મિત્રો- શુભ સવાર.
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સદીઓથી માનવીઓ ભોગ પ્રત્યે રસ અને રુચિ દાખવતાં આવ્યા છે,જો એટલો જ રસ અને રૂચિ એણે ભક્તિ તરફ દાખવવામાં આવે તો ધ્રુવની જેમ ઈશ્વર પ્રાપ્તિ થાય. ભક્તિ માટે કોઈ નિશ્ચિત ઉંમર હોતી નથી, અને અચળ ભક્તિ કે અવિરત ભક્તિ માટે એટલે જ આપણે ધ્રુવ નું ઉદાહરણ લેતા હોઈએ છીએ. ગઈ કાલે આપણે ધ્રુવ વિષે વાત કરી કરી,એ અનુસંધાન એ હજી હું વધુ સુક્ષ્મ ચિંતન કરી રહી હતી, તો ધ્યાનમાં આવ્યું કે ધ્રુવના પિતા ઉત્તાનપાદનો કોઈ અભિપ્રાય એમાં દર્શાવવામાં આવ્યો નથી. તો શું આવી માનીતી અને અણમાનીતી રાણી વચ્ચે ભોગ લાલાયિત વૃત્તિની માનસિકતા ત્યારે પણ હતી? કે પછી શું એની કોઈ સ્વતંત્ર વિચારધારા જ નહીં હોય? ગમે તે રાજા બને એનાથી શું એને કોઈ ફેર નહીં પડતો હોય?; મોહ માયા મમતા ત્યારે પણ શું એટલા જ દૂષિત હતાં? મનમાં આવા અસંખ્ય પ્રશ્નોની વણઝાર શરૂ થઈ. સુરુચિ પ્રિય અને સુનીતિ માંથી કેમ રસ રુચિ ઘટી ગયાં, શું એ સુંદર નહીં હોય? રાજા ઉત્તાનપાદ ની રીતે કારણ ગમે તે હોય, પણ એક વાત તો નિશ્ચિત છે કે, જે પદાર્થ માંથી રસ રુચિ ઘટી જાય તે આપોઆપ ત્યજાઈ જતા હોય છે,અને પછી જ સત્ય ને નીતિની યાત્રા શરૂ થાય છે, અને ધ્રુવ જેવું કોઈ લક્ષ્ય પ્રાપ્ત થાય છે, જે આપણને ઈશ્વર તરફ પ્રેરિત કરે છે. રાજા ઉત્તાનપાદ પોતાના જીવનમાં ભલે એ તક ચૂકી ગયાં, કદાચ ઈશ્વર લીલા પણ હોય. પરંતુ આપણે એ તક ચૂકવવાની નથી, ધીરે ધીરે પદાર્થોમાંથી મનને વાળી લેવાનું છે, અને સત્ય અને નીતિના પથ પર ધ્રુવ જેવી અચળ ભક્તિથી અવિરત ગતિ કરવાની છે.ત્યારે સચ્ચિદાનંદ સ્વરૂપે પરમાત્મા આપણા હૃદયમાં નિવાસ કરશે, અને જીવનમાં શાંતિનો અનુભવ થશે. ગંગાકિનારે પોતાના ટૂંકા આયુની જાણ થતાં રાજા પરીક્ષિત પણ આવા જ કારણે શુકદેવજીનાં મુખે હરિરસ કથાનું પાન કરી રહ્યા છે, અને રાજા પરિક્ષિત શુકદેવજી ને ઈશ્વર પ્રાપ્તિ કેવી રીતે થાય? એ પ્રશ્ન પુછી રહ્યા છે, તો આજે આપણે ચિંતનમાં એ વિશે વાત કરીશું.
