ગુરુદેવના નામથી જાણીતા રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ 7 મે, 1861ના રોજ કોલકત્તામાં જોરાસંકો હવેલીમાં થયો હતો. રવિન્દ્રનાથ ટાગોર માત્ર એક કવિ જ નહિ પરંતુ સંગીતકાર, ચિત્રકાર અને લેખક પણ હતા. સાહિત્યને દેશથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી નવી ઓળખ અપાવનાર પહેલા નોબલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે બે દેશોના રાષ્ટ્રગીતો પોતાની કલનથી લખ્યા છે. ભારતના રાષ્ટ્ર્રગીત ઉપરાંત ગુરુદેવે બાંગ્લાદેશનુ રાષ્ટ્રગીત ‘આમાર સોનાર બાંગ્લા’ પણ લખ્યુ હતુ.
રવિન્દ્રનાથ ટાગોરના જીવન સાથે જોડાયેલ ઘણા એવા પાસાં છે જેના વિશે આજ સુધી કોઈને ખબર નથી. રવિન્દ્રનાથ ટાગોરના લેખનમાં પ્રેમ, વિયોગ અને પીડાનો સમાવેશ છે. એવુ માનવામાં આવે છે કે આ મહાન લેખકના જીવનમાં પણ મહિલાઓ અને પ્રેમની ઘણી વ્યાપક અસર હતી કે જે તેમના લેખનમાં પણ દેખાતી હતી. જો કે આ વિવાદિત વિષય રહ્યો છે, થોડા સમય પહેલા આ વિષય પર ફિલ્મની વાત પણ થઈ હતી. આવો નજર નાખીએ એ ચાર મહિલાઓ પર જેમણે રવિન્દ્રનાથ ટાગોરની લાઈફમાં મહત્વની ભૂમિકા નિભાવી પરંતુ જેમની ભૂમિકાઓ પર આજે પણ ખુલીને વાતો નથી થતી પરંતુ રવિન્દ્રનાથ ટાગોરની રચનાઓમાં તેનો ઉલ્લેખ છે.
કાદમ્બરી દેવી સંબંધમાં રવિન્દ્રનાથ ટાગોરની ભાભી હતા. વાસ્તવમાં ગુરુદેવની મા બહુ નાની ઉંમરમાં ગુજરી ગયા હતા. 7 વર્ષના રવિન્દ્રનાથની દોસ્તી 12 વર્ષની કાદમ્બરી દેવી કે જે તેમના મોટા ભાઈ જ્યોતિન્દ્રનાથની પત્ની અને પરિવારની બાલિકા વધુ હતી, તેની સાથે થઈ ગઈ હતી. જો કે મોટા થવા પર આ સંબંધને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવવા લાગ્યો તો રવિન્દ્રના પિતા દેવેન્દ્રબાબુએ રવિન્દ્રનાથના લગ્ન કરાવવાનો નિર્ણય કર્યો. 1884માં 22 વર્ષના રવિન્દ્રના લગ્ન 10 વર્ષની મૃણાલિની સાથે કરાવી દીધા. તેના 4 મહિના બાદ 19 એપ્રિલ, 1884ના રોજ કાદમ્બરીએ ઝેર પી લીધુ. 21 એપ્રિલે તેનુ મોત થઈ ગયુ. કાદમ્બરીના મોત બાદ રવિન્દ્રનાથે એક કવિતાનુ પુસ્તક લખ્યુ જેનુ નામ હતુ ‘ભાંગા હ્રદય.’ (તૂટેલુ દિલ)
1878માં 17 વર્ષના રવિન્દ્રનાથ ટાગોરને ઈંગ્લેન્ડ જવાનુ હતુ, તે પહેલા તેમના ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોરે તેમને બૉમ્બેના ડૉ.આત્મારામ પાંડુરંગ તુરખુર્દના ઘરે બે મહિના માટે મોકલ્યા હતા. અંગ્રેજી ભણવા માટે જ્યાં ડૉક્ટરની 18 વર્ષની દીકરી અન્નપૂર્ણા હતી કે જે રવિન્દ્રનાથ ટાગોરથી ખૂબ પ્રભાવિત થઈ ગઈ હતી. કહેવાય છે કે તેને એકતરફી પ્રેમ થઈ ગયો હતો પરંતુ આ સંબંધ આગળ વધી શક્યો નહિ. દત્તા અને રૉબિન્સને લખેલા પુસ્તક ‘મેરિએડ માઈન્ડેડ મેન’માં આ વાતનો ઉલ્લેખ છે.
મૃણાલિની દેવી એક સમર્પિત પત્ની અને માની જેમ ટાગોર સાથે પોતાની આખી જિંદગી ચાલતા રહ્યા. જ્યારે તેમના લગ્ન થયા હતા ત્યારે તેમની ઉંમર દસ વર્ષની હતી. તેમને પાંચ બાળકો થયા. 29 વર્ષની ઉંમરે 1891માં તે બિમારીના કારણે ગુજરી ગયા. રવિન્દ્રનાથ ટાગોરે બાદમાં મૃણાલિનીને સમર્પિત કરીને ‘સમર્પણ’ લખી હતી. મૃણાલિનીએ બાંગ્લા, સંસ્કૃત અને અંગ્રેજીનો અભ્યાસ કર્યો. રામાયણનો અનુવાદ કર્યો હતો.
63 વર્ષના રવિન્દ્રનાથ ટાગોરની દોસ્તી આર્જેન્ટીનામાં 34 વર્ષની મહિલા વિક્ટોરિયા ઓકૉમ્પો સાથે થઈ જેણે કવિરાજ રવિન્દ્રનાથ ટાગોરને કુશળ પેઈન્ટર બનાવી દીધા. પોતાના સંગીતમાં ગુરુદેવે પોતાની આ વિદેશી(જેને તે વિજયા કહેતા હતા)ને એક ખાસ જગ્યા આપી છે. તેમણે લખ્યુ હતુ, ‘આમી સૂનેચી આમી ચીની ગો ચીની તોમારે ઓ ગો વિદેશિની, તૂમી થાકો સિંધુ પારે ઓગો વિદેશીની.’ (હા, મે સાંભળ્યુ છે હું ઓળખુ છુ તને ઓ વિદેશિની, તુ સિંધુ નદીને પાર રહે છે ને વિદેશિની)