શ્રી મંગલમૂર્તિ થકી આગામી 800 વર્ષ સુધી વિશ્વભરના આત્માઓ માટે આત્મસાક્ષાત્કારપ્રાપ્તિ સંભવ: પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી
સમર્પણ આશ્રમ, દાંડી ખાતે પ્રથમ સ્થાયી શ્રી ગુરુશક્તિધામ લોકાર્પણ સમારોહ ઉમંગભેર ઉજવાયો
સમર્પણ આશ્રમ, દાંડી ખાતે પ્રથમ સ્થાયી શ્રી ગુરુશક્તિધામનો લોકાર્પણ સમારોહ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર, સાધકોની બહોળી ઉપસ્થિતિમાં ઉજવાઈ ગયો. સમર્પણ ધ્યાન સંસ્કારના પ્રણેતા પરમ પૂજ્ય મહર્ષિ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમાં આજે અક્ષયતૃતીયાના મંગલ દિને પ્રથમ સ્થાયી શ્રી ગુરુશક્તિધામને પૂજ્ય સ્વામીજીએ લોકો માટે અર્પણ કર્યું. આ ઐતિહાસિક સમારોહના આગલા દિવસે નવસારી શહેરથી દાંડી આશ્રમ સુધીની શોભાયાત્રા ખૂબ જ ઉલ્લાસભેર નીકળી હતી. શ્રી ગુરુશક્તિધામમાં પૂજ્ય સ્વામીજીની પ્રતિકૃતિરૂપ શ્રી મંગલમૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે, જે તેઓએ સ્વયં ૪૫ દિવસના અનુષ્ઠાન દરમિયાન આત્મસાક્ષાત્કારના સંકલ્પ સાથે પ્રાણ પ્રતિષ્ઠિત કરી છે. આ મંગલમૂર્તિ જ્યાં સ્થાપિત કરવામાં આવી છે એ સ્થાન એટલે શ્રી ગુરુશક્તિધામ કે જ્યાંથી આવનારા ઓછામાં ઓછા 800 વર્ષ સુધી સમગ્ર વિશ્વના લોકો માટે આત્મસાક્ષાત્કાર જેવી આધ્યાત્મિક જગતની સર્વશ્રેષ્ઠ ઘટના સંભવ હશે અને એ શ્રી મંગલમૂર્તિ દ્વારા આધ્યાત્મિક માર્ગદર્શન પણ સંભવ હશે. આ શ્રીગુરુશક્તિધામ વિશ્વના આત્મખોજી માટે તીર્થધામ બની રહેશે.
આજના મંગલ પ્રભાતે 6:30 કલાકે ધ્યાન દ્વારા કાર્યક્રમનો પ્રારંભ થયો હતો અને ત્યારબાદ પૂજ્ય સ્વામીજીએ તેમની અમૃતવાણી દ્વારા ચેતન્યવર્ષા કરી હતી. તેઓએ લોકાર્પણ સમારોહ અંગે જણાવ્યું હતું કે આ મંગલમૂર્તિ સ્વયં આત્મસાક્ષાત્કાર કરાવશે. આ મૂર્તિની ખાસ બાબત એ છે કે તેનું રૂપ છે એ જ તેનું સ્વરૂપ છે અને આત્મસાક્ષાત્કારના સંકલ્પ સાથે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે, જેથી અહીં કોઈ પણ વ્યક્તિ આત્મસાક્ષાત્કારની ઇચ્છાથી આવશે તો તે જરૂર પ્રાપ્ત કરી શક્શે. આ મંગલમૂર્તિ અદ્વિતીય છે. આ મંગલમૂર્તિ સમક્ષ આત્મસાક્ષાત્કાર માંગશો તો આધ્યાત્મિક સ્થિતિ સારી થશે, આધ્યાત્મિક સ્થિતિ સારી થશે તો ભીતરની સ્થિતિ સારી થશે અને જ્યારે ભીતરની સ્થિતિ સારી થશે તો બહારની સ્થિતિ એની જાતે જ સારી થશે તેથી મંગલમૂર્તિની સામે ભૌતિક વસ્તુઓ માંગવા કરતાં આત્મસાક્ષાત્કાર માંગો. આ ઉપરાંત તેઓએ મૂર્તિ અને પૂતળાનો તફાવત દર્શાવતાં જણાવ્યું કે મૂર્તિ ફક્ત અને ફક્ત પરમાત્માની હોય છે જ્યારે પૂતળું કોઈ વ્યક્તિનું હોય છે. કોઈ માધ્યમે દેવતાને પસંદ કરી જીવનભરની તપસ્યા, સાધના કરી એ ઊર્જા પથ્થર કે લિંગમાં સ્થાપિત કરે છે, જેમાં પરમાત્માનો અનુભવ થાય છે. જ્યારે પૂતળું કોઈ વ્યક્તિનાં આદર્શ કાર્યોની યાદ અપાવે છે. તેણે કરેલાં કાર્યો આવનારી પેઢીને પ્રેરણા આપે છે. મૂર્તિમાં ભાવ, ચૈતન્ય અને વાઈબ્રેશન હોય છે, જ્યારે પૂતળામાં કોઈ ભાવ હોતો નથી. આ ઉપરાંત મંગલમૂર્તિ અને દેવતાની મૂર્તિમાં પણ મોટો તફાવત છે, કારણ કે દેવતાની મૂર્તિની કોઈ સિદ્ધ મહાત્માએ પ્રાણપ્રતિષ્ઠા કરેલી હોય છે, જ્યારે મંગલમૂર્તિની સ્વયં ગુરુએ પ્રાણપ્રતિષ્ઠા કરેલી છે. અહીં જે રૂપ છે એ જ તેનું સ્વરૂપ છે. ઐતિહાસિક અને અદ્વિતીય ઘટનાના સાક્ષી બનવા માટે તેઓએ દરેક સાધકને પણ અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે સાધક પોતે પણ એક પથ્થર છે અને ગુરુ શિલ્પકાર છે. ધ્યાન કરવાનું કહીને તેનામાંથી અનાવશ્યક વસ્તુઓ દૂર કરે છે અને ધીમે ધીમે બિનજરૂરી પથ્થરો દૂર કરી સાધકમાંથી પરમાત્મા પ્રગટ કરે છે. શ્રી ગુરુશક્તિધામ માટે તેમણે જણાવ્યું કે જેમ મિરરને સાચવવા માટે કોઈ ફ્રેમ જરૂરી છે તેમ આ ચૈતન્યસભર મંગલમૂર્તિને સાચવવા માટે શ્રી ગુરુશક્તિધામની જરૂર પડે છે. કચ્છના રણ વિશે પણ તેઓએ જણાવ્યું કે જેમ હિમાલયમાં બરફ તમારામાંથી નકારાત્મક ચીજોને દૂર કરે છે એ જ રીતે રણમાં પણ એવી જ સ્થિતિ છે જે તમારી નકારાત્મકતા દૂર કરે છે અને વિચારશૂન્ય અવસ્થા આપે છે. આ સ્થિતિ સાધના કરવા માટે ખૂબ જ યોગ્ય છે. અને અંતમાં ફરીથી અપેક્ષા વગરનું ધ્યાન કરવા માટેની વાત કરી હતી. પ્રેમની ચરમસીમા એટલે સમર્પણ. પ્રેમનું સર્વોચ્ચ બિંદુ સમર્પણ છે અને પ્રેમની વાત સાથે જ તેઓએ પૂજ્ય ગુરુમાને યાદ કર્યા હતા કે જેઓએ માળીની જેમ કોઈ જ સ્વાર્થ વગર પૂજ્ય ગુરુજીની સાધનામાં સાથ આપ્યો અને ગુરુશકિતઓએ વાવેલ આધ્યાત્મિક બીજને વટવૃક્ષ બનાવ્યું હતું. અંતમાં પ્રશ્નોત્તરીમાં સાધકોએ પોતાના પ્રશ્નોના સમાધાન મેળવ્યા હતા. ત્યારબાદ પૂજ્ય ગુરુદેવ અને વંદનીય ગુરુમાની લગ્નતિથિની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ પ્રથમ વખત રથયાત્રામાં પૂજ્ય ગુરુદેવ સાથે પૂજ્ય ગુરુમાએ સાથ આપ્યો હતો. મેદાનમાં ઠેર ઠેર ગોઠવેલ સ્ટેજ પર યુવા સાધકોએ નૃત્ય સંગીત દ્વારા સ્વાગત કર્યું હતું તો ગુરુદેવ અને ગુરુમાએ સર્વે સાધકોને આશીર્વાદ આપ્યા અને એક ચૈતન્યપૂર્ણ વાતાવરણમાં પ્રથમ સ્થાયી શ્રી ગુરુશક્તિધામનું પૂજ્ય ગુરુદેવના કરકમળ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત શ્રી ગુરુશક્તિધામના વિશાળ હોલમાં ગુરુતત્ત્વ, દાન સે આત્મસમાધાન તથા નિસર્ગ ઔર આત્મા પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું, જેની સહુએ મુલાકાત લીધી હતી. સમગ્ર કાર્યક્રમનું ગુરુતત્ત્વ યુટ્યુબ પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વભરના સાધકો જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા આશ્રમ સમિતિ તેમજ ગુરુતત્ત્વ ટીમે જહેમત ઉઠાવી હતી. ભોજનપ્રસાદ સાથે સહુ સાધકોએ વિદાય લીધી હતી.