મિત્રો- શુભ સવાર.
હે મા જગતજનની જગદંબા.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે દુર્ગાષ્ટમી નો દિવસ છે અને મા નવદુર્ગાના આઠમા સ્વરૂપ મહાગૌરીની આરાધના કરવાની છે. ગઈ કાલે આપણે ભાનુ ચક્ર પર શક્તિ કેન્દ્રિત કરી શક્તિપાત કરી અને તેજ પ્રગટાવવું અથવા તો પ્રકાશ અર્જિત કરવાની વાત કરી હતી. સત્ય પોતેજ પ્રકાશમય છે, એ રીતે તેજ એટલે જ સત્ય થાય. અને પ્રકાશની હાજરીમાં જે રૂપ સ્વરૂપના દર્શન થાય તે બધું જ પ્રકાશમય અથવા તો તેજસ્વી દેખાય. આ તેજમાં મહાગૌરી ના દર્શન જીવને વધુ પ્રસન્ન અને પવિત્ર બનાવે એ માટે આ શ્લોકનો જાપ કરવામાં આવે છે.
श्वेते वृषे समारुढा श्वेताम्बरधरा शुचिः |
महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा ||
માતા પોતેજ ગૌરવર્ણ ધરાવે છે, અને શ્વેત વસ્ત્રે તે નંદી પર સવાર થયેલી છે. તે ચતુર્ભુજા છે, એક હાથમાં ડમરુ અને એક હાથમાં ત્રિશુલ છે, એક અભય મુદ્રા બતાવે છે, અને એક વરદ હસ્ત એટલે કે પોતાના સાધકો પર આશીષ વરસાવે છે. મહાગૌરી સ્વરૂપે મા પાર્વતી રહેલા છે, હિમાચલ ને ત્યાં જન્મ લીધા બાદ તેમણે શંકરને પતિ તરીકે પ્રાપ્ત કરવા કઠિન તપશ્ચર્યા કરી હતી, અને એને કારણે તેનો વાન કાળો થઈ ગયો હતો અથવા તો કાલરાત્રિ સ્વરૂપ પણ કાળું છે. એટલે કહેવાય છે કે ભગવાન શંકરે ગંગાજળથી તેને સ્નાન કરાવ્યું, અને મહાગૌરી સ્વરૂપ પ્રાપ્ત થયું, જે પોતે ગૌર રંગ ધરાવે છે. ગંગાજળ ને પણ આપણી સંસ્કૃતિમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, અને તેનાથી સ્નાન કરવાથી જન્મોની કાળાશ એટલે કે કકળાટ જાય છે, એમ મહાગૌરીની આરાધનાથી પછી પાપ બચતા નથી, અને અક્ષુણ્ણ પુણ્ય જમા થાય છે,કે જેનો ક્યારેય નાશ થતો નથી. નંદીને પણ આપણે ત્યાં ધર્મ કહેવાયો છે, એટલે કે જે સનાતન ધર્મ છે,જે આપણી સંસ્કૃતિ છે, એના પગલે ચાલીએ તો પણ મહાગૌરીની આરાધના કરી એવું સાબિત થાય. આ ઉપરાંત તેજ એ તિમિર ના અસ્તિત્વ નો નાશ કરનાર છે, અને આપણા શાસ્ત્રો મુજબ તમસને તિમિર કહેવામાં આવ્યું છે. એટલે એ રીતે પણ અંધકાર જતા અજવાળું પથરાય. આપણે ગઈકાલે સંસ્કાર યોગ્ય હોય જ તો સ્વભાવમાં સાત્વિકતા બની રહે,અને એ પ્રમાણે સ્વભાવ અનુભવાય છે.પણ અહીં પણ ખતરો છે,તેજ તપાવે પણ ખરું! અને એને બેલેન્સ કરવા જ રજસની મહત્તા છે. આ ઉપરાંત મનુષ્ય ના શરીર ની વાત કરી હતી, સ્થૂળ સુક્ષ્મ અને કારણ શરીર તો આજે આપણે, સ્થૂળ શરીર થી થતું એવું કયું કર્મ છે,જે આપણાં સુક્ષ્મ શરીર ને પુષ્ટ કરે છે, અને એને કારણે કારણ શરીર ના આભા વલયમાં કાંતિ આવે છે,એ પણ તેજોમય બને છે, એ વિશે ચિંતનમાં વાત કરીશું.
