મિત્રો- શુભ સવાર.
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. હું એક શુદ્ધ અને પવિત્ર આત્મા છું, અને સાથે સાથે અન્ય સૌ પણ આ જ રીતે શુદ્ધ અને પવિત્ર આત્મા છે, એ સત્ય સમજવાનો અને સ્વીકાર કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે જ પરસ્પર દેવો ભવ સામાજિક રીતે પણ શક્ય બને. આપણા સ્વભાવની મર્યાદા, આપણા સ્વભાવની ખાસિયત હોય, એમ અન્યની પણ હોય, એવું જ્યારે સમજીને સ્વીકારવામાં આવે, ત્યારે જ થોડું જતું કરવાની અને નમતું જોખવાની કે ત્યાં બલિદાનની ભાવના થાય છે, બાકી તો બધી વાતો થાય છે, અને મોટેભાગે વાતો જ થાય છે, બાકી જોઈએ એવું એ દિશામાં આગળ વધી શકાતું નથી. કારણકે નીજી સ્વાર્થ અને પારિવારિક સ્વાર્થની મહત્તા દિવસે ને દિવસે વધતી જાય છે. લોકોની જરૂરિયાતો પણ એટલી બધી વધી ગઈ છે, કે આ સુખ-સગવડ અને ભોગ ઈત્યાદી તેને કાયમ મળતા રહે, એ માટે ધન સંચય પણ વધુને વધુ થતો રહે છે. એમાં દાન ધર્મ કરવો જોઈએ એ વિસરાતું જાય છે, અને કદાચ ક્યાંક થતું હોય તો એ પણ સ્વર્ગ અને નર્કની ભ્રામકતા ને લીધે થતું હોય છે. તો ક્યાંક કર્તવ્ય સમજીને થતું હોય, પણ એ પોતીકા છે, અથવા તો મારા છે, એમ પ્રેમ કે લાગણીથી બહુ ઓછું થતું હોય એવું લાગે છે, અને એટલે જ તો સદગુરુ આ નિત્ય સંદેશ બોધ આપે છે. ગઈકાલે આ બે વર્ષમાં પહેલવેલો હમણાં હમણાં થી વાંચતા સ્નેહીજનનો એક વિચિત્ર પ્રતિભાવ આવ્યો, અને એમણે કહ્યું કે આપની પાસે લખવા માટે બીજો કોઇ વિષય જ લાગતો નથી, ક્ષણિક ધરતી હલી ગઈ હોય તેવું લાગ્યું, પણ વાતમાં સત્ય છે. એટલે કે અંતે તો હિંદુ સંસ્કૃતિનો જે મુખ્ય સંદેશ છે, એ જ કે સૌએ હળી મળીને રહેવું જોઈએ, વસુધૈવ કુટુંબ, અને એકબીજાને પ્રેમ કરવો જોઈએ, એ સત્ય ચિંતનની ધારા ના પાયામાં છે. પણ એમ નથી જીવાતું એટલે ખુદ શાંત નથી, ખુદ શાંત નથી એટલે ગૃહ શાંતિ નથી, ગૃહ શાંત નથી માટે સમાજ શાંત નથી, અને એટલે જ દેશ શાંત નથી,અને આ બધી અશાંતિ ને કારણે જ વિશ્વ શાંતિ નથી. એક એક વ્યક્તિ આ સમજે, સ્વીકારે, તો જ શાંતિની સાયકલ ચાલે. ચાલો જુદી રીતે સમજીએ, વિવિધ વ્યંજન અને મિષ્ટાન ધરાવતો થાળ પડ્યો હોય, અને આપણે તેમાંથી જે ગ્રહણ કરીએ તે, પણ હેતુ તો બે જ હોય છે, એક તો સ્વાદ લેવાનો, અને બીજું આહાર નામે જઠરાગ્નિને શાંત કરી આપણી પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવાનો. બસ એ જ રીતે ચિંતન પરસ્પર દેવો ભવના પવિત્ર હેતુ સાથે રુચિકર અને સમજાય જાય એમ સરલ તરલ બનીને એટલે કે તરત ગળે ઉતરી જાય, અને એનાથી યેનકેન પ્રકારે તૃપ્ત થવાય, પોતાને ગ્રહણ કરવા જેવું લાગે એ ગ્રહણ કરે, અને જીવન સુધરી શકે, એવું લાગે એ અપનાવે. આમ જુઓ તો કરવાનું પણ આટલું જ છે, પણ થતું નથી એટલે જ ચિંતનની નિત્ય ગંગા વહે છે,જે નિત નૂતન વિચાર થી એ જ સત્ય સમજાવે છે. આપણી પાસે હવે વાનગીઓને નામે ફ્યુઝન થતા પદાર્થો વધી ગયા છે. નહીં તો પહેલા ઘઉંનો લોટ, ચણાનો લોટ, અન્ય એક બે લોટ, ચોખા, વિવિધ દાળ કઠોળ, મસાલા, દૂધ અને શાકભાજી, એવા સીમિત પદાર્થોમાંથી જ વાનગીઓ બનતી, અને તત્વતઃ બધાનો હેતુ ઉપર લખ્યા મુજબનો રહેતો,અને એટલે જ શારિરીક અને માનસિક રોગોનું પ્રમાણ પણ ઓછું હતું. નિત્ય વહેતી ધારા માટે જીવ એ ઘણીવાર કબૂલ્યું છે કે, પોતાની કોઈ લાયકાત નથી, અને કોઈ પ્રસિદ્ધ માટે પણ આ કાર્ય થતું નથી, માત્ર ને માત્ર સદગુરુ કૃપા કારણભૂત છે. વિશ્વ ને કોઈ મેસેજ આપવો હોય, તો એ રીતે લખાવે છે, કારણ કે વસુધૈવ કુટુંબની ભાવના થી જ ચિંતન લખાય છે,અને દરેકના સ્વભાવ, સમજ કે સત્ય ને એ સ્વીકારે પણ છે, અને માન પણ આપે છે, એટલે એ સ્નેહીજન નો ધન્યવાદ પણ કર્યો. ખેર છોડો, હવે આજે વિશ્વભરમાં થતા વિજ્ઞાન વિકાસ ને કારણે પ્રકૃતિ દિવસેને દિવસે પ્રદૂષણથી ભરાતી જાય છે, અને આ પ્રકૃતિને કારણે જ આપણું અસ્તિત્વ છે, એ જોખમાઈ રહ્યું છે.આ ઉપરાંત હિંદુ સંસ્કૃતિ તો પ્રાકૃતિક અંગોને પણ દેવ માનનારી છે, એટલે કે આપણે ત્યાં નદી, પર્વત, વૃક્ષ ,સમુદ્ર, એ બધાને પણ દેવ તરીકે સ્વીકાર્યા છે. તદુપરાંત પ્રકૃતિ જેમ પંચમહાભૂત શરીર છે, એમ માનવી પણ પંચ ભૂતિય શરીર ધરાવે છે, અને આ બાહ્ય પ્રકૃતિ અને આંતરિક પ્રકૃતિ નું સંતુલન જળવાઈ રહે એ બહુ જરૂરી છે, તો આજે આપણે પ્રાકૃતિક સ્તરે પણ પરસ્પર દેવો ભવ સૂત્ર ને સાર્થક કંઈ રીતે કરી શકાય એ વિશે ચિંતન માં વાત કરીશું.
બાહ્ય પ્રકૃતિ માં વધતું જતું પ્રદૂષણ ઓછું કરવા માટે પ્રકૃતિને પ્રેમ કરવો બહુ જરૂરી છે, તેના એક એક ઘટક ને સ્વચ્છ અને શુદ્ધ કુદરતી સ્વરૂપ આપી શકાય તો જ તે પોતાનું કાર્ય લાંબો સમય સુધી કરી શકશે, આ સત્ય સમજીએ તો છીએ,પણ એ દિશામાં દરેક જણ કામ કરતું નથી માટે રોજ ને રોજ પરિસ્થિતિ વધુ ને વધુ ખરાબ થતી જાય છે.
