ચૈત્રી નવરાત્રીનું અનુષ્ઠામાં પૂર્ણપણે જીવ અને શિવનું મિલન થાય, અને સ્થૂળ શરીરમાં જ સૂક્ષ્મનો અનુભવ થાય, એટલે કે રામ તત્વ પ્રગટ – ઈશ્વર એટલે કે ચૈતન્ય જે બહારની પ્રકૃતિમાં સચરાચર સૃષ્ટિમાં સમાયું છે

0
151

મિત્રો- શુભ સવાર

હે માંજગતજનની જગદંબા.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે ચૈત્રી નવરાત્રીનો પાંચમો દિવસ એટલે નવદુર્ગાના સ્કંદમાતા સ્વરૂપની આરાધના કરવાની છે. શું કોઈ ને સવાલ થાય છે કે નવરાત્રિના નવ દિવસ શું કામ હોય? અને એ રીતે ગણીએ તો આપણા અનુષ્ઠાનો આજે મધ્ય દિવસ છે, એમ કહી શકાય. ગણિતીક નિયમ મુજબ નવ ને પૂર્ણ અંક માનવામાં આવે છે, એટલે તેના ગુણક અંક નો સરવાળો નવ જ આવે,અને એ સૌ કોઈ જાણે છે. પણ આપણે બીજી રીતે જોઈએ તો, જો યોગ્ય રીતે આ અનુષ્ઠાન થાય તો નવમી તિથિ એ પૂર્ણપણે જીવ અને શિવનું મિલન થાય, અને સ્થૂળ શરીરમાં જ સૂક્ષ્મનો અનુભવ થાય, એટલે કે રામ તત્વ પ્રગટ થાય. તથા ઈશ્વર એટલે કે ચૈતન્ય જે બહારની પ્રકૃતિમાં સચરાચર સૃષ્ટિમાં સમાયું છે, એ જ ઈશ્વર તત્વ આપણી અંદર પણ સમાયેલું છે, એવું જ્ઞાન જ્યારે પ્રતિત થાય, એટલે કે જાણકારી નહીં પણ અનુભૂતિ થાય, ત્યારે તેને જીવ શિવનું મિલન થયું કહેવાય છે. હવે નવદુર્ગાના સ્વરૂપે જોઈએ તો શૈલપુત્રી તારીખે એક કુમારિકા પર્વત પરથી ઉતરી હતી, બ્રહ્મચારિણી સ્વરૂપે તે આ માર્ગે શૌર્ય શક્તિ ને મેળવવા આગળ નીકળી હતી, ચંદ્રઘંટા સ્વરૂપે એક અલ્લડ અને વિકારોને હણનારી ક્રાંતિકારી કિશોરી હતી, કુષ્માંડા સ્વરૂપે એ ખુદની ભાવ સૃષ્ટિની રચના કરનારી યૌવના હતી,અને સ્કંદમાતા એટલે કે માતા પાર્વતી અને ભગવાન શંકરના પુત્ર કાર્તિકેયનું એક નામ સ્કંદ છે, અને એ રીતે તેણે માતૃત્વ પ્રાપ્ત કર્યું, એટલે એ રીતે જોઈએ તો આપણી મનોભાવના રજસના મૂળ ભાવ મમતા સુધી પહોંચી છે, એમ કહી શકાય. અનુષ્ઠાન પોતાના શુદ્ધ હેતુ ને વળગી રહે, એટલે કે આત્માનુભૂતિ કરવા સતત પ્રયત્નશીલ રહે. તો એ માટેની એની ક્રિયા જોઈએ તો, પ્રભાતે ઉઠીને શૌચ આદી સુધીની ક્રિયા થઈ ગઈ, એટલે કે જે નકામું હતું તેને દૂર કર્યું. આમ તમસ ને ત્યજ્વાની ક્રિયા ત્રણ દિવસ સુધીમાં પતી ગઈ, અને સ્નાન પણ પતી ગયું, એટલે કે રજસ દર્શન થયું હવે આજે શણગારનો વારો છે, શણગાર પણ રજસ ભાવ ધરાવે છે. પરંતુ શણગાર ને નકારી શકાતું નથી, પણ ઘણીવાર એવું થતું હોય કે વધું પડતા લપેડા કરવા માં આવે કે આભૂષણો લાદવામાં આવે તો સુંદરતા હોય એ પણ ઢંકાઈ જાય, એટલે શણગાર પણ અમુક મર્યાદા સુધી જ કરવા,પણ તેને સાવ નકારી ન શકાય, એટલે જીવને આ ક્રિયા નિભાવવી જ પડે છે. કારણકે મનુષ્ય એક સામાજીક પ્રાણી હોવાથી મર્યાદા માટે વસ્ત્ર તો પહેરવા પડે. વસ્ત્રને પણ વૃત્તિ કહી છે, તો નકામું કહી તમસ તો ત્યજ્યુ, પણ અમુક માત્રામાં રજસ જરૂરી છે, અને એનું વર્ગીકરણ કરવાનું છે, તો આજે આપણે એ વિશે ચિંતન માં વાત કરીશું.

