સમસ્ત વિશ્વના કલ્યાણ માટે આ ચૈત્રીનાં ચમકતા દિવસો છે,એ યાદ રાખી આપણે બને એટલા શુદ્ધ થવાનો પ્રયત્ન કરીશું.

0
230

મિત્રો- શુભ સવાર.

હે મા જગતજનની જગદંબા.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સૂર્યોદય પહેલાની લાલીમા આકાશમાં છવાઈ ગઈ છે, અને પક્ષીઓનો મધુર કલરવ સૂર્યને સત્કારવા તત્પર છે. ચૈત્ર નવરાત્રીની આ બીજી પ્રભાતે મા નવ દુર્ગા ના બ્રહ્મચારિણી સ્વરૂપની આરાધના કરવાની હોય છે. પ્રથમ દિવસે શૈલપુત્રીની આરાધના હોય છે, એટલે કે પર્વત પરથી મા ભવાની પૃથ્વી લોક પર પોતાના સંતાનોના શુભ મંગલ માટે પધારી ચૂક્યા છે, અને માનવીઓ પણ પોતાના સમસ્ત અહંકાર પદ-પ્રતિષ્ઠા ના શિખર પરથી સામાન્ય થઈ માતાના શરણે તેને આરાધવા તેને જાણવાં અને ખુદ પોતાના અસ્તિત્વની પહેચાન કરવા આવી ચૂક્યા છે. પરંતુ સંસાર એટલી આસાનીથી છૂટતો નથી, એટલે કે સંન્યાસ ના વિચાર માત્રથી સંન્યાસ આવી શકે નહીં, એની માટે પ્રયત્ન કરવા ઘટે. સંન્યાસ એટલે શું છે? તમસ અને રજોગુણની વૃત્તિ-પ્રવૃત્તિ માથી પોતાની જાતને બહાર કાઢી, અને પોતાના સત્વ તત્વનું ઇશ્વરીય ત્રિગુણાત્મક તત્વ સાથે અનુસંધાન કરવાની એક વિધા જે ભારતીય કે હિંદુ સંસ્કૃતિની બહુ મોટી પરંપરા રહી છે. આપણે રહ્યા સંસારી અને સામાન્ય સંજોગોમાં રોજ રોજ આ રીતે અન્ય વ્યવહારો મૂકી બેસવું એ પોસાય તેમ નથી. અથવા તો એમ કહી શકાય કે વર્ષમાં આવતા આવા આધ્યાત્મિક અને ધાર્મિક ભાવના વધે એવાં તહેવાર ને એ મુજબ કરી લેવાથી આખું વરસ પછી એટલી હદે સંસાર નડતો નથી,અને આસાનીથી અસંગ કેહ રહી શકાય છે, બિલકુલ મોબાઈલ જેમ બેટરી ચાર્જ કર્યા પછી જેમ 24 કલાક સુધી ચાલે છે તેમ આ નવરાત્રિના અનુષ્ઠાનમાં જો ખરા અર્થે તમસ ત્યજાયુ હોય, રજસ વૃત્તિનું યોગ્ય વર્ગીકરણ થયું હોય, તો એ પછી એટલું નડતા નથી, અથવા તો એમ પણ કહી શકાય કે જીવ મોહમાયાથી થોડો પરે રહી શકે છે. ભગવાન આદ્ય ગુરુ શંકરાચાર્યએ પણ માનસિક પૂજા ના અંતે કહ્યું છે કે, અમારી દિનચર્યા જ આખરે અમારી પૂજા છે, એટલે એ ઈશ્વર તું એને પૂજા ગણી સ્વીકારી લેજે. એ રીતે જોઈએ તો અનુષ્ઠાન એ આખા વર્ષ દરમિયાન જીવવાની કળા શીખવે છે, એમ પણ કહી શકાય. પ્રવર્તમાન સમયમાં આપણા માનસ પર કેટલી બધી સંસ્કૃતિની છાપ છે, કેટલા બધા લોકોનો પ્રભાવ હોય છે, અને આપણે કેટલું બધું જોઈએ છે, અથવા કરવું છે, એવી ઈચ્છાઓ છે, આ બધું એટલું ઝડપથી તો દૂર થતું નથી, એની માટે ચોક્કસ પણે સમય લાગે છે. પરંતુ જો એકવાર કોઈ એક ક્રિયા આપણને ક્ષણીક આનંદ પણ આપતી હોય તો એને પકડી રાખીએ, તો ચોક્કસ પરિણામ મળે.તો આજે પણ આપણે તમસ ત્યજવા વિશે જ ચિંતનમાં વાત કરીશું.

