નવદુર્ગાના સાતમા સ્વરૂપ એટલે કે, કાલરાત્રિ ની આરાધનાનો આજે દિવસ છે.

0
180

મિત્રો- શુભ સવાર.

હે મા જગતજનની જગદંબા.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ચૈત્રીના દિવસો જવા લાગ્યા છે અને આજે સપ્તમી છે. મા નવદુર્ગાના સાતમા સ્વરૂપ એટલે કે, કાલરાત્રિ ની આરાધનાનો આજે દિવસ છે. માતા કાલરાત્રિ નું સ્વરૂપ બિહામણું છે, અને સદગુરુ કૃપા એ સૌમ્ય સ્વરૂપની આરાધના કરવી એ જ સદા યોગ્ય માન્યું છે, છતાં આજે આંખ બંધ થતાં તરત જ કાલરાત્રિ સ્વરૂપના દર્શન થયાં. મૂળમાં તો કાળ ને પકડવાનો છે, પછી એ સમય સ્વરૂપે હોય, સમસ્યા સ્વરૂપે હોય, કે પછી સ્વભાવ સ્વરૂપે હોય. પરંતુ અત્યારે આ ત્રણે રીતે દરેક મનુષ્ય ઘેરાયેલો છે, એટલે કે સમય પણ સૌને વિપરિત લાગે છે, સમસ્યાઓ તો ઢગલાબંધ છે, અને સ્વભાવ પણ સુધરી શકતો નથી, અથવા તો બીજાના સ્વભાવને સ્વીકારી શકાતો નથી, અને સતત અપેક્ષા નિંદા વગેરે થાય છે. માતા કાલરાત્રિ સિવાય આપણને આ સંજોગમાંથી કોણ બહાર કાઢી શકે, અને એટલે એ સ્વરૂપનું અનુસંધાન કરવાનું છે. આમ પણ સાંપ્રત સમયમાં અત્યારે રાષ્ટ્રમાં હિન્દુત્વનો ઉભરો વર્તાઈ રહ્યો છે, ત્યારે સનાતન ધર્મી એ સ્વયં કાલરાત્રિ બની એટલે કે આપણું ઉગ્ર સ્વરૂપ દેખાડવું પડશે. પરંતુ ઉપાસના ની વાત કરીએ તો મૂળમાં તો ભાનુ ચક્ર, આજ્ઞા ચક્ર, કે વિશુદ્ધ ચક્ર ના નામે રહેલા બે નેત્રની મધ્ય ઉપર આવેલા ચક્ર પર શક્તિ ને કેન્દ્રિત કરી, ત્યાં તેજ પ્રગટાવવાનું છે, અને આ ક્રિયા માં સૂર્ય એટલે કે ભાનુદેવ આપણને સાથ આપે છે,સાક્ષી બને છે,તેમજ તેજ પણ આપે છે, માટે તેને ભાનુ ચક્ર કહેવાય છે.આ ઉપરાંત સદગુરુ ભગવાન નું પણ એ જ ચક્ર પર સ્થાન બતાવાયું છે તો ધ્યાન કરી એની આજ્ઞા પાલન કરવાનું હોય છે, એટલે તેને આજ્ઞા ચક્ર કહેવાય, અને બંને ક્રિયા ફલીત થાય તો બુદ્ધિ વિશુદ્ધ થાય છે, એટલે વિશુદ્ધ ચક્ર પણ કહેવામાં આવે છે. ભગવાન સૂર્યદેવના તેજ પથરાય નહીં, બુદ્ધિ શુદ્ધ થાય નહીં, અને સદગુરુ આજ્ઞાનું પાલન ન થાય ને તો સત્વગુણ દેખાતા નથી. તત્વતઃ જીવ ગુણમયી છે, એટલે કે ત્રણે ગુણો તેનામાં રહેલા છે. પણ માત્રાની વધઘટને કારણે સત્વગુણ દબાઈ ગયો છે, અને માત્ર ને માત્ર આ ત્રણ ક્રિયા થીજ આપણે આપણા સત્વગુણ નું દર્શન કરી શકીશું. તો આજે આપણે ચિંતનમાં સત્વગુણ વિશે વાત કરીશું.