સર્વપ્રથમ તો ગીતાના આધારે કહી શકાય કે ગુણા ગુણેશુ વર્તન્તે, એટલે કે આ સચરાચર સૃષ્ટિ પર જન્મ લઈને આવનાર દરેકે દરેક પ્રાણી ત્રિગુણાત્મક હોય છે ,અને આત્માનુભૂતી માટે ગુણાતિત થવું બહુ જરૂરી છે. જીવ સૃષ્ટિમાં સંતુલન બની રહે, એ માટે ભગવાને ચાર વેદની રચના કરી, અને ત્રિગુણાત્મક આ પ્રાણીઓ અંદરોઅંદર સંતુલન રાખી ને રહેશે એવું વિચાર્યું. પરંતુ કાળક્રમે મનુષ્યની બુદ્ધિ માં એક કાટ જામ્યો,અને એને કારણે મમતા મોહ‌ માયા આ બધાનો અતિરેક થયો,અને આજે પુરુષ અને પ્રકૃતિ બંને એકબીજાના પૂરક હોવાનું સત્ય જાણતાં હોવા છતાં એકબીજાના અસ્તિત્વના કટ્ટર વિરોધી બન્યા છે, અને એને કારણે બંનેમાંથી કોઈની જિંદગીમાં શાંતિ દેખાતી નથી. બાહ્ય પ્રકૃતિ મા પણ અસંતુલન છે, અને આંતરિક પ્રકૃતિ પણ દરેકની અસંતુલિત છે. નહીં તો બધાં સંબંધના પાયામાં પ્રેમ નામે શુદ્ધ સત્વ અથવા તો ઈશ્વર તત્વ પડ્યું હોવા છતાં, બધા જ સંબંધોમાં વૈમનસ્ય દેખાય છે. આ પ્રવર્તમાન સમાજની કડવી વાસ્તવિકતા છે, અને આ અશાંતિનું કારણ શોધવા તે ચૈત્રી નવરાત્રિએ આદ્યશક્તિ ને આરાધે છે, અને આત્મશક્તિ જે પોતાના આત્મબળ રૂપે ખુદમાં રહેલી છે, તેને જાગૃત કરવા મથે છે. ફરી ગીતા નો સહારો લઈએ તો ભગવાન શ્રીકૃષ્ણ પોતાના મોઢે જ બોલ્યા છે કે, રજસ અને સત્વગુણ બંને ભેગા થાય ત્યારે જ તમસ નો નાશ થાય છે, અથવા તો તમસને ત્યજી શકાય છે. પરંતુ કળિયુગમાં ભોગના અતિરેકને કારણે રજસ પણ શુદ્ધ રહ્યું નથી. એટલે ઘઉં માંથી જેમ કાંકરા અને અન્ય નુકશાન કરતા પદાર્થ દૂર કરીએ, તેમ આપણા જીવનમાંથી પણ આવા ભાવોની બાદબાકી કરવી જરૂરી બને છે, અને એ માટે થઈને આપણે ગઈકાલે જોયું હતું કે મંત્ર જાપની સંખ્યા વધારવાથી એટલું પરિણામ મળતું નથી, પણ સ્મરણની શુદ્ધતા