રાજકોટનો સ્મિત ચાંગેલા સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજા ક્રમ પર આવ્યો. જે છોકરો પોતાનું સામાન્ય કામ પણ પોતાની જાતે કરી શકે એટલો સમર્થ ન હોય એ સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે

0
257

રાજકોટનો સ્મિત ચાંગેલા ન્યુરોપેથી રોગનો ભોગ બન્યો છે. એ પોતાના પગ પર ચાલી નથી શકતો કે હાથમાં સરળતાથી કોઈ વસ્તુ પકડી નથી શકતો. એમના માટે વ્હીલચેર વગર બહાર નીકળવું પણ અશક્ય છે કારણ કે હાથ કે પગના મસલ્સ કામ જ નથી કરતા. એકાદ શારીરિક ખોડખાપણ હોય તો પણ માણસ હતાશ થઈ જાય જ્યારે સ્મિત અનેક શારીરિક મુશ્કેલીઓની વચ્ચે પણ એના ચહેરા પરનું સ્મિત ઓછું થવા નથી દેતો.

પિતા ચેતનભાઈ અને માતા હીનાબેનનો સ્મિતને મજબૂત ટેકો. દીકરાને આટલી મુશ્કેલીઓ હોવા છતાં તમે હીનાબેનને હંમેશા હસતા જ જુઓ. ઉત્સાહ અને જુસ્સાથી એવા ભરપૂર કે એને જોઈને આપણે પણ ઉત્સાહમાં આવી જઈએ. હીનાબેન સ્મિતના મમ્મી કરતા મિત્ર વધુ હોય એવું લાગે. એણે દીકરાની આસપાસ ક્યારેય નકારાત્મકતાને ફરકવા નથી દીધી. ‘તારા સફળતાના માર્ગમાં તારી શારીરિક દિવ્યાંગતા તને ક્યારેય નડતરરૂપ નહિ થાય અને તારે જે કરવું હોય તે તું કરી શકીશ’ આ હિમતભર્યા આશ્વાસનથી સ્મિત એની શારીરિક પ્રતિકૂળતાઓને એક બાજુ રાખીને સતત આગળ વધતો રહ્યો. હાથ કામ નથી કરતા પણ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવા માટે એ ટચ સ્ક્રીન મોબાઇલને નાકના ટેરવાથી ઓપરેટ કરતા શીખ્યો અને પોતાની જરૂરિયાત મુજબનું બધું જ કામ મોબાઈલ પર જાતે જ કરતો થયો.

ગઈકાલે ધો.૧૨ સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ આવ્યું. રાજકોટની ધોળકિયા સ્કૂલમાં ભણતો સ્મિત અનેક મુશ્કેલીઓ અને અવરોધોનો સામનો કરીને બોર્ડની પરીક્ષામાં ૯૯.૯૭ પી.આર.સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજા ક્રમ પર આવ્યો. જે છોકરો પોતાનું સામાન્ય કામ પણ પોતાની જાતે કરી શકે એટલો સમર્થ ન હોય એ સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે આવે એ કોઈ સામાન્ય ઘટના નથી. ભગવાને જેને તમામ પ્રકારની અનુકુળતાઓ આપી હોય એવા બધા વિદ્યાર્થીઓને પાછળ રાખીને આ દીકરો પોતાની જાત પરના વિશ્વાસ અને પ્રચંડ પુરુષાર્થ દ્વારા બધાથી આગળ નીકળી ગયો. હાથ ચાલતા ન હોય એટલે પેપર લખવા માટે રાઇટરની મદદ લેવી પડે. પોતે જાતે પેપર લખવું અને રાઇટર પાસે લખાવવું એ બંને વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. સ્મિતે એના કલ્પનાતીત પરિણામ દ્વારા એ પણ સાબિત કરી દીધું કે તમે રાઈટર પાસે પણ તમારી ઈચ્છા મુજબ કામ કરાવી શકો, જો કે એ માટે સ્મિતને કેટલી પ્રેક્ટિસ કરવી પડી હશે અને કેવી તકલીફ પડી હશે એ તો એને જ ખબર.

સ્મિતના આ કાબિલેદાદ પરિણામનો યશ એના માતાના ફાળે વિશેષ જાય કારણકે હીનાબેન સ્મિતનો પડછાયો બનીને હંમેશા અને સતત એની સાથે રહ્યા છે. સ્મિતને શાળાએ લેવા મૂકવા જવા સહિતની તેનું બધું કામ કરવાની જવાબદારી એમણે હસતા મુખે નિભાવી. સ્મિતને ક્યારેય હતોત્સાહિત નથી કર્યો અને તું આ ન કરી શકે એવું નથી કહ્યું. અભ્યાસની સાથે પોતાનો ખર્ચો કાઢવા માટે સ્મિતને ઓનલાઇન બિઝનેસ કરવો હતો તો એમાં પણ એનો સાથ આપ્યો જેના પરિણામે દિવ્યાંગ દીકરો અભ્યાસ સાથે કમાણી કરવા માટે પણ સક્ષમ બન્યો.

સ્મિતને યુપીએસસી પરીક્ષા પાસ કરીને આઇ.એ.એસ. થવાની ઈચ્છા હતી. હીનાબેન દીકરા સ્મિતને લઈને મહિના પહેલા મને રૂબરૂ મળવા અને માહિતી લેવા આવ્યા. લગભગ અમે કલાક જેવી વાત કરી હશે જેમાં સ્મિત કે એના મમ્મી પાસેથી એકપણ શબ્દ નબળો સાંભળવા મળ્યો નહોતો.

માણસ મનથી વિકલાંગ ન હોય તો શારીરિક વિકલાંગતા ક્યારેય પ્રગતિમાં બાધારૂપ બનતી નથી. સ્મિતને એના સર્વોત્તમ પરિણામ માટે અભિનંદન અને ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ તેમજ હીનાબેનના માતૃત્વને વંદન.

શૈલેષ સગપરિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here