નવદુર્ગા ના નવમા સ્વરૂપ એટલે કે સિદ્ધિદાત્રી સ્વરૂપની આરાધનાનો દિવસ / આજે ચૈત્ર સુદ નોમ રામનવમીનો તહેવાર

0
225

મિત્રો- શુભ સવાર.

હે મા જગતજનની જગદંબા.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સર્વપ્રથમ તો આજે ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીનો તહેવાર છે, તેથી સમગ્ર વિશ્વને રામ નવમી ની ખુબ ખુબ વધાઈ, અને એ અવતાર પુરુષ ના ચરિત્ર માંથી જે કંઈ લઈ શકાય અને જીવન સુધારી શકાય એવા સજગુણ ને ગ્રહણ કરી અને આપણે આપણું જીવન મંગલ બનાવી શકીએ એવી શુભકામના.

Ad…..

આ ઉપરાંત આપણે ચૈત્રી નવરાત્રીનું અનુષ્ઠાન કરી રહ્યા છીએ ક્રમશઃ સચ્ચિદાનંદ ઘન આનંદસ્વરૂપ, એટલે કે વેદના ઉદઘોષક એવા બ્રહ્મને જાણવા પામવા કે માણવાની માટે થઈને આપણે આ અનુષ્ઠાન કર્યું છે. આજે નવદુર્ગા ના નવમા સ્વરૂપ એટલે કે સિદ્ધિદાત્રી સ્વરૂપની આરાધનાનો દિવસ છે.

માનવીના જીવનમાં સત્ય આવે તો એની પાછળ સત્ય એ જ બ્રહ્મ એ રીતે છ ભગ આવે છે, તેથી સત્ય એ જ સૌથી મોટી સિદ્ધિ છે,અને તેને પ્રાપ્ત કરવા જીવ ના શરીરમાં રહેલા આત્મ તત્વ નું સત્વ સમજવું પડે. પ્રથમ ત્રણ દિવસ તમસ ને જોઈને ત્યજ્વાની વાત કરી,અને તેના કેવાં કેવાં ભાવને કારણે જીવન દૂષિત થઈ રહ્યું છે,એ પણ જોયું. રજસ ગુણ નું પાન કરવાનું હોય, બસ એટલું જ પ્રાધાન્ય તેનું જીવનમાં રાખવું, એટલે જીવનનો રસ બરકરાર રહે.

પરંતુ આપણે એ સત્ય ભૂલી ગયાં, અને ભોગ રસમાં ડૂબવા લાગ્યાં. જેને કારણે દરેકે દરેક વસ્તુ પદાર્થની ભૂખ જીવને સતત ભોગ પ્રેરિત કરતી રહી, અને એને કારણે મમત અને મમતા બંને દૂષણ બન્યા, અને આપણા હાથે જ આપણે આ બંને રીતે જેને સુષુપ્ત રાખવાના હતાં એ ભાવ પ્રગટ થતાં, સત્વ ગુણની અધિષ્ઠાતા દેખાવી બંધ થઈ ગઈ,અને જીવમાં બ્રહ્મ તત્વ રુપે રહેલા આત્મા નું તેજ હણાવા લાગ્યું. જે આપણે છીએ એની કરતા વિપરીત જીવન જીવાતું હોવાથી બધાને માનસિક ને શારીરિક થાક લાગવા લાગ્યો, અને એને કારણે અંદરોઅંદર ના સંબંધો નું સત્ય ખોટાં ખોટાં અહમ આગ્રહ અને રાગ દ્વેષ ઈર્ષા નીંદા જેવા ભાવ ને કારણે પ્રેમ જ પરમાત્મા છે એ ભૂલાતું ગયું,અને આજે હવે ઘર્ષણ ને સંઘર્ષની હોળી બધા પરિવાર ને બાળી રહી છે, ત્યારે દાઝી ને આ પરિસ્થિતિમાં થી બહાર આવવા અંતરમાં રામ તત્વ પ્રગટ થાય, તો આ પરિસ્થિતિ માં સુધારો થાય.તો આજે આપણે અંતરમાં રામ તત્વ કંઈ રીતે પ્રગટ થાય એ વિશે વાત કરીશું.