શુકદેવજી પરિક્ષિત રાજાને કહે છે હે રાજન! આ દુનિયા ચિત્ર-વિચિત્ર માનસિકતા ધરાવતા માનવી થી ભરેલી છે, અને બીજાની બુદ્ધિ અનુસાર જીવવા વાળા જીવનમાં ક્યારેય શાંતિ પામી શકતા નથી. એકથી પ્રભાવિત થઈ અને એ રીતે જીવ્યા, બીજાથી પ્રભાવિત થઈ એ રીતે જીવ્યાં,અને એ રીતે અન્ય બીજા માટે દુર્ભાવ વધતો ગયો, એમ કરતાં કરતાં ક્યારેય ખુદ પોતાની બુદ્ધિનો સદુપયોગ કર્યો નહીં અને એને પરિણામે સમાજમાં મોહ માયા મમતા ના દૂષણો વાળા પરિવારો અંદરોઅંદર ઘર્ષણ કરતા જોવા મળે છે. કોઈને એ વાતનું જ્ઞાન રહેતું નથી કે, માનવ જન્મ ઈશ્વરની ભક્તિ કરવા માટે મળ્યો છે, અને ઈશ્વર પ્રાપ્તિ માટે સાધના કે નામ સ્મરણ કે પછી અન્ય કોઈ રીતે ઈશ્વર પ્રાપ્તિ કરવા માટે મળ્યો છે, તેથી મારા જીવનનું એ જ અંતિમ લક્ષ્ય હોવું જોઈએ,અને તે એની બદલે એ જીવન ભોગ્ય પદાર્થ રુપે રહેલી સુંદર વસ્તુની ઝંખનામાં જ ખર્ચી નાખે છે. અને આ રીતે કાળ પોતાની ગતિ આગળ વધારે છે, તેમજ વિસ્તાર પણ વધારો થતો જાય છે. હે રાજન્ તું તો રાજા રહી ચૂક્યો છે, એટલે તારી સીમાઓ વધારવા માટે તારે યુદ્ધ કરવા પડતા હતાં,એ વાત તું જાણે છે. પરંતુ કળિયુગને પોતાનો વિસ્તાર વધારવા માટે કોઈપણ પ્રકારના યુદ્ધ કરવા પડતા નથી, માનવીની માનસિક નબળાઈઓને પકડી અને એ મુજબ તે પોતાનો વ્યાપ વિસ્તાર વધારો થતો જાય છે. આખરે કાળની ગતિ અને કાળનો વ્યાપ એ પણ ઈશ્વરની લીલા છે. પરંતુ અત્યારે તો એની માટે તું જ જવાબદાર છે. કારણ કે કળીયુગને આશરો તે આપ્યો હતો, માટે સમસ્ત સમાજના કલ્યાણ માટે આ જગત હરિ કથા રસ હું સંભળાવી રહ્યો છું,અને એ રીતે સૌ કોઈ સમ્યક ભોગ દ્વારા ભક્તિના માધ્યમથી ઈશ્વર પ્રાપ્તિ કરી શકે છે.
ઈશ્વરની પ્રાપ્તિ માટે ઈશ્વરની સેવા છે કે ભગવાનની સેવા કરવી બહુ જ અનિવાર્ય છે સેવા ને આપણે પૂજા સાથે પણ સરખાવી છે, અને એ રીતે જોઈએ તો ભગવાનની ત્રણ પ્રકારે સેવા કરવાથી ઈશ્વર પ્રાપ્તિ થતી હોય છે. તનુજા, વિત્તજા, અને માનસી, એમ ત્રણ પ્રકારે ભગવત સેવા કરવામાં આવે તો ઈશ્વર પ્રાપ્તિ થાય એવું ભાગવતમાં કહ્યું છે.
