ચૈત્રી નવરાત્રીના અનુષ્ઠાનમાં જીવન પ્રત્યે આપણે હકારાત્મકતા વધારવાની છે

0
169

આજથી શરૂ થતા ચૈત્ર નવરાત્રિના તહેવારની સૌને ખૂબ ખૂબ વધાઈ, અને સૌ કોઈ પોતાના દેહમાં રહેલા આત્માની અનુભૂતિ કરી શકે એવી માં જગત જનની જગદંબા ને પ્રાર્થના.

  • ચૈત્રી નવરાત્રીના અનુષ્ઠાનમાં જીવન પ્રત્યે આપણે હકારાત્મકતા વધારવાની છે, એટલે એવી કોઈ વાત કહેવાનું કોઈ કારણ નથી, પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે, કે આપણે જે શિષ્ટાચાર ને નામે અપનાવી છે,એ વાત ને સાચે જીવી જાણીએ તો કંઈક પરિણામ મળે

મિત્રો- શુભ સવાર.

હે મા જગતજનની જગદંબા.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સૌપ્રથમ તો આજથી શરૂ થતા ચૈત્ર નવરાત્રિના તહેવારની સૌને ખૂબ ખૂબ વધાઈ, અને સૌ કોઈ પોતાના દેહમાં રહેલા આત્માની અનુભૂતિ કરી શકે એવી માં જગત જનની જગદંબા ને પ્રાર્થના. પૃથ્વી પર જન્મ લઇ ને આવનાર દરેક માનવી પોતાના વ્યવહાર માટે, પોતાના પરિવારના કર્તવ્ય કર્મો માટે, કે પછી પોતાના વ્યક્તિત્વને નિખારવા કઈ કેટલા એ કર્મો કરતો હોય છે. પરંતુ એટલું કાર્ય તે પોતાના આત્મા ને અનુભવવા માટે કરતો નથી, એ હકીકત છે, અને આજનો આ પ્રવર્તમાન સમાજ તો બાહ્ય દેખાવ, તેમજ બાહ્ય વ્યવહારને, એટલે કે બોડી લેંગ્વેજ અથવા એટીટ્યુડ પર નિર્ભર છે, એટલે કે મુખોટાનો આ યુગ છે એમ કહી શકાય. ચિંતનની ધારા આમ તો લગભગ બધાને પ્રિય જ છે, છતાં ઘણીવાર એના પ્રતિભાવ વાંચીએ ત્યારે આપણને એમ પણ થાય કે, ખાલી વાહ કે સુંદર કહી દેવાથી આપણું શું જવાનું છે! એમ સમજીને પણ ઘણા કહેતા હશે! એટલે કે નિકટનો સંબંધ ના હોય ત્યાં આવા આડંબર થઈ શકે ખરાં. પણ શંકા કુશંકા કે નિરાશા એ નકારાત્મકતા વધારે છે, અને ચૈત્રી નવરાત્રીના અનુષ્ઠાનમાં જીવન પ્રત્યે આપણે હકારાત્મકતા વધારવાની છે, એટલે એવી કોઈ વાત કહેવાનું કોઈ કારણ નથી, પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે, કે આપણે જે શિષ્ટાચાર ને નામે અપનાવી છે,એ વાત ને સાચે જીવી જાણીએ તો કંઈક પરિણામ મળે.આપસી દરેક સંબંધમાં પ્રેમાળ સચ્ચાઈ સ્થાપિત કરી શકાય, તો જ જીવનમાં કંઈક એવું મેળવીશું કે જે ખરેખર ધન્યતા અનુભવશે. આજે ઘણા દિવસે અહીં અગાસીમાં આવી,અને બાહ્ય પ્રકૃતિ નું દર્શન કરતા તેનામાં પણ કંઈક તરવરાટ અનુભવાયો, અને તેણે પણ ચૈત્રી ના સ્વાગત માટે ઘણું ત્યજી દીધું હોય એમ એકદમ તાજીતરોજી અને શુભ મંગલની વર્ષા કરતી અનુભવાણી.
વૃક્ષો અને છોડ પર નવા નવા પાન આવવા કૂંપળ ફૂટવી, આંબામાં નાની-નાની કાખઠી બેસવી, અને મોગરા જૂઈ જેવા ફૂલોની ફોરમ વિખેરી જાણે એણે પણ મા ના સ્વાગતની તૈયારી કરી લીધી હોય, એમ પવિત્ર થઈ ગઈ છે. બસ આ જ રીતે આપણે પણ ચૈત્ર અનુષ્ઠાનમાં માતાની આરાધના કરવાની છે. એટલે કે મનીષભાઈ ના કહેવા મુજબ પહેલા ત્રણ દિવસ તમસ ને ત્યજી પવિત્રતા તરફ આગળ વધવાનું છે. બીજા ત્રણ દિવસ આપણા જીવનમાં કામના અને નકામા ઘણા રજસ ભાવો ભેગા થયેલા છે. તેનું વિશ્લેષણ કરી સંસારને નિભાવતા ગુણોનું વર્ગીકરણ કરવાનું છે, અને છેલ્લા ત્રણ દિવસમાં આત્માનુભૂતિ કરાવતા સત્વ ગુણની કાયમ માટે પ્રતિષ્ઠા કરવાની છે,અને એ રીતે ત્રિગુણાતિત તરફ ગતિ કરવાની છે.તો આજે આપણે તમસ ત્યજવા વિશે ચિંતનમાં વાત કરીશું.

સૌપ્રથમ તો તમસ કોને કહેવાય કે પછી તમસના ભાવ કેવા હોય એ વિશે જાણવું બહુ જરૂરી છે એટલે કે તમસ ભાવ છે, એ જીવનમાં નકારાત્મકતા ના ભાવ વધારે છે, રાગ-દ્વેષ ના ભાવ વધારે છે, ઈર્ષા નાં ભાવ વધારે છે, અને ક્રોધ રૂપે થોડે ઘણે હિંસાના ભાવ પણ વધારે છે. આત્મા ને આપણે ઇશ્વરનો અંશ કહ્યો છે, એટલે કે ઈશ્વર તો નિર્ગુણ છે. સૌને શુભ મંગલ માટે જ તે ચૈતન્ય વિલાસ કે કર્મ કરે છે, પોતાના અસ્તિત્વને પ્રબળ બનાવવા માટેની તેની કોઇ જ ઇચ્છા હોતી નથી, અથવા કર્મ કે ગતિ હોતી નથી. એટલે કે આપણાથી થતું સર્વનું હિત જેમાં સમાયેલું છે, તેવું કાર્ય અથવા કર્મ એ ઈશ્વર તત્વની પુષ્ટિ કરનારું છે, અને આ કર્મ કરવાં માટે ખુદમાં રહેલા તમસના ભાવ આડા આવે છે, અથવા આપણને નડી શકે છે, કે પછી રોકે છે. એવું તારણ કાઢી અને તમસને ત્યજવાની વાત કરવામાં આવી છે. પણ એ કેમ થાય? કોઈ વ્યક્તિ વસ્તુ, વાત, કે વિચાર કંઈપણ ને ત્યજવું હોય, તો સૌ પ્રથમ તો તેને વિશે જાણવું પડે, કે તે સારું છે,કે ખરાબ છે? એ જાણવું પડે, અને તમસ એ કોઈ હાથમાં રાખેલો રૂમાલ થોડો છે! કે મૂકી દેવાથી છૂટી જશે! એટલે નવરાત્રિ ના શરૂઆતના ત્રણ દિવસના અનુષઠૂમાં આપણો જે કંઈ મંત્ર જાપ થશે, તેની શક્તિ આંતરિક મલિનતા ધોઈને પવિત્રતા તરફ ગતિ કરવા માટે વપરાશે.

આપણે શુભ શક્તિને અર્જીત કરવા શક્તિની ઉપાસના કરી રહ્યા છીએ. શક્તિ એટલે ઉર્જા, અને ઉર્જાનું કોઇ પણ સ્વરૂપ હોય તે સ્વભાવે ઉષ્ણ હોય છે. એટલે આ દિવસોમાં ઉર્જાવાન રહેવું હોય તો થોડું તપ પણ કરવું પડશે‌. એટલે એ રીતે પણ આ કાર્યમાં સંયોગ થાય, તો વધુ ઝડપથી પરિણામ મળી શકે. વ્રત, સંયમ, નિયમ, એ બધું તો જરૂરી છે જ, પરંતુ સહનશક્તિ એ એક એવું તપ છે, કે જે આત્મા પરના સંસરી આવરણ ને ઝડપથી નિરાવરણ કરે છે, અને એ તરફ વધુ ઝડપથી ગતિ થાય છે.સંસારી માનવીમાં રજોગુણની પ્રધાનતા હોય છે, અને એને કારણે તે અન્ય વ્યવહારોમાં કે ભોગ ઈત્યાદીમાં પ્રવૃત્ત રહે છે. પરંતુ સંસારના એ વહેવારો કે એ ભોગ પ્રત્યેથી અણગમો થાય કે વિશ્વાસઘાત થાય એવી કોઈ ઘટના ઘટે, ત્યારે જ તેનું મન આત્માનુભૂતિ કરવા તરફ વળે છે, અથવા તો અધ્યાત્મના કે ધર્મ તરફ એ વળે છે. પરંતુ અહીં એક બીજી સ્પષ્ટતા પણ જરૂરી છે, કે ચૈત્રી નવરાત્રીનું અનુષ્ઠાન એ આપણા કોઈ સંસારી કર્મની ઈચ્છા કે માંગ લઇને માતાને શરણે જવા માટે નથી. આત્મોધાર કે આત્માનુભૂતિ માટે જ આ અવસર છે. જેમ બાહ્ય પ્રકૃતિમાં નજર કરીએ તો પ્રકૃતિ પણ પાનખર રૂપે પોતાના અમુક ભાવ કે અંગોને ત્યજી અને નૂતન સ્વરૂપ ધારણ કરે છે. તેમ આપણે પણ આવા મલિન વિચારો, કે ઈરાદાઓને ત્યજીને માતાને શરણે જવાનું છે, અને એ રીતે આપણે આપણા અસ્તિત્વને વધુ પ્રબળ બનાવવા નું છે.

