પ્રકૃતિથી જ સજીવ નું જીવન છે, તે પ્રકૃતિ જ જડ છે, એટલે કે નિર્જીવ કહેવામાં આવી છે. આકાશ, અગ્નિ, વાયુ, પાણી, પૃથ્વી, આ પાંચેય તત્વ જડ છે. એટલે કે પ્રકૃતિગત નિયમો અનુસાર જ તે કાર્ય કરે છે.

0
211

મિત્રો- શુભ સવાર.

હે મા જગતજનની જગદંબા.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે ચૈત્ર નવરાત્રીનો ચોથો દિવસ એટલે મા કુષ્માંડાની આરાધનાનો દિવસ, શાસ્ત્રોક્ત જ્ઞાન મુજબ મા ચામુંડા એ કુષ્માંડા નું સ્વરૂપ ધારણ કરી સમગ્ર સૃષ્ટિની રચના કરી હતી, અને આ જડ ચેતન પ્રકૃતિ મા પ્રાણવાયુ સમાન અમુક ભાવો મુક્યા હતાં,જે સ્વભાવે કુ +ઉષ્મા એટલે ઉષ્ણ છે. કેવી વિચિત્ર વાત છે કે જે પ્રકૃતિથી જ સજીવ નું જીવન છે, તે પ્રકૃતિ જ જડ છે, એટલે કે નિર્જીવ કહેવામાં આવી છે. આકાશ, અગ્નિ, વાયુ, પાણી, પૃથ્વી, આ પાંચેય તત્વ જડ છે. એટલે કે પ્રકૃતિગત નિયમો અનુસાર જ તે કાર્ય કરે છે, પરંતુ તેને સંવેદના સ્પર્શતી નથી. એ સમય પ્રમાણે જ કાર્ય કરે છે. અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે, તો લાખો લોકોના પગમાં પહેરવા ચપ્પલ નથી, અને માથે છત નથી છતાં સૂર્યની ગરમી ઓછી થાય નહીં,એ સમય પ્રમાણે જ ચાલે, નહીં તો આપણે તેને દેવ કહ્યો છે. પરંતુ એ સર્વનું શુભ મંગલ વિચારે, જ્યારે માનવી ધારે તો મંગલથી આગળ વધી કલ્યાણનું વિચારી શકે માટે તે જડ નથી, પરંતુ વ્યક્તિગત વાત પ્રકૃતિ સાથે લાગુ પડી શકે નહીં. એ જ રીતે દરેક તત્વનું જોઈ શકાય, જેમ ચક્રવાત સમયે વાયુ એટલે કે પવન કેટલાય ના ઘર ઉજાડે છે, પૂર આવે ત્યારે પાણી પણ પોતાની પ્રચંડ તાકાત બતાવે છે, અને અગ્નિ વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ, કે કેટલું એ ભસ્મીભૂત કરી નાખે છે, દાવાનળ માં તો જંગલોના જંગલ નાષ પામે છે. ધરતીકંપ આવતા પણ સ્થળ ત્યાં જળ, અને જળ ત્યાં સ્થળ એમ તારાજી સર્જાય છે. આકાશ તત્વમાં ગ્રહોના ઉલ્કાપાત ચાલુ જ હોય છે, અને કોઈ ગ્રહ આકાશ ગંગા ની બહાર નીકળી જાય તો એ પણ ભયંકરતા સર્જે છે, આ ઉપરાંત ગ્રહણ જેવી ઘટનાથી પણ અસંખ્ય જીવાણુઓ ઉદ્ભવે છે, અને એના વ્યાપને કારણે રોગો વધે છે. બસ આ જ રીતે આપણી અંદર પણ રજસ ના ભાવો છુપાયેલા છે, જે તત્વતઃ અશુભ નથી પરંતુ શુભ ની દિશામાં ગતિ કરતા ન હોય તો આપણે તેની અસમંજસતા માં ફસાઈ જઈએ છીએ, અને તેને કારણે સત્વ જોઈએ તેટલું પ્રકાશિત થતું નથી. તો સાચા સારા અને ખોટા ખરાબ એમ રજસ ભાવ નું વર્ગીકરણ કરવું બહુ જ જરૂરી બની જાય છે. ઘણીવાર સમય પહેલા પણ જો કોઈ વાત કે વસ્તુ પ્રાપ્ત થાય તો એ પણ નુકશાન કર્તા છે. તો આજે આપણે રજસ ભાવ વિશે ચિંતનમાં વાત કરીશું.

