આજે પ્રકૃતિમાં ચૈત્રમાં પણ વરસાદના ઝાપટા જેવો માહોલ થયો છે. એટલે કે કમોસમી માવઠા અંતે તો નુકશાન કરતાં જ હોય પરંતુ સમાજમાં આવી કોઈ ઘટના ઘટે, ત્યારે સામાજિક નુકસાનનું નિશ્ચિત માપ નીકળી શકતું નથી….

0
181

મિત્રો- શુભ સવાર.

હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. યુગ પરિવર્તન ની આવા બહુ જોરશોરથી વહી રહી છે, અને બદલાતા ભારતની તસવીર મુજબ, આજે નવ યુવાનોને ભારતીય મૂળની આવી પરંપરાઓ જડમૂળથી ઉખેડી નાખવી છે. એવી જ રીતે બિલકુલ આજે પ્રકૃતિ માં ચૈત્રમાં પણ વરસાદના ઝાપટા જેવો માહોલ થયો છે. એટલે કે કમોસમી માવઠા અંતે તો નુકશાન કરતાં જ હોય છે, એમ પ્રવર્તમાન સમાજની આવી બાલીશ હરકતો પણ મૂળમાં તો સમાજ માટે નુકસાનકારક છે, અને એની માટે થઈને આપણે તેના મૂળ સુધી જઈ તેને સમજીએ છીએ, કારણ કે સહજતાથી સ્વીકારીએ તો પરંપરા પ્રવાહી બની આગળની પેઢી સુધી ચાલે. ન્યૂઝપેપરમાં કેટલી પ્રકારના સમાચારો રોજ પ્રસ્તુત થતાં હોય છે, એમાં માવઠું થાય ત્યારે ખેડૂતોને આટલા પાકનું નુકસાન થયું, વગેરે પણ આપણે વાંચતા હોઈએ છીએ. પરંતુ સમાજમાં આવી કોઈ ઘટના ઘટે, ત્યારે સામાજિક નુકસાનનું નિશ્ચિત માપ નીકળી શકતું નથી, પણ એકંદરે પરંપરા ખળભળી જાય છે, અને તેની નિષ્ઠા પર સવાલ પણ ઊભા થાય છે. વ્યક્તિ ગત રીતે જે તે વ્યક્તિ પોતે અશાંત હોય, ત્યારે તેના એકલાના પરિવાર પર તેની અસર પડે, પણ સમાજ અશાંત હોય, ત્યારે સ્વાભાવિક વાત છે કે સૌના જીવન પર તેની અસર થાય છે. યુગ ગમે તે હોય, પણ આવું સમાજને અશાંત કરનારું તત્વ તો દરેક યુગમાં આપણે જોઈ શકીએ છીએ. પણ સવાલ એ છે કે કળિયુગમાં તેની માત્રા ખૂબ જ વધી ગઈ છે, અને એને કારણે સમાજ ખળભળી ગયો છે. સાચા સારા અને નૈતિક મૂલ્યોનું ધોવાણ થતું જાય છે, અને એને કારણે અન્ય સંસ્કૃતિઓ આપણા પર હાવી થતાં, આપણે આપણા પણું વિસરતા જઈએ છીએ. આવી જ એક તીવ્ર વિરોધ અને કાયમ વિવાદાસ્પદ રહેલી ભારતીય સમાજની પરંપરા વિશે આજે આપણે ચિંતનમાં વાત કરીશું.

**પુત્ર થી જ વંશ વેલો આગળ વધે.
ભારતીય સમાજમાં દંપતીની ઘેર સંતાનનો જન્મ થાય, ત્યારે દીકરો હોય તો વંશવેલો આગળ ચાલે છે, પણ દીકરીનો જન્મ થતાં વંશવેલો આગળ ચાલતો નથી, એવી એક પરંપરા છે. મૂળ મહત્વ દીકરીને પરણીને અન્ય ના ઘરે જવાનું હોવાથી, એ વંશવેલો આગળ વધારતી નથી,એ કારણ છે,અને પોતાની દીકરી જે ઘરે પરણી ને ગઈ હોય ત્યાં તેને સંતાનમાં પુત્ર જન્મે તો એ એના પતિનો વંશ આગળ વધારે છે, નહીં કે પિતાનો. આ પરંપરા એ દીકરા દીકરીના ભેદભાવની કહાની લખવાનું શરૂ કર્યું અને સંસ્કારી પુત્રીઓને આને કારણે નુકસાન પણ થયું. કારણકે સ્વાભાવિક રીતે જ વંશ વધારનાર જ વારસદાર કહેવાય, અને વારસદાર જ પિતાની મિલકતનો અધિકારી બને, એવા કાયદાઓ પણ આપણા સમાજમાં પ્રવર્તે છે. વંશ અને વારસો બંને માટે દીકરીઓ અયોગ્ય છે, એવું સાબિત કરનારી આ પરંપરા ભારતીય સમાજમાં કાયમ ચર્ચાનું કારણ બની છે,અને એને કારણે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત ના કિસ્સાઓ પણ ખૂબ બનતા હતાં, તેથી સરકારે ગર્ભ પરીક્ષણ પર નિયંત્રણ મૂકી દીધું છે, અને સાબિત કરનાર ને સજા પણ થઇ શકે છે. જે તે ડોક્ટરે પરીક્ષણ કર્યું હોય, તેના પર પણ એક્શન લેવામાં આવે છે, કારણકે સમાજમાં સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જાય છે. જન્મ લેનાર બાળકો માં 10 પુત્રએ 10 પુત્રીનો રેશિયો તો ક્યારનો પૂરો થઈ ગયો, આજે તો હવે 10 સામે 8 કે 7 જેટલી પુત્રી જન્મ લે છે, અને એમાંથી પણ કેટલી સુરક્ષિત રહે છે,એ તો હવે મારો રામ‌ જાણે. અને પછી પણ, જન્મ બાદ 1 થી 15 વર્ષ દરમિયાન મૃત્યુ પામે તો એની માટેના આ સિવાય પણ ઘણા કારણો છે.

