હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. પ્રણામ પણ જો પ્રેમથી કરવામાં ન આવે, એટલે કે આદર ન હોય તો, એનું કોઈ મહત્ત્વ રહેતું નથી. એ જ રીતે માતૃ દિવસની ઉજવણી પણ દિલમાં હતો એની કરતા ખોટો વધુ અહોભાવ દાખવી અને સોશ્યલ મીડિયા પર પૂર્ણ થયો હોય, એવું ક્યાંક ક્યાંક અનુભવાયું. વર્તમાન પેઢી ખરાબ છે, કે ખોટી છે, એવું દરેક વાતમાં ઠેરવવા કરતાં એના પોઈન્ટ ઓફ વ્યુથી વિચારવાથી કદાચ સમસ્યાનો હલ નીકળી શકે, અને દરેક વખતે આપણે સાચાં એવું પણ શું કામ?: એકંદરે માં એટલે સુપરવુમન એવી આપણી માનસિકતા હવે આપણે બદલવી પડશે, કારણ કે જે સુપરવુમન છે એ છે જ!! એને એની સાબિતી આપવાની કોઈ જરૂર નથી. વડીલ અતુલ કાકા એ પણ બહુ સરસ જાણકારી આપી,પોતે એક દિવ્યાંગ બાળકોની સંસ્થા સાથે છેલ્લા કેટલાય વર્ષોથી જોડાયેલા છે, અને એમણે એમના સંસ્થામાં આવતા દિવ્યાંગ બાળકોની મધર વિશેના ફોટા મોકલ્યા,અને એની વાત કરી તો, ઊંચા ઊંચા હોદ્દા પર હોવા છતાં તે યુનિક બાળકની માતાઓ પોતાના આ દિવ્યાંગ બાળકોની ખૂબ જ કાળજી પૂર્વક કેર કરે છે, અને પોતાનું બાળક આવું છે, એ એમણે સ્વીકારી લીધું છે, અને એની મમતા મા ક્યાંય ખોટ દેખાતી નથી, હા એને ક્યારેક એવું થાય તો પણ પોતાના બાળક માટે થતું હોય, કે બીજા ની જેમ તે રમી શકતું નથી, કે આનંદ કરી શકતું નથી. એટલે મા એ મા બાકી બધા વગડા ના વા, એ ઉક્તિ આજે પણ યથાર્થ જ છે. ખેર બાળકનું આવું જન્મવું એ પણ આખરે ભગવંત લીલા છે, અને આપણે પણ હમણાં શ્રીમદ ભાગવત વિશે ભગવંત તત્વની પ્રકૃતિ માં મહત્તા અને મહિમા શું છે? એ વિશે વાત કરી રહ્યા છીએ. છેલ્લા ચિંતનમાં આપણે સર્ગ અને વિસર્ગ વિશે એટલે કે સર્જનનુ વિસર્જન પણ સમયે જરુરી છે,એ વાત કરી હતી, હવે આજે આપણે આગળ ના લક્ષણો વિશે વાત કરીશું.
ગંગાકિનારે પોતાની મુક્તિના હેતુથી કથા સાંભળી રહેલા રાજા પરીક્ષિતને ઉદ્દેશીને શુકદેવજી આગળ ના લક્ષણ સ્થિતિ, અને પોષણ વિષે વાત કરી રહ્યા છે, કે રાજન પરિસ્થિતિ ની સ્થિતિને જાળવી રાખવાનું કાર્ય ભગવાન કરે છે, અને સચરાચર સૃષ્ટિ ના જીવના પોષણ એટલે કે પરિપાલન ની જવાબદારી પણ તેની છે
