મિત્રો- શુભ સવાર.
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ભગવંત તત્વ છે, એની પ્રતીતિ કરવાનાં ઘણા બધાં પ્રમાણ શ્રીમદ્ ભાગવત આપણને આપે છે. પ્રકૃતિ તરફ જરાક નજર કરીએ તો સુક્ષ્મ દર્શન કરતાં નજર આવે કે, વાતાવરણમાં બધા જ વાયુઓનું સાથે રહેવા છતાં અલગ અસ્તિત્વ છે, અને એ મિશ્ર થઇ જતાં નથી, માટે જ આપણે તેને શુદ્ધ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકીએ છીએ. બાકી પાણીમાં જેમ દૂધ ભેળવવામાં આવે, અથવા પાણી અને દૂધ બંને એકસાથે જુદા જુદા અસ્તિત્વથી રહી શકે નહીં, તે ભેગા થઈ જ જાય! એમ વાયુ પણ જો ભેગા થઈ જતા હોત તો કેવી કઠિન પરિસ્થિતિ થઈ જાત! એટલે કોઈ એવી પરમ શક્તિ છે જે આ બધું બેલેન્સ કરે છે, અને એને ભગવાન કે ઈશ્વર નામ આપીએ, તો એમાં ખોટું શું છે?; ટૂંકમાં દરેક પરિસ્થિતિની સ્થિતિમાં સ્થિરતા,તેમજ દરેક સચરાચર જીવને પોષણ આપનાર તત્વ ભગવંત તત્વ છે. માતા પિતા જેમ પોતાના બાળકની દરેક વાત માટે ચિંતિત હોય, એ રીતે જ આ ભગવંત તત્વ પણ સતત આપણો સર્વાંગી વિકાસ થાય એ માટે ચિંતિત હોય છે, અને એટલે જ પ્રકૃતિ કે નિસર્ગ રુપે ચૈતન્યનો પ્રવાહ આપણી આસપાસ વહે છે, અને આંતરિક ચેતના સાથે સંતુલન કરવાં કોશિશ કરે છે. જે માનવી ખુદ જાગી જાય છે, તે પોતાની તરફથી પણ પ્રયત્ન કરે છે. બાકી કોઈ જીવને શ્વાસ લેતા શીખવું પડતું નથી, કોઈ ને ઉત્સર્જન કરતાં શીખવવું પડતું નથી,ભૂખ લાગે ત્યારે અભિવ્યક્ત કરવું જોઈએ એવું કહેવું પડતું નથી, નીંદર આવે ત્યારે આંખ બંધ કરવી પડશે એવું કહેવું પડતું નથી,અને એટલે જ હજીય એવી ઘણી ક્રિયા છે જે આપણાં દ્વારા વગર પ્રયત્ને થાય છે, અને આ ક્રિયા આપણાં માં રહેલ પ્રાણ તત્વ કે ચેતના ને કારણે જ સંભવ છે.એટલે કે અંદર આત્મા સ્વરૂપે ચેતના અને બહાર નિસર્ગ સ્વરૂપે પરમ ચૈતન્ય આ બંને એક જ છે, અને એકબીજામાં એકાકાર થાય ત્યારે જ મુક્તિ કે નિર્વાણ ની પ્રતિતી થાય, પણ મૃત્યુ પહેલાં આ અનુભવવું બહુ અઘરું છે, છતાં અશક્ય નથી.
ભગવંત તત્વ ભાવના થી ભરેલું છે, અને દરેક જીવ પણ ભાવ કુભાવથી જ પોતાના ભાવવિશ્વની રચના કરી, એમાં રમમાણ રહે છે, અને એને કારણે જ કર્મબંધન માં જકડાઈ જાય છે. તો શ્રીમદ્ ભાગવતના દ્વિતીય સ્કંધ ના દસમા અધ્યાયમાં શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભગવંત તત્વના બીજા લક્ષણો સમજાવે છે, અને આપણે પણ એના વિશે ચિંતનમાં વાત કરીશું.