રજસ એટલે ભોગ ના ભાવ ને એ રીતે રૂપાળું એવો અર્થ પણ કરી શકાય. એક વાત તો અહીં નિશ્ચિત છે કે માનવીને જીવવા માટે જે કંઈ સાધન જોઈએ છે, તે ભોગ્ય પદાર્થોનો તે ભોગ ન કરે, તો જીવી શકે નહીં. એટલે ભોગ જરૂરી છે, અને પરમાત્મા પણ જો ભોગની ના પાડી હોત, તો એણે આપણો જન્મ પણ ન કર્યો હોત, અને ભોગ્ય પદાર્થો ની રચના પણ ન કરી હોત. એટલે ભોગ તો જરૂરી છે, પરંતુ તેનું વર્ગીકરણ બહુ જરૂરી છે. વસ્તુ પદાર્થ કે વ્યક્તિ તરફનું મમત એ ભોગનો મૂળ ભાવ છે. એટલે કે મમતા એ રજસનુ સૌથી મોટું પ્રમાણ છે, અને આપણે સૌ જાણીએ છીએ કે અહીં મમતાને નામે કેટલા બધા પાખંડ થાય છે. એટલે કે બાળક માટે માતાને હોય એ જ ખાલી મમતા નથી, દરેકની વસ્તુ પદાર્થને વ્યક્તિમાં મમતા હોય છે, અને એને કારણે જ આ સંઘર્ષને ઘર્ષણ બંને છે, તત્વતઃ આ વાત સમજાઈ જાય તો અડધી બાજી જીતી જવા જેટલું સારું લાગશે, અને સમય અનુકુળ થતો પણ દેખાશે. પ્રવર્તમાન સમાજમાં માનવીની રૂપિયા પ્રત્યે મમતા વધી ગઈ છે, અને ગમે ત્યાંથી તેને ધન પ્રાપ્ત કરવું છે,અને પોતાના ભોગ વર્ષો સુધી સલામત રહે એ માટે ધનનો સંચય કરવો છે. સંચય પણ રજસ નું જ પ્રમાણ છે. એટલે બધી જ વસ્તુઓ જરૂરી છે, પણ તેમાં અતિરેક થાય ત્યારે તે દૂષણ બને છે. આપણે લાભ વિશેની વાત કરી હતી ત્યારે લાભ અને લોભ એ બંને એવા લાડુ છે કે જે અંદર જતાં વિષ નું કામ કરે છે. એટલે લાભ નહીં પણ શુભ ને નજરમાં રાખીને, રજસ ના આ ભાવને પોષણ આપવાનું છે. આ ઉપરાંત રજસ નો એક ભાવ કામ પણ છે,જેના પરથી રજસ્વલા શબ્દ આવ્યો છે. પ્રવર્તમાન સમાજમાં આ ભાવનો અતિરેક થઈ રહ્યો છે, અને એની માટે હિંસા પણ થાય છે.એટલે કે રજસ તમસમા પણ ફેરવાઈ શકે છે, બહુ જ સાવધાની રાખી ચાલવાનું છે. આપણે એક ઉદાહરણ પરથી સમજીએ તો, અત્યારે હવે ઘઉંની ઋતુ આવશે, એટલે કે બધા વાર્ષિક માલ ભરવાની તૈયારી કરશે, અને એમાં ઘઉં હવે તો વિણાટ આવે છે, નહીં તો પહેલા આપણે સૌ જાણીએ છીએ, તેમ ઘઉં માં કાંકરા નીકળતાં, અને સાથે સાથે પૂતળિયા એટલે કે ફોતરાં વાળા ઘઉં પણ નીકળતા, અને જેમાં પણ ઘઉં જ હોય. હવે આપણને શુદ્ધ સ્વરૂપે માત્ર ઘઉં જોઈતા હોય છે,કારણ કે તો જ એ આખું વરસ સડી ન જાય,અને એ માટે તેને જુદા તારવી લેવાની પ્રક્રિયા કરવી બહુ જ જરૂરી બને છે. તો એમાંથી કાંકરા પણ કાઢવા પડે, અને આવા ફોતરાં વાળા ઘઉં પણ કાઢવા પડે, તો જ ઘઉં આખું વર્ષ સુરક્ષિત રહે. ફોતરા વાળા ઘઉંમાં અંતે તો ઘઉં જ છે, છતાં તે નુકશાન કર્તા બની શકે. બસ એ જ રીતે અમુક મહત્વના સત્વ ભાવો પર રજસ એ રીતે છવાઈ ગયો હોય, કે સત્વ ઢંકાઈ જાય અને એને કારણે તે નુકસાન કરતા બને. પદ-પ્રતિષ્ઠા પ્રસિદ્ધિ યશ-કીર્તિ એશ્વર્ય આ બધા જ ભાવો સત્વના હોવા છતાં જો તે અહમ થી રંગાઈ જાય, એટલે કે મમતા દૂષણ બને તો આ સત્વ તત્વ પણ નુકશાન કર્તા છે, અને તે સર્વનું મંગલ કે સર્વનું હિત ન જોતા પોતાના અહમ પર અડી રહે છે.