સર્વપ્રથમ તો સંસ્કાર કોને કહીશું? આપણે વાત વાતમાં આ શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ, કે ફલાણાએ તો એના સંતાનને સંસ્કાર આપ્યા જ નથી લાગતાં, કે પછી જોયું તેના સંસ્કાર કેટલા સારા છે, કે તે આ રીતે સૌ સાથે હળીમળીને રહે છે. મૂળમાં સંસ્કૃતિ પરથી સંસ્કાર શબ્દ આવ્યો છે. એટલે કે જે તે વ્યક્તિએ પોતાની સંસ્કૃતિ મુજબ જીવવું જોઈએ, અને તેના જીવન આચારને જ સંસ્કાર કહેવામાં આવે. આપણે સૌ જાણીએ છીએ કે હિંદુ સનાતન ધારા મુજબ એનાં મુખ્ય ચાર સ્તંભ કે સૂત્ર છે. માતૃદેવો ભવઃ પિતૃદેવો ભવઃ આચાર્ય દેવો ભવઃ અને અતિથિ દેવો ભવઃ. સીધીસાદી વ્યાખ્યા કરીએ તો જે આ ચાર સૂત્રોને મહત્વ આપીને જીવે તેને સંસ્કારી કહેવાય. ઉપરાંત આ ધરા પર જ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણનો જન્મ થયો છે, અને આપણે તેના વંશજ કહેવાઇએ છીએ. તો ગીતાના આધારે સમગ્ર સૃષ્ટિમાં વસતા સચરાચર જીવમાં પરબ્રહ્મ સ્વરૂપે આત્મા વસે છે. આ સત્ય અનુસાર ઈશ્વર તત્વ કે બ્રહ્મ તત્વને જાણવા માંગનારા આપણે સૌએ અન્યમાં રહેલા બ્રહ્મને સ્વીકારવો પડે, આદર આપવો પડે, અને તેની સાથે પ્રેમાળ વ્યવહાર રાખવો જોઈએ,અને ઈશ્વર જેમ બિન શરતી પ્રેમ કરવો જોઈએ. અત્યારે હરિદ્વારમાં બાબા રામદેવના આશ્રમમાં રામકથા ચાલી રહી છે અને એ કથા અંતર્ગત બાપુએ ઈશ્વર વિશે બહુ સરસ વાત કરી હતી કે, ઈશ્વર પોતાના ગુણોને જાણતો નથી એટલે કે તે પોતાની મહાનતા ભૂલી જાય છે, અને તેને ભજવા વાળા કે ન ભજવા વાળા સૌની મદદ કરે છે,એ ભેદ કરતો નથી. ઈશ્વર તેનું અહિત કરનાર ને પણ ભૂલી જાય છે,અને તેના વિપરીત સંજોગોમાં તેને મદદ કરે છે.બીજા બે કારણ પણ કહ્યા હતા,જે અત્યારે પ્રવાહમાં નથી આવતાં. પરંતુ ઈશ્વર ચરિત્ર માંથી આ બે વાત પણ પકડાઈ જાય તો પણ ઘણું સારું. એટલે કે પારિવારિક જીવનમાં સંસ્કૃતિ મુજબ ના ચારે ચાર સૂત્રો મુજબ જીવવું અને સામાજિક જીવનમાં આ બે મુખ્ય ગુણ અપનાવીએ તો આપણે સંસ્કાર મુજબ જીવ્યા કહેવાઈએ. માતા-પિતાને માન આપવું, આચાર્ય કે ગુરુને માન આપવું, અને સમય કસમયે આપણે ત્યાં આવનાર સાથે પણ માન સન્માન પૂર્વક નો વ્યવહાર કરવો, એ હિંદુ સંસ્કૃતિની મુખ્ય વાત છે. આ રીતે જીવતા હોય એના જીવનમાં રાગ-દ્વેષ, ઈર્ષા નિંદા, અને અહમ આગ્રહ જેવા ભાવને દૂષિત કરનારા તત્વો રહેતા નથી, અને એને કારણે તેના જીવનમાં પ્રસન્નતા રહે છે. ભાવ દૂષિત ન થાય એટલે તેના સ્વભાવમાં ઉદારતા દેખાય, પ્રેમાળ દેખાય, માયાળુ હોવાનો અનુભવ થાય, આ ઉપરાંત જ્ઞાનને કારણે તેજસ્વિતા વરતાય, અને સાથે સાથે જો સામાજિક રીતે પણ માનવતા નો ધર્મ અદા કરે, તો લોકપ્રિયતા પણ પ્રાપ્ત કરે. એટલે કે યશ કીર્તિ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય. આ બધું જ કર્મ તેના જીવનમાં સ્તવ ની પ્રધાનતા ને સ્વીકારવાથી થાય છે. એટલે કે સંસ્કૃતિગત સંસ્કાર મુજબનું જીવન એને સત્ય તરફ પ્રેરિત કરે છે. સત્ય ના આચરણથી દસેય દિશામાં એની ખ્યાતિ ફેલાય છે.
