પણ આ બધું કેટલો લાંબો સમય ચાલશે, એ કંઈ કહેવાય નહીં?: કારણ કે આધુનિક માનવ ધીરે આ બધાથી ધીરેધીરે ટેવાતો જાય છે, અને એવું બધું તો ચાલે રાખે, આપણે આપણું ઘર સંભાળીને બેઠા રહીએ, અને એક દિવસ આપણાં પગ નીચેની ધરતી પર પણ, એ તો મારી છે! એવો અન્ય કોઈ દાવો કરશે! હવે એ સમય બહુ દુર નથી.

હિંદુ ધર્મમાં બીજી પાયાની વ્યવસ્થામાં વર્ણ વ્યવસ્થા તરીકે સ્વીકારવામાં આવેલી એક વાત છે,અને તેને સહજતાથી જો લેવામાં આવે કે સ્વીકારવામાં આવે તો એ એકદમ ઉત્તમ વ્યવસ્થા છે. પરંતુ એ ચોક્કસપણે વર્ણવાદ ઊભો કરે છે, અને એટલે જ આપણે અન્યના પ્રમાણમાં એકતા સાધી શક્યા નહીં. હિન્દુ એટલે હિન્દુ, પછી એમાં કોઈ વર્ણ વાદ નહીં. આવનારા ભવિષ્યમાં સમાજને આ વાત બહુ મોટાપાયે નડશે એ જાણતા હોવાથી જ સૌને સમાન અધિકાર નાં મુદ્દે બંધારણ માં અનામત આવ્યું,જો કે કોઈ કોઈ નું કહેવું છે કે એ જ ખોટું થયું. ખેર છોડો જે થયું તે થયું, પણ આપણે આ પરિસ્થિતિ ને સુધારવાની છે, એટલે કે સાચા હિન્દુ બની દેખાડવાનું છે, જે વર્ણ ને માત્ર વ્યવસ્થા માટે જ સ્વીકારે છે, બાકી જેનાં મનમાં ઉંચ નીચનો ભાવ નથી, તે જ સાચો હિન્દુ છે. થોડા વર્ષો પહેલાનો સમાજ આ રીતે જ જીવતો હતો. એટલે કે વર્ણ નાં એવા કોઈ ભેદભાવ એમની વચ્ચે નહોતાં, અને બધી રીતે સંપન્ન વર્ણ કે વર્ગ અન્યનું પોતાનાથી થાય તેટલું પોષણ કરવું એ તેની ફરજ છે, અને એ જ તેનો ધર્મ છે એવું માનતો હતો. ધીરે ધીરે એ ભાવ કાળક્રમે ઓછો થતો ગયો, કારણકે ખુદની જરૂરિયાતો અને સમિત પરિવારની જવાબદારી માંથી બહાર આવે તો અન્યનું વિચારે ને?

હિન્દુસ્તાનમાં રહેતા લોકો માટે રાષ્ટ્રીય ભાષા તરીકે હિન્દી ને સ્વીકારવામાં આવી, અથવા તો આ પ્રદેશમાં, એટલે કે હિન્દુસ્તાન માં રહેતા લોકો જે મુખ્યત્વે ભાષા બોલતા હતા, એને હિન્દી નામ આપવામાં આવ્યું. અન્ય દેશની સરખામણીમાં આપણો આપણી રાષ્ટ્રીય સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ કે પ્રેમ ઓછો છે, કારણ કે હિન્દીને જોઈએ તેટલું મહત્વ મળ્યું નથી, અને એનું એક કારણ એ છે કે, અનેક પ્રાંતો માં વિભાજીત થયેલા આ પ્રદેશની ભૌગોલિકતા પ્રમાણે ત્યાંનો સમાજની પોતાની એક આગવી સંસ્કૃતિ, આગવી બોલી, આગવો ખોરાક, અને આજવા વેશ પરિધાન પણ કરતો હોય છે અને એને કારણે, ભાષા તરીકે હિન્દી ને જોઈએ તેટલું માનસન્માન મળ્યું નથી. બીજું એક કારણ અંગ્રેજો ગયાં, પરંતુ અંગ્રેજી ભાષા અહીં છોડતા ગયાં, અને વૈશ્વિક સ્તરે આપણો પ્રભાવ વધારવા માટે અંગ્રેજી ભાષાને મહત્વ અપાયું છે. પરંતુ ધીરેધીરે તેના પ્રભાવમાં પણ હિન્દી ભાષા ભૂલાઈ છે,એ સત્ય પણ સ્વીકારવું પડે. માત્ર ભાષા તરીકે અંગ્રેજીને સ્થાન મળ્યું નથી, પશ્ચિમ નું એ કલ્ચર પણ આપણા લોહીમાં વણાઈ ગયું હોય, તેમ આજનો આધુનિક સમાજ વર્તી રહ્યો છે. પોતાની સંસ્કૃતિ, તેમજ પોતાની ભાષા, કે પોતાના ધર્મમાં ખોટ હોય, તેમ તે અન્ય દેશોમાં વસવાટ પણ કરી રહ્યો છે, અને અન્ય દેશની સંસ્કૃતિ અપનાવી રહ્યો છે, એના ધર્મને સ્વીકાર કરતો પણ થયો છે, અને એ બધાથી પણ વધુ ખરાબ તો એ છે કે, આ રીતે પોતે હિન્દુ કરતાં ચડિયાતો છે એવું દર્શાવે છે. એટલે ખોટ ક્યાંકને ક્યાંક આપણામાં જ છે, કે આપણે આપણી સંસ્કૃતિનું મૂલ્ય કરી શક્યા નથી, અને જોઈએ તેટલું જતન કરી શક્યા નથી.