પૃથ્વી પર જન્મ લઈને આવનાર દરેકે દરેક જીવ આ ત્રણે ત્રણ ગુણ ધરાવે છે, અને આપણે પણ આ ગુણમયી માયાજાળ ને કાપવા, આ ચૈત્રી નવરાત્રિમાં સત્ય સુધી પહોંચવા માટે ઉપાસના કરી રહ્યા છીએ, કે અનુષ્ઠાન કરી રહ્યા છીએ. સામાન્યથી સામાન્ય જીવ પણ આ અનુષ્ઠાનનો હિસ્સો બને, અને આ તરફ ડગલા ભરે, એ માટે થઈને આપણે નવ દિવસ ના ભાગ પાડ્યાં. એટલે કે પ્રથમ ત્રણ દિવસમાં તમસના ભાવોને ત્યજ્વાની ક્રિયા, બીજા ત્રણ દિવસમાં રજસ નું વર્ગીકરણ, અને ત્રીજા ત્રણ દિવસમાં સત્વની પ્રધાનતા થઈ જાય તો ભયો ભયો. પરંતુ પ્રથમ દિવસથી ત્રણે ક્રિયા એક સાથે કરવાની હોય છે એટલે કે, તમસ ને ત્યજવા માટે પ્રાર્થના,રજસ ગુણના પાનનો ભાવ રહે એ માટે જીવ શિવ ચરિત્રનો સ્વાધ્યાય, અને સત્વની પ્રધાનતા માટે ધ્યાન ધરવું. રજસ એ રજ જેટલો જ પર્યાપ્ત છે, પણ તેના વગર સંસારી જીવને જીવનમાં રસ આવતો નથી, એટલે જ સનાતન ધર્મ માં તેને ત્યજવાની વાત કરી નથી. પરંતુ રજસના અતિરેક ને કારણે મમતા અને મમત બંને દૂષણ આપણે કારણે જ બની ગયા છે. આપણે આપણી હેસિયત મુજબ મોહ અને મમતા બંને નિભાવવાનાં હોય,પણ આપણે એ વાત ભૂલી ગયા, અને વસ્તુ પદાર્થ પ્રત્યે વધુ ને વધુ મમત રાખવા લાગ્યા,અને આમ જરુરીયાત વધારી દીધી. તેમજ મમતાને નામે પણ સંતાનોને યોગ્ય છે કે અયોગ્ય એ જોયા વગર ખૂબ સુખ સગવડતા આપ્યા. વસ્તુ કરતાં વ્યક્તિ નું મહત્વ વધારે હોવું જોઈએ, એ સંસ્કાર આમાં ચૂકાઈ ગયો, અને વસ્તુ ન મળતાં સંતાન સહન કરી શકતા નથી. પરંતુ માની લ્યો કે જેમ તેમ કરીને કદાચ એ તબક્કો પૂરો થઇ ગયો, પણ પોતાના ત્યાગ અને બલિદાન ના ભાર નીચે મમતા દૂષિત બની. એટલે કે આપણે આટલું આટલું કર્યું અને છતાં એ લોકોને તો કદર જ નથી, એવો ભાવ આવ્યો, અને એમાંથી જ ઘર્ષણ શરૂ થયાં. બસ મોટાભાગના પરિવારની આ જ પરિસ્થિતિ છે, પહેલા લોન લઈલઈને પોતાના સંતાનને સુખ સગવડતા અને શિક્ષણ તેવી બધી જ માંગ પુરી કરે, પછી સંતાન પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે માતા-પિતાનું ઘર છોડી અને અન્ય જગ્યાએ ચાલ્યા જાય, અને ત્યારે આ ભાવ થવો બહુ સ્વાભાવિક છે. આપણે ગઈકાલે પશુ-પંખી અને પ્રાણીની મમતા વિશે વાત કરી રહ્યા હતાં, તો પશુ-પંખી ઓ પોતાની હેસિયત મુજબ પોતાના બચ્ચાનો ઉછેર કરે છે, અને સાથે સાથે એક બીજા સત્યનો પણ પશુ પંખીઓ સ્વીકાર કરે છે, કે ગમે તે થાય પણ પાંખ આવશે એટલે બચ્ચું ઉડી જ જવાનું છે. જ્યારે આપણે આ સત્ય આસાનીથી સ્વીકારી શકતા નથી અને એને કારણે મમતા દુષિત થાય છે.