સદીઓથી માનવી જીવનમાં સુખ શાંતિ અને પ્રસન્નતા બની રહે એ માટે કોઇને કોઇ રીતે ઇશ્વર અનુસંધાન કેળવતો આવ્યો છે. યુગ પ્રમાણેના તેના સાધન પણ બતાવ્યા છે, એટલે કે સતયુગમાં ઘ્યાન ને યજ્ઞ કરવામાં આવતાં, ત્રેતામાં સાધના,અને તપ કરવામાં આવતું દ્વાપરમાં વ્રત અને ક્રીયાકાંડ અને કળિયુગમાં નામ સ્મરણથી આ ક્રિયા સંભવ બને છે એટલે ધર્મ અધર્મ ની રીતે ન જોઈએ, તો સૌથી સહેલુ સાધન કળિયુગ માટે બતાવાયું છે, અને છતાં મનની મલિનતા ને કારણે એ પણ શ્રદ્ધાથી થતુ નથી. મૂળ માં તો માનવી પોતે પોતાના જીવનથી ખુશ નથી, એટલે તે ઈશ્વરનું અનુસંધાન કરે છે, કારણ કે ઈશ્વર ઉદાર છે, કૃપાનિધાન છે, કરુણાકર છે, તેના દ્વારે જવાથી તે મને ખુશીઓથી ભરી દેશે, મારું જીવન પછી પ્રસન્ના રહેશે, મારી આધિ વ્યાધિ અને ઉપાધિ ની મુક્તિ ત્યાંજ છે. પરંતુ ઈશ્વરને આપણે સચ્ચિદાનંદ કહ્યો છે, અને એ જ ઈશ્વરના અંશ તરીકે આપણી અંદર પણ આત્મા વસે છે, એટલે કે આનંદ તો અંદર પણ છે,પણ આપણે તેને ઓળખી શકતા નથી. પરંતુ જો ઈશ્વરની જેમ બિનશરતી પ્રેમ કરતા આવડી જાય, આત્મા વાણી સાંભળી અને ખોટું કરતા હાથ રોકાઈ જાય, મતિ ભ્રષ્ટ થતી અટકી જાય, તો કંઈક પરિણામ મળે. આપણે સૌએ જેને જેને ઈશ્વર તરીકે સ્વીકાર્યા છે, એના ફોટા જોયા છે, અને તેના મુખ મંડળ આજુબાજુ પ્રકાશ દર્શાવતા વલયો દેખાડવામાં આવે છે, અને તેને આભા વલય કહેવામાં આવે છે. દરેકે દરેક જીવ માં કારણ શરીર વૃદ્ધિ પામે છે, અને પોતાની રહેણી કરણી કે વિચારો ને કારણે આ આભા વલયની વૃદ્ધિ બતાવી છે. જેને ઓરો પણ કહેવામાં આવે છે,અને ઓરો સારો પણ હોય અને ખરાબ પણ હોય, એટલે જ આપણે ત્યાં સંગત કુસંગતને ખૂબ મહત્વ અપાયું છે. સાધુ સંતો અને સંન્યાસીનો એટલે જ આપણે ત્યાં સંગ કરવાનું કહેવામાં આવ્યું છે, અને સત્સંગ નો મહિમા પણ બતાવાયો છે, અને શરણાગતિ સુધી જઈએ તો વગર સાધના એ આ દિવ્ય પ્રકાશની અનુભૂતિ પણ થાય. જ્યારે ખરાબ ઓરો વાળા ના સંગમાં રહીએ તો આપણી બુદ્ધિ વધુ મલિન થાય, અને સતત નિરાશા, દુઃખ, ભય, તેમજ અન્ય વિકારીત ભાવ ઉદ્ભવ થાય, અને આવું થાય ત્યારે આપણે ત્યાં કુંડાળા માં પગ પડી ગયો એવું વારંવાર બોલાતું હોય છે
