પ્રવર્તમાન સમાજમાં આપણા સૌની જાગૃતિને ભોગ મમતા કે પછી અહમ નું ગ્રહણ લાગ્યું છે, અને સૌ કોઈ પોતાના લક્ષ્યથી ભટકી ગયા છે.

0
168

મિત્રો- શુભ સવાર.હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ચૈત્રના ચમકતા દિવસોમાં બાહ્ય પ્રકૃતિ પણ નૂતનતાના અભિગમથી વિકસિત થઇ રહી છે, ત્યારે આપણે પણ આંતરિક પ્રકૃતિમાં નૂતન વિચારધારા પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ, અને એટલે જ ચૈત્રને સાધના કાળ પણ કહેવામાં આવ્યો છે. આ ઉપરાંત ચૈત્ર માસમાં કેટલા બધા મહાનુભાવોની જન્મ જયંતી પણ આવે છે, જેમકે રામનોમ, મહાવીર જયંતી, હાટકેશ્વર જયંતિ, હનુમાન જયંતી, ચેટીચાંદ એટલે કે જુલેલાલ જન્મ જયંતી, અને આપણા બંધારણના ઘડવૈયા ડો બાબા રાવ આંબેડકર જયંતી, સુપ્રસિદ્ધ ગણિત કાર આર્યભટ્ટ જન્મ જયંતી, અને બીજા પણ હશે. એટલે એના પરથી કહી શકાય કે, સૃષ્ટિ સર્જન માટે ઉપયોગી થાય એવા બુદ્ધ પુરુષોનાં જન્મ આ સમયગાળા દરમિયાન થયા હોય એવું પણ બને. આજકાલ તો હવે ગ્લોબલ વોર્મિંગ ને કારણે ઋતુ પ્રભાવ વધતો જાય છે, એટલે થોડું મુશ્કેલ છે,પણ બાકી ચૈત્રના તડકા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ શુભકારી માનવામાં આવે છે, અને આખા વર્ષનું વિટામિન ડી સૂર્ય ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. પ્રદૂષણને કારણે વાતાવરણમાં ઓક્સિજન ની કમી પણ વરતાઈ રહી છે, અને એ બધુ સરભર કરવા માટે બહુ લાંબો સમય જાય તેમ છે. પ્રત્યેક જણાએ હવે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે પ્રકૃતિ સન્મુખ થઈ આ સમસ્યાનું નિવારણ કરવું પડશે તો જ આગળ ઉપર આપણે સુરક્ષિત જીવી શકીશું.પ્રકૃતિ નિસ્વાર્થ પ્રેમમાં માનનારી છે, અને એટલે જ આપણી તરફથી થતી આટલી ઉપેક્ષા છતાં, તે ક્યારેય પોતાના કર્તવ્યથી વિમુખ થતી નથી. જેમકે સૂર્ય પોતાના નિયત સમયે ઉદય પામે છે, અને નિયત સમયે અસ્ત પામે છે. ચંદ્ર પણ એકમથી પૂનમ, અને પૂનમથી એકમ એમ પોતાની નિશ્ચિત ધરી પર પરિભ્રમણ કરે છે. પૃથ્વી પણ ટાઢ, તડકો, વરસાદ બધું સહન કરે સંતુલન રાખી અને પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે, પવન નિયત વેગથી આપણી આસપાસ લહેરાય છે. પાણી આજે પણ આપણને ઠંડક પ્રદાન કરે છે, અને તૃપ્ત કરે છે, આકાશ આજે પણ છત બની આપણું રક્ષણ કરે છે, અને આપણને વિશાળતાથી સ્વીકારે છે,અને માનવી છે કે એને આ બધું દેખાતું નથી. પણ ક્યાં સુધી પ્રકૃતિ આમ નિસ્વાર્થ પ્રેમ કરી શકશે? કારણ કે દિવસે ને દિવસે તેના અસ્તિત્વ પર પ્રદૂષણ રૂપી ધા થતા રહે છે. ખેર છોડો! આપણે વિષયમાં પ્રવેશ કરીએ, એટલે કે આજે હનુમાન જયંતી છે તો હનુમાન એ કેવળ અનુમાન નથી, પરંતુ પ્રત્યક્ષ પ્રતીતિ કરાવનાર દેવ છે એ વિશે આજે આપણે ચિંતનમાં વાત કરીશું.