નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ અને પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
બામટી ખાતે રૂા. ૫.૪૭ કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલય અને રૂા.૧.૮૭ કરોડના ખર્ચે કોમ્યુનીટી હોલ બનાવાશે
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બામટી ખાતે આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા મંજૂર થયેલા કામો પૈકી રૂા. ૫.૪૭ કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલય યુનિટ-ર અને રૂા.૧.૮૭ કરોડના ખર્ચે કલ્ચરલ કમ કોમ્યુનીટી હોલના મકાન બાંધકામની ખાતમુહૂર્તવિધિ નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ, આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી શ્રી નરેશભાઇ પટેલના મુખ્ય મહેમાન પદે તેમજ કલ્પસર અને મત્યોદ્યોગ (સ્વ તંત્ર હવાલો) નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્કાબેન શાહ તેમજ સાંસદ ડો.કે.સી.પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું હતું.
૨૧૬ વિધાર્થીની કેપેસીટી ધરાવતી હોસ્ટેલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કોમન રુમ, સ્ટોર, ડાયનીંગ હોલ, કિચન, સર્વન્ટ રુમ, વિજીટર રુમ, વોર્ડન રુમ, કોમન ટોયલેટ, ઇલેકટ્રિક રુમ, તથા ફસ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોર પર બોયસ રુમ વિથ બાલ્કની અને ટોયલેટ અને રીડીંગ રૂમનો જ્યારે કોમ્યુનિટી હોલના કામમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ડાયનીંગ હોલ, કિચન, સ્ટોર, વોશ એરીયા, જેન્ટસ તથા લેડીસ ટોયલેટ તથા ક્સ્ટ ફ્લોરમા કોન્ફરન્સ હોલ મ મીટીંગ હોલ વિથ સ્ટેજ, ગ્રીન રુમ, ઓફિસ, જેન્ટસ તથા લેડીસ ટોયલેટ નો સમાવેશ કરાયો છે.
આ અવસરે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગામના સરપંચ નસીબદાર છે કે, ધરમપુરની મોટાભાગની યોજનાઓ બામટીમાં જ આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં જ્યારે ઓનલાઈન શિક્ષણ હતું ત્યારે પડેલી નેટ કનેક્ટિવિટીની મુશ્કેલીઓને ધ્યાને રાખી આ બજેટમાં ગુજરાતમાં ૫૦૦ ટાવર આદિજાતિ વિસ્તારમાં સ્થાપવાનું આયોજન કરાયું છે. કોરોનાની લીધે બંધ રહેલી શાળાઓને કારણે દૂધ સંજીવની યોજનાની બચેલી ગ્રાન્ટ શૈક્ષણિક વિકાસ કાર્યોમાં ઉપયોગમાં લેવાશે, તેમ તેમણે જણાવ્યું હતું. ધરમપુર અને કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડતો હોવા છતાં પાણીની મુશ્કેલી પડે છે, તે નિવારવા માટે અસ્ટોલ પાણી પુરવઠા યોજના લોકાર્પણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તા.૧૦મી જૂને નવસારી જિલ્લાના ખુડવેલ ખાતે આવી રહ્યા છે, જેમાં સૌને ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો હતો. દેશમાં વીજળીની તંગી છે ત્યારે, ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદીએ પવન અને સોલાર શક્તિનો ઉપયો કરી સુંદર સુવિધા પૂરી પાડી છે, આ ઉપરાંત કોરોના સામે રક્ષણ મેળવવા તેની રસી વિનામૂલ્યે આપી છે.
આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ધોડિયા સમાજનું ભવન બનવા જઇ રહ્યું છે પણ તે સર્વ સમાજને ઉપયોગી બનશે. જેની કામગીરી ગુણવત્તાયુક્ત બને તેની તકેદારી રાખવા જણાવ્યું હતુ. વર્ષ ૨૦૨૨-૨૦૨૩ ના બજેટમાં વલસાડ ખાતે રૂ.૧૦.૯૧ કરોડના ખર્ચે ૨૦૦ કન્યાઓ માટે નવું છાત્રાલય મકાન વહીવટી મંજુરી હેઠળ છે. તેવી જ રીતે કપરાડા મુકામે રૂ.૧૬.૩૯ કરોડના ખર્ચે ૨૦૦ કન્યાઓ માટે નવું મકાન બાંધકામ શરૂ કરવાની બજેટ જોગવાઇ કરવામાં આવી છે. ગામેગામ શિક્ષણની જ્યોત પ્રગટાવવા આશ્રમશાળાઓ શરૂ કરનારા વડીલો અભિનંદનને પાત્ર છે. નિવાસી શાળાઓમાં રહી શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા આશ્રમશાળાઓ માટે સૌ પ્રથમ વખત ગુજરાત સરકાર દ્વારા ૨૪ સ્થળો પર વિદ્યાર્થીઓને પુરતી સુવિધા મળી રહે ઘર જેવું વાતાવરણ મળે તે હેતુથી શાળાના મકાન બાંધકામ તથા ટોઇલેટ બ્લોક અને કિચન બાંધકામ માટે રૂ.૧૧.૫૪ કરોડની વહીવટી મંજુરી આપવામાં આવી છે. ધરમપુર અને કપરાડા તાલુકાના વિદ્યાર્થીઓમાં શિક્ષણની ભૂખ જાગી છે અને તેઓ રાજ્યની આશ્રમશાળાઓમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે આશ્રમશાળાઓમાં એક પણ શિક્ષકની ઘટ ન રહે તે માટેના પૂરતા પ્રયાસો હાથ ધરાયા છે. એકલવ્ય સ્કૂલમાં સો ટકા પરિણામો આવે છે. આવનારા દિવસોમાં દરેક આદિજાતિ જિલ્લાઓમાં એકલવ્ય શાળાની જેમ બિરસા મુંડા જ્ઞાન શક્તિ વિદ્યાલયની શરૂઆત કરવામાં આવનાર હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. આરોગ્ય સુવિધાઓ પૂરતી મળે તેવુ રાજ્ય સરકાર આયોજનપૂર્વક કામગીરી કરી રહી છે. રાજ્યના સર્વાંગી વિકાસ માટે સૌના સહયોગની અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. જાતિના દાખલા અને પેઢીનામું બનાવવામાં પડતી મુશ્કેલીઓ નિવારી સરળતા મળે તેવા પ્રયાસો હાથ ધરાયા છે.
પાણી પુરવઠા રાજ્ય મંત્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ધરમપુર અને કપરાડા જેવા આદિજાતિ વિસ્તાર ધરવતા તાલુકાઓમાં કોલેજ કે અન્ય શૈક્ષણિક સંકુલો બન્યા પછી ત્યાં અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર જરૂરિયાત મુજબ મંજુરી આપે છે. જેના ભાગરૂપે આજે બે કામોના ખાતમુહૂર્ત થયાં છે. કોમ્યુનિટી હોલ આદિજાતિ ઉપરાંત અન્ય સમાજને પણ ઉપયોગી થશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
સંસદ ડો.કે.સી.પટેલ અને ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.
આભારવિધિ આદિજાતિ વિકાસના મદદનીશ કમિશનર બી.આર. વળવીએ આટોપી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાલીમધની શાળાના શિક્ષક વિજયભાઈ પટેલે કર્યું હતું.
આ અવસરે સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ ધવલભાઇ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન ગાંવિત, ધરમપુર નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન દેસાઇ, કાર્યપાલક ઈજનેર એમ.એમ.પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા તેમજ બામટી સરપંચ વિજયભાઇ પાનેરીયા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.