સર્વપ્રથમ તો રામચરિત માનસમાં જેમ મા પાર્વતીએ શંકર ને પ્રશ્ન કર્યો હતો કે, તેમણે જોયેલા ત્રેતાયુગના પત્ની વિયોગમાં ચિંતાતુર થયેલા એ આર્યપુત્ર જ શું વેદના ઉદઘોષક એવા શ્રી રામ પરબ્રહ્મ છે? અને આ જ પ્રશ્ન ભારદ્વાજ ઋષિ એ યાજ્ઞવલ્ક્ય મહારાજને કર્યો હતો. તત્વતઃ બંને જણાનો આ પ્રશ્ન યુગો સુધી સૌને જીવન જીવવાની રીત શીખવા માટે છે, એટલે તેનું વિસ્તૃત વર્ણન, ભગવાન રામની પુરી લીલાગાન સ્વરૂપે આ બંને મહાપુરુષો એ કર્યું. ભગવાન શંકરને આપણે સનાતન ધર્મના સંસ્થાપક તરીકે માનીએ છીએ,અને પોતે સંસારી તરીકે જીવ્યા હોય તેની વાત આપણે તરત સ્વીકારી શકીએ છીએ. આ ઉપરાંત આપણે ત્યાં રામ એજ સત્ય છે, અને સત્ય એ જ રામ એવી પણ વેદોક્ત વાત ને સ્વીકારવામાં આવી છે. એટલે એક રીતે કહીએ તો, જીવનમાં સત્ય સુધી પહોંચવું હોય તો, નિતી ને પણ આપણે ત્યાં સત્ય કહેવામાં આવે છે, તો નીતિ રૂપે સત્યને જીવનમાં મહત્ત્વનું સ્થાન આપી, આપણે રામ રૂપી સત્યને પામી શકાય. હૃદયમાં રામ તત્વ પ્રગટાવવુ હોય તો પાંચ પગથિયાની એક સીડી ચડી અને ત્રેતાના રામ કે વેદના ઉદઘોષક રામ જેવું ચરિત્ર આત્મસાત કરી શકાય.તાજેતરમાં હરિદ્વાર ખાતે પૂજ્ય બાપુની માનસ ગુરુકુલ રામ કથા ચાલી રહી છે અને એ અંતર્ગત તેમણે પંચ સત્યની વાત કરી,ને છોડી દીધી હતી. પરંતુ આપણે એ પાંચ પ્રકારના સત્ય સાથે શીલ જોડાય તો રામ તત્વ પ્રગટ થાય છે વિશે વિસ્તૃત વાત કરીશું.વિચાર.
માનવીના જીવનના બે સત્ય એ છે કે તે ક્રિયા કે કર્મ કર્યા વગર રહી શકતો નથી, એટલે કે તેનું સ્થૂળ શરીર કોઈને કોઈ કાર્યમાં સતત પ્રવૃત્ત રહે છે, અને તેની અદ્રશ્ય ઇન્દ્રિય મન દ્વારા પણ સતત કોઈને કોઈ વિચાર ઉદ્ભવે છે, આ દરેક જીવ સાથે જોડાયેલું નિતાંત સત્ય છે. સ્થૂળ શરીર સારા-ખરાબ કર્મ કે ક્રિયા કરે, અને એ રીતે મન સારા ખરાબ વિચાર કરે, અને એ મુજબ તેનું અંતઃકરણ ચતુષ્કોણ નું સંતુલન અસંતુલન હોય છે. એટલે ક્રિયા કે કર્મમાં નીતિ અને પ્રમાણિકતા ને મહત્વ આપવામાં આવે તો, વિચાર પણ સારા રહે, અને રહેવા જ જોઈએ એ જ સત્યશીલ વિચારવાન કહેવાય, જે રામ તત્વ પ્રગટાવવા માટે નું પ્રથમ પગથિયું છે. શીલ એક મર્યાદા પ્રેરક સંસ્કાર છે, અને એટલે જ આપણે સહનશીલ, સંવેદનશીલ, પ્રયત્નશીલ, લાગણીશીલ, વગેરે શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ. એટલે વિચારોમાં આપણી સંસ્કૃતિ મુજબની મર્યાદા નું શીલ જળવાય એવા વિચારો કરવા જોઈએ.ઉચ્ચાર.