સમુદ્ર ની વાત કરીએ તો આપણે નાના હતા ત્યારે પાણીના બાષ્પીભવનની સાયકલ ભણ્યા હતાં, સમુદ્રની સપાટીનું તાપમાન વધતા વરાળ થાય છે, એ વરાળ ઉપર જાય અને વાદળા બંધાય છે, ને વરસાદ આવે છે, અને આખી સાયકલ રોજરોજ વધતા તાપમાનને કારણે વિખરાઈ જતી દેખાય છે. કારણ કે વાતાવરણ મિલ અને કારખાના દ્રારા ઝેરી વાયુ ઓ છોડવામાં આવે છે, ઉપરાંત મોટર કાર અને સ્કૂટરનું પ્રમાણ ખૂબ વધી ગયું છે એટલે પેટ્રોલ ડીઝલ ના ધુમાડા વાતાવરણ માં ભળે છે.આમ તાપમાન વધતા ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળ થાય છે, અને ક્યાંક કમોસમી વરસાદ પણ થાય છે એટલે, તાપમાનને મેઈન્ટેઈન કરવું જરૂરી બને છે, કારણ કે પાણી એ માત્ર આપણે પીવા માટે નહીં, પરંતુ ખેતી અને અન્ય વૃક્ષો માટે પણ જરૂરી છે. આ ઉપરાંત પશુ-પંખી અને પ્રાણીઓ માટે પણ પાણી જરૂરી છે, અને એપણ પીવા યોગ્ય મીઠું પાણી. આ ઉપરાંત દિવસે દિવસે વીજળી ની અછત ઉભી ન થાય એટલાં માટે હવે સમુદ્રના પાણી થી પણ વીજળી ઉત્પન્ન કરવાના પ્રયોગો થઈ રહ્યા છે, એટલે કે તેનું સ્વરૂપ પણ હવે કુદરતી નહીં રહે અને કુત્રિમ બનશે. વધતાં જતા તાપમાન ને કારણે પણ માનવી અસંતુલિત રહે છે, એક તો આહાર તરીકે લેવામાં આવતા ખોરાકો તેજ અને તીવ્ર તેજાના થી ભરેલા અને બાહ્ય પ્રકૃતિમાં પણ આટલી ગરમી એટલે સ્વભાવ પણ વિસ્ફોટક થતા જાય છે.
નદીની વાત કરીએ તો ઘણી નદીઓ તો સાવ સુકાઈ ગઈ છે, અને તેના અસ્તિત્વ પણ રહ્યા નથી. તો ઘણીમાં વરસાદ સમયે જ પાણી દેખાય છે, બાકી સુકો ભઠ્ઠ પટ પડ્યો હોય છે. બારેમાસ વહેતી નદીઓ હવે બહુ ઓછી થઈ ગઈ છે, અને જે છે તે પણ મલિન થઈ ગઈ છે. કારણકે કારખાનાઓના રાસાયણિક વેસ્ટેજ તેમાં ઠલવવામાં આવે છે. ઉપરાંત માનવી દ્વારા પણ ત્યાં આગળ સ્વચ્છતા વિશે કંઈ વિચારતું નથી, કપડા વગેરે ધોઈને ત્યાં પાણી પ્રદૂષિત કરવામાં આવે છે, પ્લાસ્ટિક બોટલ તેમજ પ્લાસ્ટીક બેગ પાણીમાં તરતા દેખાય છે. એટલે કે પ્રાકૃતિક જતન કરવું જોઈએ એવું બહુ ઓછા સમજે છે. અતિવૃષ્ટિમાં નીચાણવાળા વિસ્તારો તણાઈ જતાં તે કાટમાળ અને અન્ય પદાર્થ પણ પાણીમાં ભળી તેને પ્રદૂષિત કરે એ છે. હિન્દુસ્તાન પાસે તો ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, બ્રહ્મપુત્રા, કૃષ્ણા, જેલમ જેવી મહત્વની અને ખૂબ મોટી નદીઓ છે. જો તેનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે તો આપણને ઘણા ફાયદા છે. પરંતુ માનવી પોતાનું કર્તવ્ય સ્વીકારતો નથી, અને સરકાર પર દોષનો ટોપલો નાખે છે, અને આ એક બાબતે નહીં, ઘણી બાબતમાં એવું થાય છે કે આપણાથી કંઈ જ ન થતું હોય, છતાં પેલો આમ કરે છે, ને પેલો તેમ કરે છે, અથવા તો સરકાર કંઈ કરતી નથી એવા દાવાઓ થતાં હોય છે.
