માનવી ની ખાસિયત છે કે, તે ભૂતકાળને પણ સંઘરે છે, ભવિષ્યની ચિંતા પણ કરે છે, અને એને કારણે વર્તમાન ને માણી શકતો નથી.

0
218

નવરાત્રીના નવ દિવસ એટલે નવ દિવસ જ, આરાધના અને ઉપાસના કરવાની હોય છે. તિથી વધઘટ સાથે એને કઈ લેવાદેવા નથી. એટલે પ્રથમ ત્રણ દિવસ, દ્વિતીય ત્રણ દિવસ, અને તૃતીય ત્રણ દિવસ, એમ જો ક્રમાનુસાર ઉપાસના કરવામાં આવે તો જ નિયત ફળની પ્રાપ્તિ થાય છે

  • આપણી ઈચ્છા આકાંક્ષા ઝંખના, તૃષ્ણા, કામના, જે કંઈ હોય તેમાં શુભ મંગલ સ્થાપવાનું છે,

મિત્રો- શુભ સવાર.

હે મા જગતજનની જગદંબા.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ.આજે ચૈત્ર નવરાત્રી નો ત્રીજો દિવસ છે, અને ત્રીજા દિવસે આપણે મા દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની આરાધના કરીએ છીએ. ચંદ્રઘંટા પોતાના માથે એક અનન્ય રત્નજડિત મુગટ ધરાવે છે, અને આ મુગટમાં બીજના ચંદ્ર જેવો ચંદ્ર છે, આ ઉપરાંત તેમાં એક ઘંટડી પણ છે. જે ઘંટડીના ધ્વનિ માત્રથી અસુર ભય પામે છે, આ ઉપરાંત તે દસ ભુજાધારી છે અને તેના હાથમાં અલગ-અલગ શસ્ત્ર ધારણ કરેલા છે, અને આ શસ્ત્ર દ્વારા પણ તે આસુરી તત્વોનો નાશ કરે છે. માં ચંદ્રઘંટાની બીજી ખાસિયત એ છે કે તે સૌમ્ય અને સાત્વિક સ્વરૂપ ધરાવે છે તેમજ સુંદર છે. કળી કાળમાં તો અસુર તત્વ બહાર નથી, અંદર જ સુર અને અસુર તત્વ સમાયેલા છે, તો આપણે ચંદ્રઘંટાની આરાધના કરી અને યેનકેન પ્રકારે આપણી તમસ વૃત્તિઓનું હરણ કરે એવી પ્રાર્થના કરીએ. સંસારી જીવ છીએ અને ભૂલતો થાય, ઇન્દ્રિયો આસક્ત છીએ એટલે મોહ પણ થાય. પરંતુ સંસારની એવી કોઈ મોટી ભૂલ નથી કે જે, એક વાર નજરમાં આવી જાય તો તેમાં સુધારો ન થઈ શકે!એ રીતે વિચારીને જે કંઇ થઇ ગયું તે થઈ ગયું, પરંતુ હવે નહીં થાય તેવી દ્રઢતા પણ જરૂરી છે. હિન્દુ સંસ્કૃતિ તિથી પંચાંગ પણ ધરાવે છે, અને એ મુજબ તિથિની વધઘટને હોઈ શકે. પરંતુ સદગુરૂ દેવના એક લેખમાં સ્પષ્ટ લખ્યું હતું કે, નવરાત્રીના નવ દિવસ એટલે નવ દિવસ જ, આરાધના અને ઉપાસના કરવાની હોય છે. તિથી વધઘટ સાથે એને કઈ લેવાદેવા નથી. એટલે પ્રથમ ત્રણ દિવસ, દ્વિતીય ત્રણ દિવસ, અને તૃતીય ત્રણ દિવસ, એમ જો ક્રમાનુસાર ઉપાસના કરવામાં આવે તો જ નિયત ફળની પ્રાપ્તિ થાય છે, અને એ ફળ પણ કોઈ ભૌતિક કે શારીરિક સુખનું નથી, એ ખાસ યાદ રાખીને જ આ અનુષ્ઠાન કરવું. નવદુર્ગા ના નવ સ્વરૂપ પૃથ્વીલોક પર વસતા આપણી જેવા ભોગી અને સંસારી જીવોના કલ્યાણ માટે જ છે, પરંતુ તેમના સૌમ્ય થી રુદ્ર સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરીએ તો એ આપણી કક્ષા મુજબના વિકારોને નષ્ટ કરવા એણે એ સ્વરૂપ ધારણ કર્યું છે. જો આપણા વિકારો વધુ હશે તો તમસને તૂટતા વાર લાગશે, અને ઉપાય તો એ જ છે એટલે કે મંત્ર જાપ દ્વારા વધુ ને વધુ દ્રઢતાથી મંત્ર જાપ કરવામાં આવે તો એ આત્મા પરના આવા આવરણો ખેંચી ખેંચીને કાઢી નાખે છે, અને આત્માનુભૂતિ તરફ જીવની ગતિ થાય છે.તો હજી આજે આપણે ત્રીજા દિવસે પણ તમસ ને ત્યજવા વિશે જ ચિંતનમાં વાત કરીશું.

