માતૃદેવો ના પાયા પર ઉભેલી ભારતીય સંસ્કૃતિ ના અત્યાધુનિક સમાજમાં ક્યાંક ક્યાંક માતા અને પિતા બંને સંતાન માટે ભારરૂપ થતાં દેખાય છે.

0
200

મિત્રો- શુભ સવાર.

હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ભગવાન ના સ્વરૂપ અને પ્રતીતિની વાતો તો કરી, પણ આજે ચિંતન થોડું અઘરું છે,કારણ કે બહાર બહુ દેકારો છે. આખ્યાન, ભવાઈ, રામલીલા અને શેરી નાટક આમ તો આપણી પ્રાચીન સંસ્કૃતિ છે,પણ એનો યુગ આમ તો વીતી ગયો છે. પણ હજી રામાપીર ના આખ્યાન ઘણી જગ્યાએ થતાં હોય છે,અને અમારા ઘર પાસે પણ આવું આખ્યાન હતું, એટલે કાને પડેલો શબ્દ સંભળાવો મુશ્કેલ છે.હવે આ રીતે ધર્મ નો પ્રચાર થાય કે નહીં? એ એક બહુ ગહન પ્રશ્ન છે,પણ આપણે તેમાં જવું નથી. શ્રીમદ્ ભાગવત નાં શુદ્ધ જ્ઞાનના સતત ચિંતન પછી એમાં પણ ઈશ્વર અંશ જોવાની કોશિશ રાતથી કરું છું, કારણ દીકરીઓની આંખમાં નીંદર આવવાનું મુશ્કેલથી થયું, એટલે કે ધ્વનિ પ્રદૂષણ થી અશાંતિ તો થાય જ! આમ ક્યારેક પ્રત્યક્ષ ઘટના ભારે પણ પડે. એટલે એવું નથી કોઈ ને પસંદ હોય પણ ખરું! પણ પરચા કે ચમત્કાર જીવની રુચિ નથી. જીવની રુચિ માત્ર સાક્ષાત્કાર માં જ છે. લલિતપૂર ની કથા માં હમણાં જ બાપુએ કોઈ એ કરેલો પ્રસાદ શબ્દ નો અર્થ કર્યો હતો, કે પ્ર એટલે પ્રભુ,સા એટલે સાક્ષાત અને દ એટલે દર્શન, એને પ્રસાદ કહેવાય. ઈશ્વરને ધરીને કોઇપણ ભોગ્ય પદાર્થ નું સેવન કરવામાં આવે ત્યારે એ સાક્ષાત હરિ દર્શનની પ્રતિતિ કરાવે, તો તેને પ્રસાદ કહેવાય, અને આપણે ત્યાં ઘણા પ્રસાદનો ખૂબ જ મહિમા પણ છે‌. જેમકે રાંદલનો પ્રસાદ, સત્યનારાયણ નો પ્રસાદ, નવરાત્રીની પૂજાનો પ્રસાદ,યજ્ઞનો પ્રસાદ, શિવરાત્રીની ભાંગનો પ્રસાદ, અને આ ઉપરાંત પણ બીજા હશે. પરંતુ પ્રસાદ નું મહત્વ તેની સાથે આપણી આસ્થા કેટલી જોડાયેલી છે તેની પર રહેલું હોય છે, નહીં તો એ માત્ર મીઠું વ્યંજનથી વધુ કંઈ નથી. હમણાં તો દીકરો દીકરી, વહુ, બધા જ નહીં હોવાથી દિવસની એક એક ક્ષણ પ્રસાદ જેમ જ વીતે છે, કારણ કે મમતા વગર એક સ્ત્રી અધુરી છે,જોકે આમ તો બાળકના જન્મ પછી એ સ્ત્રી રહેતી નથી, માતા બની જાય છે, અને એને આપણે ત્યાં ઈશ્વર નો દરજ્જો અપાયો છે.આમ પણ આજે મધર્સ ડે છે, તો આપણે આજે ચિંતનમાં મધર્સ એટલે કે માતા નાં રુપમાં રહેલી મમતા વિશે વાત કરીશું.

