આંબા તલાટ હિલ સ્ટેશન ખાતે આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
વિશાળ આદિવાસીઓની ઉપસ્થિતિમાં સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબા તલાટ હિલ સ્ટેશન ખાતે વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં વિસરાઈ રહેલી આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
માવલી માતાના સાનિધ્યમાં દહીંગઢ હિલસ્ટેશન, આંબાતલાટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઢોડીયા, ફૂંકણા, વારલી, આદિમજૂથ સંસ્કૃતિના જતનકારોએ તુરથાળી, તુર નૃત્ય, ડાક વાદન, લોકબોલીમાં નાટક, દેવકારે, કનસરી-દેવકથા, માવલી, ઘેરૈયા નૃત્ય, માદળ નૃત્ય, તારપા નૃત્ય રજુ કરીને આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
શ્રીમતી કમળાબેન અને બહેનોની ટીમે ઢોડિયા આદિવાસીઓમાં થતા લગ્નને શરૂઆત થી અંત સુધી લગ્નની રીત, ઢોડિયા લગ્ન ગીતો સાથે જીવંત કર્યું હતું. ઢોડિયા બોલીમાં નાટક દ્વારા શિક્ષણના મહત્વને હાસ્ય સાથે વાંદરવેલાના છગન-મગન નાના બાળકો દ્વારા ઉજાગર કરવાનો પ્રયાસ થયો હતો. તુર-થાળી અને તુર નૃત્ય વિશે શ્રી કુલીનભાઈ પટેલે વિસ્તુત માહિતી આપી હતી.
ખાંડા ગામના આદિવાસી કલાકારોએ ફૂંકણા, વારલી, આદિમજૂથની સંસ્કૃતિ રજુ કરી હતી. આંબા તલાટ ગામના આગેવાનો માજી સરપંચ શ્રી મહેશભાઈ, જયંતીભાઈ, રાહુલભાઈ, ભીનેશભાઈ, નરેશભાઈ, વિજયભાઈ ટેમ્પો,અજયભાઈ, કેલીપાડાની યુવાટીમ સહિતના આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.શ્રી પરભુભાઈએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
Ad..