ગંગાકિનારે સનતકુમાર અને પોતાના મુક્તિના પ્રયોજનથી શ્રીમદ્ ભાગવતની કથા સાંભળનારા રાજા પરીક્ષિતને ઉદ્દેશીને શુકદેવજી કહે હે રાજા પરીક્ષિત! ભાગવતપુરાણ એક વિજ્ઞાન છે, એટલે કે વિશિષ્ટ જ્ઞાન પણ છે. ભગવાનની લીલાઓમાં આ જ ઉચ્ચ જ્ઞાન, સાંકેતિક ભાષામાં છુપાયું છે, કે જેથી અનધિકૃત લોકો કે, જેમણે પૂર્ણ અભ્યાસ નથી કર્યો, અને એ જ્ઞાનને પામવાની કે પચાવવાની સાધના નથી કરી, એવાના હાથમાં આ જ્ઞાન આવે નહીં. અહીં એક એ સમજણ પણ મળે છે, કે જ્ઞાનને પામવા, સર્જવા, પચાવવા અને વિસ્તારવા માટે અધિકૃતતા એટલે કે ઊંડા અભ્યાસ અને ચિંતનની જરૂર છે. જો એમ ન કર્યું હોય, તો આ અધકચરા જ્ઞાન અને વિજ્ઞાનનો પ્રયોગ આખી સૃષ્ટિ માતે ભયાવહ નીવડી શકે. તો મનુષ્યના જીવન સાથે જોડાયેલાં એ દસ લક્ષણો કે, જેનું ભાગવતમાં વિસ્તારથી નિરૂપણ કરાયું છે, તે સવિસ્તાર હું તને કહી રહ્યો છું. આપણે પ્રથમ ચાર લક્ષણ સર્ગ, વિસર્ગ, અને સ્થિતિ, પોષણ, વિશે વાત કરી હવે ના લક્ષણો નીચે પ્રમાણે છે જે ધ્યાનથી સાંભળજો.
**મન્વંતર
મન્વંતર એટલે એક નિશ્ચિત સમય અવધિ તરીકે સ્વીકારવામાં આવેલ સમય ને મન્વંતર કહેવામાં આવે છે,અને સૃષ્ટિના નિર્માણની જવાબદારી બ્રહ્માજીએ મનુ શતરૂપા ને આપી હોવાથી, તેના દ્વારા વિસ્તરીત થયેલી સૃષ્ટિના આ કાળને એના નામ મન્વંતર થી ઓળખવામાં આવે છે. એના અધિપતિ મનુ સદૈવ ભગવદ્ ભક્તિ અને પ્રજાપાલનરૂપી શુદ્ધ ધર્મનું સદૈવ અનુષ્ઠાન કરે છે. આથી દરેક મન્વંતરના, મનુના શિર પર એના પ્રજાના પાલનપોષણ અને ધર્મ પાલનની જવાબદારી હોય છે. આ જવાબદારીનું પાલન દરેક મન્વંતરમાં કોઈ પણ ખલેલ વિના થાય એવા વહીવટની વ્યવસ્થા પહેલેથી જ કરી રાખવામાં આવી છે. માણસોના પ્રજા જીવનમાં પણ દેશ-કાળ પ્રમાણે આ જ વ્યવસ્થા ઓછાવત્તા અંશે જોવા મળે છે. અહીં ફરક એટલો છે કે પ્રજાપાલન અને પ્રજાના ધર્મ પાલનની વ્યવસ્થાની જવાબદારી તથા રાજધર્મની ગરિમા, હે પરીક્ષિત, તમારા જેવા રાજાના શિરે છે, છતાં તમે પણ કાળ ને ખાળી શક્યા નહીં.
**મન્વંતર અને એની વહીવટ વ્યવસ્થા: હિન્દુ કાલ નિર્ધારણ અનુસાર, 4 યુગનો અર્થ થાય છે 12,000 દિવ્ય વર્ષ. 4-4 યુગ પાર કરવા પર 71 વર્ષ થાય છે. 71 યુગનો મન્વંતર થાય છે. 14 મન્વંતરને એક કલ્પ ગણવામાં આવે છે. 1 કલ્પ એટલે બ્રહ્માજીના લોકનો એક દિવસ થાય છે. મોટાભાગનાં પુરાણોના મત મુજબ પ્રત્યેક મન્વંતરમાં પાંચ અધિકારી હોય છે, કે જે પોતાનું વિશિષ્ટ કાર્ય કરીને જાય છે, અને તેમના કાર્યનો સમય પૂરો થતાં મન્વંતર બદલાય છે, અને તેમની જગ્યાએ નવા વહીવટકર્તાઓ નિમાય છે. આ અધિકારીઓના રૂપમાં વિષ્ણુશક્તિ ક્રિયાશીલ રહે છે, અને આ અધિકારીઓ વિષ્ણુપુરાણ મુજબ વિષ્ણુની જ વિભૂતિઓ ગણાય છે. આ પાંચ અધિકારીઓ એટલે (૧) મનુ (૨) સપ્તર્ષિ (૩) દેવ (૪) દેવરાજ ઇન્દ્ર (૫) મનુપુત્ર અને તેમની જવાબદારી નીચે મુજબ છે.
સપ્તર્ષિ: વિષ્ણુપુરાણ અનુસાર જ્યારે ચતુર્થ યુગ સમાપ્ત થાય છે, ત્યારે વેદોનો લોપ થાય છે. ત્યારે વેદોનું પુનરાવર્તન જરૂરી છે, અને રાષ્ટ્રહિતના ખાતર સપ્તર્ષિ સ્વર્ગમાંથી ભૂતલ પર આવી લુપ્ત થયેલા વેદો પાછા પ્રવૃત્ત કરે છે. આ રીતે સપ્તર્ષિ પ્રત્યેક મન્વંતરમાં વેદોના પ્રત્યેક અધિકારી છે.