**સ્થિતિ.
એટલે કે કાળ અને મહાકાળની સદીઓથી ચાલી આવતી આ રમતમાં કાળ પોતાની ચાલ રમે ત્યારે માનવીને એ પરિસ્થિતિમાં સ્થિર રાખવાનું કાર્ય ભગવાન કરે છે. જીવનમાં ઘણીવાર બહુ અઘરા મોડ આવતા હોય છે,અને એવે સમયે જીવન ટૂંકાવી નાખવાની પણ ઘણાને ઈચ્છા થતી હોય છે, પરંતુ એમ મૃત્યુની અવધિ પહેલાં આપણને ભગવાન મારવા દેતો નથી, અને દુઃખ સુખમાં એ સમય પસાર થઈ જાય છે. એટલે કે વ્યક્તિગત એ સ્થિર મનોભાવ ને જાળવી રાખે છે.તેમજ બાહ્ય પ્રકૃતિમાં પણ ઋતુ નું સંચાલન ભગવાન તત્વ દ્વારા જ શક્ય છે. શિયાળો ઉનાળો અને ચોમાસુ, એ ઋતુઓ ક્રમાનુસાર એની રીતે કાર્ય કરે છે. તેમજ દૈનિક રીતે જોઈએ તો સૂર્ય નો એક જગ્યાએ ઉદય થવો, અને ત્યારે જ બીજી બાજુ અસ્ત થવો, આ બધું સંચાલન ભલે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયું હોય, પણ એ ઈશ્વર વગર શક્ય નથી. તો પૃથ્વીનું અને બ્રહ્માંડના બીજા ગ્રહનું એની ધરી પર તેમજ સૂર્ય આસપાસ પરિભ્રમણ કરવું આ બધું જ પરિસ્થિતિ પ્રમાણેની સ્થિત ઈશ્વર સંચાલિત છે, એટલે કે એની સ્થિતિ પ્રમાણે એ બેલેન્સ કરે છે. ઈશ્વર હોવાની એક બીજી વાત કરીએ તો આજે સમગ્ર વિશ્વમાં અધર્મ પરાકાષ્ઠાએ છે, અને પ્રકૃતિમાં પણ વિકાસને નામે પુષ્કળ પ્રદૂષણ ફેલાયેલું છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો અત્યારે વિનાશ જેવું ઘણું બધું થવું સંભવ હતું, પરંતુ કોઈ એવી શક્તિ છે, જે ભયંકર વિનાશ ને રોકે છે, અને ક્યાંક ક્યાંક ધરતીકંપ કે વાવાઝોડાં સ્વરૂપે થાય છે. બાકી મોટા મોટા જ્યોતિષી એ કેટલીય ભવિષ્ય વાણી કરી હતી, કે પૃથ્વીનો પ્રલય થવાનો છે,અને આખી પૃથ્વી સમુદ્રમાં સમાઈ જવાની છે, પણ આપણે આજે પણ સલામત છીએ. એટલે જ્યોતિષીઓ ખોટા છે, એવું કહેવાનું તાત્પર્ય નથી. એ તો આખરે ખગોળશાસ્ત્ર ના અભ્યાસ મુજબ બધું કહેતા હોય, પણ અંતે ચૈતન્ય શક્તિ બ્રહ્માંડના એ મનોભાવને પણ સ્થિર રાખી અને આપણને જીવંત રાખી રહી છે. હજી એ એને ઊંડે ઊંડે આશા છે કે, માનવી સુધરી જશે, અને પોતે જ કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરી, પ્રકૃતિ સંવર્ધન કે તેના સંરક્ષણ વિશે વિચારી, અને કંઈક વધુ સારું કરશે, જેના દ્વારા પરિસ્થિતિ વારંવાર બેકાબુ ન બને. ગયા વર્ષનાં વાવાઝોડાની અસર આ વર્ષે દેખાણી,અને લીંબુના ભાવ આસમાને ગયાં, તેમજ કેરીની મે મધ્યમાં પહોંચ્યા છતાં એટલી આવક નથી. પણ એવી વિનાશક પરિસ્થિતિ માં પણ એકંદરે સ્થિતિ જાળવી કે, આપણે સાવ કેરી વગરનો ઉનાળો ન પાર કરવો પડ્યો. એટલે કે અમુક આંબા બચાવી લીધા, એ છે ભગવંત તત્વની મહત્તા અને મહિમા.
**પોષણ.
પૃથ્વી પર સચરાચર જીવ રૂપે જન્મ લેનાર દરેક જીવના પોષણની જવાબદારી પણ અંતે ભગવંત તત્વની છે અને એટલે જ આપણે ત્યાં કહેવત પણ છે કે મોઢું આપ્યું હોય એને ઈશ્વર ચાવણુ આપીને જ રહે છે. ભૂખ્યા ઉઠાડે છે,પણ કોઇને ભૂખ્યા સુવાડતો નથી. ભોક્તા અને ઉપભોક્તા ની સાયકલ મુજબ અહીં દરેક જીવ કંઈક ને કંઈક ખોરાકનો પદાર્થ મેળવીને જ રહે છે,એ પછી એની યોની મુજબ નક્કી થાય છે. ખોરાક દ્વારા જ તેને પોષણ મળે છે અને તેની શારીરિક તેમજ માનસિક વૃદ્ધિ થાય છે. ભગવંત તત્વ હોવાની હજી વધુ પ્રતીતિ પોષણ ના લક્ષણ માં પણ જોવા મળે છે. દરેક પ્રકારના જીવની માદા જ્યારે પોતાના બચ્ચા કે બાળકને જન્મ આપે, ત્યારે તેના પોષણ માટે તેની અંદર જ દૂધ ઉત્પન્ન કરનાર આખરે ભગવંત તત્વ છે, અને એ દૂધ નો આજ સુધી કોઈ વિકલ્પ શોધાયો નથી, તેમજ તેની ઉત્પત્તિ કઈ રીતે થાય છે તે પણ શોધાયું નથી, અને એ દૂધ બાળક કે અને માદાના બચ્ચા માટે અમૃત સમાન હોય છે. તે સંજીવની બની તેનું પોષણ કરે છે, અને તેનો શારીરિક તેમજ માનસિક વિકાસ સુદ્રઢ રીતે થાય છે. દુનિયામાં ઘણી બધી માનસિકતાવાળા માનવીઓ રહે છે, અને કોઈ સીધી રીતે ઈશ્વરને સ્વીકારે તો એને આસ્તિક કહેવાય,અને ન સ્વીકારે તો એને નાસ્તિક કહેવાય. પરંતુ સૌ કોઈએ આ રીતે તો ઈશ્વરને સ્વીકારવો જ પડે કારણ એની માતા ના દૂધ થી જ તેનું અસ્તિત્વ છે,એ કેમ નકારી શકાય! ઘણાં તર્ક પણ કરે કે ઘણી માતા ને દૂધ આવતું નથી, અને એના સંતાનો પણ ગાય બકરી વગેરે ના દૂધથી ઉછરે છે. પરંતુ એ ગાય અને બકરીનું દૂધ પણ અંતે તો ઈશ્વરની ઉત્પતિ છે, એટલે આ તર્ક પણ બેબુનિયાદ છે.