નદીની જેમ જ પર્વતની રીતે પણ હિન્દુસ્તાન ભૌગોલિક વિવિધતા ધરાવે છે, અને ખૂબ બધા ઊંચા ઊંચા પર્વતો તેમજ પર્વતમાળા પણ ધરાવે છે. પર્વતો આપણી સીમા નિશ્ચિત કરે છે, અને રક્ષણ કરે છે. જેમ ઘરને દીવાલ હોય એ જ રીતે પર્વત દેશની સુરક્ષા વધારે છે. પરંતુ જમીન નું પ્રદૂષણ વધતા ભૂસ્ખલન નું પ્રમાણ પણ વધ્યું છે, અને એને કારણે પર્વતો તૂટતા જાય છે. તો ક્યાંક વિકાસને નામે પર્વતોમાં માર્ગ બનાવવા માટે, પણ તેને તોડવામાં આવે છે. તીર્થસ્થાન તરીકે જાણીતા પર્વતોમાં તો સ્વચ્છતા અભિયાન ચલાવવું પડે એટલી ગંદકી પણ લોકો દ્વારા ફેલાવવામાં આવે છે. એટલે દિવસે દિવસે પ્રકૃતિ રૂપે રહેલા પર્વતો આ રીતે પ્રદૂષિત થતાં જાય છે. ટૂંકમાં ઋતુ પ્રભાવ થી બચવા માટે પર્વતોની સુરક્ષા વધવી બહુ જરૂરી છે, આ બધી તો પ્રાથમિક વાતો છે બાકી તો કેટલા ખનીજો અને ધાતુ ધરાવતા પથ્થરો પર્વતમાંથી મળતા હોય છે અને એનો લોભ લાગતાં પણ પર્વત તૂટી રહ્યા છે, અને ક્યાંક નજીકની ખાણનુ વધુપડતા ખોદાણ પણ ખતરો ઉભો કરે છે.
વૃક્ષ તે આપણું જીવન છે વૃક્ષ આપણને ઘણી રીતે ઉપયોગી છે એક તો શુદ્ધ ઓક્સીજન આપે છે, બીજું વરસાદ લાવવામાં મદદ કરે છે, અને ત્રીજુ ઓ તેના ફળ ફળાદી આપણા આહાર કે ઔષધ માટે જરૂરી છે,આ ઉપરાંત ઈંધણ માટે ના લાકડા પણ એમાંથી પ્રાપ્ત થાય છે. કાગળ પણ વનસ્પતિ ની પેદા. છે, હવે દેખીતી રીતે વનસ્પતિ જ ના રહે તો આ બધું મળવું મુશ્કેલ છે, અને એ જાણવા છતાં તેનું સંરક્ષણ થતું નથી. વિકાસને નામે આડેધડ વૃક્ષો કપાય છે, જંગલોના જંગલનો અસ્તિત્વ રહ્યું નથી, એટલે જંગલી પ્રાણી ની સંખ્યા અને તેમની પ્રજાતિ ઓછી થતી જાય છે, કા લુપ્ત થતી જાય છે. તો માર્ગ બનાવવા માટે પણ પુષ્કળ વૃક્ષો કપાય છે, તદુપરાંત વાવાઝોડા જેવી કુદરતી આપત્તિમાં પણ વૃક્ષો ધરાશાયી થાય છે. માનવી બધું જ જાણે છે, સમજે છે, છતાં જોઈએ તેટલા પ્રમાણમાં પ્રાકૃતિક રીતે આ બધા અંગોના સંરક્ષણ સંવર્ધન માટે થતું નથી, અને ગયા વર્ષે ઓક્સિજનની અછત થઈ ગઈ હતી. જેના ઘરમાં લીલા વૃક્ષ ને છોડ હતા તેમને વાંધો આવ્યો નહીં, શુદ્ધ ઓક્સિજન માટે વૃક્ષો તો અનિવાર્ય છે, અને ઓક્સિજન એ માનવીની સૌથી પાયાની પ્રાથમિક જરૂરિયાત છે, માટે જ વૃક્ષ બચાવો નું સુત્ર આવ્યું, પણ એટલી હદે એ દિશામાં કામ થયું નથી. 15 મી ઓગસ્ટ 26 જાન્યુઆરી કે અન્ય કોઈ તિથી વાર પ્રમાણે મહાનુભાવો વૃક્ષારોપણ કરી પ્રતિષ્ઠા મેળવી લેતા હોય છે.પરંતુ એ વૃક્ષ ઉછેર એ છે કે નહીં એની જવાબદારી કોઈ સ્વીકારતું નથી, અને એટલે જ આગળ પરિણામ પણ મળતું નથી. આવનારી પેઢી માટે આ બધા પ્રાણ સંકટો છે, માટે પ્રકૃતિ નું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે અને એ માટે થઈને પ્રાકૃતિક રીતે પરસ્પર દેવો ભવ સમજવું અને સ્વીકારવું પડે તો જ કંઈક પરિણામ મળે.
આપણે સૌ આ ચાર મુખ્ય પ્રાકૃતિક અંગો ના સંરક્ષણ અને સંવર્ધન માટે, જેટલું યોગદાન આપી શકીએ એટલું આપીએ, અને આપણું તથા આવનારી પેઢી નું ભવિષ્ય સુધારી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)