ભોગનો અતિરેક કે મમતા દૂષણ છે, એ સમજાય તો ગયું. પરંતુ આપણે તેનું નિવારણ કઈ રીતે કરીશું, અથવા તો રજસના ભાવો નું વર્ગીકરણ કઈ રીતે શક્ય છે, અને એ પણ સાધના દ્વારા મંત્ર જાપ અને પ્રાણાયામ કરીને તમસને કે ત્યજયાં, પરંતુ હજી પણ આજ ક્રિયા કરવાની છે, એટલે કે સંસાર નહીં પણ સત્યનું સાનિધ્ય આનંદ અને શાંતિ કે પ્રસન્નતા આપનારું છે, એની થોડી ઝાંખી કે પ્રતીતિ થતાં વધુ રસ રુચિ થી જપ અને પ્રાણાયામ થાય તો થોડું વધુ સારું પરિણામ મળી શકે, અને એને નિત્ય નો નિયમ બનાવી લેવાથી ફાયદો થાય. પણ અહમ ને આગ્રહ ક્યારેક હિંસક પણ બને છે, એટલે જો તમસ‌ના ભાવ પણ આ રીતે ફરી પાછા આવતા હોય તો જીવ મુંજાઈ જાય કે, આ શું મારી કરેલી સાધના નિષ્ફળ ગઈ? અને આવું જ થતું હોય તો મારે કંઈ કરવું નથી, બધા જીવે છે તેમજ હું પણ અધર્મ અને અસત્યથી જ જીવીશ!! કારણ કે સંસારી જીવનની મર્યાદા આવી જાય છે, અને રજસ ના ભાવ છૂટતા પણ નથી,અને એટલી આસાનીથી જોઈ શકાતા નથી. એટલે કે સુંદર સુંદર કપડા પહેરાવીને તેને સત્વ ના નામે પણ જીવ દ્વારા રજુ કરાતા હોય છે, તો આટલું જીણું તો સંસારી કઈ રીતે કાંતિ શકે, નહીં તો અહીં બધા જ રામ ક્રિષ્ન હોત! પણ છે નહીં એટલે વાસ્તવિકતા સ્વીકારવી પડે, અને રાવણ એટલે કે વૃત્તિ ની રીતે દાનવ ન બની જઈએ એ જોવું રહ્યું. સત્યની દિશામાં આગળ વધવું છે, છતાં સમજ પડતી નથી, કે શું કરવું! એવી જ્યારે મૂંઝવણ થાય ત્યારે બુદ્ધ પુરુષ ના શરણે જવાથી, આપણા તમામ ભાવો શાંત થઈ જાય છે, અને સદગુરુના ચરણે બેસી એની દ્રષ્ટિ એ સંસાર અને સંન્યાસ બંને જોવાથી તમસના ભાવોની બાદબાકી થાય છે, અને રજસ ના શુભ ભાવોનું વર્ગીકરણ કરી કૌંસમાં રાખી, એટલે કે સુરક્ષિત રાખીને સદગુરુ એનો સરવાળો કરતાં પણ શીખવે છે, જે પછી માત્ર પોતાનું હિત કે લાભ ન જોતાં સર્વનું શુભ મંગલ વિચારી શકે છે. એટલે કે મમતા સમતા તરફ ડગલાં ભરે છે, એને વ્હાલ કરવા માટે પછી પોતાનું જ સંતાન એવો આગ્રહ રહેતો નથી,એ અન્યમાં પણ એ જ મમતા લૂંટાવી એનું પોષણ પણ કરે છે. પરંતુ જેનું શરણું સ્વીકાર્યું હોય તે શરણમાં શ્રદ્ધા અને વિશ્વાસ બંને બહુ જરૂરી છે તેના વચન પર ભરોસો હોવો જોઈએ, કે ના એક દિવસ સદગુરૂ જ મને સત્યના માર્ગે ચાલવા સમર્થ બનાવશે અને સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ પરમાત્મા કે જેનો હું અવિનાશી અંશ છું, એનું મિલન આ રીતે જ શક્ય થશે. એટલે કે આત્માનુભૂતિ કે જીવ શિવનું મિલન, કે પછી ચૈતન્ય શક્તિ નો પરિચય થશે,અને સ્થૂળ શરીરમાં જ જે ચેતના