મિત્રો- શુભ સવાર.
- સમાજનો ખૂબ જ વિકાસ થયો છે,અને સાચાં અર્થમાં સર્વાંગી વિકાસ ની વાતો સિદ્ધ થઈ. પરંતુ સૂક્ષ્મતમ રીતે જો ચિંતન કરવામાં આવે તો આજનો દરેક માનવી દેવાદાર બની ગયો છે.
- સમય આવી ગયો છે, અને આપણે આપણા ગુણોથી સમૃદ્ધ થવાનું છે, દરેક વ્યવહાર કે વિચારને વેપાર બનાવવાનો નથી, અને મરી ગયેલી માનવતાને ફરી સજીવન આપી આ રીતે જીવિત કરવાની છે.
- સંબંધોમાં જ્યારે વ્યવહારને નામે વેપાર ઘૂસી જાય, અને માનવતા ઘટી જાય, તો બહુ ભયંકર પરિસ્થિતિ સર્જાય, અને પ્રવર્તમાન સમાજ દરેક વહેવારમાં વેપાર નીતિ રાખે છે,
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ.આમ તો હિન્દુ વિચારધારા ના ચાર મુખ્ય ગુણોમાં બધા જ ગુણ મહત્વ ધરાવે છે, છતાં પણ ઉદાર ન હોય તો પણ ચાલે, એટલે કે સત્વગુણ ક્યારેક અહંકાર કરી શકે, અને પોતાનું સામ્રાજ્ય રહે એ માટે વ્યવહારમાં સીમિત અથવા સરમુખત્યાર થાય એવુ પણ બને, ભોગવાદી પ્રકૃતિ પોતાનો સ્વાર્થ જોઈ શૌર્ય બતાવવાનું પણ ચૂકી જાય એવું પણ બને, અને એવું જ બની રહ્યું છે. પરંતુ સંબંધોમાં જ્યારે વ્યવહારને નામે વેપાર ઘૂસી જાય, અને માનવતા ઘટી જાય, તો બહુ ભયંકર પરિસ્થિતિ સર્જાય, અને પ્રવર્તમાન સમાજ દરેક વહેવારમાં વેપાર નીતિ રાખે છે, એટલે કે આણે આમ કર્યું, તો મારે પણ આમ જ કરવું જોઈએ, તેણે આ રીતે વર્તન કર્યું તો મારે પણ એ જ રીતે વર્તન કરવું જોઈએ, તેણે આ આપ્યું, તો મારે પણ એ જ આપવું જોઈએ, અથવા એટલું જ આપવું જોઈએ, એવા જે વેપાર જેવા વહેવારો થઈ ગયા છે, એને કારણે માનવતા ઘટતી જાય છે. તો ક્યાંક અતિશય દંભ દેખાડો પણ માનવતાને હણી નાખે છે. ગઈકાલે રંગમંચ દિવસ હતો, અને પહેલા રંગમંચ એટલે કે સ્ટેજ પર જ અભિનય કરવામાં આવતો હતો. ત્યારે હવે સવારથી ઊઠીને સજ્જનતા નું મુખોટું પહેરીને જીવવાની સૌને ટેવ પડી ગઈ છે, એટલે કે જે છીએ નહીં એ દેખાડવાનો અભિનય આપણે બહુ જ સારી રીતે કરી શકીએ છીએ, અને જ તો વેપાર કહેવાય. હિન્દુ વર્ણ વિચારધારા મુજબ પહેલા વૈશ્ય જ વેપાર કરતા, અથવા જે કરતા એને વૈશ્ય કહેવામાં આવતાં. પણ હવે દરેક ક્ષેત્રમાં ધંધો ઘૂસી ગયો છે, એટલે કે બ્રાહ્મણ ને ક્રિયાકાંડ કે વૈદિક પરંપરા માં પણ સ્પર્ધા અને ધંધો, રક્ષણ અને પોષણ ને નામે શૂરવીરતાનો પણ ધંધો, અને સેવા ને નામે પણ દેખાડો કરવો અથવા પોતાનો સ્વાર્થ સાધવો, આમ દરેક ક્ષેત્ર ધંધાદારી બની ગયું છે.તો આજે આપણે ચિંતનમાં સાચો વૈશ્ય કે માનવતા વાદીનાં ગુણ વિશે વાત કરીશું.