આપણે ત્યાં કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ કે યજ્ઞ અનુષ્ઠાન વગેરે જે કોઈ કરવાનું હોય તે પહેલાં જાતને શુદ્ધ અને પવિત્ર કરવાનો એક રિવાજ કે પરંપરા છે. એટલે કે સ્નાન ઇત્યાદિ કર્મ કરી અને આપણે પૂજા પાઠ કરતા હોઈએ છીએ. ઘણીવાર કોઈ એનાથી પણ વધુ એટલે કે રેશમી વસ્ત્ર ધારણ કરવું, કે ગંગાજળ વગેરેથી સ્નાન કરવું, એવી વિધિઓ પણ બતાવાઈ છે. એટલે કે બાહ્ય રીતે તો આપણે આવું બધું કરી સ્વચ્છ અને શુદ્ધ થઈએ છીએ. પરંતુ આંતરિક મેલ એ રીતે ધોવાતો નથી, અને વસ્ત્રને આપણે ત્યાં વૃત્તિ કહી છે, એટલે અમુક પ્રકારના વસ્ત્રમાં પણ આંતરિક મલિનતા દૂર કરવાની ક્ષમતા બતાવી છે, એટલે તેને પહેરવામાં આવે છે. ઉપરાંત ગંગાજળ ને પણ પવિત્ર માનવામાં આવ્યું છે, અને તેના નિત્ય પાનથી કે સ્નાનથી આપણી વૃત્તિઓ સંયમિત રહેતી હોવાનો બુદ્ધ પુરુષનો મત રહ્યો છે. તો આવું બધું કરી અને આપણે જેટલી બને તેટલી જાત ને શુદ્ધ કરવાની છે, બાહ્ય શુદ્ધતા તો આસાનીથી થઈ શકે છે. પરંતુ આંતરિક શુદ્ધતા એટલે કે માનસમાં પડેલો કચરો એટલો ઝડપથી દૂર થતો નથી, અને તેમાં પણ આજકાલના આ સતત સ્પર્ધાના યુગમાં તો પોતાના વ્યક્તિત્વને ને સિદ્ધ કરવું કે અસ્તિત્વની પહેચાન કરવી એ ઘણું અઘરું બની ગયું છે. પણ તેની માટે એક બીજી વાત પણ કારણભૂત છે, આપણા મનની ચંચળતા. ઘડીક આપણને અહીં સારું લાગે, તો ઘડીક ત્યાં, એટલે આપણી નિષ્ઠા ડગમગતી હોવાને કારણે પણ આપણે સ્થિર થઇ શકતા નથી.

પ્રવર્તમાન સમાજમાં એટલી બધી સ્પર્ધાઓમાં વધી ગઈ છે કે માનવી ને શારીરિક તેમજ માનસિક થાક બહુ લાગે છે. કારણ કે શાંતિ તેનો મૂળભૂત સ્વભાવ છે, અને જે તેને ક્યાંય મળતી નથી. ઘણીવાર એવું લાગે કે આપણને આ સિદ્ધિ કે પ્રસિદ્ધિ પ્રાપ્ત થશે, તો શાંતિ મળશે. કોઈ વસ્તુ ખરીદી શકું તો આનંદ કે શાંતિ મળશે. કોઈને આમ કહી દઈશું, તો આપણને પછી શાંતિ મળશે. પરંતુ હકીકત આનાથી ઉંધી છે અને વધુ ને વધુ એ રીતે જીવ અન્ય પ્રવૃત્તિઓમાં પણ ગૂંચવાયેલો રહે છે, જેને કારણે તે પોતાના આત્માને અનુભવી શકતો નથી, અને આ પ્રકારની વૃત્તિ જ તો તમસની વૃત્તિ છે,અને એમાંથી નિવૃત્તિ લેવાની છે, જે એટલું આસાનીથી થતું નથી. માનવી થોડે ઘણે અંશે પોતાના પ્રારબ્ધ કે પોતાના કર્મોને સ્વીકારતો થઈ ગયો છે. પરંતુ એને જે ન મળ્યું તે અન્યને કઈ રીતે મળી શકે? એ વાતને તે હજી પણ એટલી આસાનીથી સ્વીકારી શકતો નથી, અને એટલે આ રાગ દ્વેષ ને ઈર્ષા નીંદા ના ભાવથી એ બચી શકતો નથી. આ વાત એક કે બે વ્યક્તિ ની થોડી છે! પુરો સમાજ એ જ દિશામાં દોડી રહ્યો છે. તો સમસ્ત વિશ્વના કલ્યાણ માટે આ ચૈત્રીનાં ચમકતા દિવસો છે,એ યાદ રાખી આપણે બને એટલા શુદ્ધ થવાનો પ્રયત્ન કરીશું.

ગઈ કાલે આપણે ગાયત્રી મંત્ર થી શક્તિપાત કરવાની વાત કરી હતી અને ખરેખર જપ એ બહુ સારું અને મોટું પરિણામ લાવે છે. વાણીની શુદ્ધતા થાય છે, વિચારની શુદ્ધતા થાય છે, અને આ બંને થકી વર્તનમાં પણ ઘણો ફેર પડે છે. બુદ્ધિ સ્થિર થતા સારું-નરસું જોઈ શકે છે, તેમજ ઉદાર થતા અન્યાયને માફ પણ કરી શકે છે, અને એ રીતે ઘણા ઘર્ષણ ઘટે છે.

આ ઉપરાંત પ્રાણ શક્તિને નિખારવા માટે પ્રાણાયામ પણ બહુ મહત્વનું સાબિત થાય છે, અને આજે તો રામદેવ બાબા ને કારણે ઘર ઘરમાં યોગના પ્રયોગ થાય છે. પ્રાણાયામ ના પ્રકાર અને તે કેમ કરવા એ તો કોઈ સમર્થ સમજાવી શકે પણ તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે, પૂરક કુંભક ને રેચક, એટલે કે શ્વાસ ને ભરવો રોકવો અને યોગ્ય રીતે છોડવો. આ ઉપરાંત તેના ચાર પ્રકાર પણ છે, અનુલોમન વિલોમ, કપાલ ભારતી, ભસ્ત્રિરીકા અને ભ્રમરી. પરંતુ એનું મૂળ કાર્ય તો શ્વાસની રીધમ પર શુભ મંગલ ને સ્થાપીને પ્રત્યેક શ્વાસ અન્યના કલ્યાણ અને શુભ મંગલ માટે જીવવાનો સંકલ્પ કરે એ જ છે. ચૈતન્યના ચિદ વિલાસ કે સચરાચર સૃષ્ટિમાં વિચારતી શક્તિનું એક વાર શુદ્ધ સ્વરૂપે પ્રતીતિ થઈ જાય, તો પછી તેના રૂપ સ્વરૂપનું અનુસંધાન આસાનીથી થઈ શકે છે, એટલે કે છબી માંથી તે બહાર આવી અને અન્યમાં પણ તેના સ્વરૂપના દર્શન કરાવી શકે. નિત્યના પ્રયોગથી પ્રાણવાયુને ઉપર લઈ જવું, અને ધીરે ધીરે છોડવો, એ બ્રહ્મરંધ્ર ને પણ સ્પર્શે છે, અને ધીરે-ધીરે બ્રહ્મરંધ્ર ખુલે છે, અને દિવ્ય પ્રકાશ ની પ્રાપ્તિ થાય છે. પરંતુ આ દિવાસળી સળગાવા જેટલું સહેલું નથી, ખૂબ લાંબા સમયની યાત્રા છે,અને એને જ સાધના કહેવાય છે. સ્મરણ થી થોડી શુદ્ધિ થાય, પછી પ્રાણાયામ થી પણ તમસ જતા અજવાળાં પ્રાપ્ત થાય છે. બાહ્ય અજવાળા એટલે કે સૂર્યનો પ્રકાશ અને આંતરિક અજવાળા આ બંને માં સાતત્ય સ્થપાય ત્યારે જ અનુભૂતિનું સામ્રાજ્ય શરૂ થાય છે. અત્યારે પૂર્વમાંથી સૂર્ય ડોકયુ કાઢીને ઉપર આવી રહ્યો છે, અને સમસ્ત વિશ્વને પ્રકાશમાન કરી રહ્યો છે. એક એક સૂર્ય કિરણ પ્રકાશ ની સાથે સાથે આપણને આધ્યાત્મ એટલે કે જે અધ્યાર છે એવી અલૌકિક શક્તિ વિશે જ્ઞાન પણ આપે છે, અને અન્ય માટે જીવી જવાની શીખ પણ આપે છે.

ટૂંકમાં કહીએ તો સ્વરૂપનું અનુસંધાન કરવા માટે આપણે પણ રૂપમાંથી સ્વરૂપમાં જાતને લઈ જવી પડશે, અથવા તો ફેરવવી પડશે. એટલે સ્થૂળ દેહ ને લગતા તમામ ભાવો છોડી, અને સૂક્ષ્મ દેહ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, તેના ઉદ્ધાર માટે વિચારવું પડશે. કારણ કે દિવસે દિવસે વિશ્વમાં લોહિયાળ જંગ વધતા જાય છે, અને એ રીતે આપણા અસ્તિત્વને દ્રઢ બનાવવા માટેની જો કોઈ વિધિ હોય તો એ આ જ છે, જેમાં સ્થૂળ શરીર નો ભાવ મટી જતા સૂક્ષ્મનો મૂળ ભાવ પ્રગટે છે, અને સૂક્ષ્મ શરીર તો સત્ય પ્રેમ અને કરુણા ના ભાવથી જ બને છે, અને એ જ ભાષાને જ સમજે છે. તો આપણે સૌ તમસ ને ત્યજવા સંકલ્પિત થઈએ,અને પ્રાણાયામ કરીને પ્રાણશક્તિ ને નીખારીએ, એટલે આત્માનુભૂતિ કરવા તરફ આગળ ગતિ કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન-મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here