હતી, એમાં તરવરાટ કે અન્ય સ્વરૂપે એ ચૈતન્યની અનુભૂતિ થશે. ઘણીવાર કોઈ કારણ ન હોવા છતાં આપણા શરીરમાં અચાનક ધ્રુજારી થાય છે, અને એ ક્ષણ બે ક્ષણ નો અનુભાવ અત્યંત રોમાંચક હોય છે. એટલે કે કંઈક જુદી લાગણી કરાવે છે, અને એ જ ચૈતન્ય છે. ઘણીવાર કોઈ એવું પરમાર્થ નું કર્મ કરીએ તો પણ અંદર કંઈક પ્રવાહ ઉમટતો હોય એવું લાગે,આમ એવાં તો કેટલાય ઉદાહરણ લઈ શકાય. આજની વાત અને ગઇકાલની વાત કરું તો આજે રોજ કરતા ઊઠવામાં દસ મિનિટ મોડું થયું, અને એ રીતે બધામાં દસ મિનિટ લંબાય, એટલે ધ્યાનના સમયે અજવાળું થઈ ગયું હતું, અને આજે ધ્યનની ધરા પર સદગુરુ,ને આત્મલિંગ એ નિત્ય ધ્યાન ના દર્શન પછી, માતાજીનું સ્વરૂપ પ્રગટ થતું ન હતું. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ દેખાયા અને ત્યારબાદ હમણાં ઘરે કામ કરવા આવતી બુદ્ધિ ઓછી છે, કહી પતિ પરિવારથી ત્યજાયેલી યુવતી દેખાઇ, ક્ષણ બે ક્ષણ એમ થયું કે ક્યાંક ચૂપ થઈ છે, ક્યાંક અહમ થયો છે, કે પછી બીજું કંઈક, પણ સૂક્ષ્મ ચિંતન થયું તો ભગવાન શ્રીકૃષ્ણને આપણે પ્રેમ આવતાર કહ્યા છે, અને એના સ્વરૂપ દર્શન પછી આ યુવતીનો ચહેરો દેખાવો, એટલે માતાજીએ કહ્યું કે એ પણ હું જ છું, અને સમાજ ભલે ઠુકરાવે તુ એને પ્રેમ કર, તેનું પોષણ કર. બસ આ છે, મમતાનું સમતા સ્વરૂપ. એવી જ વાત ગઈકાલે સ્થૂળ પૂજા દરમિયાન થઈ, લાલજી ને સ્નાન કરાવી શણગાર કરી તેનું ભજન ગાતી હતી, અને પછી આરતી માં નવદુર્ગા ના નવ એ સ્વરૂપના દર્શન થયાં, સ્વાભાવિક આપણે જે ની પૂજા કરતા હોઈએ, તે જ સ્વરૂપ દેખાય તો આપણી પૂજા સાચી એવું આપણે માનતા હોઈએ છીએ,પણ થયું કે એમાં ભેદ ક્યાં છે! એ તો આપણે જુદા પાડ્યા છે. એટલે કે તત્વ બધા જ સ્વરૂપ એક જ છે, અને આ રીતે સદગુરુ સ્વરૂપ પ્રત્યેની મમતા ને પણ સમતા માં સ્થાપિત કરી સાકર માંથી નિરાકાર તરફ દોરે છે,અને શ્રદ્ધા ને સાત્વિક બનાવે છે.
તો આપણે સૌ રજસ ભાવ રૂપે રહેલી આપણા રૂપ સ્વરૂપ પ્રત્યેની મમતા કે અન્ય પ્રત્યેની મમતા એ દૂષણ ન બને, એ વાતે જાગૃત રહીએ, કોઈ સમર્થ સદગુરૂનું શરણ પકડીએ, અને પછી ત્રિગુણાતીત થવા કે આત્માનુભૂતિ કરવા તરફ આગળ વધીશું, તો બધું ઝડપથી અને સારું પરિણામ મળશે. પ્રવર્તમાન સમાજમાં આ સમાનતાનો ગ્રાફ બહુ જ ઊંચો નીચો દેખાય છે, અને આવા જરૂરત મંદ પ્રત્યે મમતાનો ભાવ દાખવી, આપણે સૌ મમતા તરફથી સમતા તરફ ડગલા ભરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહવંદન અને જય સીયારામ.

લી .ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here