ત્યજી દેવું એટલે છોડી દેવું, માનવી પોતાના સ્વભાવની અમુક વૃત્તિઓ મૃત્યુપર્યંત છોડી શકતો નથી, અને એટલે જ કહેવામાં આવ્યું છે કે, પ્રાણ અને પ્રકૃતિ બંને સાથે જ જાય. લાખો રૂપિયાના દાન થઈ શકે, પણ અહમ ની વૃત્તિ અથવા હું કરું છું, એ છૂટી શકતું નથી. અમુક જગ્યાએ તો કૃપણતા પણ એટલી બધી હોય છે કે, ખુદ માટે પણ રૂપિયો ખર્ચી શકાતો નથી. આ બધા જ તમસના જ ભાવ છે, અને એમાંથી જ રાગ દ્વેષ, અને ઈર્ષા, નીંદા, ક્રોધ, હિંસા, જેવા નકારાત્મક ભાવો વધે છે. અંદરો અંદરના વ્યવહારમાં જ્યારે સ્પર્ધા આવે કે કોણ સારું, અને પછી હું જ સાચો અને સારો એવી જ્યારે ગ્રંથી બંધાય તો એ તમસની સમસ્યાનું મૂળિયું છે,અને એ ભીતરે ધરબાયેલું હોવાથી દેખાતું નથી, અને એની પર પછી આપણી કામનાઓનું લીલુંછમ વૃક્ષ ઊભું હોય છે. પછી એમાં કેટલીય આવી ગ્રંથીના ફળફૂલ આવતા હોય છે, જેને કારણે આપણે સંસારમાં ઉલજેલા રહીએ છીએ. કામના હંમેશા લીલી હોય છે, એટલે કે માનવી આખરે એના આધારે જ હયાત છે, એ સત્ય પણ સ્વીકારવું રહ્યું. કોઈને કોઈ કામના તો જીવનમાં સૌને હોય છે,પણ એને સાત્વિક બનાવી એમાં શુભમંગલ ની સ્થાપના કરવાની છે. આપણે અહીં વૃક્ષનો દાખલો લીધો છે, તો વૃક્ષ ના ઉદાહરણ પરથી જ સમજીએ. સૌ કોઈ જાણે છે તેમ વૃક્ષ પોતાના અંગો નો ખોટો અહમ્ નથી કરતો, અને તેનું આખું અસ્તિત્વ આમ તો અન્યનાં કલ્યાણ કે ઉપયોગ માટે જ છે. છતાં સમયે સમયે તે પોતાની પીળી પડી ગયેલી વૃત્તિ સમાન પીળા પર્ણ ને સુકાઈ ગયેલી ડાળ નો ત્યાગ કરે છે. આ ઉપરાંત પ્રવર્તમાન વાતાવરણ જે મુજબ હોય એ મુજબ તે પોતાની જાતને નમાવે છે, અને તો જ તેનું અસ્તિત્વ અહીં ટકી રહેશે એ જાણે છે, એટલે અહીં પ્રકૃતિ ની વાત છે, જ્યારે આપણે સંબંધમાં આ વાત ફીટ કરી દીધી,કે જ્યાં લાભ ત્યાં લપસ્યા. ફળફૂલ રૂપી નીપજ પણ પોતે નથી રાખતું અન્યને આપી દે છે, ફળ પાકી જતા એ ઝાડ પરથી પોતે જ ખરી જાય છે. આ રીતે આપણી કામનાઓ યોગ્ય નથી, એમ જાણતા તેને મોહ મમતાના કે અન્ય કોઈ રાગદ્વેષના વિચારોથી પોષણન આપીએ, તો એ કામના પણ પીળી પડી જાય, ત્યારે તેને વૃક્ષ જેમ ત્યજી દેવી જોઈએ. પરંતુ માનવી ની ખાસિયત છે કે, તે ભૂતકાળને પણ સંઘરે છે, ભવિષ્યની ચિંતા પણ કરે છે, અને એને કારણે વર્તમાન ને માણી શકતો નથી. તો આપણી ઈચ્છા આકાંક્ષા ઝંખના, તૃષ્ણા, કામના, જે કંઈ હોય તેમાં શુભ મંગલ સ્થાપવાનું છે, અને એ કામના અન્ય ના હિત માટે છે, કે માત્ર સ્વાર્થ માટે છે? તે તપાસવા નું છે. કોઈ નું પોષણ કરનારી છે? કે, કોઈનું શોષણ કરનારી છે? એનું ચિંતન કરીને પણ તમસની આવી વૃત્તિઓને જોઈ શકાય છે અને તેને ત્યજવા માટે સરળતા રહે છે.