પરંતુ માનવી પ્રભાવિત ઝડપથી થઈ જતો હોય છે, અને પ્રભાવ તો આડંબરથી પણ ઉભો થઈ શકે. એટલે કે બહારી પોશાક કે શિષ્ટાચાર થી પણ પ્રભાવ વધારી શકાય, અને જ્યાં પાયામાં સત્ય રહેલું ન હોય એવા પ્રભાવિત વ્યક્તિ ના સંગથી કારણ શરીર કે સુક્ષ્મ શરીરને પુષ્ટિ મળતી નથી. સૂક્ષ્મ શરીર અને કારણ શરીરને પુષ્ટ કરવા માટે ઈશ્વર જેમ બીન શરતી પ્રેમ કરી, સ્વયં પરોપકારનો પુરુષાર્થ કરવો પડે છે. પોતાનું હિત ભૂલી જઈને પણ સર્વ ના હિતનું વિચારવું પડશે, ત્યારે આ બંને શરીર ને પુષ્ટિ મળે,અને તેજોમય આભા વલય ની રચના થાય. દીવા ને અગરબત્તી ની જેમ પોતે સળગે છે એ ભૂલી ને પણ પ્રકાશ ને સુગંધ પ્રસરાવી પડે, ત્યારે આ કાર્ય થાય. માનવતાના કાર્ય તો આજે પણ સમાજમાં થાય છે, અને તો જ સમાજ ઊભો છે, એમાં કોઈ બેમત નથી. પરંતુ અગરબત્તી નું ઉદાહરણ એટલે જ આપવામાં આવ્યું છે કે, એ સળગે ક્યાંક અને સુગંધ ક્યાંક બીજે સુધી પહોંચે. દીવાનો પ્રકાશ પણ તેની આજુબાજુ રહેલા તમામ ના અંધારા દૂર કરે છે. એક સાથે એક જ કાર્ય થાય, એટલે દીવો જો અહમ કરે,કે હું જ પ્રકાશ ફેલાવો છું, અને અગરબત્તી જો અભિમાન કરે કે, મારે કારણે જ વાતાવરણ મઘમઘી રહ્યું છે,તો એ બંને વિચાર ખોટાં છે, પણ હું કાર્ય માટે નિમિત્ત બન્યો છું,એ જ પરમ સત્ય છે. એટલે કે ઘણીવાર સમગ્ર અસ્તિત્વના શુભ મંગલ માટે સદગુરુ કૃપા એ કોઈ શક્તિ પ્રાપ્ત થઈ હોય તો તેનો અહમ કે અભિનંદન કરવું એ યોગ્ય નથી, અને જો અભિમાન થાય, તો કારણ શરીર ના ના ભાવ રહ્યો એટલા કાંતિ માન રહેતા નથી, અને એને કારણે એના સંપર્કમાં આવનાર વ્યક્તિ તેનાથી માત્ર પ્રભાવિત થાય છે પ્રકાશિત થઈ શકતી નથી. પ્રવર્તમાન સમાજમાં પ્રસિદ્ધિથી ઓ તો બધાએ ખૂબ જ પ્રાપ્ત કરી છે, પરંતુ તેનો મૂળ હેતુ સચવાઈ રહેતો ન હોવાથી, પદ પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ બધું જ પ્રભાવિત કરી શકે છે, પ્રકાશિત કરી શકતું નથી. જો આપણી જાત અને અન્યની જાતને પ્રકાશિત કરવી હોય તો, આ આભા વલયમાં દિવ્ય કાંતિ હોવી બહુ જરૂરી છે. આપણે સૌ આપણા સ્થૂળ શરીરથી, મૂળ સંસ્કૃતિગત સંસ્કાર મુજબ જીવીએ,અને અન્ય ને મદદ થાય તો ઠીક છે,પણ ન થાય તો નડીએ નહીં, એવો નિર્ણય કરીએ તો પણ આપણાં સુક્ષ્મ શરીર અને કારણ શરીર પુષ્ટ થશે, અને અત્યાર કરતા પ્રમાણમાં વધુ દિવ્ય પ્રકાશ ધરાવતા આભા વલયની રચના થશે. તો મા આદ્યશક્તિ ના મહાગૌરી સ્વરૂપે આપણે સૌ પારિવારિક અને સામાજિક જીવનમાં પ્રગતિ કરી, શુભ મંગલ અને કલ્યાણ નાં લક્ષ્ય સુધી પહોંચી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના મા જગતજનની જગદંબા ને ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન-મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)