રામાયણની કથા થી સૌ કોઈ વાકેફ છે, અને હનુમાન ચરિત્ર થી પણ વાકેફ છે. એટલે કે ત્રેતા યુગમાં જ્યારે ભગવાન શ્રી રામ સીતાજીની શોધ માટે ભટકતા હતાં, ત્યારે કિષકીન્ધા માં હનુમાન સાથે તેમનું મિલન થયું, અને હનુમાન એટલે કે જે કેસરીનંદન, અંજની સૂત અને પવનસુત ના નામે ઓળખાય છે, તેમણે ભગવાન શ્રીરામના આ ભાગીરથ કાર્યમાં પોતાનો સહયોગ આપ્યો. હનુમાન ને વાનર ગણવાની ભૂલ ન કરાય, છતાં એ રીતે જોઈએ તો એક બંદર રામ નામ થકી જીવન સુદર બનાવી ગયો.એમની શક્તિ અને સિદ્ધિ ની વાત કરતા તો આપણા પુરાણ શાસ્ત્ર થાકતા નથી,કારણ કે ભગવાન પોતાના કરતાં પોતાના ભક્ત ને વધુ મહિમા વંત બનાવે છે. આમ છેક સુધી ભગવાન રામને સાથ આપી,અને સીતાની શોધ કરી ,રાવણનો વધ કરી, સીતાજી ને પાછા મેળવ્યા. મૂળ રીતે આ કથાનક છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ તેમ હનુમાન એ શિવ અવતાર છે, અને રુદ્ર નો અગિયારમા અવતાર તરીકે તેને માનવામાં આવે છે. શંકરનાં ઇષ્ટદેવ ભગવાન શ્રીરામ છે, અને એ રીતે હનુમાન પોતાના ઇષ્ટદેવની સેવા સ્વીકારે છે. તેમને માતા સીતા તરફથી અજર-અમર ના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. જ્યારે રામ વિદાય લઈ રહ્યા હતાં, ત્યારે હનુમાનજીએ કહ્યું કે પૃથ્વી પર રામનામ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તે પણ પૃથ્વી પર જ રહેશે, અને આમ તે આજે પણ અહીં વસે છે. કારણ કે આપણે સૌ રામ નામ નો જાપ કરીએ છીએ, એટલે રામ એ સંકુચિત નથી, સચરાચર સૃષ્ટિ માં જડ ચેતન રુપ હરિ એ રામ છે, તો એ રીતે આપણે હનુમાન એ કોઈ અનુમાન નથી, ને ધરા પર અનુભવી શકીએ છીએ.આજે સવારે ઓમકાર મંત્ર થી પ્રકૃતિ સાથે સંલગ્ન થવાની કોશિશ કરી રહી હતી, તો ધ્યાન બિંદુ પર હનુમાનનું ઋષિમુખ પર્વત ઉપાડીને જતુ સ્વરૂપ દેખાયું. પ્રથમ તો હર્ષ અનુભવ્યો, કે આજે હનુમાન જયંતિ છે, અને હનુમાન નાં દર્શન થયાં, સર્વત્ર શુભ મંગલ વરસી રહ્યું હોય, એમ આંતરિક ભવનમાં આનંદ આનંદ!! પણ સૂક્ષ્મ ચિંતન થયું કે હનુમાનજીનું આજ સ્વરૂપ શું કામ દેખાયું? સીધાસાદા ચિત્રકૂટ ના હનુમાનજી નિત્ય દેખાય છે, એ કેમ ન દેખાયા? લંકામાં યુદ્ધ દરમિયાન જ્યારે લક્ષ્મણજી બેહોશ થયાં, ત્યારે સંજીવની ઔષધિ માટે હનુમાનજીને મોકલવામાં આવ્યાં હતાં, અને એ આખો પર્વત ઉપાડી લાવ્યાં હતાં એ કથાનક થી આપણે સૌ પરિચિત છીએ. પરંતુ લક્ષ્મણજીએ જાગૃતિનો અવતાર છે, આપણે સૌ જાણીએ છીએ તેમ લક્ષ્મણજી શેષ આવતાર પણ કહેવાયા છે. એટલે કે ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ ત્યારે જ નિશ્ચિંત થઇને સૂઇ શકે છે, જ્યારે શેષનાગ જાગૃત છે. તો પ્રવર્તમાન સમાજમાં આપણા સૌની જાગૃતિને ભોગ મમતા કે પછી અહમ નું ગ્રહણ લાગ્યું છે, અને સૌ કોઈ પોતાના લક્ષ્યથી ભટકી ગયા છે. કોઈ ભોગ તરફ ફંટાઈ ગયું છે, તો કોઈ રોગ તરફ, પણ મૂળ મુખ્ય વાત આત્મોદ્ધાર,કે આત્મકલ્યાણની છે, એ સૌ કોઈ ભૂલી ગયું છે. એટલે કે એ તરફ ની જાગૃતિ દિવસે દિવસે ઓછી થતી જાય છે, અને લોકો આવતીકાલ કોણ જાણે કેવી હશે? કે પછી કોણે જોઇ છે? એમ વિચારી વધુને વધુ ભોગમાં પ્રવૃત રહે છે, અને અતિ ભોગ રોગ તરફ દોરે છે. એટલે હનુમાનજી નું આ સ્વરૂપ આપણને જાગૃત કરવા માટે આ ઔષધી લઈને આવી રહ્યા છે, એવો એક અર્થ પણ કરી શકાય. બીજું હનુમાનજી આપણને પ્રાણ શક્તિ આપનારા છે,અને આજે આપણા પ્રાણ પર સંકટ આવી ને ઉભું છે, હિન્દુ સંસ્કૃતિ ધૂળધાણી થઈ રહી છે, અને કેવળ શ્રી રામ નો મંત્ર જ એનો ઉદ્ધાર કરી શકે છે. આપણે સૌ જાણીએ છીએ તેમ રામ લક્ષ્મણ જાનકી ત્રણે હનુમાનજી ના હ્રદયમાં વાસ કરે છે, એટલે મૂળ ઔષધિ તો તેનામાં જ છે,એ રીતે પણ જોઈ શકાય.રામ કરતાં રામનામને વધુ મહત્વ અપાયું છે એટલે કે હનુમાનજી જ્યારે સીતાજીની શોધ કરવા માટે ગયાં, ત્યારે તેમણે સમુદ્ર લાઘ્યો હતો, એ વાત આપણે સૌ જાણીએ છીએ. હનુમાનજીના મનમાં અધર્મી રાવણના સકંજામાં સપડાયેલી સીતાને છોડાવવાનો શુદ્ધ સંકલ્પ હતો, અને મુખમાં રામ નામ હતું. એટલે કે સત્ય અને સત્ય સાક્ષી બન્નેનું અનુગમન હતું, એટલે તેનામાં સમુદ્રને લાંઘી શકવાની શક્તિ હતી, જ્યારે આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રીરામ લંકા પર વિજય પ્રાપ્ત કરવા સમુદ્ર કિનારે પહોંચ્યાં, તો તેમને સમુદ્ર પર સેતુ બાંધી ને જવું પડ્યું. એટલે જ ભગવાન કરતાં ભગવાનના નામનો મહિમા ગવાયો છે, ભગવાન તત્વને પામવા માટે પણ ભગવાનના નામનો જ સહારો અતિ ઉત્તમ છે, અને એ પણ કળિયુગમાં તો એક માત્ર સાધન બતાવાયું છે. આમ પણ રામ સુધી પહોંચવું હોય તો રામ ના દ્વારપાળ હનુમાન પાસે ગયા વગર ચાલતું નથી, અને હનુમંત સાધના થકી જ તેના હૃદયમાં બિરાજમાન રામ લક્ષ્મણ જાનકી સુધી પહોંચાય છે. હનુમાન શંકર સ્વરૂપ હોવાથી તેની સાધના પણ સીધી સાદી છે, એટલે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આપણે તેની પ્રતીતિ કરી શકીએ છીએ. આપણી મલિનતા ઓછી થતી જાય છે, આપણી છાતી મજબૂત થતી જાય છે, એટલે કે સાહસ વૃત્તિ વધે છે. શક્તિ વધે છે, અને સત્યનુ અનુગમન કરવાની પૂર્ણ નિષ્ઠા પણ પ્રબળ બને છે, એટલે જ હનુમાન એ કેવળ અનુમાન નથી પરંતુ એક પ્રત્યક્ષ દેવ છે.