દક્ષિણ ગુજરાતના ચૌધરી આદિવાસી સમાજે પોતાનું બંધારણ બનાવ્યું લગ્નમાં રાત્રે 1.30 પછી ડીજે નહીં, વ્યવહારમાં સોનાની વીંટી નહીં દક્ષિણ ગુજરાતના મહુવાના કાછલ ગામના ચૌધરી આદિવાસી સમાજે જૂના કુરિવાજો નાબૂદ કરીને 33 જેટલા સામાજિક સુધારાઓ સાથેનું પોતાનું અલગ બંધારણ રચ્યું છે. આ બંધારણમાં સમાજની આગવી ચૌધરી બોલીને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
કાછલ ગામનાં ગ્રામજનો ભેગાં મળીને ગામના સમાજનું બંધારણ તૈયાર કર્યું છે, જેમાં બિનજરૂરી ખર્ચાઓ પર કાપ, પોતાની ભાષાને મહત્ત્વ આપવા સહિતના જરૂરી નિર્ણય કરવામાં આવ્યા હતા. કાછલ દૂધ મંડળીના પ્રમુખ રવીન્દ્રભાઈ ચૌધરી, નરેનભાઇ ચૌધરીની આગેવાની હેઠળ ચૌધરી સમાજનું બંધારણ સભાનું આયોજન કરાયું હતું, જેમાં આદિવાસી ચૌધરી સમાજના સામાજિક ખર્ચ ઘટાડવા અને આદિવાસી રીતિ-રિવાજો પ્રમાણે વિધિઓ થાય એવા 33 પ્રકારના સામાજિક સુધારા સાથેનું બંધારણ બનાવવામાં આવ્યું હતું.
- ચૌધરી સમાજે નવા બંધારણમાં આ સુધારા સામેલ કર્યા છે
- સગાઈમાં સોનાની વીંટી પહેરાવવાની અને સગાઈમાં કેક કાપવાની પ્રથા નાબૂદ
- સગાઈમાં જમણવાર રાખવો નહિ, સાકર-પડોની પ્રથા બંધ કરવી
- લગ્ન પ્રસંગે ગામમાં કંકોત્રી વહેંચવી નહિ, ફક્ત નોતરું જ નાખવું
- લગ્નવિધિ દરમિયાન ફરજિયાત ચાંદીનું જ મંગળસૂત્ર પહેરાવવું
- મરણ પ્રસંગે જમણવાર રાખવો નહીં.
- સામાજિક પ્રસંગોએ બીડી, તમાકુની થાળી મૂકવી નહીં
- ‘આવનારી પેઢીને ધ્યાનમાં રાખી સમાજનું નવું બંધારણ બનાવ્યું’
આવનારી પેઢીને સમસ્યાઓનો સામનો ન કરવો પડે એ માટે ગ્રામજનોએ એક મત થઈ સર્વાનુમતે ગામનું બંધારણ બનાવ્યું અને એમાં 33 મુદ્દાનો આ બંધારણમા સમાવેશ કરવામાં આવ્યો છે. નક્કી થયેલા બંધારણની બુક બનાવવામાં આવશે અને એને ગામના દરેક ઘરમાં વિતરણ કરવામાં આવશે. આ બંધારણ 1 જૂન 2022થી અમલમાં આવશે. > નરેન ચૌધરી- માજી સરપંચ કાછલ અને પ્રમુખ મહુવા તાલુકા ચૌધરી સમાજ.