970 ઉપરાંત પરિવારોને પ્લોટ અને સેવાસેતુ કાર્યક્રમ થકી એક જ દિવસમાં 9000 થી વધુ લોકોને વિવિધ સરકારી યોજનાઓની મદદ આમ 10,000 લોકોને મદદ એ પણ એક જ જિલ્લામાં.
સાંભળીને નવાઈ લાગે ને? પણ આ કાર્ય થયું છે..
વાત છે બનાસકાંઠાની અને બનાસકાંઠાના સંવદેનશીલ વહીવટીતંત્રની.. કલેક્ટર શ્રી આનંદભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નીલ ખરેના માર્ગદર્શન નીચે કાર્ય કરી રહેલી ટીમની…વહીવટીતંત્રની લાગણી સાથે VSSM ટીમ જોડાઈ.. ને આ કાર્ય થયું.
જ્યારે કલેક્ટર શ્રીએ આ આંકડો કહ્યો ત્યારે મે આભાર સાથે હરખ વ્યક્ત કર્યો. સાંભળીને એમણે કહ્યું, “આટલાથી સંતોષ નહીં માનીએ.. હજુ મોટો સેવાસેતુ કાર્યક્રમ કરવો છે અને આ રેકોર્ડ પણ બ્રેક કરવો છે”
વિચરતી વિમુક્ત જાતિઓના કિસ્સામાં એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકોને મદદ મળી હોય તેવું મે પહેલીવાર જોયું.
આભાર બનાસકાંઠા વહીવટીતંત્રનો… અને આ કાર્ય કરવાનું બળ તંત્ર અને VSSM ની ટીમને જેમના થકી મળ્યું તેવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર..
વાત જાણે એમ બની, બનાસકાંઠાનું નાનકડુ ગામ કાકર.. ત્યાં 90 પરિવારોના ગૃહ પ્રવેશ માટે તેમજ VSSM દ્વારા વિચરતા અને વંચિત પરિવારોના બાળકો માટે બનાવેલા શ્રીમતી વીરાબહેન મેઘજીભાઈ શાહ(ચંદરિયા) છાત્રાલયના ઉદ્ધાટન માટે મુખ્યમંત્રી શ્રી સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદિપભાઈ પરમાર, શિક્ષણ મંત્રી (રાજ્યકક્ષાના) શ્રી કિર્તીસીંહજી વાઘેલા અને અન્ય મંત્રી શ્રીઓ, પદાધીકારીઓ તા.20 મેના પધારવાના હતા. બસ એ પધારે તે પહેલાં કેટલુંક કાર્ય પૂર્ણ કરવાનો તંત્રએ નિર્ધાર કર્યો ને એમાં આ કાર્યો થયા.
દરેક જિલ્લા વહીવટી તંત્ર નિર્ધાર કરે તો જે તે જિલ્લામાં વસતા એક પણ વંચિત પરિવારો આવક – જાતિના દાખલા, આધારકાર્ડ, પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ, ઈ શ્રમયોગી કાર્ડ, રેશનકાર્ડ, મતદારકાર્ડ, બેંકમાં ખાતુ, વિધવા બહેનો કે જેમને પેન્શન નથી મળતું તે, વૃદ્ધ પેન્શન, વિકલાંગ પેન્શન વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત ન રહે. આમ તો સેવાસેતુ કાર્યક્રમનો ઉદેશ્ય પણ આજ.. પણ એ માટે જવાબદાર અધિકારીઓ કાર્યક્રમના સ્થળે હાજર રહે અને ખૂટતા દસ્તાવજો કેવી રીતે એક જ દિવસમાં બને તે કરી આપવામાં મદદ કરે તો ખરેખર અદભૂત કાર્ય થઈ જાય…
આમ તો આ વ્યવસ્થાઓ પંચાયત સ્તરે કરવાની જરૃર… હા ડર કયાંક ખોટુ થશે નો લાગે પણ એ માટેની વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ.. આ થાય તો માણસોને તાલુકા અને જિલ્લા સ્તરે ધક્કા ખાવા ન પડે…
બનાસકાંઠા વહીવટીતંત્રએ સેવાસેતુની જાહેરાત કરી અને અમારા કાર્યકરો જે તે તાલુકાની શક્ય વસાહતોના લોકો સુધી પહોંચ્યા ને ઉપરોક્ત વિગતો જેમની પાસે નહોતી તેમાંના શક્યને કચેરી સુધી લઈ આવ્યા.. આમ સરકાર અને VSSM ટીમના પ્રયત્નથી આવડા મોટા આંકડા સુધી પહોંચી શક્યા…
જો કે હજુ ઘણા રહી પણ ગયા.. એ બધાને પણ આગામી સમયમાં ડોક્યુમેન્ટ મળે તે માટે અમે તંત્ર સાથે રહી પ્રયત્ન કરીશું.
ફરી ખુબ હરખ સાથે આ કાર્યમાં મદદ કરનાર અને નિમિત્ત બનનાર ઉપરોક્ત જણાવેલા સૌનો આભાર…
#MittalPatel #vssm