વધારીને,અને વ્રતની સાત્વિકતા વધારીને આ કાર્ય થાય, તો થોડો જ્ઞાન પ્રકાશ ઉપલબ્ધ થાય, અને તત્વતઃ પરિસ્થિતિ સમજાય. આ ઉપરાંત ગઈ કાલે આપણે સદગુરુ શરણાગતિ વિશે પણ વાત કરી હતી. આજના સમાજમાં સિદ્ધ પુરુષ શોધી શકાય, સમર્થ પુરુષ શોધી શકાય, સફળ શોધી શકાય,અને થોડે ઘણે અંશે બુદ્ધ પુરુષ પણ શોધી શકાય. પરંતુ અને બુદ્ધ બંને શુદ્ધ સાથે હોય એવું વિરલ વ્યક્તિત્વ મળવું મુશ્કેલ છે. કારણ કે બોધ તો આપણને સમય પણ આપે છે, એટલે કે સમયની એક એક ક્ષણ આપણા જીવનમાં કોઈને કોઈ બોધપાઠ આપવા જ આવતી હોય છે, પરંતુ આપણી નાદાની તેને સમજી શકતી નથી. અથવા તો આપણે બધું જ જાણીએ છીએ, એવો ડોળ કરીને, સમયની એ ક્ષણને પાર કરી જતાં હોઈએ છીએ. પણ જેના સાંનિધ્યથી આપણા મનની ચંચળતા શાંત થાય, ભાવ તરંગોનુ વૈમનસ્ય ઘટી જાય, અને થોડી ઘણી વિચારોમાં સ્થિરતા આવે, શાંતિનો અનુભવ થાય, અને સાચું-ખોટું સારું-ખરાબ કે પછી પોતાની ભૂલો એ બધું જ સ્પષ્ટપણે દેખાવા લાગે, અને આજ સુધી જે અન્યને દોષ દઈને અંતરમાં કચરો ભેગો કર્યો હતો, એ ધીરે ધીરે ધોવાતો જાય કારણ કે ખુદની ભૂલ દેખાય છે. પરંતુ એ સત્ય તો છે જ, પણ સાથે સાથે એ ભૂલ માટે ઈશ્વરે એને ક્યારે સજા કરી નથી, એની પ્રતીતિ થતાં એ ઈશ્વર તત્વ પ્રત્યે વધુ ને વધુ આકર્ષિત થાય છે. હવે જુવો આકર્ષણ તો પ્રેમ નામે પહેલા પણ હતું, પરંતુ એમાં પઝેશન હતું, અને એટલે એ સત્વ તત્વ દબાઈ ગયું હતું. ઈશ્વરની જેમ બિનશરતી પ્રેમ કરતાં આવડી જાય તો આ ધરતી જ સ્વર્ગ છે, અને એમાં જો ઠોસ અનુભૂતિ જોઈતી હોય તો બિનશરતી પ્રેમ કરવો પડે, ત્યાં ધારણા ચાલતી નથી. એટલે સ્વરૂપ પકડાઈ ગયા પછી એ સ્વરૂપનો મહિમા ગાન કરવાનો મહિમા છે, એટલે કે સ્વરૂપ ને આત્મસાત કરી એ મુજબ જીવવું પડે તો જ આગળ વધી શકાય.