પરમાત્મા એ માનવીને એકને વાણીનું વરદાન આપ્યું છે, અને આ જીભ ગમે તેવું બોલવાં માટે નથી. આ ઉપરાંત શબ્દને પણ આપણે ત્યાં બ્રહ્મ કહેવાયો છે, તો એની મર્યાદા અને એ પ્રકારે તેનું શીલ જાળવી અને ઉચ્ચાર એટલે કે આપણી બોલીથી કોઈ અભદ્ર વાત કહેવાય ન જાય, અશ્લીલતા કે ઉછાછણા પણું ન લાગે, એમ બોલવું જોઈએ. આ ઉપરાંત ભાષા પ્રેરક પણ તેને દોષ ન લાગે એ રીતે મીત ભાષી અને મધુરતાથી ઉચ્ચાર કરવો જોઈએ.ઉચ્ચાર સ્પષ્ટ અને સામેવાળા ને સ્પષ્ટ રીતે સમજાઈ જાય, ઉપરાંત તેની ગરિમા જળવાય રહે એમ બોલવું જોઈએ.આચાર.
આચાર એટલે આચરણ, અને સૌથી મોટી સમસ્યા ત્યાં જ આવીને અટકે છે. એટલે કે વિચારોમાં પણ આપણે સત્ય રાખી શકીએ, ઉચ્ચારમાં પણ રાખી શકીએ પરંતુ આચરણ આપણે જે વિચારતા હોઈએ એ મુજબનું થતું નથી ઘણીવાર આપણે એ રીતે પણ ન કરવાનું કરી બેસતા હોઈએ છીએ, અને ઘણી વાર હું એકલી કે એકલો શું કામ કરું? બધાંની ફરજ છે, બધા ને આમ કરવું જોઈએ, એમ સમજીને પણ કરતા નથી. ભૂલ આપણી ત્યાં થઇ કે આપણે સત્યનો પ્રચાર તો બહુ મોટા પાયે કર્યો, પરંતુ આચારમાં એટલું ઉતારી શક્યા નહીં, અને એને કારણે આજે આપણા જ દેશમાં આપણી આ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે, કે જેમાં આપણા અસ્તિત્વને ટકાવવું એ આજે એક યક્ષપ્રશ્ન થઈ ગયો છે. કોઈ પણ ક્ષેત્રની ચૂંટણી હોય તો લોકો જોરજોરથી તેનો પ્રચાર કરે છે, પરંતુ ચૂંટણીનું પરિણામ આવી જતાં પ્રચાર બંધ થઈ જાય છે. બસ એ જ રીતે આપણે સત્યનો પ્રચાર તો કર્યો, પણ આચરણ કરવાનો વારો આવ્યો ત્યારે હાથ પાછા લઈ લીધા. છેલ્લા થોડા વખતની વાત ના ઉદાહરણ પરથી જોઈએ તો કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ આવી અને દરેકે દરેક ક્ષેત્રે હિન્દુત્વનો નારો લાગ્યો, ટીવી મીડિયા, વર્તમાન પત્ર મીડિયા, અને સોશિયલ મીડિયાએ ગજબ ની ખુમારી દેખાડી. પરંતુ સોડા બોટલ નો ઉભરો હોય તેમ હવે બધું જ સમ થઈ ગયું, અને જ્યાં ન સહન કરવાનું હોય ત્યાં સહન શક્તિ દેખાડી અને હિન્દુ પ્રજા શાંત થઈ ગઈ. શું કામ? કારણ કે એની માટે થઈને આચરણ કરવાનું હતું, એની માટે ત્યાગ કરવાનો હતો, એની માટે બલિદાન દેવાના હતાં, જે આપણાથી થઈ શકે એમ નથી. તો રામ તત્વ પ્રગટાવવા માટે આચરણ એ મહત્વનું પગથિયું છે, સત્યના આચરણ ને જીવનમાં ઉતારીશું, તો જ જીવન સત્ય અને જીવનની પ્રસન્નતા બરકરાર રહેશે.શિષ્ટાચાર.