આ પરંપરા નો વિરોધ સૌથી વધુ સ્ત્રીઓ દ્વારા જ થાય છે, કારણ કે અંતે તો તેનું અપમાન થયું હોય એવું એને લાગે છે. ભૂતકાળમાં ભેદભાવની નીતિ નું ભોગ બન્યા હોય, બાળપણમાં પણ આ બાબત સતત ઘર્ષણ થયું હોય. એટલે કે ભણતરની બાબતમાં પણ દીકરાને સર્વશ્રેષ્ઠ માની ભણાવાતા હોય, અને દીકરીઓને ઓછું ભણાવતા હોય, કારણ કે દીકરીઓને અન્ય ઘરના ચૂલા ચૌકા જ કરવાના છે. એટલે ઘરે થી જ તાલીમ મળે એવા આશયથી જે કોઈ શારીરિક જવાબદારી હોય એ પણ દીકરી જ નિભાવે, અને છતાં વંશ તેમજ વારસદાર તો દીકરો જ કહેવાય!

મૂળમાં આ પરંપરાનો હેતુ આવો હતો નહીં, એટલે કે ભેદભાવની ભાવના આમાં નહોતી. પિતાના ઘરનો વંશ દીકરી વધારી શકે નહીં, પરંતુ એ જ દીકરી પરણીને સાસરે જાય ત્યાં તેના સંતાનથી એનો વંશવેલો આગળ વધે છે, અને વંશ વધારનારની તે માતા કહેવાશે, એ સત્ય સહજ તો છે, પણ સ્વીકાર્ય નથી. કારણકે આજે શિક્ષણનો વ્યાપ ખૂબ જ વધ્યો છે, અને તેને કારણે સ્ત્રીઓ પોતાના ઘરથી બહાર નીકળી છે, ત્યારે આ ભેદભાવની નીતિને કારણે તેમને ઘણું સહન કરવું પડ્યું છે, એવો તેનો દાવો છે. પરંતુ પોતાના ઘરેથી જ તેને ભણતર માટે કે કોઈ કલા વગેરે માટે સ્વતંત્રતા મળી છે, દેશ વિદેશમાં તે ભણી શકી અને તેને કારણે તે સફળ છે, તેવું જો વિચારવામાં આવે તો એ પણ વ્યાજબી થશે.
મૂળમાં તો અન્ય લોહી નો સંબંધ વંશ તરીકે સ્વીકારી શકાતો નથી એવી વાત છે. પરંતુ પ્રવર્તમાન સમાજમાં તો સંતાન ન થતાં હોય, એ દત્તક પણ લેતા હોય છે અને આઈ વી એમ પદ્ધતિથી ડોનેટ વીર્ય ના પ્રયોગથી, પણ માતા બની શકાય છે. એટલે કે સાવ કોઈ અન્યને વંશ વધારનાર કહેવો એની કરતા દીકરીનું સંતાન વંશ તરીકે સ્વીકારી લેવું જોઇએ, અને એવા કેટલાય દાખલાઓ છે જેમાં આવું બન્યું છે.