માતા એટલે સાક્ષાત ઈશ્વર અને આ અનુભવ લગભગ બધા એ કર્યો હશે, અને આજે તો સોશિયલ મીડિયા પર એને લઈને ખૂબ બધી કૃતિઓ તેમજ સુવિચારો નો મારો ચાલશે. એક રીતે સારું છે, પરંતુ અમુક વાતો જેમ વિચારોમાં અને શબ્દોમાં જ રહી જાય છે. એ રીતે માતૃ ભાવના પણ વધુ આ રીતે જ પ્રગટ થતી હોય છે, એ પણ અકાટ્ય સત્ય છે. કારણ કે માનવીની એક ખાસિયત કહો તો ખાસિયત અને નબળાઈ કહો તો નબળાય કે તે કોઈના જીવતા તેની એટલી કિંમત કરી શકતો નથી, તેના ચાલ્યા જવા પછી જ તેને તેની વધુ કિંમત સમજાતી હોય છે, અને આ કોઈ અન્યની વાત પરથી નથી કહ્યું. ખુદની જ વાત કરું છું કે, મમ્મી અમારી માટે મહાન જ હતાં, અને કાયમ રહેશે. પરંતુ એના ગયાં પછી તેના સંસ્કારો અને તેના લક્ષણની મહત્તા વધુ સમજાઈ છે. કાયમ અન્યનાં સુખમાં માટે જ જીવી,અને એમાં પણ પતિની આજ્ઞા એ બ્રહ્મ વાક્ય હોય એમ, અને એને કારણે જ કળિયુગમાં પણ પપ્પા પછી વીસ દિવસ એ જ કોઈ એવી બિમારી વગર કોઈ લાંબી કષ્ટી ભોગવ્યા વગર સતી થઈ ગઈ.

આપણે ત્યાં માતા નાં ઘણા ઉદાહરણો આપીને વાત કરવામાં આવે છે જેમ કે સતયુગ ની વાત કરીએ તો શંકર પત્ની પાર્વતી,ગણેશ કાર્તિકેય ની માતા. કૌશલ્યા કૈકેયી,અને સુમિત્રા એ રામ લક્ષ્મણ અને ભરત શત્રુધ્ન ની માતા,એ રીતે મંદાકિની અક્ષય મેઘદૂત એટલે ઇન્દ્રજીત ની માતા. યુગ બદલાઇ ગયો અને દ્વાપરમાં કૌરવોની માતા ગાંધારી પાંડવોની માતા કુંતી અને શ્રીકૃષ્ણની માતા તરીકે દેવકી અને યશોદા. પરંતુ એમાં ઘણી જગ્યાએ મમતા દૂષણ બની છે,જેમ કે ગાંધારી અને કૈકેયીની મમતા દૂષણ બની એટલે એ બંને કાળના હાથનું રમકડું બની ગયાં. જ્યારે કુંતી એ પણ કર્ણ નો ત્યાગ કર્યો હતો, એટલે એ પણ પક્ષપાત ની રીતે થોડા દૂષિત થયાં. પણ માતા માતા હોય છે,અને મમતા માટે તે ગમે તે કરી શકે,એ વાત માં કોઈ બેમત નથી.

દેવકી ની વાત કરીએ તો પોતાના સંતાનને જન્મ દઈને તરત એને છોડી દેવું કે બીજા ને સોંપી દેવું એ એક માતા માટે બહુ જ અઘરી વાત છે. કળિયુગમાં પણ ઘણી સ્ત્રીઓ લગ્ન પહેલા માતા બની જતી હોય પણ જ્યારે તેને છોડી દેવું પડે, અથવા અનાથ આશ્રમમાં મૂકી દેવું પડે, કે રસ્તે મૂકી દેવું પડે, તો એ ઘડી તેની માટે બહુ જ અઘરી હોય છે, અને એમ કહી શકાય કે તેનુ અડધું અસ્તિત્વ જ જાણે તેને છોડી દીધું હોય, તેમ તે પછી જીવતી હોય છે, કારણ કે સમાધાન કે સ્ત્રી નું બીજું નામ છે. જોકે આજે તો યુગ બદલાઇ ગયો છે, અને સિંગલ વુમન તરીકે ઘણી સ્ત્રીઓ આ રીતે પ્રેમમાં ધોખો ખાધા પછી પણ પોતાના બાળકને ઉંછેરતી હોય છે, તો કોઈ લગ્ન સરખું ન નીવડે ત્યારે પણ પોતાના ખભે બધી જવાબદારી લઈ લેતી હોય છે, અને સહર્ષ પૂરી પણ કરતી હોય છે.