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પુરુષ હોય કે સ્ત્રી તે શક્તિ વગર ના હોય તો કંઈ કામનું નથી, અથવા તો પ્રાણશક્તિની પ્રબળતા એ જ આપણે કાર્ય કરી શકીએ છીએ. એટલે મા જગતજનની જગદંબા ને શક્તિસ્વરૂપ કહી છે, તો તેનો આપણા દેહમાં પ્રાણ સ્વરૂપે નિવાસ થાય ત્યારે જ આપણને આત્માનુભૂતિ થાય. હવે આ કહેવા કે લખવા જેટલી વાત સરળ નથી, એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. બાકસ ની સળી સળગાવી હોય તો આપણે તેને બાકસ સાથે ઘસવી પડે છે, તેમ ઘર્ષણ એટલે કે તપ વગર આ કાર્ય થઈ શકે નહીં. પણ કેવા પ્રકારનું તપ કરીએ તો આ કાર્ય વધુ ઝડપથી સરળ બને, અને એની માટે આપણે સહન શક્તિ અને સંયમ નિયમનાં વ્રત એ વાત કરી. પરંતુ આ ઉપરાંત જે તત્વની આપણે ઈચ્છા કરી રહ્યા છીએ, એટલે કે શક્તિ પર મંત્ર જાપનો શક્તિપાત કરવાનો છે, એટલે બે શક્તિ વચ્ચે ઘર્ષણ થશે, અને એને પરિણામે આત્મદીપ પ્રજ્વલિત થશે, અને એ અજવાળામાં માર્ગ જેમ જેમ પ્રકાશિત થતો જશે એમ તેની પ્રત્યે આપણી શ્રદ્ધા બળવાન થશે. તો એવું પણ કંઈક કરવું ઘટે, અને એની માટે થઈને આપણે મંત્રોનો સહારો લઈએ છીએ. એટલે કે આ દિવસોમાં જાપનું પ્રાધાન્ય છે,અને આમ પણ જપને યજ્ઞ કહેવામાં આવ્યો છે,જપ થી પણ બહુ મોટા મોટા કાર્ય થઈ શકે છે. કોઈ ના હિત માટે બંધ ઓરડામાં બેસીને થતા જપથી પણ પરિણામ આવે છે, અને આ કોઈ ચમત્કારની વાત નથી, વિજ્ઞાન તેને સાબિત પણ કરી ચૂક્યું છે. જેને આપણે પોઝીટીવ વાઇવ્સ એટલે કે હકારાત્મક તરંગો તરીકે ઓળખીએ છીએ,એ મંત્ર જાપ થી આપણને સાંપડે છે.