તો વ્યક્તિગત રીતે પરિસ્થિતિમાં આપણી સ્થિતિની સ્થિરતા જાળવવી એ પરમ શક્તિ કે ભગવન તત્વની ઉપલબ્ધિ વગર શક્ય નથી, અને એ જ રીતે સચરાચર જીવના પોષણ નું કાર્ય પણ સુચારુ રૂપે ભગવંત તત્વ જ કરી રહ્યું છે, એમાં પણ કોઈ બે મત નથી. એક દાખલો આપું, અમે લોકો એક વાર હિમાચલની ટૂર પર ગયાં હતાં, અને વળતી વખતે તમામ પ્રકારનો નાસ્તો ખૂટી ગયો હતો, એક બે નાસ્તા હતાં,પણ એ ખાઈ ખાઈને બાળકો કંટાળી ગયા હતાં. વળતા કાયમ ટ્રેનમાં બેસવા પહેલા બ્રેડ બટર જામ એવું ખરીદી લઇએ, પણ એ વખતે ટ્રેન ઉપડવાના સમયે જ પહોંચ્યાં, અને એ વ્યવસ્થા ખોરવાઈ ગઈ. ઝડપથી બીજું સ્ટેશન પણ આવતું નહોતું,અને બંને બાળકો ભૂખ્યાં થયાં હતાં, અને વારંવાર મમ્મી સ્ટેશન ક્યારે આવશે! એવું પુછતા હતા. એ વાત યાદ આવતા આજે પણ આંખમાં પાણી આવી ગયાં, ત્યારે સેકન્ડ એસીનાં ડબ્બા માં બે વિદ્યાર્થીની અમારી માટે ભગવાન બની ને આવી હતી,એ લોકો પોતાના ઘરે થી અમદાવાદ ભણવા જતા હતા,અને ઘરેથી પેક કરેલું ટિફિન એમણે અમારા બાળકો ને આપી દીધું હતું.જોકે એ જ રીતે જતી વખતે અમારી પાસે પુષ્કળ પ્રમાણમાં ખાદ્ય પદાર્થો હતાં,અને એ બાજું થી સેમીનાર માં આવેલી એક આખી ટીમને અમે થેપલા શાક અથાણું પુરું પાડ્યું હતું. એટલે ભગવાન છે એ વાત માં કોઈ બે મત નથી, અને એ ચાવણુ આપે જ છે. સિંહ ને બકરી, અને બકરી ને ઘાસ, આ અકાટ્ય સત્ય સિદ્ધાંત છે.
તો ભાગવતના દ્વિતીય સ્કંદ નાં દસમા અધ્યાયમાં ભગવાન તત્વના 10 લક્ષણો શુકદેવજી મહારાજ જણાવે છે, અને એ મુજબ આપણે પણ આપણી બુદ્ધિની સ્થિરતાથી એ વિશે ચિંતન કરી રહ્યા છીએ. ભગવંત તત્વ છે કે નહીં, એની દ્વિધામાં પડ્યા વગર, આસ્થાથી જો કોઈ વ્યક્તિ માટે પણ કાર્ય કરવામાં આવે, તો એની પ્રતિક્રિયા કે એનો પડઘો સકારાત્મક પડે છે, એ દર્શાવે છે કે સારી ભાવનાથી કરેલું કોઈ કાર્ય નિષ્ફળ જતું નથી. તો આજની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સ્થિતિ જાળવવા માટે, આપણે પણ આપણાં છે! નથી! નાં વિચારો ને એક બાજુ રાખી, અને વિશ્વ હકારાત્મક તરફી ગતિ કરે, અને વૈશ્વિક પરિસ્થિતિની સ્થિતિ સામાન્ય થાય, અથવા જળવાઈ રહે એવું કંઈક કરીએ,અને એની માટે આપણી સંસ્કૃતિ એ એક થી એક ચડે એવા વૈદિક ગ્રંથો આપ્યા છે, તો એનો સહારો લઈને ભગવંત તત્વ છે જ! એ વિચાર ને દ્રઢ કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન-મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)