મિત્રો- શુભ સવાર.
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. અમુક પ્રકારનાં વર્ગની ગુરુતા ગ્રંથિ નું પરિણામ સદીઓથી આપણો આ સમાજ ભોગવતો આવ્યો છે, અને હજી પણ જો આપણી આંખ ખુલશે નહીં, તો વધુ ભયંકર પરિસ્થિતિઓ સર્જાશે. વાત અહીં ખાલી ધર્મની નથી, આપણા અસ્તિત્વની છે, અને એ અસ્તિત્વ કોઈનું ગુલામ બને ત્યારે, એની શું દશા થાય તે આપણો ઈતિહાસ જોતાં આપણને ખબર પડે છે. પણ આપણે જોઈએ એટલાં હજી જાગ્યા નથી, કારણકે અમુક જ્ઞાન અનુભવ વગર પ્રાપ્ત થતું નથી એવું પણ કદાચ બને. જો કે વિશ્વભરમાં આજે આજ પરિસ્થિતિ છે, બધે જ કોઇ ને કોઇ પ્રકારની ભેદભાવ ની નીતિ પ્રવર્તી રહી છે, અને બધાને સત્તા જોઈએ છીએ. યુક્રેન અને રશિયા વચ્ચે પણ લાગલગાટ કેટલા લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, અને યુદ્ધમાં માર્યો ગયેલા ના મૃતદેહોને કેવી કેવી રીતે કરુણ અંજામ આપવામાં આવે છે! આપણે તો જોઈને પણ અરેરાટી થઈ જાય. કોઇપણ પ્રકારના ડર, ભય કે પછી નિરાશામાં જે વિતે એને જીવન થોડું કહેવાય!!એતો મજબૂરી છે. આપણા જ રાષ્ટ્રમાં આપણી જન્મભૂમિ પર બસ આ રીતે આપણે મજબૂર થઈને, કોઇને કોઇ કારણસર જીવી રહ્યા છીએ. ક્યારેક પરિવાર નું કારણ હોય, તો ક્યારેક અન્ય કોઈ કારણ, પણ મજબૂરી આજે સૌ કોઈને માફક આવતી જાય છે, અને ક્યાંક નો મજબૂરીને નામે રોટલા ટીપવામા આવે છે, અને એને કારણે પરિસ્થિતિ ને નજર અંદાજ થાય છે, અને એટલે જ અન્ય સંસ્કૃતિ આપણી પર હાવી થતી જાય છે. હિન્દુસ્તાનના પ્રાંતની રીતે તો કઈ કેટલા રાજ્યો ના ભાગલા પડ્યા જ છે, પરંતુ પ્રવર્તમાન સમાજમાં પણ ખૂબ બધા જૂથ જોવા મળે છે. એમાંના અમુક શ્રીમંત વર્ગ જે પશ્ચિમી સંસ્કૃતિને આધુનિક ગણાવી તેને અનુસરે છે, તો શ્રમિક વર્ગનો માનવી કોઈને કોઈ મજબૂરીને કારણે જે કોઈ રીતે જીવાય એ રીતે જીવે છે, એની માટે સંસ્કૃતિ કે સંસ્કાર બહુ મહત્વના નથી. બાકી બચ્યા મધ્યમ વર્ગના માનવી, તો એ પોતાના રાષ્ટ્ર માટે કે સંસ્કૃતિ માટે મોરચા કાઢે છે,પણ એની તીતુડી સમર્થ લોકો બહુ વાગવા દેતા નથી. પરંતુ હિન્દુસ્તાનમાં મધ્યમ વર્ગ બહુ મોટી સંખ્યા ધરાવે છે, એટલે આ વર્ગ જો એકતા સાધે તો બહુ મોટું પરિણામ આવી શકે છે. ફાગણ આખો આવી કોઇ ને કોઇ પ્રકારની હોળીમાં ગયો, અને હવે ચૈત્રી ના ચમકતા દિવસો આવશે. મા જગતજનની જગદંબાની ઉપાસના ના આ દિવસોમાં હિન્દુસ્તાન નું શુભ મંગલ વિચારનારા એ વિશે જ પ્રાર્થના કે ઉપાસના કરે, તો બીજું કંઈ નહીં તો શક્તિનું સદ માર્ગે સશક્તિકરણ થશે,જે સંસ્કૃતિ ઉત્થાન માં મહત્વની ભૂમિકા ભજવી શકે. પૂરા વિશ્વમાં છેલ્લાં બે વરસથી કોરોનાનો કહેર હતો, અને એ રીતે વ્યક્તિગત અસ્તિત્વ, બચાવવા એ અંતર્ગત પ્રાર્થના થતી હતી, જ્યારે આ વખતે હિન્દુ રાષ્ટ્ર નું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા આખા સમાજના અસ્તિત્વ ને બચાવવા પ્રાર્થના કરીશું. સફળ અને સુલજેલા એવા વડાપ્રધાન ના નેતૃત્વમાં આપણે જોયું કે આ કોરોના આપણને એટલો પરેશાન કરી શક્યો નહીં. બાકી અન્ય રાષ્ટ્ર ઓ એ બહુ મોટી જાનહાનિ નું નુકસાન વેઠ્યું છે, અને પ્રજા ની એટલી અહેમિયત પણ દેખાડી નહોતી,એ પણ યાદ કરી લેવું. હાં જરૂરથી ઘણા એ પોતાના સ્વજન ગુમાવ્યાં પણ છે,પણ એકંદરે પરિસ્થિતિ પ્રાર્થના અને સૌનાં સહિયારા પુરુષાર્થથી સામાન્ય રહી. તો આપણી મતિ ને હિન્દુસ્તાનનાં ઉજ્જવળ ભવિષ્ય વિશે સ્થિર કરવા પ્રાર્થના અને પુરુષાર્થ બંને જોઈશે, અને તો જ આપણે ધાર્યું પરિણામ મેળવી શકીશું.
