- રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ તેમજ ઉત્તર-પૂર્વ રાજ્યના મુખ્યમંત્રીઓ અને ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો મહેમા ઉપસ્થિત રહેશે
- પ્રાચીન તીર્થ સ્થળે ભગવાનશ્રી કૃષ્ણ-રુક્મિણીના વિવાહ થયાનું આજથી ૫૦૦૦ વર્ષ પહેલા થયા હતા.
ભગવાન શ્રીકૃષ્ણ-રુક્મિણીના વિવાહની ધાર્મિક પુણ્ય સ્મૃતિમાં પરંપરાથી અહીં ચૈત્ર મહિનામાં રામનવમીથી અગીયારસ સુધી એમ પાંચ દિવસ માધવપુરનો ધાર્મિક મેળો યોજવામાં આવે
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઇ રહ્યો છે. મેળાના પ્રારંભે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ તેમજ ઉત્તર-પૂર્વ રાજ્યના મુખ્યમંત્રીઓ અને ગુજરાતના મુખ્યમંત્રી સહિતના
મહાનુભાવો મહેમાન તરીકે પધારવાના છે ત્યારે નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ તકે માઘવરાયજીના મંદિર ખાતે જેમનો પરિવાર પાંચ પાંચ પેઢીથી સેવા કરી રહ્યો છે. તેવા મંદિરના ટ્રસ્ટી અને મુખીયાજી શ્રી રૂચિરભાઈ દિલીપભાઈ સેવક કહે છે કે, આ પ્રાચીન તીર્થ સ્થળે ભગવાનશ્રી કૃષ્ણ-રુક્મિણીના વિવાહ થયાનું આજથી ૫૦૦૦ વર્ષ પહેલા થયા હતા. આ પ્રણાલીકા વર્ષોથી ચાલી આવે છે. આ ધાર્મિક સ્થળ હિંદુઓ માટે આસ્થા અને શ્રધ્ધાનું સ્થાનક છે. ભગવાન શ્રીકૃષ્ણ-રુક્મિણીના વિવાહની ધાર્મિક પુણ્ય સ્મૃતિમાં પરંપરાથી અહીં ચૈત્ર મહિનામાં રામનવમીથી અગીયારસ સુધી એમ પાંચ દિવસ માધવપુરનો ધાર્મિક મેળો યોજવામાં આવે છે. જેમાં માઘવરાયજીના મંદિરથી બ્રહ્ન કુંડ સુધી એમ ત્રણ દિવસ સુઘી તેની વરણાગી નિકળે છે. તેમાં ભગવાનના પદો-કિર્તન ગાતા હોય છે જ્યારે યુવાઓ તેમાં રાસ ગરબા રમે છે. સમગ્ર માધવપુર ઘેડ વિસ્તારમા આનંદ-ઉત્સવનો માહોલ જોવા મળે છે. નાનામોટા સૌ કોઈ ભગવાનશ્રી કૃષ્ણ-રુક્મિણીના લગ્નોત્સવનો આનંદ માણતા હોય છે.
અત્યાર સુધી ભગવાનશ્રી કૃષ્ણ-રુક્મિણીના લગ્નોત્સવનો મેળો પરંપરાગત રીતે ઉજવાતો હતો. પરંતુ દેશના વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસિધ્ધી પામી રહ્યો છે. આ પ્રસિધ્ધીના કારણે મહત્તમ પ્રવાસીઓ આ જગ્યાની મુલાકાત લેશે જેનાથી પ્રવાસન ઉદ્યોગનો વિકાસ પામશે અને માઘવપુરની દશેય દિશાએ ઉન્નતી થશે. રાષ્ટ્રપતિ અને બીજા મહાનુભાવો આવી રહ્યા છે જે આ વિસતાર માટે ગર્વની વાત છે.