મનુ: તે જ રીતે સૂર્ય સિદ્ધાંત મુજબ ચતુર્થ યુગના અંતમાં જળ પ્રલય થાય છે. તેથી પ્રત્યેક સત્યયુગમાં મનુષ્યોની ધર્મ મર્યાદા સ્થાપિત કરવા સ્મૃતિના નિર્માણ માટે મનુનો જન્મ થાય છે, અને મનુની વ્યવસ્થા મુજબ દ્વિજો માટે યજ્ઞ સેવા,અને દાન નિતાંત આવશ્યક છે. તેથી મન્વંતરના અંત સુધી દેવતાઓ યજ્ઞ અને યોગ જેવા કાર્ય નું ફળ ભોગવી, પોતાના કર્તવ્યનું પાલન કરે છે.
દેવ અને દેવોના રાજા ઈન્દ્ર.
દેવોના રાજા તરીકે ઇન્દ્રનું હોવું પણ આવશ્યક છે. સંસારની વૃદ્ધિ તથા અભ્યુદય માટે બીજનું હોવું પણ જરૂરી છે, અને આ કાર્ય માટે જળની વૃષ્ટિનું કાર્ય ઇન્દ્ર સંભાળે છે, તેથી મન્વંતરમાં તેનો તે વિશેષ અધિકાર છે.
મનુપુત્ર: મનુપુત્રનું હોવું એટલા માટે આવશ્યક છે કે ક્ષત્રિય રાજાઓ કે, જે આ સમગ્ર પૃથ્વીનું પાલન તથા રક્ષણ કરે છે, તો તે દ્રષ્ટિથી રાજાઓ મનુના સંતાન છે, અથવા તો વંશમાં ન હોવા છતાં મનુએ નક્કી કરેલી વ્યવસ્થા મુજબ દંડનીતિ તથા પ્રજા સંરક્ષણની જવાબદારી ઉપાડે છે, અને ભાગવત મુજબ પ્રત્યેક મન્વંતરમાં હરિનો અવતાર થાય છે, અને તે અવતારનું કાર્ય ધર્મ સંસ્થાપનનું તથા અધર્મના વિનાશનું કાર્ય છે.
મન્વંતર અને એની વ્યવસ્થા તો બધી આંકડાકીય માહિતી છે, અને એ પૂર્ણ પણે શ્રીમદ ભાગવત પ્રમાણે દર્શાવી છે.પરતુ મન્વંતરનો અર્થ નિશ્ચિત સમય કરવામાં આવે તો, જેટલો સમય આપણે નિશ્ચિત રહી શકીએ એટલાં આપણે પરમ તત્વની નજીક છીએ. પછી એ આનંદ ઘન સ્વરૂપ પરમાત્મા સ્વરૂપે હોય, કે ભક્તિ સભર ભાવના હોય,કે પછી સીયા રામ મય, સબ જગજાની, અનુસાર પ્રત્યેક માં એનાં દર્શન કરી એની પૂજા એટલે કે એને મદદરૂપ થઈએ, પણ નિશ્ચિત તો થવું જ પડે, તો જ પરમાત્મા ની પ્રતિતી થાય.પરંતુ દરેક પરિસ્થિતિ ની સ્થિતિ પરમેશ્વર ને આધીન છે એ જાણવા છતાં, નિશ્ચિંત થવાતું નથી,એ પણ હકીકત છે, અને એનું કારણ આપણું મન છે. શ્રીમદ્ ભાગવતમાં બતાવ્યા અનુસાર ચાર યુગ એટલે કેટલાય મન્વંતર પૂરા થયાં, પણ આ મન નો કોઈ વિકલ્પ મળ્યો નહીં, કે ઉપાય પણ મળ્યો નહીં, અને એને કારણે આપણે સદા કોઈ ને કોઈ ઉલજનમાં રહીએ છીએ, કે પછી ઉદ્વિગ્ન રહીએ છીએ, એ જાણવા છતાં મનનું કહ્યું કરીએ છીએ, એટલે ભગવંત તત્વ ની પ્રતીતિ થતી નથી, નહીં તો એનું આ સકળ અસ્તિત્વ આપણને નિશ્ચિત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે, પણ જેને કોઈ ને આ સત્ય સમજાઈ જાય એનાથી કાળ કોસો દૂર રહે છે.તો મન્વંતરની આ આંકડાકીય માહિતીમાં પડ્યા વગર આપણા આત્માથી મનનું અંતર જેટલું ઓછું કરી શકીએ, તેટલું આપણે ભગવંત તત્વને અનુભવી શકીશું,એ વાત યાદ રાખીને આ મન્વંતર ના લક્ષણને સમજી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન-મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)