તો આ બાબત મતિ સ્થિર કરવા વિશે આજે ચિંતનમાં વાત કરીશું.
સૌપ્રથમ તો આપણને આપણી સંસ્કૃતિ, અને આપણા હિન્દુ હોવા પર ગર્વ હોવો બહુ જ જરૂરી છે. કારણ કે આપણામાં આપણું હોય તો જ એને આપણે સિદ્ધ કરી શકીએ, બાકી તો ખોખલા પ્રાણ વગરના દેહમાં અન્યના વિચારો સંચાર કરી જેમ જીવાડે તેમ જીવવું પડે. આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ, અને આપણા રાષ્ટ્ર, પ્રત્યે આમ જ ગર્વ થાય તો તો,એ બહુ સારી વાત છે. પણ ન થતો હોય તો ઇતિહાસ ના પાના ફરી એક વાર જોઈ લઈએ. કેટકેટલા લોકોએ બલિદાન આપ્યા છે, કેટલાં શહીદ થયા છે, ત્યારે આપણને આપણા મુલ્ક મળ્યો છે. તો એને આ રીતે ફરી કોઈ અન્યના હાથમાં ચાલ્યો ન જાય, એ જોવાની જવાબદારી પણ આપણી બને છે, એ રીતે પણ વિચારી બુદ્ધિ સ્થિર કરી શકાય. એકવાર આપણા રાષ્ટ્રને આપણી સંસ્કૃતિ પ્રત્યે આપણને ગર્વ થઈ જાય, પછી એ જ વિચારને દ્રઢ કરવા માટે એક ઉદાહરણ જોઈએ. જેમ કે રેડિયો સ્ટેશન પર રાજકોટ રેડિયો સ્ટેશન, અમદાવાદ રેડિયો સ્ટેશન, કે વિવિધ ભારતી નું સ્ટેશન મેળવવા માટે, જેમ રેગ્યુલેટર ને ફેરવવામાં આવે છે, બસ એ જ રીતે આપણે અત્યારે હિન્દુ રાષ્ટ્ર, અને આપણા સમાજના અસ્તિત્વ પર બુદ્ધિને સ્થિર કરવાની છે. એટલે કે એ વિચાર નું સ્ટેશન મેળવી લઈએ, અને સ્ટેશન મળ્યા પછી જ સાંભળવાનો આનંદ આવે, બસ એ જ રીતે આ મુદ્દે જ વિચારીએ તો બાકીની આપણી અન્ય સમસ્યા એક બાજુ રહી જાય, અથવા તો રાખી દેવી પડે, અને ફક્ત એક જ સ્ટેશન આપણે સાંભળી શકીએ, એ રીતે બુધ્ધિને સ્થિર કરવી પડશે. એટલે કે પહેલા આપણે સંમત થવું પડે, પછી જ ગર્વ થાય, ગર્વ થાય પછી ઈતિહાસ ના શુદ્ધ ને સશક્ત ચરિત્રો ને યાદ કરી એમનાં આચરણ ને જીવનમાં મહત્વ આપી જીવવું પડશે,કારણ કે આખા રાષ્ટ્રનો સવાલ છે, મારી તમારી જેવા એકલ દોકલ વ્યક્તિ ના ભવિષ્ય ની વાત નથી.એટલે લોટાની જેમ લાભ જોઈને ગબડી પડે એવી નહીં પણ સ્થિર બુદ્ધિ થી રાષ્ટ્ર હિત નું વિચારવું પડશે. ફક્ત નારા લગાવવાથી કે મોરચા કાઢવાથી આ વાત ક્યારેય નહીં બને,ઠોસ પરિણામ માટે ઠોસ પુરુષાર્થ કરવો પડશે. અહમ કે આગ્રહ ને નામે ખોટી ખોટી ઉભી કરેલી દિવાલો તોડવી પડશે,અહમ ના બલિદાન દેવા પડશે, એટલે કે હું કહું એ જ સાચું એવી વાત પર અડી રહ્યા વગર સર્વ નું હિત વિચારવું પડશે તો જ કોઈ પરિણામ મળશે.