મંત્ર તારીખે આપણે ગમે તે મંત્રનો પ્રયોગ કરી શકીએ છીએ, એટલે કે મા જગત જનની આદ્યશક્તિ ના ગમે તે સ્વરૂપનો મંત્ર અનુષ્ઠાનમાં જાપ માટે ઉપયોગમાં લઈ શકાય, કારણકે તત્વતઃ બધા જ સ્વરૂપ એક જ છે. પરંતુ ગાયત્રી મંત્રનો જપના ખુદનાં અનુભવ પરથી કહી શકાય, કે બોલવામાં પણ સરળ છે, અને બુદ્ધિ ને વધુ ઝડપથી સ્થિર કરનારો પણ છે. આ ઉપરાંત માતા ગાયત્રી એ સૌમ્ય સ્વરૂપની દેવી છે, એટલે એ આપણા ભાવોને પણ સૌમ્ય રાખે છે, બુધ્ધિને પણ બની શકે એટલી સ્થિર રાખે છે, અને તમસ રજસ અને સત્વગુણની ભેદરેખા સમજાવે છે. સત્ય અને અસત્યનું ભેદ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ છતાં સત્યાચરણ જોઈએ તેટલા પ્રમાણમાં થતું નથી, એ આજના સમાજની બહુ મોટી કડવી વાસ્તવિકતા છે. વાણી વિચાર અને વ્યવહાર વર્તન દરેકમાં દંભ દેખાડો આવી ગયો છે, અને તેને પરિણામે એમ ઝડપથી પરિણામ મળી શકતું નથી, અને એટલા માટે જપની સંખ્યાનું મહત્વ બતાવવામાં આવ્યું છે. અન્ય મંત્ર કઈ રીતે થતા હોય અથવા એની માટે ના શું નીતિ નિયમ છે, તેની મને જાણ નથી. પરંતુ ગાયત્રી મંત્ર એ એક એવો મંત્ર છે જે બહુ ઝડપથી પરિણામ આપી શકે છે, અને આખા અનુષ્ઠાન દરમિયાન 24000 ગાયત્રી મંત્રના અનુષ્ઠાનથી શરુઆત કરવામાં આવે છે, એટલે કે નવ દિવસમાં 24000 ગાયત્રી મંત્ર નો જાપ થવો આવશ્યક છે. જાપની સંખ્યા ની રીતે તો ઘણાને આ સંખ્યા કરતાં પણ વધુ એટલે કે ઘણા 1250000 ના પણ કરે છે, અને આવાં પૂર્ણ અનુષ્ઠાન થતા હશે. પરંતુ કોઈ શુભ મંગલનાં વિચાર પર મતિ સ્થિર કે દ્રઢ ન થાય, તો વળી પાછા હતાં એવા ને એવા થઈ જતાં પણ વાર લાગતી નથી.

ગઈકાલે સદગુરુદેવનો એક લેખ વાંચ્યો તેમાં તેમણે સ્પષ્ટપણે લખ્યું હતું કે સંસાર નિષ્પ્રાણ છે. સંસાર અસાર છે કે સંસાર મિથ્યા છે, એવા ભાવ તો ઘણાને સંબંધમાં ધોખો કે દગો થતાં થયા હોય, પણ નિષ્પ્રાણ શું છે? એ જાણવા થોડું ચિંતન કર્યું તો અહીં સત્ય પણ છે, અને અસત્ય પણ છે. ધર્મ પણ છે, અને અધર્મ પણ છે. અચ્છાઈ પણ છે અને બુરાઈ પણ છે. પરંતુ આપણે કોને પસંદ કરીએ છીએ, એ મુજબ આપણી પ્રાણશક્તિ નીખરી શકે. આપણે જો અધર્મને, બુરાઈને, કે પછી અસત્યને પસંદ કરીએ, તો સમાજ કે સંસારમાં આપણે નકારાત્મકતા વધારીએ એવું જ કર્મ આપણાથી થાય, અને અત્યારે મોટાભાગના નું કર્મ આજ રીતે થતું હશે, કારણ કે સમાજના એ રીતના નકારાત્મક તરંગો આપણને તરત જ અથડાય છે. પણ જો સત્ય, ધર્મ, અને સચ્ચાઈ અથવા અચ્છાઇનો કોન્સેપ્ટ પસંદ કરવામાં આવે, તો હકારાત્મક તરંગો આ સમાજમાં ફેલાય, અને જેટલા લોકો વધુ આ માર્ગ અથવા સત્ય, ધર્મ, કે સચ્ચાઈ, નો પક્ષ અપનાવશે એટલા હકારાત્મક તરંગો વધશે, શુભ મંગલના ના ભાવ થકી ઈશ્વર તત્વની પુષ્ટિ થશે. માતૃશક્તિ એ સર્વના હિતનું અને સર્વના ભરણપોષણ નુ વિચારીને જ કાર્ય કરનારી શક્તિ છે,અને એટલે જ આપણે એના શરણે આવ્યા છીએ. તો આજના ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે આપણે મા આદ્યશક્તિ જગત જનની જગદંબા ને આપણા તમામ તમસના ભાવ ને ત્યાજવાની વૃત્તિ પર બળ પ્રાપ્ત થાય, એવી એક અનન્ય પ્રાર્થના માના ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here