ગઈકાલ સુધી દરેક ક્ષેત્રમાં કે સંબંધમાં જ્યાં આગળ હર હાલમાં જીતની જીદ હતી, ત્યાં આગળ આજે પ્રેમથી હાર સ્વીકારી લેવામાં પણ આનંદ છે. એ પરિસ્થિતિ રજસ્ નું શુદ્ધ સ્વરૂપ છે‌. એટલે કે સમર્પણ અને શરણાગતિ નો ભાવ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે સમજવું કે હવે બધું બરાબર છે. શુદ્ધ રજસ અને સત્વ ગુણ બંનેનો સરવાળો જ આત્મ દર્શન કરાવી શકે છે, અથવા તો મંઝિલ સુધી પહોંચાડી શકે છે. મમતા ને દૂષણ બનાવનાર અહમ, આગ્રહ, જીદ, લોભ, સંચય, આકર્ષણ, જુસ્સો અને વિચાર્યા વગર નું સાહસ આ બધી જ વૃત્તિ નાં અતિરેક ને કારણે રજસ નો ભાવ અશુદ્ધ થાય છે,અને એની બાદબાકી થતાં, આપણે સત્વ ગુણની પ્રધાનતા માં પ્રવેશી જઈએ છીએ. સુખ હંમેશા ક્ષણિક હોય છે, અને એટલે જ તેના ચાલ્યા જવાનો આપણને ડર રહે છે, કે આવતીકાલે કદાચ સુખ ન પણ રહે, અને ભોગ અને સુખ બંને તાણાવાણા ની જેમ અંદરોઅંદર ગુંચવાયેલા છે, અને એને કારણે ભોગને કારણે જ સુખ છે, એવું માનવીએ સ્વીકારી લીધું છે, અથવા તો સિદ્ધ કરી લીધું છે. એટલે ભોગ સિવાય અને ક્રિયામાં તેને સુખ દેખાતું નથી,અને આ ભોગ યેનકેન પ્રકારે તેને મળતા રહે, એવી ચતુરાઈની એક ચાલ પણ રજસ નો એક અશુદ્ધ ભાવ છે. બુદ્ધિનું હોવું એ જરૂરી છે, પણ બુદ્ધિમા આ રીતે જ્યારે ચતુરાઈ ભળે ત્યારે, દંભ ને આડંબર ના દાવ ખેલાય, કાવતરા રમાય, આ બધું જ અલગ કરવાનું છે.

હમણાં એક ગ્રુપમાં જરૂરિયાત ને નામે અપનાવેલી વસ્તુઓનું લીસ્ટ આવ્યું હતું, તો આજથી ત્રીસ ચાળીસ વર્ષ પહેલાંની દિનચર્યામાં નજર કરીએ, તો આમાંથી એક પણ વસ્તુ તેની અંદર હતી નહિ. એટલે ઘણીવાર એવું થાય કે પ્રાથમિકતા ને નામે આપણે અમુક એવું વસ્તુઓ સ્વીકારી લઇએ કે, જેને કારણે આપણા શુદ્ધ ભાવો દબાઈ જતાં હોય છે, અને એને કારણે પ્રેમ હોવા છતાં એટલો પાંગરી શકતો નથી, અને પરસ્પર સંબંધોમાં ખટરાગ દેખાય છે. ઘરગૃહસ્થી હોય ત્યાં થોડે ઘણે અંશે આ બધું હોય, અને હોવું પણ જોઈએ. પરંતુ અતિશયનું ઘર્ષણ અને એકબીજા ને સંતોષ થાય એ માટે થતો અતિશયનો સંઘર્ષ આ બંને પ્રેમની માત્રા અનુભવવા માટે બાધા બને છે.તો સદગુરુ આપણાં ગુણોનું આટલું સુક્ષ્મ અને છતાં સ્પષ્ટ દર્શન કરાવી રહ્યા છે, અને કોને રાખવા કોની બાદબાકી કરવી જોઈએ, એ પણ સમજાવી રહ્યા છે, તો હવે તો એને છોડવા જ પડે, નહીં તો જન્મ અને જીવન બંને એળે જાય! આપણે સૌ રાજસ ગુણના વર્ગીકરણની આ પ્રક્રિયાને સમજી અને આપણા જીવનમાં જ્યાં જ્યાં સુધારો કરવો જરૂરી લાગે, તે કરીને જીવનને પ્રસન્ન બનાવીયે, કારણ કે પરમાત્મા પ્રસન્નતાનાં દ્વારેથી જ આવે છે, એ વાત બાપુ વારંવાર કથામાં કહેતા હોય છે. તો ભોગના રુપાળા ને લલચાવતા ભાવમાં પણ જરૂરી હોય એટલું જ સ્વીકારીને જીવી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના મા જગતજનની જગદંબાના ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here