આપણે ગઈકાલે જોયું કે પ્રાણાયામ દ્વારા શ્વાસ પર સંયમ કરીને વિશ્વાસ ને વધુ દ્રઢ બનાવવાનો છે. એટલે કે જેના શરણે આવ્યા છીએ, તેમાં આપણને શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જ કંઈ પરિણામ મળી શકે. યોગના નિયમોમાં યમ નિયમ અને સંયમને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે. આપણે ત્યાં મૃત્યુ ના દેવ ને પણ યમ કહેવામાં આવે છે, અને આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિમાં શ્વાસ ગણતરી મુજબ નક્કી થાય છે, એવી પણ એક વાત છે. આ વાતને પકડી ને, ઋષિમુનિઓ પ્રાણાયામ દ્વારા સદીઓ સુધી જીવતા રહ્યા એવા ઇતિહાસ પણ આપણે જાણીએ. એટલે એ રીતે શ્વાસ નિયંત્રિત કરી અને પોતાના સ્થૂળ શરીર પર વ્રત નિયમ કે પછી જે રીતે સંયમ રહેતો હોય એ રાખી અને સુક્ષ્મ શરીર ને તમસના જે આવરણ થી ઢાંકી દીધો છે, એ આવરણ કાઢવામાં આસાની રહેશે. આ ઉપરાંત વહેલી સવારે ઓક્સિજન ભરપૂર માત્રામાં મળતો હોવાથી પ્રાણશક્તિ પણ વધુ દ્રઢ બને છે, અને કુંભકની ક્રિયા જેટલી લાંબી થાય, એટલો આ ઓક્સિજન જો અંદર રહે, તો એ રીતે પણ આંતરિક શુદ્ધતા થાય છે, અને સ્થૂળ શરીરની આવરદા વધે છે. આયુષ્યની રીતે વધે કે ન વધે, પણ જેટલું જીવાય તેટલુ સ્વસ્થ અને પ્રસન્નતાથી જીવાય, એ વાત ચોક્કસ છે. અત્યારે સૂર્યોદય થઈ ચૂક્યો છે, અને સૂર્યના તેજસ્વી કિરણ સમગ્ર અસ્તિત્વને પ્રકાશમાન કરી રહ્યા છે. કેસરી રંગ તો ક્રાંતિનો છે, અને અત્યારે હિંદુત્વને સિદ્ધ કરવા માટે આધ્યાત્મિક રીતે આપણે ક્રાંતિ કરીને આપણા અસ્તિત્વને સમાજ ઉપયોગી બનાવી શકીએ છીએ. બાહ્ય પ્રકૃતિ કે આંતરિક પ્રકૃતિમાં શુદ્ધતા લાવવા માટે ઉપાય તો આજ છે. એટલે કે વિશ્વાસ સાથે કરવામાં આવેલું દરેક કાર્ય અંતે સફળતા ને પામે છે. આપણે પણ ચૈત્રી નવરાત્રી ના પ્રથમ ત્રણ દિવસ તમસનાં ભાવને જાણ્યા કે ઓળખ્યાં, અને પછી ત્યજ્યા છે. એટલે થોડી જાગૃતિ રાખીશું, તો એ એટલી ઝડપથી પાછાં નહીં આવે, તદ્ ઉપરાંત જે સાધન વડે આ ક્રિયા થઈ છે, તેને એટલે કે જાપ અને પ્રાણાયામ ને હાથવગું રાખીશું. સુર્ય પૂર્ણપણે ઉદય થઈ ચૂકયો છે, અને પોતાના અસ્તિત્વની ધરા પર એટલે કેસ ક્ષિતિજ પર આવી પૃથ્વીને પ્રકાશમાપ કરી રહ્યો છે. સૂર્ય દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય દાન, અને દિવ્ય પ્રકાશ ના દાન કરી રહ્યો છે. આપણા જીવન પણ આ જ રીતે અજવાળવા હોય, તો એના માંથી અન્યના શુભ મંગલ અને કલ્યાણની શીખ લેવી બહુ જ જરૂરી છે. તમસ ના ભાવ કે ત્યજી ચૂક્યાં, પરંતુ રજસ પણ તત્વની પ્રધાનતા, કે અનુસંધાન માટે બાધા બની શકે છે, અને એ વિશે આપણે આવતીકાલે જોઈશું. સતત ઉધામો અને અશાંતિ કારક તમસના ભાવ કાયમ માટે આપણે સૌ ત્યજી અને એમાં જગતજનની જગદંબાના સ્વરૂપને નિત્ય પોતાની આત્માનુભૂતિ અને લોક મંગલ કે લોક કલ્યાણ માટે આરાધી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના મા જગત જનની ના ચરણે રાખી, હું મારા શબ્દોને આજે આવી જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

Ad.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here