કોઈપણ સ્થળે બાળક એકલું કે મુશ્કેલીમાં જણાય તો ૨૪X૭ કાર્યરત ૧૦૯૮ ની મદદ લઈ શકાય છે,

0
201

  • જામનગર રેલ્વે સ્ટેશન પર મળી આવેલ થાનગઢના 15 વર્ષીના કિશોરનું પરિવાર સાથે પુન:મિલન કરાવતું ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક 1098
  • કોઈપણ સ્થળે બાળક એકલું કે મુશ્કેલીમાં જણાય તો ૨૪X૭ કાર્યરત ૧૦૯૮ ની મદદ લઈ શકાય છે, માહિતી આપનારની ઓળખ ગુપ્ત રખાય છે

જીએનએ જામનગર:

આપણે સૌએ અનુભવ્યું જ હશે કે આજકાલ બાળકોને માતા-પિતા દ્વારા નાનો મોટો ઠપકો આપવામાં આવે તો બાળકો તરત જ ગુસ્સે થઈ જતા હોય છે. માતા-પિતા દ્વારા આપવામાં આવેલ ઠપકા પાછળનું સાચું કારણ સમજ્યા વગર ક્યારેક બાળકો ગુસ્સાના આવેગમાં આવીને ઘર છોડી ભાગી જવાની ગંભીર ભૂલ કરતા હોય છે અને ઘર છોડયા પછીની પરીસ્થિત કેટલી ખરાબ તેમજ વિકટ બની શકે છે એ બાબતનો તેમને લગીરે ખ્યાલ હોતો નથી.

એકલું બાળક અસામાજિક તત્વોના હાથમાં આવી જતા બાળકોને મજુરી, ભિક્ષાવૃત્તિ જેવા કામોમાં ઉપયોગ કરવામાં આવતા હોવાના દાખલા પણ સામે આવ્યા છે તો ક્યારેક કોઈ અનિચ્છનીય ઘટનાનો શિકાર પણ બાળકો બની જતા હોય છે.ત્યારે આવા મુશ્કેલીઓમાં ફસાયેલ બાળકોની મદદ માટે કુલ ૧૪૪ રેલ્વે સ્ટેશન પર ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક ૧૦૯૮ સતત ૨૪ કલાક કાર્યરત છે.કેન્દ્ર સરકાર પુરસ્કૃત જામનગર ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક ૧૦૯૮ છેલ્લા ૨ વર્ષથી સ્વ.જે.વી.નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જમનભાઈ સોજીત્રાના માર્ગદર્શન હેઠળ હાલ સેવા આપી રહી છે.

થોડાં દિવસો પહેલા ઘટેલી આવી જ એક ઘટનામાં થાનગઢથી ઘર છોડીને ભાગી આવેલ ૧૫ વર્ષનો એક કિશોર જામનગર રેલ્વે સ્ટેશન પર રાત્રે ૨ વાગ્યાની આસપાસ એકલો આટા-ફેરા કરતો હોવાનું રેલ્વે ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક ૧૦૯૮ની ટીમના ધ્યાને આવ્યુ હતુ. આ કિશોર સાથે કોઈ પણ વાલી વારસદાર ન હોવાથી ટીમ ૧૦૯૮ દ્વારા બાળક સાથે પ્રાથમિક વાતચીત કરવામાં આવેલ.

વાતચીત દરમ્યાન બાળકના જવાબો ખોટા અને અસામાન્ય હોય તેવું લાગતાં ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક ૧૦૯૮ ટીમ દ્વારા કિશોરનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ અને કાઉન્સેલિંગ દરમ્યાન જાણવા મળ્યુ કે બાળક સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢનો રહેવાસી છે. જેને માતા પિતા દ્વારા ઠપકો આપવામાં આવેલ અને તે મન પર લાગી આવતા તે ઘર છોડીને ભાગી આવેલ છે. બાળકને પરિવારના કોઈ પણ સભ્યના સંપર્ક નંબર યાદ ન હતા.

રેલ્વે પોલીસ ફોર્સ અને ગુજરાત રેલ્વે પોલીસની સાથે રહી ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક ટીમ દ્વારા ડોક્યુમેન્ટ વર્ક તૈયાર કરી બાળકને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ લઈ જઈ બાળકની પરિસ્થિતિ અને મળેલ વિગતોની માહિતી આપવામાં આવી હતી. બાળકના વાલી વારસદાર ન મળે ત્યાં સુધી બાળકને બાળ કલ્યાણ સમિતિ દ્વારા ચિલ્ડ્રન હોમમાં આશ્રય આપવામાં આવેલ. ચિલ્ડ્રન હોમના સુપ્રીટેન્ડન્ટશ્રી દ્વારા પોલીસની મદદથી બાળકના વાલીને શોધવામાં આવ્યા અને તેનો સંપર્ક કરી બાળકની માહિતી આપવામાં આવેલ.

માતા-પિતાને બાળક સુરક્ષીત છે એવા સમાચાર મળતા જ તેઓ ખુશ-ખુશાલ થઈ ગયેલ અને બાળકને લેવા માટે જામનગર આવી પહોંચ્યા હતા ત્યાર બાદ બાળ કલ્યાણ સમિતિ દ્વારા યોગ્ય ખરાઈ બાદ કિશોરને તેના માતા-પિતાને સોપવામાં આવ્યો હતો.

બાળકોની તસ્કરી કરનારા અસામજિક તત્વો ટ્રેન મારફતે બાળકોની હેરાફેરી કરતા હોય છે તો ક્યારેક બાળકો ઘરથી દુર ભાગી જવા માટે ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે. આ બંને પરિસ્થિતિ એકલા બાળક માટે જોખમી સાબિત થઈ શકે છે. આવી કોઈ પણ મુશ્કેલ કે વિકટ પરિસ્થિતિમાં બાળક ટ્રેનમાં એકલું બેઠું જોવા મળે કે પછી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉતરે અથવા તો આટા-ફેરા કરતુ હોય તો તેવા બાળકોની મદદ માટે રાત-દિવસ ૨૪ કલાક કાર્યરત હેલ્પ ડેસ્ક ૧૦૯૮ પર કોલ કરી બાળક પોતે અથવા તો બાળક વતી કોઈ પણ વ્યક્તિ મદદ મેળવી શકે છે. ૧૦૯૮ દ્વારા માહિતી આપનાર વ્યક્તિની ગોપનીયતા રાખવામાં આવે છે.

Ad.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here