જીએનએ અમદાવાદ: ભારત સરકારના મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી ઉદ્યોગ મંત્રી આદરણીય શ્રી પરશોત્તમ રૂપાલાએ 09 મે 2022ના રોજ પોરબંદરમાં આવેલી ભારતીય તટરક્ષક દળ (ICG) જેટ્ટી ખાતે યોજવામાં આવેલા યોગ કાર્યક્રમમાં હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી. આ કાર્યક્રમનું આયોજન ભારતીય તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર નંબર 1, પોરબંદર સાથે સહયોગમાં ફીશરી સર્વે ઓફ ઇન્ડિયા (FSI) દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાઉન્ટડાઉનના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.
ભારતીય તટરક્ષક દળ, ફીશરી સર્વે ઓફ ઇન્ડિયા, મત્સ્યપાલન વિભાગના કર્મીઓ, સ્થાનિક માછીમાર સમુદાયના લોકો અને સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સહિત અંદાજે 200 લોકોની સહભાગીતા સાથે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.
આદરણીય મંત્રીએ ભારતીય તટરક્ષક દળના જહાજ સાર્થક અને FSIના જહાજ મત્સ્ય વૃષ્ટીની પણ મુલાકાત લીધી હતી જે, FSIની પહેલ “CCRF (જવાબદારીપૂર્ણ માછીમારી માટે આચાર સંહિતા) ઓરિએન્ટેશન કાર્યક્રમ”ના સુનિયોજિત લોન્ચિંગ માટે છે. આ કવાયત માટે સુવિધા પૂરી પાડવા અને તેને સફળ બનાવવાની દિશામાં ICG દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની આદરણીય મંત્રીએ પ્રશંસા કરી હતી.