પ્રેમ કહાનીનો કરુણ અંત, પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કર્યાં બાદ પોતે પણ આપઘાત કરી લીધો

0
182

સ્મિત અને પાયલ વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સ્મિતે આવેશમાં આવીને પાયલનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. જે બાદમાં તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

ઝઘડો થતા ઝનુની પ્રેમીએ પ્રેમિકાના ઘરે જઇ ગળું દબાવી હત્યા કર્યા બાદ પોતે મોતની છલાંગ લગાવી

વલસાડના ગ્રામ્ય વિસ્તારના યુવા પ્રેમી પંખીડાના (Lovers) પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર થયેલી ઓળખાણ પ્રેમ સુધી પાંગરી હતી. જોકે, તેમની પ્રેમની આ વાર્તા લાંબી ચાલી ન હતી. કુમળા મનના આ પ્રેમી પંખીડાઓનો ગતરાત્રે કોઇ કારણોસર ઝઘડો થયો હતો. જેમાં ઝનુની બનેલા પ્રેમીએ પ્રેમિકાના ઘરે જઇ તેનું ગળું દબાવી હત્યા (Murder) કરી દીધી હતી અને પછી પોતે પણ તળાવમાં મોતની છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતુ.

વલસાડના રોણવેલ ગામમાં પીપળા ફળિયામાં રહેતી પાયલ રાજેશ પટેલ (ઉ.વ.19) ની સોશિયલ મિડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર નાની સરોણ ગામના સ્મિત ઉર્ફે ગુડ્ડુ હિતેષ પટેલ (ઉ.વ.20) સાથે ઓળખ થઇ હતી. બંને વચ્ચે થયેલી ઓળખ થોડા સમય સુધી ઇન્સ્ટાગ્રામ પર દોસ્તી અને પછી પ્રેમ સ્વરૂપે પાંગરી હતી. બંનેએ પોત પોતાના ઘરે પોતાના પ્રેમ અંગેની જાણ પણ કરી દીધી હતી. જેનાથી બંનેના ઘરના સભ્યોની પણ મંજૂરી હતી. જોકે, કુમળા મનના આ બંને યુવક યુવતીનું પ્રેમ પ્રકરણ લાંબુ ચાલી શક્યું ન હતુ.

કારણોસર સ્મિત ઉર્ફે ગુડ્ડુ પોતાની યામાહા (નં. જીજે-15-બીએ-8077) પર સવાર થઇ ગુસ્સામાં પાયલના ઘરે પહોંચ્યો હતો. જ્યાં તેનો પાયલ સાથે ઝગડો થતા પાયલનો મોબાઇલ તોડી નાખ્યો અને પછી તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પાયલની હત્યા બાદ સ્મિત ઉર્ફે ગુડ્ડુ પોતે પણ હતાશામાં ગરકાવ થઇ ગયો હતો. જેના પગલે તે પોતાના જ ગામમાં આવેલા તળાવ કિનારે ગયો અને બાઇક મોબાઇલ અને પર્સ બાઇક પાસે મુકી તળાવમાં કુદી પડ્યો હતો.

આ ઘટના બાદ પહેલાં પાયલના ઘરના સભ્યો ઘરે આવતા તેમણે પાયલને મૃત હાલતમાં જોઇ હતી. જેમણે તપાસ કરતા ગુડ્ડુ પાયલ પાસે આવ્યો હોવાનું આજુબાજુના રહીશોએ જણાવ્યું હતુ. જેના પગલે તેમણે ગુડ્ડુનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તે પણ ગાયબ હતો. ગુડ્ડુના ઘરના સભ્યો પણ ગુડ્ડુને શોધવા નીકળી પડ્યા હતા. ત્યારે તળાવ કિનારે તેની બાઇક મોબાઇલ અને પર્સ મળ્યા હતા. ત્યારે રાત્રિ દરમિયાન તેમણે તળાવમાં ગુડ્ડુને શોધવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. સવારે વલસાડ ફાયર વિભાગના માણસોએ ગુડ્ડુની લાશ શોધી કાઢી હતી. આ બનાવ સંદર્ભે પાયલના પિતા રાજેશભાઇએ ગુડ્ડુ વિરૂદ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકે પોતાની પુત્રીની હત્યાની ફરિયાદ કરતા પોલીસે તેના વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. જ્યારે સ્મિત ઉર્ફે ગુડ્ડુના પિતા હિતેશ કુમારની ફરિયાદ લઇ અકસ્માત મોત મુજબ નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બંનેનું મોત થતાં ઝઘડાનું કારણ અકબંધ
નાની સરોણ ગામના સ્મિત ઉર્ફે ગુડ્ડુ અને પાયલ વચ્ચે કયા કારણોસર ઝઘડો થયો એ અંગે હજુ પોલીસને પણ કોઇ વિગત મળી શકી નથી. બંને વચ્ચેના સંબંધની બંનેના ઘરના સભ્યોને જાણ હતી. તેમના તરફથી કોઇ વિરોધ ન હતો. ત્યારે બંને વચ્ચે જ અણબનાવ ઉભો થયો હોવાનું જાણવા મળ્યું હતુ. પાયલનો મોબાઇલ પણ તૂટેલી હાલતમાં મળ્યો હતો. જેના કારણે પાયલના મોબાઇલમાં એવું તો શું હતુ કે ગુડ્ડુએ તેને મોતને ઘાટ ઉતારી દીધી. એ અંગે પોલીસ પણ તપાસ કરી રહી છે.

સ્મિતને એક બહેન અને પાયલને એક ભાઇ છે
વલસાડના નાની સરોણ ગામે રહેતો સ્મિત કોઇ ફાયનાન્સ કંપનીમાં કામ કરતો હતો. જ્યારે તેના પિતા કેમિકલ ફેક્ટરીમાં કામ કરે છે. સ્મિતને એક બહેન છે. જ્યારે બીજી તરફ પાયલે ધો.12 સુધીનો જ અભ્યાસ કર્યો હતો અને હાલ તે ઘરકામ જ કરતી હતી. પાયલને એક ભાઇ છે. તેના પિતા સ્કૂલના બાળકોને લાવવા લઇ જવા વાન ચલાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here