માનવીને જીવન જરુરિયાતની વસ્તુઓ આસાનીથી મળી રહે એ માટે વૈશ્ય વર્ણના લોકો અનાજ તેલ કે કરિયાણાની ઉપરાંત, નહવા ધોવાના સાબુ, પાવડર,દંત મંજન વગેરે પ્રસાધનો નો વેપાર કરતા. પરંતુ આ વેપારીઓ પોતાનો નફો એમાંથી અવશ્ય કાઢતા, પરંતુ ગ્રાહકને લૂંટવાની નીતિ તેનામાં આજના પ્રમાણમાં ઘણી ઓછી હતી, અને એને કારણે સમાજમાં માનવતા જળવાઈ રહેતી હતી. કોઈપણ ધંધો એ વધીને બે થી પાંચ ટકાના નફાથી થતો હતો, જ્યારે આજે તો વાત જવા દો, અને દરેક વર્ણ અને વર્ગના લોકો વેપારમાં જતા ન હોવાથી, વેપારમાં પણ સ્પર્ધાઓ ઓછી હતી. તેમજ લોકોની જરૂરિયાતો પણ ઓછી હોવાથી પ્રાથમિક અને સીમિત વસ્તુઓનો વેપાર થતો હતો. શ્રીમંત લોકો માટે પણ આ જ જેટલી સુવિધાઓ નહોતી. તેઓ પોતાની શ્રીમંતાઈ બતાવવા માટે ખૂબ બધી જમીન ખરીદતા,ગાય ભેંસ ખરીદતા અને અદ્યતન મોટા મોટા આવાસ બાંધતા,દર દાગીના એટલે આભૂષણ અને કિંમતી ઝવેરાત ખરીદતા, અને એનાથી પણ વધુ હોય તો નોકર ચાકર નો કાફલો રાખતા,બસ આટલો જ શ્રીમંત વર્ગ નો પનો હતો. કાળક્રમે વેપારીકરણ નીતિમાં નફાનું ધોરણ વધતું ગયું, અને એને કારણે વેપારીઓ પાસે પુષ્કળ પ્રમાણમાં નાણાં આવવા લાગ્યા, એટલે ચરૂ ભરી અને ભવિષ્ય માટે જમીનમાં સંતાડવાની પ્રથા પણ શરૂ થઈ. ટૂંકમાં ખરીદનારની સગવડતા પણ સચવાય, અને આપણને નફો પણ થોડો ઘણો થાય, એને વેપાર કહેવામાં આવે છે, જે પહેલા ફક્ત વૈશ્ય વર્ણનાં લોકો કરતા હતા.
આપણે જોયું તેમ સમાજ-જીવનમાં માનવીની પ્રાથમિક જરૂરીયાત ના સાધન, પ્રસાધન સરળતાથી મળી રહે, એ માટે વેપારીકરણ નીતિનો પ્રવેશ થયો, જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થતો ગયો તેમ લોકોની જરૂરિયાતો પણ વધતી ગઈ, અને પ્રાથમિકતા ને નામે માનવીની ખૂબ બધી જરૂરિયાતો વધી ગઈ. આ ઉપરાંત દરેકે દરેક વર્ગના અને વર્ણના લોકો મહત્વાકાંક્ષી બની ગયા. પહેલા એવું હતું કે અમુક સ્વપ્ન અમુક શ્રીમંત લોકો જ જોઈ શકતા,અને ટીવી ફ્રીઝ એસી જેવી નાની વસ્તુઓ પણ શ્રીમંતાઈ માટે જ છે એવું હતું, અને ફોર વ્હીલ કે મોટર ગાડી તો બહુ શ્રીમંત હોય એ જ ખરીદે. પરંતુ આજે ઝીરો ટકા લોન આપીને સરકાર એ જે બેંક ધિરાણ યોજના મૂકી છે, એને કારણે સમાજમાં હવે એ ભેદ એટલી હદે રહ્યો નથી.