જીએનએ અમદાવાદ:
રાષ્ટ્ર પ્રેમ, આરોગ્ય, શિક્ષણ, વ્યક્તિત્વ વિકાસ, રાહત કાર્યો, જીવ સેવા દ્વારા શિવ સેવા અને નૈતિક મૂલ્ય દ્વારા ચારિત્ર્ય ઘડતરનું કાર્ય કરતા રામકૃષ્ણ મઠ અને મિશન દેશ વિદેશમાં ૨૬૫ જેટલા શાખા કેન્દ્રો ધરાવે છે.
અમદાવાદમાં ભક્તો અને શુભેચ્છકો દ્વારા વર્ષ ૧૯૮૮માં એક કેન્દ્ર શરૂ થયુ હતું. જેને રામકૃષ્ણ મઠ દ્વારા રામકૃષ્ણ આશ્રમ રાજકોટના પેટા કેન્દ્ર તરીકે વર્ષ ૨૦૧૮માં માન્યતા આપવામાં આવી હતી. ગત વર્ષે ડીસેમ્બર ૨૦૨૧થી અમદાવાદના આ પેટા કેન્દ્રને સ્વતંત્ર શાખા કેન્દ્ર તરીકે જાહેર કરાયું હતું. આ મઠના નવનિયુક્ત અધ્યક્ષ સ્વામી પ્રભુસેવાનંદજીએ જણાવ્યું હતું કે, આ મઠને હાલમાં અમદાવાદ જીલ્લાનાં સાણંદ તાલુકાના લેખંબા ગામમાં ૭.૫ એકર જમીન પ્રાપ્ત થઈ છે. આ જમીન પર સ્વામી વિવેકાનંદના ‘આત્માના મોક્ષ માટે અને જગતના કલ્યાણ માટે’ આ બંને હેતુઓ માટે ના વિવિધ સેવા કાર્યો તેમજ અધ્યાત્મલક્ષી પ્રકલ્પો હાથ ધરવામાં આવશે જેનું વિરાટ આયોજન થઈ રહેલ છે. લેખંબામાં આ નવસંપાદિત જમીનનું ભૂમિપૂજન તારીખ નવમી એપ્રિલ ૨૦૨૨, શનિવારે ‘અન્નપૂર્ણા પૂજા’ ના પાવન દિવસે સવારે ૯ વાગ્યે સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન, બેલુર મઠના ઉપાધ્યક્ષ પૂજ્ય સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ હસ્તે થશે.
આ કાર્યક્રમમાં વિશેષ પૂજા પ્રસંગે પ્રસિદ્ધ ગુજરાતી ગાયક શ્રીનિકુંજ નિરંજનભાઈ પંડયાના ભજનો અને સ્વામી સુખાનંદજી દ્વારા ‘રામચરિતમાનસ’ રજુ થશે અને પૂજ્ય સ્વામી સુહિતાનંદજીના આશીર્વચન અને પ્રાંસગિક ઉદબોધનો રહેશે, આ પ્રસંગે ગુજરાતના વનમંત્રી શ્રી કિરીટસિંહજી રાણા વિશેષ ઉપસ્થિત રહશે. ઉપરાંત રામકૃષ્ણ કુટિર અલ્મોડા (ઉત્તરાખંડ) ના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજી, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી, રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદિપાનંદજી, રામકૃષ્ણ મઠ (સૂચિત), ભુજના અધ્યક્ષ સ્વામી સુખાનંદજી, રામકૃષ્ણ મિશન લીંબડીના સચિવ સ્વામી ગુણાશ્રયાનંદજી, રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી ઇષ્ટમયાનંદજી, રામકૃષ્ણ મઠ (સચિત), આદિપુરના અધ્યક્ષ સ્વામી મંત્રેશાનંદજી તેમજ સાણંદ-બાવળાના ધારાસભ્ય શ્રીકનુભાઈ કે. પટેલ, સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીઅરવિંદસિંહ વાઘેલા, સાણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ સ્નેહલબહેન કેયુરભાઈ શાહ અને લેખંબા ગ્રામપંચાયતના સરપંચ શ્રીઅભિસિંહ રૂપાભાઈ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં સતત સાડા ત્રણ વર્ષ વેદાંત અને ભારતીય સંસ્કૃતિનાં માહાત્મ્યને અદભુત પ્રાણવાન ભાષણો આપીને ભારત પાછા આવીને આજથી સવાસો વર્ષ પહેલા સ્વયં સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની સ્થાપના બેલુર મઠ, હાવરા (પશ્ચિમ બંગાળ) ખાતે કરી હતી. તેમાંથી આ સંસ્થા દેશ વિદેશમાં વિસ્તરી છે. ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ ૯૫ વર્ષ જુનું શાખા કેન્દ્ર છે ત્યારબાદ લીંબડી, પોરબંદર, વડોદરામાં પણ કેટલાક વર્ષોથી કાર્યરત છે ભુજ અને આદિપુરમાં પણ સુચિત શાખા કેન્દ્ર તરીકે સેવારત છે. આ સિવાય ૧૯૮ ભારતમાં અને બાકીના ૬૭ જેટલા શાખા કેન્દ્રો વિદેશમાં આવેલા છે. આ મઠ-મિશન તેના ગુણવત્તાસભર અધ્યાત્મલક્ષી સેવા કાર્યો માટે વિશ્વભરની જનતામાં પ્રમાણિત અને આદરપાત્ર ગણાય છે.
આ ભૂમિ પૂજન કાર્યક્રમમાં લોકોને વધુમાં વધુ સંખ્યામાં સહર્ષ જોડાવા રામકૃષ્ણ મઠ, અમદાવાદના અધ્યક્ષ સ્વામી પ્રભુસેવાનંદજી તરફથી અનુરોધ કરવામાં આવેલ છે.
Ad..