બાપુએ વ્યવહાર શબ્દ વાપર્યો હતો પરંતુ પ્રાસ માટે મેં અહીં શિષ્ટાચાર શબ્દ લીધો છે. અહીં પણ પ્રવર્તમાન સમાજ વિસંગતતા અનુભવે છે. એટલે કે બહાર દંભ દેખાડો કરી અને પોતે ઉચ્ચ વિચારો ધરાવે છે, ઉચ્ચ આચરણ ધરાવે છે, એવું સાબિત કરે છે, અને ઘરના સાથે અંદરોઅંદરના સંબંધમાં શિષ્ટાચાર રાખતો નથી. અથવા તો અંગ્રેજોના આ થેન્ક્યુ સોરી શબ્દ નો પ્રયોગ કરી અને ગમે તે વાત માંથી છટકી જાય છે. ઘણી ભૂલ નું પ્રાયશ્ચિત માત્ર સોરી બોલવાથી દરેક વખતે નથી થતું, એ મૂળ સત્ય છે. આપણે રામકૃષ્ણના વંશજ છીએ, અમુક સંસ્કાર અને અમુક મર્યાદા એ આપણા જીવનની પ્રાથમિકતા હોવી જ જોઈએ, અને એ કેમે ન ભુલાય એ બહુ મહત્ત્વનું શીલ છે. એટલે અંદરોઅંદરના પારિવારીક તેમજ સામાજિક સંબંધોમાં શિષ્ટાચાર નું સત્ય એટલે કે સાતત્ય જળવાવવું બહુ જરૂરી છે. આપણે પહેલા શબ્દ પ્રયોગ કરતાં કે તેનું તો પોસ્ટ કાર્ડ જેવું જીવન છે, જેને આસાનીથી સૌ કોઈ વાંચી શકે. ઉપરાંત આજની વાસ્તવિકતા એ છે કે જે એકાંતમાં થવું જોઈએ,એ છેડે ચોક‌ થાય છે. એટલે કે સ્ત્રી પુરુષના સંબંધમા, પ્રેમને નામે લેવાતી છૂટ એ આપણો શિષ્ટાચાર નથી,એ મર્યાદા ચૂક છે, છતાં આધુનિકતાને નામે બધું સ્વીકારાય છે. આ ઉપરાંત અભક્ષ્ય ભોજન લેવું,દારુ વગેરે નશો પ્રેરિત કરતા પીણાં પીવા, ડ્રગ્સ વગેરેનું વ્યસન કરવું આ બધું આપણો શિષ્ટાચાર નથી, તો ત્યાં સત્ય નું સાતત્ય થવું બહુ જરૂરી છે.ઉપચાર.બાપુ એ સ્વીકાર શબ્દ પ્રયોગ કર્યો,અને સ્વીકાર એ જ તો મૂળભૂત રીતે આજની પરિસ્થિતિ નો ઉપચાર છે એટલે એ રીતે પ્રાસ મેળવ્યો છે. જીવને દરેક પ્રકારે શાંતિ મેળવવા માટે કે જીવનમાં પ્રસન્નતા મેળવવા માટે,કે પછી સંતોષના ઓડકાર માટે, સ્વીકાર એ એક મહત્વનું શીલ છે. સ્વીકાર ને બે રીતે સિદ્ધ કરવાનું છે, એટલે કે ખુદની શારીરિક અને માનસિક ક્ષમતાનો પણ સ્વીકાર કરી લેવાથી અડધી સમસ્યા દૂર થઈ જાય છે. ઘણીવાર એવું થાય કે આપણે શારીરિક શક્તિ એટલી હોય નહીં, અને આપણે બહુ મોટો જંગ ઉપાડ્યો હોય. એટલે બહુ સ્વાભાવિક રીતે જ આપણને એ મુશ્કેલ પડે, માનસિક દ્રઢતા પણ આપણી એટલી ન હોય, અને વાતવાતમાં આપણે ભાંગી કે ડગી જતા હોઈએ, તો એ રીતે પણ મનોબળ ટૂંક પડતા અમુક સંકલ્પ પૂરા ના થાય, એટલે પોતાની શક્તિઓની મર્યાદા જાણી અને લક્ષ્ય સિદ્ધ કરવામાં આવે તો એ અનુકૂળ રહે. દાખલા તરીકે અત્યારે આ ચૈત્રી નવરાત્રી ચાલી રહી હતી, તો સૌ કોઈએ અનુષ્ઠાન માટે જુદા જુદા નિયમો લીધા હશે. કોઈએ ઉપવાસ-એકટાણા કે અમુક મંત્રજાપ કે પછી જુદી-જુદી રીતે તેને કરવાનું વિચાર્યું હશે, અને પોતાની શક્તિ મુજબ જો લક્ષ્ય રાખ્યું હશે તો વાંધો નહીં આવ્યો હોય, પણ જેણે થોડું મોટું લક્ષ્ય રાખ્યું હોય, તો એને બહુ સ્વાભાવિક રીતે જ તકલીફ પડે. આ વાત થઈ પોતાના શારીરિક માનસિક શક્તિના સ્વીકારની. હવે બીજી રીતે સ્વીકાર ને જોઈએ તો આવનારી પરિસ્થિતિ કે આવેલી સમસ્યાને પણ સ્વીકારી લેવાથી ઘણી રાહત થાય છે, સમય છે વિતી જશે એ આશ્વાસન લઈને દુઃખમાં ધીરજ રાખી શકાય. માનવી એક સામાજિક પ્રાણી છે અને તેનું સ્થૂળ શરીર જેમ કર્મ કર્યા વગર રહી શકતું નથી એ જ રીતે તેને અંદરો અંદરના વહેવાર વગર પણ ચાલી શકે નહીં. કારણ કે તેને સાથે રહેવાનું છે, તો અન્યના સ્વભાવો સ્વીકારી લેવાથી પણ ઘણા ઘર્ષણ માંથી બચી જવાતું હોય છે. જેમ આપણા શારીરિક માનસિક અને સ્વભાવની અમુક મર્યાદા છે, તેમ અન્યને પણ હોય, આ સત્ય જ્યારે સ્વીકારી શકાય, ત્યારે જ રામ તત્વ પ્રગટ થાય છે. ઓછી શારીરિક શક્તિ ધરાવનાર ની શક્તિ બનીને આપણે ઊભા રહેવું એ આપણી ફરજ છે. મંદ બુદ્ધિ વાળા માટે આપણી બુદ્ધિથી એની સમસ્યા ઉકેલી દેવી એ આપણી ફરજ છે, અને આમ અંદરોદરનુ ચૂના સિમેન્ટ જેમ બોડીંગ થાય તો પછી એ ઈમારત કોઈ તોડી શકે નહીં.આપણે પણ જો હિન્દુ રાષ્ટ્રનું સ્વપ્ન જોવું હોય, તો આ કાર્ય કરવું પડશે. સ્વીકાર ને મહામંત્ર બનાવી અને નાનામાં નાના માણસ સુધી પહોંચવું પડશે જે તિરસ્કૃત છે, જેની પ્રત્યે સમજદાર અને બુદ્ધિશાળી સમાજ ધૃણાની નજરે જોવે છે, એવા લોકો પાસે જઈને તેની તકલીફ તેની સંવેદના ને જાણવી પડશે, તેનો ઉપાય કરવો પડશે, અને પ્રભુ શ્રીરામ જેમ લંકા સુધી પોતાના આ સ્વીકાર ના મહામંત્ર સુધી પહોંચ્યા હતાં, અને એ સમયની સમસ્યા નો ઉપચાર કર્યો હતો, તેમ આપણે પણ પહોંચીશું તો જ હિન્દુ રાષ્ટ્રને રામરાજ્ય ની સ્થાપના શક્ય છે. તો આજે રામ નવમીના દિવસે વેદના ઉદઘોષક એવા પરબ્રહ્મ રામ કે પછી દશરથ નંદન રામના જીવન મંત્ર ને અપનાવી રામ તત્વ પ્રગટ કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના મા ભગવતી જગતજનની જગદંબાના ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહવંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here