પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીથી કબીરવડ, ભરૂચ ખાતે પવિત્ર નર્મદા નદીમાં ખાસ વિધવા બહેનોને વૈશાખી સ્નાન માટેનો પ્રવાસ ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં કરાયો હતો. આ પ્રવાસ દરમિયાન કબીરવડ, શુકલતીર્થ ખાતે નર્મદા નદીના કાંઠે સ્નાન કરી સૌએ ધન્યતા અનુભવી હતી અને માં નર્મદા પાસે સુખી અને નીરોગી જીવનના આશીર્વાદ મેળવ્યા હતા. સ્નાન અગાઉ માં નર્મદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. નર્મદા સ્નાન બાદ મનિષાનંદ આશ્રમની મુલાકાત પણ લીધી હતી. જ્યાં વિધવા બહેનો સહિત ઉપસ્થિત સૌને માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ અવસરે ધર્માચાર્ય પરભુદાદાએ વૈશાખી સ્નાનનું મહત્ત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, વૈશાખ મહિનો સૌથી ઉત્તમ છે, સ્કંધ અને પદ્મપુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે. જેથી આ માહિનામાં પવિત્ર સ્થળોએ કરવામાં આવતા સ્નાન અને દાનથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. વૈશાખ મહિનામાં નર્મદા નદીના દર્શને માં ગંગા આવે છે, જેથી અહીં કરેલા સ્નાનનું ગંગા નદીમાં કરેલા સ્નાન જેટલું જ મહત્ત્વ છે.
મહામંડલેશ્વર સ્વામી મનિષાનંદ સ્વામીના આશ્રમના દીદીએ તેમના આશીર્વચનમાં કબીરવડ અને આશ્રમનું મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રવાસમાં પ્રગટેશ્વર ધામ આછવણીના પ્રમુખ બીપીનભાઈ પટેલ, અમિતભાઇ પટેલ, અપ્પુભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ સહિત શિવ પરિવારના શિવભક્તો જોડાયા હતા.