ભગવાન શ્રીકૃષ્ણની માતા દેવકીએ પણ કંસ થી બચાવવા માટે શ્રીકૃષ્ણનો તેના જન્મ પછી તરત ત્યાગ કર્યો હતો, અને ભગવાન શ્રીકૃષ્ણ એટલે જ ગોકુળમાં યશોદા માતાની મમતા નાં પાલવમાં ઉછેર્યા હતાં. જન્મ દેનારી માતા કરતા પાલન કરતા માતા વધુ મહાન છે, એવી પણ આપણે ત્યાં આ ઉદાહરણ પરથી વાત કહેવામાં આવે છે, અને મમતા માટે નાં સુનિશ્ચિત પ્રમાણ તરીકે પણ યશોદાને વર્ણવવામાં આવે છે. યશોદા માતા વિશે બીજું તો શું કહીએ, પણ શાસ્ત્ર માં તેને પણ ગોપી કહ્યા છે, તેનુ ચિત્ત ક્રિષ્ન સિવાય ક્યાંય ચોંટતું નહીં,અને ગોકુળની ગોપી જેમ એમણે પણ રુપ સ્વરૂપની માધૂરીના પ્રસાદનો અનુભવ થયો હતો. ભાગવતની કથાઓમાં કૃષ્ણ લીલાનું વર્ણન વાંચીએ તો માતા જશોદાના ચરિત્રથી અભિભૂત થઈ જવાય, કારણકે પોતાના લોહી માટે તો સૌ કોઈ કરે, પણ પારકાને પોતાના ગણી અને તેનું આટલો મમતાથી ઉછેર કરવો એ બહુ અઘરું છે. આપણને પ્રશ્ન થાય કે દેવકી,કે યશોદા માં કોણ મહાન, કે પછી કોની મમતા વધુ! તો એ આ કિસ્સામાં કહી શકાતું નથી,કારણ કે માતા યશોદાએ દૂધની જગ્યાએ કૃષ્ણના ઉછેરમાં જીવ રેડ્યો હતો, અને માતા દેવકી એ પોતાના સંતાન ના પ્રાણ માટે ખુદનાં પ્રાણની પરવાહ કરી નહોતી.પરંતુ એક વાત નિશ્ચિત છે કે માતા એટલે માતા ! પછી એમાં કોઈ ઊંચનીચ નહીં.

પોતાના ખોળામાં પડેલું બાળક એ માતા માટે સૌથી મૂલ્યવાન સંપત્તિ છે, તેને દૂગ્ધ પાન કરાવવું કે તેને પાછળ પાછળ ફરી કોળિયા ભરાવવા, એમાં તેને સ્વર્ગ દેખાતું હોય, કે સ્વર્ગમાં આવી પહોંચી હોય, એવી અનુભૂતિ થતી હોય છે. રાત રાતના ઉજાગરા કરવાં, છી પી પી થી ગંધાતા હોય, તો પણ મોઢું બગાડ્યા વગર સાફ કરવું,એની ભાવતી વાનગી ઓ બનાવવી એના અસ્તિત્વ માં જ પોતાનું અસ્તિત્વ શોધવું, અને બાળકની માંદગી વખતે તો તેનો જીવ નીકળી જાય છે. કુદરતી રીતે જેમ માતા થતાં જ છાતીમાં દૂધ ભરાવા લાગે છે, એ રીતે બુદ્ધિ પણ અકલ્પનીય રીતે તેજ થાય છે, અને તે વધુ શક્તિશાળી પણ બને છે. આ બધી જ માત્ર વાતો કે શબ્દો નથી, આપણે અનુભવેલું સત્ય છે. કે સવારથી ઊઠીને રાતના સુવા સુધી જેને બેસવા પણ ન મળ્યું હોય, છતાં તે પરિવારના પોષણથી વધુ બીજું કંઈ જ વિચારતી નથી. તેના મનમાં આખર તારીખ નાં અંતિમ દિવસોમાં 500 રૂપિયામાં કેમ પૂરું કરશું? એની યોજનાઓ ચાલતી હોય, અને ક્યાંક ક્યાંક છુપાવેલા રૂપિયા સમયે વપરાતા પણ હોય, એટલે એના જેવી વ્યુહ રચના કરવી ઘણી અઘરી છે. પોતાની માટે સૌથી ઓછી જરૂરિયાત રાખે, અને પોતાના બાળક માટે ન જાણે કેટલોય એ ત્યાગતી હશે? પણ એનો ભાર બાળકને ક્યારેય વર્તાવા ન દે, અને એ સિવાય નાદાન ઉંમર માં કેટલુંય બધાને કહ્યું હોય,એ બધું માફ! આ ખરેખર બહુ જ અઘરું છે, આવા તો કેટલાય કડવા ઝેરના ઘૂંટડા એણે ગળ્યા હશે, અને એમાં પણ હસતા મોઢે! જોકે‌ આ બધી વાતો થોડા સમય પહેલા ની છે,અને આજે પરિસ્થિતિ હવે ઘણી બદલાઈ ગઈ છે, અને બાળોતિયા બદલવાનું તો લગભગ રહ્યું જ નથી. કારણકે ડાયપર શોધાઈ ગયા છે, અને સામાન્યથી સામાન્ય આવક ધરાવતા લોકો પણ આવું બધું વાપરવા લાગ્યા છે. એકવાર કોઇ થોડા પ્રસિદ્ધ પુરુષે આ વિશે કટાક્ષ કરતો વિડીયો પણ મોકલ્યો હતો, પરંતુ એને કહેવાનો તો કોઈ હક જ નથી, કારણ વિજ્ઞાનની શોધ અપનાવી ને જીવન અનુકૂળ બનાવી લેવાથી માતા, માતા મટી જતી નથી, એ પણ એટલું જ સત્ય છે. પરંતુ આશ્ચર્યની વાત તો ત્યાં છે કે, તે છતાં આજે વૃદ્ધાશ્રમોમાં વેઇટિંગ ચાલે છે!! જે થોડું ગમતું નથી. જેમણે નવ મહિના પોતાની કોખ માં રાખી અને જેનો ઉછેર કર્યો હોય, તે ઘણીવાર નવ દિવસ, નવ મહિના, કે નવ વર્ષમાં થાકી જાય છે, અને એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે.