એટલે કે સામાન્યથી સામાન્ય માનવી પણ પોતાની ઓકાત પ્રમાણે બેંકમાંથી લોન લઈ, અને દરેક વસ્તુઓ ખરીદતો થઈ ગયો છે. આપણે જ્યારે કોઈ શ્રમિક વર્ગના કે સામાન્ય માનવીના ઘરમાં ટીવી, ફ્રીઝ, એસી, વગેરે જોઈએ ત્યારે આપણને એમ થાય કે, ખરેખર સમાજનો ખૂબ જ વિકાસ થયો છે,અને સાચાં અર્થમાં સર્વાંગી વિકાસ ની વાતો સિદ્ધ થઈ. પરંતુ સૂક્ષ્મતમ રીતે જો ચિંતન કરવામાં આવે તો આજનો દરેક માનવી દેવાદાર બની ગયો છે. એની ગુણ થી માંડીને આજ સુધી બધી જ વસ્તુઓ ઉધારીમાં જ ચાલે છે, અને આમ હેસિયત વગરનું વિચારવાની શરૂઆત, આ રીતે થઇ,અને છેતરામણી પણ કરી શકાય, એવી એક વિચારધારા પણ આને કારણે જ શરૂ થઈ છે. પહેલા લોકો પોતાની જરૂરિયાતનું ન મળતું ત્યારે, ચોરી લૂંટ વગેરે કરતાં હતાં. પરંતુ આજે હવે અન્ય ને છેતરીને એ રીતે માલામાલ થવાય છે. એટલે કે બેંકોની બેન્કો પણ લૂંટાય છે, અને હવે તો એ જમાનો પણ પાછળ ચાલ્યો ગયો. હવે સાઇબર ક્રાઇમના આ યુગમાં તો મોબાઇલમાં એક ડીટેલ નાખો, અને ખાતાની તમામ રકમો ચાલી જાય, એવા ક્રાઇમ પણ થાય છે. એના પરથી કહી શકાય કે, સામાન્ય માનવી પણ વધુ પડતો મહત્વાકાંક્ષી બની ગયો,અને બીજું નફાનું ધોરણ વધારતી આપણી વેપાર વૃત્તિ ને કારણે, અમુક શ્રમિક વર્ગ ના લોકોને આસાનીથી પોતાની જરૂરિયાત ના સાધનો ન મળતાં, એનાં માનસમાં આવા વિકારોનો પ્રવેશ થયો,અને મહેનત વગરની કમાણી કરવી તેને હવે ફાવી ગઈ, જેને કારણે સમાજમાં વેપાર દૂષિત થયો.
પરંતુ પહેલા આવું ન હતું, પહેલા આવાં અતિ શ્રીમંત ને નગરશેઠની એક પદવી આપવામાં આવતી હતી, અથવા તો એના માનવતા વાદી કર્મ ને કારણે લોકો તેને માન સન્માન આપીને નગર શેઠ કહેતા. નગરશેઠ પોતાના વેપારને કારણે કમાયેલા નાણામાંથી થોડા ઘણા માનવતાના કાર્યો પણ કરતાં. એટલે કે સમાજમાં અનાથ કે દુઃખી લોકોને મદદ મળી રહે એ માટે સામાજિક સંસ્થા અને ટ્રસ્ટ વગેરેનું આયોજન પણ થતું, રજવાડાઓ જતાં કાળક્રમે ગામમાં દવાખાનાનો કે હોસ્પિટલની સુવિધા કરવી હોય, તો એ માટે દાન પણ કરતા. આ ઉપરાંત સમાજમાં ધર્મ બની રહે એ માટે કથા સપ્તાહનું આયોજન પણ થતું, અને સૌથી વધુ કુદરતી આફત સમયે પોતાની નાણાં કોથળી ખુલ્લી મુકતા તેમજ અનાજના ગોડાઉન ભરેલા હોય તેમાંથી પણ સૌને ઓછી કિંમતે કે વગર કિંમતે વહેંચતાં.