બીજું આજે સવારે સ્નાનાદિથી પરવારી અને તરત જ પેલી પંક્તિ યાદ આવી ગઈ, કે રામચંદ્ર કહ ગયે સિયાસે ઐસા કલયુગ આયેગા, હંસ ચુનેગા દાના પાની, કૌઆ મોતી ખાયેગા. તો અત્યારે એ પ્રકારનો જ કળયુગ દેખાઈ રહ્યો છે, પ્રવર્તમાન સમાજમાં જૂઠની એટલી બધી બોલબાલા વધી ગઈ છે, કે વાત પુછો માં. તેને એટલું મહત્વ દેવામાં આવે છે કે, જૂઠાંને સિદ્ધિ પ્રસિદ્ધિના મોતી ના હાર મળે છે, અને જે હંસ છે એટલે કે પરમહંસ જેવું વ્યક્તિત્વ ધરાવે છે, તેને માંડ માંડ દાણા પાણી મળે છે. હવે બહુ સ્વાભાવિક રીતે જ આવો કપરો સમય હોય ત્યાં સત્ય નિભાવવું ખરેખર અઘરું બની જાય છે, પરંતુ દુનિયા અને સંસાર છે ત્યાં આવું બધું તો રહેવાનુ જ. એટલે કંઈ આપણે સત્ય છોડી થોડું દેવાય ?, આપણા આત્મોદ્ધાર કે આત્મકલ્યાણનું ન વિચારીએ, તો પણ પૃથ્વી પર રામનામ બની રહે એ માટે હનુમાનની મંત્ર ઉપાસના કે સાધના કરવી પડે, બને તો તંત્ર સાધના માં જવું નહીં. આમ પણ હનુમાન એ પ્રાણ સંકટ હરનારા દેવ છે, તો જ્યારે જ્યારે કપરી પરિસ્થિતિ આવશે, ત્યારે એ આપણને સંભાળી લેશે, એ ભરોસા સાથે આપણે હનુમંત સાધના કરવાની છે, અને હનુમંત ચરિત્ર ને ધરા પર રાખીને આ હિન્દુ રાષ્ટ્રનો શ્રીરામનો જય ઘોષ કરવાનો છે. આમ પણ આપણી સંસ્કૃતિ આપણને આ જ શીખવી રહી છે, એટલે કે, સત્ય માટે જાગૃત થવું, સત્ય માટે શૂરવીર બનવું, એટલે કે સાહસ કરવું, સત્ય માટે સમર્પણ કરવું, એટલે કે સહન કરવું, અને સત્ય માટે બલિદાન આપવું, અને સત્ય માટે સત્ય નું જ સ્મરણ કરવું. તો ભગવાન શ્રી રામ નું રામરાજ્ય બનાવવા માટે એમના પ્રિય ભક્ત હનુમાનની હનુમાન ચાલીસા જેવી સીધી સાદી સાધના કરતા રહીએ, અને આ રીતે રામ નામ ને વધુ ને વધુ શક્તિશાળી બનાવતા રહીએ, શ્રી રામરુપી સત્ય ને ફરી પ્રસ્થાપિત કરવા જાગૃત થવું પડશે, સાહસિક થવું પડશે,સહન કરવું પડશે, સમર્પણ કરવું પડશે,અને બલિદાન પણ દેવું પડશે, જેથી કરીને આવતીકાલે આ સંસ્કૃતિ ફરી પાછી વિશ્વ ઉજાગર થાય. તો આપણે સૌ રામરાજય માટે પ્રભુ શ્રી રામનું ચરિત્ર આત્મસાત કરવા માટે,કે રામનામ ને પ્રબળ બનાવવા હનુમંત સાધના કરતાં રહીએ, અને આ રીતે અનીતિના પ્રાણ સંકટથી પણ દૂર રહી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના, ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહવંદન અને જય સીયારામ.લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here