સત્વની વાત કરીએ તો, દરેક જીવ ત્રણ શરીર ધરાવે છે, સ્થૂળ શરીર,સુક્ષ્મ શરીર,અને કારણ શરીર. સ્થૂળ શરીર રૂપે આપણે તેની બહુ માવજત કરી, અને ઘણીવાર ભોગ આનંદ આપશે એવી હું દ્વિધામાં ભોગી પણ બની ગયાં. એટલે કે સૂક્ષ્મ શરીર ને નજર અંદાજ કર્યું, આત્માની વાત સાંભળી નહીં, અને એને કારણે અંધકાર જેવું જીવન થઈ ગયું. આ અંધકારમાં પ્રકાશ, એટલે કે તેજ પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. તત્વતઃ સત્વગુણ પોતેજ તેજ ધરાવે છે, પ્રકાશમાન છે, અને જીવન જીવવા માટે પર્યાપ્ત અજવાળું આપી શકે છે, પણ મૂળમાં તેની વાત માનવી જોઈએ તો આ ક્રિયા ફલિત થાય. એટલે કે પોતા પણું જાગૃત થાય, આત્મ વાણી સાંભળી ને જીવવું જોઈએ, તો જ આ સંભવ બને, અને એની માટે થઈને ધ્યાન જરૂરી છે. ધ્યાન કરવા માટે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શરૂઆતના તબક્કામાં હું એક શુદ્ધ ને પવિત્ર આત્મા છું, એવું વારંવાર બોલવાનું હોય છે. ધીરે-ધીરે આપણી નિષ્ઠાના સાકાર સ્વરૂપ ને ત્યાં આગળ જોવાની કોશિશ કરવાની હોય છે, અથવા તો ધારણા કરવાની હોય છે, અને આ રીતે પરમ તત્વ સાથે અનુસંધાન કરવાનું હોય છે. પરંતુ સંસારની મોહ-માયા એટલી ઝડપથી તૂટતી નથી, અને વિચારો ઉત્પાત મચાવે છે, એટલે કે ઈન્દ્રિયો ને કોઈ કર્મ નથી હોતું પણ મનની ચંચળતા તીવ્ર ગતિએ કામ કરે છે.કારણ કે ખાલી બોલવાથી કર્મ થાય નહીં. એટલે કે હું એક શુદ્ધ અને પવિત્ર આત્મા છું, એવું બોલી દેવાથી એ સાબિત થતું નથી, અને એની માટે થઈને આપણી દિનચર્યામાં આપણે સત્વગુણની પ્રધાનતાનો મુખ્ય ગુણ એટલે કે ઉદારતા સાબિત કરવી પડે, અને એટલે જ ઉદાર બનવું પડે, કે જે આપણો મુખ્ય સ્વભાવ છે. ત્યારે કંઈક પરિણામ મળે,અને ત્યાં આગળ તેજ કે પ્રકાશ પથરાય.

સત્વ ગુણ જીવને ઉદાર બનાવે, રજસ ગુણ ઉદર વૃત્તિ વધારે, એટલે કે દરેક વસ્તુ પદાર્થની ભૂખ વધે, અને તમસ ગુણ ઉંદર વૃત્તિનું કામ કરે, એટલે કે સતત ઈર્ષા નીંદા ક્રોધ હિંસા કરીને કંઈક ને કંઈક કાપે. તત્વતઃ બધા જ જીવ આ ત્રણે ગુણોના આવરણ ધરાવે છે, એટલે કે માત્રા ભેદ હોઈ શકે, પણ કોઈ બાકાત નથી, એ સત્ય સમજવું પડે. એટલે જેમ તમસ અને રજસ પ્રવર્તમાન સમાજમાં પરાકાષ્ઠાએ દેખાય છે, તેમ સત્વગુણ પણ હોવ તો જોઈએ, અને તેની શોધ આપણે કરવાની છે.