આપણા સમાજમાં ઘણાં બધાં આવા ઉદાર, અને માનવતાવાદી શેઠ કે શ્રીમંત તો થઈ ગયાં. પરંતુ મહારાણા પ્રતાપ ના ઇતિહાસમાં નજર કરીએ તો શેઠ ભામાશા નું નામ સૌને મોઢે આવી જાય. કેટલી ઉમદા અને ઉદારતા કે માનવતાવાદી વિચારધારા હતી, એક ખરા હિન્દુ હતા એમ કહી શકાય. તેમણે રાજાને પોતાનો પૂરેપૂરો ધન ભંડાર અર્પણ કરી દીધો હતો, અને રાજ્યની સીમાઓ ને સુરક્ષિત રાખવા તેમજ રાજ્યની પ્રજાને કોઈ તકલીફ ન પડે, એ માટે પોતાનું સાચી નીતિથી કમાયેલું ધન પણ આપી દીધું હતું. આમ જુઓ તો એટલો જૂનો ઈતિહાસ નથી, છતાં આજે હવે એ બધું અશક્ય લાગે છે, અને એનું કારણ છે કે હવે દરેકના જીવનમાં વેપારનીતિ પ્રવેશી ગઈ છે. નીતિ શાસ્ત્રની નીતિ ની રીતે રાજકારણ, શિક્ષણ ક્ષેત્ર, ડોક્ટરી ક્ષેત્રમાં દવાખાના કે હોસ્પિટલ, રમત ગમત ક્ષેત્ર, મનોરંજન નામે કલા વિદ્યા ક્ષેત્ર, અરે ક્રિયા કાંડ અને કથા જગત બધે જ વેપાર વેપાર ને વેપાર!! એટલે કે પોતાનો મોટો ફાયદો, ધર્મ ને દાનમાં પણ વેપાર! એટલે નફો કે દેખાડો, આ બધું પ્રવેશી ગયું છે, અને એને કારણે માનવતાનો મૂળ ગુણ ભૂલાય ગયો છે.
ગઈકાલે વળી એક પિક્ચર જોયું 83, એ ૧૯૮૩માં કપિલદેવે જે વર્લ્ડ કપ જીત્યો એનાં ઉપરથી બની છે. ત્યારે મેચફિક્સિંગ થતું ન હતું અને ખેલાડીઓ પણ વેચાતા કે ખરીદાતા ન હતાં. એટલે દેશ માટે થઈને સૌ રમતા હતાં. આજે જે રીતે ખેલાડીઓના કૌભાંડો બહાર પડે છે, એના પરથી આપણને એવું લાગે કે, આજે હવે ખેલાડીઓ માં એટલો દેશ પ્રેમ કે જુસ્સો જોવા મળતો નથી. પરંતુ હવે સમય આવી ગયો છે, અને આપણે આપણા ગુણોથી સમૃદ્ધ થવાનું છે, દરેક વ્યવહાર કે વિચારને વેપાર બનાવવાનો નથી, અને મરી ગયેલી માનવતાને ફરી સજીવન આપી આ રીતે જીવિત કરવાની છે. સમાજના નાનામાં નાના વર્ગ સુધી છેવટે આપણી કરુણા પહોંચે એવા વિચારોને પુષ્ટી આપવાની છે. દેશપ્રેમ દેખાડવાનો આ સૌથી વધુ યોગ્ય સમય છે, ત્યારે આપણે આ સમયને ચૂકી જઈશું, તો હિન્દુ વિચારધારા ક્યારેય ઉપર આવશે નહીં, અને કાયમ કોઈના ગુલામ બનીને જીવવું પડશે. જોકે આપણી માનસિકતાથી તો આજે આપણે આપણા ગુલામ બની ગયા છીએ. તો એ બધુ જે રીતે સુધરતું હોય, એ રીતે સુધારીએ, જરૂર પડે ત્યાં આત્મચિંતન કરીએ, અને જરૂર પડે ત્યાં સમાજ માટે માનવતા દેખાડીએ, પરંતુ હિન્દુ વિચારધારા ને પ્રસ્થાપિત કરવા માટેનો આનાથી ઉત્તમ બીજો સમયે આવશે નહીં, એટલું યાદ રાખવાનું છે. હું અને તમે આપણે સૌ આપણા આ રાષ્ટ્રીય ધર્મ ને પૂરી શિદ્દતથી નીભાવી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન-મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)