સેવાનો અર્થ પૂજા કરી અને આપણે કેટલાય વર્ષોથી મૂર્તિની પૂજા આ ત્રણ રીતે કરતા આવ્યા છીએ. પરંતુ જોઈએ તેટલી શાંતિ મળતી નથી, એટલે કે ઠાકુરજીના ચરણાર્વિન્દ ને પખાળીએ, કે તેના લલાટ પર વૈષ્ણવી તિલક કરીએ, શંકરને ગાયના દૂધનો અભિષેક કરીએ, તેને જાતજાતના ભોગ ધરીએ, કે વાઘા પહેરાવી સજાવીએ, એટલે તેને શણગાર કરીએ. માનસી એટલે કે તેનું અંતર ધ્યાનથી સ્મરણ કરીએ, આ બધું જ ઘણા લાંબા સમયથી કળિયુગનો સમાજ કરતો આવ્યો છે. કોઈ કોઈ ને આ રીતે ભગવાન પ્રાપ્ત થતાં પણ હશે. પરંતુ માનવી નું મન અત્યંત ચંચળ હોવાથી, સેવા પૂજા વખતે તેને કેટલીયે પ્રકારના વિચારો આવતા હોય છે, અને તેથી આ કાર્ય માત્ર સ્થૂળ રીતે જ થતું હોય છે. દાખલા તરીકે હું મારી જ વાત કરું તો સ્થૂળ પૂજાના સમયેજ શાક વાળી આવે, કામ કરવા વાળા આવે, રસોઈ વાળી આવે, અને હમણાં છોકરાઓ અહીં હોવાથી,એ બધા પણ ચા નાસ્તો કરવા આવે, બધું જ તૈયાર કરી ને જ પૂજા કરવા બેઠી હોઉં, તો પણ જમના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું,એમ કરતાં કરતાં વચ્ચે કંઈક કંઈક બોલવું જ પડે,અને આ મારી એકની નહીં લગભગ દરેકની માનસિકતા છે. જેમકે વડીલ દાદી પૂજા કરતા હતા, તો એમને આવો કોઈ વહીવટ કરવાનો નહોતો છતાં, એ પણ કંઈક કંઈક બોલતાં કે પછી સૂચના આપતા.એટલે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે પૂજામાં આપણું મન જોઈએ તેટલું પરોવાતુ નથી,અને એને પરિણામે ઈશ્વર પ્રાપ્તિ થતી નથી.
પરંતુ ભગવાન યોગેશ્વર એ ગીતામાં કહ્યું છે કે આદિ અનાદિ પુરુષ હું છું. સમગ્ર બ્રહ્માંડ માં પ્રત્યેક જડ અને ચેતન પદાર્થમાં હું વસું છું. વૃક્ષનું એક પાન પણ મારી મરજી વગર ચાલી શકતું નથી. દરેકે દરેક જીવમાં મારા અંશ તરીકે અવિનાશી આત્મા વસે છે. તો મૂર્તિમા માત્ર ભગવાનને જોવા અને એની સેવા પૂજા જ્યારે મનની ચંચળતાને કારણે પરિણામ દાયક રીતે ન થતી હોય, તો પ્રત્યેક જીવમાં ઈશ્વર બિરાજમાન છે, અને તેની સેવા પૂજા કરવાથી પણ ઈશ્વર પ્રાપ્તિ થાય છે, અને એ રીતે આ સેવાને લેવામાં આવે તેનો ગાઢ પ્રકલ્પ ધારણ કરવામાં આવે, તો અવશ્ય ઈશ્વર પ્રાપ્તિ થતી હોય છે. એટલે કે ચતુર્ભુજ સ્વરૂપે નારાયણ દર્શન દેશે કે નહીં, એ વાતે યુગ પ્રમાણે નિશ્ચિત થતું નથી. પરંતુ આપણી સતત સંઘર્ષ અને ઘર્ષણ ભરી જિંદગીમાં થોડીક નિરાંત નો અનુભવ થાય, થોડુંક આનંદનો અનુભવ થાય, અંદરો અંદરના સંબંધોમાં મધુરતા આવે એવા પ્રમાણમાં અવશ્ય પ્રાપ્ત થાય છે.
જેની પાસે આર્થિક સદ્ધરતા નથી એ લોકો શારીરિક દરેક રીતે પોતાનાથી થાય તેટલું અન્યને મદદરૂપ થવાનો સંકલ્પ લઈ, અને ભગવાનની તનુજા સેવા કરી શકે છે. આપણા સમાજમાં કેટલાય અનાથ અપંગ છે, કેટલાય અનાથ વૃદ્ધ છે, કેટલીય પીડીત મહિલાઓ છે તો આવા લોકોની સેવા કરીને ઈશ્વર પ્રાપ્તિ સુધી પહોંચી શકાય છે.અથવા તો ઘર પરિવાર કે કુટુંબમાં કોઈ આવું હોય એની શારિરીક રીતે મદદ કરવી એનું જીવન આસાન બનાવવું એ પણ એક જાતની પૂજા જ છે.