હિન્દુ ધર્મ એટલે શું? હવે આ વાત સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે એટલે કે રામ અને કૃષ્ણના ચરિત્ર જોવા પડશે. રામ અને કૃષ્ણ બંને આપણાં હિમાલયથી શરૂ કરીને દક્ષિણ ના સમુદ્ર સુધીના વિસ્તારમાં જ જન્મ્યા હતાં. એટલે તેઓને એ રીતે હિન્દુ સ્વીકારી લઈએ, અને તેમની જીવનયાત્રા જોઈએ તો, અથવા એમના ચરિત્ર પરથી એક વાત નક્કી થાય કે જેને અધર્મ કહેવામાં આવ્યો છે, એનું સામ્રાજ્ય વધે ત્યારે એ અધર્મનો નાશ કરે તે હિન્દુ છે. પરંતુ આજે ધર્મ અને અધર્મ એમ જુદા પડી શકે તેમ નથી. ત્યારે તો દેવ, દાનવ, માનવ, યક્ષ, કિન્નર, નાગ, એવી શ્રેણીઓ હતી. જ્યારે આજે એ દરેક શ્રેણી માનવમાં સમાઈ ગઈ છે, એટલે કે તેના ગુણ કે લક્ષણો માનવે જ અર્જિત કરી લીધાં, અને તે પોતાના સ્વાર્થ માટે કાચિંડા કરતાં પણ વધુ ઝડપથી રંગ બદલે છે. એટલે દૈત્ય જેવું કૃત્ય કરવા છતાં તે માનવ તરીકે જ સમાજમાં પ્રતિષ્ઠા પણ મેળવે છે, અને એ રીતે જીવતો જોવા મળે છે. તો આ સમયે આપણે ભગવાન શ્રી કૃષ્ણના મુખે જેની રચના થઈ છે, એવી શ્રીમદ ભાગવત ગીતાનો સહારો લેવો પડે. જેમાં ધર્મની રક્ષા માટે કરાતા દરેક કર્મ ને જ ધર્મ કહેવામાં આવે છે. ખુદની રક્ષા, પરિવારની રક્ષા, સમાજની રક્ષા, અને દેશની રક્ષા,આ તમામ પાસા પર આ વિસ્તૃત વિચાર ને જો લાગું કરવામાં આવે તો જ આપણે, હિન્દુસ્તાનમાં હિન્દુત્વની એ ઉજળી અસ્મિતા ને બચાવી શકીશું. બાકી તો નારા લગાવ્યા કરીશું, અને વળી પાછા હતા એના એ જ!

મૂળ હિન્દુ ધર્મ માનવતા, ઉદારતા, સહિષ્ણુતા, અને શૂરવીરતા ના ચાર ખભા પર ઉભેલો છે,અને તેને જે અનુસરે એ આપણી અમુલ્ય સંસ્કૃતિ છે, હવે એનું રક્ષણ કરવાની આપણાં સૌની ફરજ છે. પરંતુ મૂલ્યને રૂપિયાની રીતે ગણવાનું બંધ નહીં કરીએ, ત્યાં સુધી આપણી સંસ્કૃતિનું સાચું મુલ્ય આપણે કરી શકીશું નહીં. આપણા બેંકના ખાતામાં જેટલા રૂપિયા હોય, એટલા હવે પર્યાપ્ત છે. પરંતુ આપણું મૂલ્ય આપણી સંસ્કૃતિ છે, અને હવે એના જતન કે તેના રક્ષણ માટે જે આપણાથી થાય, એ આપણે કરી છૂટીશું એવો દ્રઢ સંકલ્પ, દરેક આ હિન્દુસ્તાનના પ્રદેશમાં વસતાં હિન્દુઓ કરે, તો તેનું રક્ષણ શક્ય છે. કારણ કે પહેલા આપણે હિન્દુ બનવું પડે, એટલે કે પહેલા આપણને આપણી સંસ્કૃતિ પર માન થવું જોઈએ, તો જ અન્ય ને આપણે સન્માન દેવા મજબૂર કરી શકીએ, અથવા તો એ માન આપે એવી માંગ કરી શકીએ. આપણે સોં માત્ર નારા ની રીતે નહીં પણ સાચાં અર્થમાં હિન્દુ બની શકીએ,અને આપણી અમુલ્ય સંસ્કૃતિ નું જતન કરી વૈશ્વિક સ્તરે તેને ઉત્તમ સિદ્ધ કરી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસમાં સ્નેહ વંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here