ટૂંકમાં યોગ્ય હોય કે ના હોય, છતાં પુત્ર જ વંશ વધારનાર છે અને વારસદાર પણ છે એમાં કાયદાની દ્રષ્ટિએ થોડો સુધારો કરવામાં આવ્યો છે, અને આજે તો હવે સીધી લીટીના વારસદારમાં માતા પિતા ના બધા જ સંતાનો નો સમાવેશ કરવામાં આવે છે. તદુપરાંત વારસા માંથી, પૂરેપૂરા સરખી ભાગમાં ભાગ પાડવામાં આવે છે. એટલે ભારતીય મૂળની આ પરંપરા સાચી છે, કે ખોટી તેમાં ન જતા તેના પરિણામો વિશે ચિંતિત થઈએ, તો એને કારણે સમાજમાં ઘણી બધી સમસ્યાઓ આવતી કાલે આવીને ઉભી રહેશે. જેમકે દિકરીઓ ના જન્મ ઓછા થઈ જતાં, અત્યારે પણ જે મુશ્કેલ સર્જાય છે એ વધુ મુશ્કેલ બનશે, અને ફરી પાછી એક સ્ત્રીને ત્રણ-ચાર પુરુષે લગ્ન કરવા પડે, એવી પરિસ્થિતિ પણ આવીને ઉભી રહેશે.

દીકરી જન્મે તો લક્ષ્મી પધારી એવા વધામણા થતા હોય છે, અને સ્વાભાવિક રીતે જ દીકરી સંવેદનશીલ વધુ હોવાથી દીકરીનું ઘર પરિવાર પ્રત્યે યોગદાન પણ વધુ રહે છે. પરંતુ માતા-પિતા એટલે દીકરીની ઝંખના ઓછી કરે છે કે ૨૫થી ૨૬ વર્ષની દીકરી ને આ રીતે કોઈને સોંપી દેવી પડે, એ બહુ કષ્ટ દાયક લાગે, આ ઉપરાંત ત્યાં તેની સારસંભાળ અહીં જેવી થશે કે નહીં? એ પણ એક પ્રશ્ન તેને કોરી ખાય છે, અને આવા તો નાના-મોટા કેટલાએ કારણો મળી આવે. જેમ કે પુત્રીની માતા એવું વિચારે કે તેને જે સહન કરવું પડ્યું, તે હવે તેની દીકરીને પણ કરવું પડશે. આ ઉપરાંત સ્ત્રીઓનું શારીરિક શોષણ કરવું, તેને જાતીય સુખ માટેનું સાધન માનવું, અને ઉપરથી પોતાની સવામીત્વની ભાવના ને કારણે જ આજે દિકરી ને જન્મ આપનાર દંપતી ગભરાય છે,અને ક્યાં તો ગર્ભ માં જ મારી નાખવામાં આવે,અને ક્યાંક જન્મે પછી આમ ભેદભાવ કરી માનસિક મૃત્યુ આપે છે.

પરંપરા સાચી છે કે ખોટી તે દલીલમાં ન પડીએ, પરંતુ એનાથી સમાજમાં સંતુલન છે, એ વાતને વિચારી અને આ પરંપરા વધુ આગળ ચાલે એ માટે સ્ત્રીઓનું શોષણ થતું અટકવું જોઇએ, તેઓને માન સન્માન આપવા જોઈએ, ગર્ભમાં જ દીકરીનું મોત કરવામાં આવે છે, એ બંધ થવું જોઈએ. તદુપરાંત વારસદાર તરીકે દીકરી ને સ્વીકારી તેનો હક્ક હિસ્સો તેને આપવો જોઈએ જેથી, કરીને સ્ત્રીને પોતાના અસ્તિત્વની અહેમિયયત સમજાય એવું કંઈક કરવું જોઈએ. અંદરોઅંદર એકબીજાના સંબંધ આ રીતે જ વધે છે. એટલે આ એક સાર્વજનિક શાંતિ માટેનું યથા યોગ્ય પગલું છે, એમ સ્વાકારી આ પરંપરા નિભાવી શકાય. છોડ પરના ફળ ફૂલ દેખાય છે,પણ તેના મૂળ દેખાતાં નથી, પણ તેના મૂળિયા એ હંમેશાં વૃક્ષનું જતન કરવા માટે જ હોય છે, એવી રીતે વિચારી આ પરંપરાને શિરોમાન્ય કરી શકાય, તો‌ કંઈક પરિણામ મળે. એટલે કે સમાજ ખોટેખોટું આડુ અવળું વિચારે નહીં, અને એમાં ખાસ કરીને સ્ત્રીઓ પોતાના હક અને વારસદારની વાત પર કોર્ટના કાયદા નો અમલ ન કરવો પડે, એવું જીવન સૌ એ હળમળી ને જીવવું પડશે,તો જ સમાજ શાંત રહેશે, અને તો જ પરંપરા એનાં મૂળભૂત રીતે ભેદભાવ વગર કામ કરી શકે છે. જ્યાં સમજાય નહીં એ સત્યને આમ જ અન્ય ના ઉકેલ માટે છોડી દેવું જોઈએ, એમ વિચારી આપણને આમાં કોઈ ભૂલ લાગે કે તથ્ય નથી એવું લાગે, એવી વાત હોય તો પણ તેનું નિરાકરણ અન્ય કોઈ થી છે, એમ સમજી આપણે મૌન થવું, એમાં જ આપણી સમજદારી છે, આપણે સૌ આ રીતે સમજદારી અર્જિત કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહવંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here