આપણે આ વાત સમજવા માટે યુગનું ઉદાહરણ જોઈએ, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, અને કળિયુગ એમ યુગની ગતિ બતાવી છે. એટલે કે કાળ ચક્ર કે સમયનું ચક્ર ચક્રાકારે આ રીતે ફરે છે. સતયુગ નામ જ સત્વગુણની પ્રધાનતા વાળા લોકો હતા એના પરથી નક્કી થયું, એટલે કે તે સમય ના સમાજમાં લોકોને સત્વગુણની પ્રધાનતા સાબિત કે સિદ્ધ કરવી પડતી નહીં, જન્મથી એ લોકો પ્રમાણમાં પહેલેથી જ ઉદાર હતા, અને એની માટેના કારણો પણ આપણે જાણીએ છીએ, કે તેઓની જરૂરીયાત સીમિત હતી, આહારને નામે તેઓ અભક્ષ્ય ભોજન નહોતાં કરતા,અને શુદ્ધને સાત્વિક આહાર ગ્રહણ કરતાં. અથવા તો જે કંઈ ગ્રહણ કરતાં તે, પોતાની જીવન ટકાવી રાખવાની પ્રાથમિકતા પૂરતુ સીમિત હતું. જ્યારે આજે તો જાણે ભોગ માટે જ જીવન છે, એવું જીવાઈ રહ્યું છે. પરંતુ ત્યારે પણ અસુરો હતાં, એટલે કે શુભ નિશુંભ મહિસાસુર, ભષ્માસૂર વગેરેનો ઉલ્લેખ આપણને મળે છે. આ જ રીતે ત્રેતા અને દ્વાપર માં પણ રાવણ, કુંભકર્ણ મારીચ શૂર્પણખા, કંસ, કૌરવ શકુનિ રૂપે અસૂર તત્વ હતાં. જ્યારે આજે કળિયુગમાં તો બધાના જીવન અસૂર નહીં તો બેસૂરા જ થઈ ગયા છે.ક્યાંય પ્રસન્ન થઈ જવાય, એવું જીવન સંગીત અનુભવાતું નથી. આપણને એમ થાય કે અમુક ઉંમર સુધી જ આ બધું નડતું હશે, પછી ઈન્દ્રિયો શીથિલ થઈ જતા શાંત થતી હશે, એટલે કે રાગ-દ્વેષ મોહ-માયા મમતા વગેરે છુટતુ હશે. પરંતુ આપણે જોઈએ છીએ,કે ઉંમર મની અંતિમ અવસ્થા સુધી આ ભાવ છુટતા નથી. સદગુરુ કૃપા એ ચિંતનની ક્ષણે ઉપરાંત સામાજીક વાર્તાઓ પણ લખાતી હોય છે, ત્યારે એક વાર વૃદ્ધાશ્રમ પર એક રચના એટલે કે વાર્તા લખાઈ હતી, અને તેના પ્રતિભાવમાં એક વ્યક્તિએ આ સવાલ કર્યો હતો કે, બેન શું તમને એવું લાગે છે કે વૃદ્ધાશ્રમો ભરાય છે, એ માટે માત્ર ને માત્ર યુવાનો જ જવાબદાર છે? વિચારવા જેવો પ્રશ્ન ખરો! ખેર આપણે ઉંમરના જે મુકામે હોઈએ, ત્યાં તમસને ત્યજવા માટે, રજસ સત્વ બંને ગુણની જરૂર પડશે, જો રજસ ખત્મ થઈ જશે, તો જીવનમાં કંઈ રસ અનુભવાતો નથી. પણ સત્વગુણની માત્રા યથાર્થ બની રહે, બ્રહ્મનું તેજ અનુભવાય એવી સ્થિતિ જળવાઈ રહે, એ માટે તેનું પાન કરવાનું છે, એ વાત સતત યાદ રાખવાની છે. આપણી દિનચર્યાની નોંધ રાખવી, ચિંતન કરવું, અને સતત જાગૃતિ રાખી, આ ભાવ રાખવાનો છે, ત્યારે આપણે સત્વની પ્રધાનતા સિધ્ધ કરી શકીશુ. તત્વની પ્રધાનતા એ જ સંસ્કાર બને છે, અને સંસ્કાર મુજબ જ સ્વભાવ બનતા હોય છે, તો એ વાત આપણે આવતીકાલના ચિંતનમાં કરીશું, અને નોમને દિવસે તો જ સત્યનો જન્મ એટલે કે રામ જન્મ થશે. આપણે સૌ આપણા માંજ પડેલા એ આત્મતત્વ રૂપે બ્રહ્મતેજ ને અનુભવી શકીએ, અને તેના દિવ્યા પ્રકાશમાં જ જીવન માર્ગ અજવાળી, આ સફર પૂરી કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here