જેની પાસે આર્થિક સદ્ધરતા છે એ લોકો સમાજના આવા લોકોમાં હરિ દર્શન કરી, એમની માટે આર્થિક સહાય ઉપલબ્ધ કરીને ભગવાન ની વિત્તજા સેવા પૂજા કરીને ઈશ્વર પ્રાપ્તિ કરી શકે છે. કેટલુ સ્પષ્ટ અને સીધું કહ્યું છે છતાં આવું જોઈએ તેટલા પ્રમાણમાં દરેક થી થતું નથી. આજે અમુક ભાગને બાદ કરતાં, મધ્યમ વર્ગનો માનવી આર્થિક રીતે થોડો સધ્ધર થયો છે, અને ઈચ્છે તો થોડું ઘણું કરી પણ શકે. પરંતુ માનવી છે કે, સો રૂપિયા હોય તો હજાર રૂપિયા આવશે ત્યારે દાન-ધર્મ કરીશ એવું વિચારે, અને હજાર આવે ત્યારે દસ હજાર ની ઝંખના કરે કે, અત્યારે તો હજાર મારા પરિવારમાં પણ પૂરા થતા નથી, એટલે દસ હજાર આવશે ત્યારે, એમાંથી કંઈક દાન કરીશ. એટલા આવે તો લાખ ની ઝંખના કરે, અને લાખ આવે તો દસ લાખની આમ કરોડપતિ થાય, ત્યાં સુધી તે રૂપિયાની જંખના વધારતો જ જાય છે, પણ દાન ધર્મ કરતો નથી, જે તેને ઈશ્વર વિમુખ લઈ જાય છે, અને એને કારણે જ તે ભોગે ઈત્યાદિમાં મરણ ને શરણ પહોંચી જાય છે. મુક્તિ તો તેની માટે દૂર પણ ભક્તિ પણ કરી શકતો નથી.
માનસી સેવા એટલે કે શારીરિક શક્તિ પણ ના હોય, અને આર્થિક સ્થિતિ પણ એટલી સદ્ધર ના હોય, છતાં લોકો પ્રત્યે કરુણાનો ભાવ થાય, અને ઈશ્વરને એ માટે પ્રાર્થના કરવામાં આવે, કે હે ભગવાન તું આ લોકોનું ધ્યાન રાખજો, એ લોકોનું કલ્યાણ કરજો, અથવા તો એમને સદબુદ્ધિ આપજો, આમ માનસિક રીતે પણ અન્યનું સારુ વિચારી અને પ્રાર્થના કરવામાં આવે તો એ માનસીપૂજા છે. સામ્પ્રત સમાજમાં હરિ કથાઓ કરવાનું એક માત્ર કારણ આ જ છે, કે વધુ ને વધુ લોકો ઈશ્વર નું ચરિત્ર જાણે, અને તેમાંથી કંઈક સારી વાત ગ્રહણ કરે પોતાના જીવનને બહેતર બનાવવા માટે કોશિશ કરે આનંદના શુદ્ધ અને સાત્વિક સ્વરૂપને હૃદયમાં રાખી સૌ સાથે સુમેળ ભર્યો વ્યવહાર કરે, તો ખુદની શાંતિ, પરિવાર ની શાંતિ, સમાજની શાંતિ દેશની શાંતિ અને આમ વિશ્વની શાંતિ તરફ આગળ વધી શકાય બસ માત્ર ને માત્ર ના શુભ મંગલ માટે આ રીતે વિચારવું એ માનસી સેવા પૂજા છે. સદગુરુ કૃપા હી કેવલમનાં બળ બુદ્ધિ અને વિદ્યા પર નિત્ય મંદાકિની જેવી પવિત્ર ધારા જે ચિંતન વહે છે,એ પણ ઈશ્વરની માનસી સેવા જ છે, અને આ રીતે થતાં દરેક વિચારો પણ માનસી સેવા છે.
તો આપણે સૌ ભાગવતના માધ્યમથી આ સેવા ગ્રહણ કરી અને ઈશ્વર પ્રાપ્તિ માટે એટલે કે હૃદયમાં સચ્ચિદાનંદ ઘન સ્વરૂપે પરમાત્મા નું અનુસંધાન કરી, અને જીવનમાં કંઈક ઠોસ આનંદની અનુભૂતિ થાય, એવું કરવા માટે જે કંઈ કરવું પડે તે કરીએ અને એ રીતે ઈશ્વર પ્રાપ્તિ કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)