હમણાં થી આ મુદ્દે લખાય છે તો ગઈ કાલે એક સ્નેહીજને મને પૂછ્યું કે આપ શું હિન્દુ રાષ્ટ્ર થાય એ મતના છો? હવે લાગલગાટ કેટલા સમયથી આ વિષય પર જ લખાય છે, છતાં એનો એવો પ્રશ્ન હતો. એટલે મેં કહ્યું હા ચોક્કસ! તેમણે કહ્યું તો પછી હિન્દુસ્તાનમાં વસતા અન્ય સંસ્કૃતિના કે ધર્મના લોકોનું શું થશે? એને કાઢી મુકીશું? એનું ધર્માંતર કરીશું? કે એને મારી નાખીશું? મેં ત્યાં તો કોઈ ઉત્તર આપ્યો નહીં,પણ શું હજી આપણે આ બાબત સ્પષ્ટ નથી, કે આપણે પહેલાં હિન્દુ છીએ, પછી બીજી જ્ઞાતિ કે વર્ણ. જૈન હોય કે શીખ કે પછી અન્ય એ સૌ પહેલાં તો હિન્દુ જ છે, અને આ વાત પર જ્યારે બધા વર્ણ ને વર્ગ સંમત થશે ત્યારે જ કોઈ પરિણામ આવશે,અને એવું થયું પણ છે,મેં હમણાં જ એક ગૃપ માં મેસેજ વાંચ્યો હતો,કે હિન્દુ રાષ્ટ્ર ના મુદ્દે પટેલ લોબી સંમત થઈ છે અને એક પણ થઈ છે, અને એમણે પોતાના અધિકાર વિશે ની તમામ માંગ કે વાત ને એકબાજુ મુકીને, અત્યારે આ જ મુદ્દે આગળ વધવાનું એટલે જન જાગરણ કરવાનું વિચાર્યું છે. બસ આમ તમામ વર્ણ એ વિશે વિચારે તો પરિણામ બહુ જલ્દી પ્રાપ્ત થાય.
તો સર્વ પ્રથમ તો હિન્દુસ્તા ની ગરિમા અકબંધ રહે એ માટે સંમત થવું પડે, ગર્વ કરવો પડે, સંસદ ભવન કે અન્ય રાજકીય ઈમારતો માં રખાયેલા આપણા શુદ્ધ રાષ્ટ્રીય નેતા ઓનાં માત્ર ચિત્ર નહીં પણ ચરિત્રો સુધી આચરણથી પહોંચવું પડે. પુરુષાર્થ કરવો પડે, અને અહમ આગ્રહ છોડવા પડે, ક્યાંક સત્તાઓ પણ છોડવી પડે, બીજા ને માન સન્માન આપવું પડે, નાનામાં નાના માણસ સુધી જઈને તેમને આપણા હિન્દુસ્તાન ની ગર્વ થાય એવી ગરિમાં સમજાવવી પડે. અન્ય સંસ્કૃતિ તેનો શું લાભ લેવા માગે છે એ પણ સમજાવવું પડે, અને તેમની પાયાની પ્રાથમિક જરૂરિયાતો ને પ્રાધાન્ય આપી, બને તેટલી તેને એ રીતે મદદ કરી, તેનું અસ્તિત્વ બચાવવાની કોશિશ કરવી પડે. બાકી તો પછી એસી ઓફિસમાં બેસી ગરીબોની ગરમી વિશે કલાક-કલાક ચર્ચાઓ કરવાથી, કંઈ પરિણામ મળે નહીં, એની માટે તડકામાં થોડું તપવું પણ પડે. આપણે તો બીજું શું કરી શકીએ! એટલે બસ એ જ રીતે ચૈત્રના આ તડકામાં આપણે સૌ તપી, અને આપણી બુદ્ધિ ને તપાવી વ્યક્તિત્વની રીતે પણ નિખાર પામીએ, અને અસ્તિત્વની રીતે પણ નિરાળા ને નિર્મળ બનીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન-મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)