- નર્મદા-તાપી-પાર લિંક પ્રોજેક્ટ રદ્દ કરવાનો નિર્ણય
- દિલ્હી ખાતે બેઠકમાં ભાજપના આદિવાસી નેતાઓની હાજરીમા લેવાયો નિર્ણય
- અમિત શાહ સાથે ગુજરાત ભાજપના આદિવાસી ધારાસભ્યોની બેઠક યોજી હતી
નર્મદા-તાપી-પાર લિંક પ્રોજેક્ટ મામલે આદિવાસી વિરોધના પગલે મોટો નિર્ણય લેવાયો છે.
પાર, તાપી, નર્મદા રીવર લીંક પ્રોજેક્ટ વિષય પ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની આગેવાની માં તેમજ ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, મંત્રી જીતુભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા, સાંસદ ડો કે સી પટેલ, મનસુખભાઈ વસાવા સહિત ગુજરાત ના આદિવાસી સાંસદશ્રીઓ, આદિવાસી ધારાસભ્ય શ્રીઓ, દિલ્હી ખાતે ગૃહ મંત્રી શ્રી અમીતભાઈ શાહ, નાણા મંત્રી શ્રીમતિ નિમઁલા સીતારમણ, માન. મંત્રી સેખાવતજી ની રૂબરૂ મુલાકાત કરી હતી જેમાં પાર, તાપી, નર્મદા રીવર લીંક પ્રોજેક્ટ ને પડતો મુકવાનો નિણઁય કરવામાં આવ્યો છે.
સરકારના ધારાસભ્યો અને મંત્રીઓ થયા હતા સક્રિય
પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મામલે આદિવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો. આ રોષને પામી સરકારના મંત્રીઓ સહિત આગેવાનો આજે આદિવાસીઓ સાથે બેઠક કરવા માટે વલસાડ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ડેમ હટાવો સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત બાદ રાજ્ય સરકાર દ્વારા હાલ કોઇપણ આદિવાસીઓને વિસ્થાપિત નહીં કરવાની સહકાર તરફથી મંત્રીઓએ માહિતી આપી હતી. ગુજરાત ભાજપના આદિવાસી નેતાઓ રિવર લિંક પ્રોજેક્ટ માટે ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણને રજૂઆત કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા. સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પ્રતિનિધિમંડળ દિલ્હી જઈ અને આ મુદ્દે આદિવાસી સમાજની લાગણી કેન્દ્ર સરકાર સમક્ષ મુકવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટને સ્થગિત કરી દીધો છે.
આદિવાસીઓ ગાંધીનગરમાં મોટાપ્રમાણમાં કર્યો હતો વિરોધ
થોડા દિવસ અગાઉ જ તાપી-પાર રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો જોડાયા હતા. 50થી વધુ બસ અને નાના-મોટા વાહનોમાં આદિવાસીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. આદિવાસીઓના પડતર પ્રશ્નોના વિરોધમાં કોંગ્રેસ પણ જોડાઈ હતી. આદિવાસીઓએ મોટા પ્રમાણમાં એકઠા થઇને ભારે વિરોધ કર્યો હતો.