માતૃદેવો ના પાયા પર ઉભેલી ભારતીય સંસ્કૃતિ ના અત્યાધુનિક સમાજમાં ક્યાંક ક્યાંક માતા અને પિતા બંને સંતાન માટે ભારરૂપ થતાં દેખાય છે. એનું કારણ છે શિક્ષણ ને નામે યુવાનો સ્વતંત્ર અને સ્વચ્છંદ થતાં જાય છે, તેમજ મોંઘા મોંઘા પ્રસાધનો જીવનમાં મોજશોખ માટે અપનાવવાની શરૂઆત કરી, ધીરે-ધીરે તેના આદિ બનતા ગયાં અને ઓછા રૂપિયામાં કેમ ગુજારો થાય એમ કરીને, એમણે કરેલા ત્યાગ બલિદાન અને સમર્પણ ભૂલી જઈને માત્ર પોતાનું કર્તવ્ય કર્મ ભૂલી માતા-પિતાને ત્યાગી દીધાં. તો માતૃ દેવની વંદના આ મધર્સ ડે નિમિત્તે જો સાચે કરવી હોય તો આવા ભાવના વગરની માત્ર રચનાત્મક વાતો કરવાનું બંધ કરીને, તેને વધુમાં વધુ ખુશી આપવાની કોશિશ કરીએ, તો એ દેવી આરાધના બરાબર છે, એવું સ્વયં ભગવાન આદિદેવ જગતગુરૂ શંકરાચાર્યે પોતાના નિવેદનમાં કહ્યું છે,અને આચરણમાં પણ મુક્યું છે. પોતે વિરક્ત સંન્યાસી હોવા છતાં, માતાનું દેહાંત થતાં તેની અંતિમવિધિ અને શ્રાદ્ધ કાર્ય કરવા સમાજમાં પાછા આવ્યા હતાં. બસ માતા વિશે તો બીજો શું લખી શકીએ, અને લખવું હોય તો પાનાંના પાનાં ભરાય, છતાં હજી બાકી છે, એવું જ લાગે! પરંતુ એમ શબ્દો વ્યય કરવાનો શું મતલબ! માતા એટલે માતા એને બીજા કોઈ વિશેષણની જરૂર નથી ઉચ્ચ શિક્ષણ મેળવી અને ડોક્ટર એન્જિનિયર કે ચાર્ટડ એકાઉન્ટન્ટ કે પ્રિન્સિપાલ, પ્રોફેસર કે પછી વૈજ્ઞાનિક તરીકે કામ કરતી માતા પણ માતા જ છે, અને શેરી વાળવા આવતી કે ઘરે કામ કરવા આવતી શ્રમિક વર્ગની મહિલાઓ પણ માતા બને એટલે માતા જ છે, એમાં કોઈ અલગ સ્પેસિફિકેશન હોતું નથી. મધર્સ ડે ની સાચી ઉજવણી કરવી હોય, તો માતા-પિતાને એના જીવતા જ માન આપવાનું શીખીએ, અને સમાજના વૃદ્ધાશ્રમો ઓછા થાય, તેમાં આ રીતે ગડદી ન થાય એ જોવાની પણ આપણાં સૌની ફરજ છે. આપણે સૌ આપણી સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરને જન્મ દેનારી માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી, અને તેના સંસ્કારો મુજબ જીવીને એનું નામ રોશન કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, સૌને મારા આજના દિવસના સ્નેહવંદન જય સીયારામ.

લી ફાલ્ગુની વસાવડા ( ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here