માધવપુરના મેળામાં આગળ વધતી તંત્રની તૈયારીઓ:
માર્ગ અને સફાઇ ,રોશની,સુશોભન સહિતની કામગીરી
મુખ્ય કાર્યક્રમના સ્થળે મેળા ગ્રાઉન્ડમાં ઉભી થઈ રહી છે વિવિધ વ્યવસ્થાઓ
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડમાં ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ પ્રસંગે યોજાતા પરંપરાગત માધવપુરના મેળામાં ઉત્તર-પૂર્વ ના રાજ્યો અને ગુજરાતના સાંસ્કૃતિક સમન્વય ના વિશેષ કાર્યક્રમો રાજ્યો અને કેન્દ્ર સરકારના સહયોગથી યોજાનાર હોઇ તેમજ આ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ મહેમાન તરીકે પધારવાના હોવાથી જિલ્લા
વહીવટી તંત્ર દ્વારા માધવપુર ઘેડ ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
માધવપુર ઘેડના મેળા ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સ્ટેજ કાર્યક્રમ તેમજ સ્ટોલ નીદર્શન સહિતની તૈયારીઓ ગુજરાત પ્રવાસન નિગમ તેમજ સાંસ્કૃતિક વિભાગ અને સ્થાનિક તંત્રના સંકલનથી કરવામાં આવી રહી છે.
પોલીસ વિભાગ દ્વારા પણ બંદોબસ્ત પ્રોટોકોલ અને સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજે જુનાગઢ રેન્જ આઇ.જી શ્રી મનન્દીરસિંઘ પવાર તેમજ જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની સહિતના પોલીસ અધિકારીઓએ પણ સ્થળ મુલાકાત લીધી હતી.
પોરબંદર જિલ્લાના તેમજ અન્ય જિલ્લામાંથી મુકાયેલા અધિક કલેક્ટર શ્રી તેમજ પ્રાંત અધિકારીશ્રીઓ પણ જુદી જુદી વ્યવસ્થાઓનુ સંકલન કલેકટર શ્રી અશોક શર્માના માર્ગદર્શન હેઠળ કરી રહ્યા છે.
માધવપુરના મેળાના શરૂઆતની રાહ જોતા ભક્તો આવી પહોંચ્યા છે માદરે વતન (દક્ષેશભાઈ શેઠ)
સૌરાષ્ટ્ર સંત સુરા ની પવિત્ર ભૂમિ માં પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠે આવેલ માધવપુર ઘેડ અનુપમ કુદરતી કુદરતી ભવ્ય સૌંદર્ય ધરાવતું પ્રવાસન સ્થળ જ નહીં પરંતુ અનેક નામી અનામી લોકોનું એ જન્મ સ્થળ પણ છે અને આ લોકો સમયાંતરે પોતાના વતનની મુલાકાત લેતા હોય છે
આ તકે સુરત જિલ્લાના બારડોલી ખાતે વસવાટ કરતા અને હાલ પોતાના માદરે વતન માધવપુરની મુલાકાતે આવેલા શ્રી દક્ષેશભાઈ શેઠ જણાવે છે કે માધવપુર એ મારા મનની સૌથી નજીકનું સ્થળ છે શાંત સમુદ્રના કિનારે અને ક્યારેક ક્યારેક એવું લાગે કે માધવપુર દક્ષિણ ભારતના અન્ય સ્થળો કરતા વધુ સુંદર અલૌકિક અને મસ્ત મજાનું સ્થળ છે.
તેઓ વધુમાં જણાવે છે કે અમે જન્મજાત માધવપુરના વતની છીએ. માધવપુરામાં પરંપરાગત મેળો વર્ષોથી યોજાતો રહ્યો છે. આ મેળાનું ઐતિહાસિક મહત્વ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના કાર્યક્રમ ‘મન કી બાત’માં તેનો સમાવેશ કર્યો અને તે આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસિદ્ધિ પામ્યો છે, જે અમારા સૌ માટે ગૌરવની વાત છે. હું અને મારા સમગ્ર પરિવારને લઈને સાથે માધવપુરના મેળામાં મહાલવા આવ્યા છીએ.
અમને ગર્વ છે કે માધવપુર ધેડમાં આવેલું ભગવાન શ્રીકૃષ્ણનું સ્વયંભૂ મંદિર ગ્રામવાસીઓએ એક ઐતિહાસિક અને વૈશ્વિક ધરોહરના ભાગરૂપે તેની જાળવણી કરીને તેને સાચવી રાખ્યું છે. તેમ દક્ષેશભાઈએ જણાવ્યું હતું.
અહેવાલ વિરમભાઈ કે.આગઠ