ભારત જગતભરના મુસ્લિમોની માફી માગે

0
200

મુંબઈ ઃ છેલ્લા કેટલાક દિવસથી મુસ્લિમોના ધર્મગુરુ મોહમ્મદ પયગંબરનું અપમાન થવાના પ્રકરણમાં દેશભરમાં મુસ્લિમો દ્વારા વિરોધ-પ્રદર્શન થઈ રહ્યું છે. પયગંબર બાબતે વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ બીજેપીએ નૂપુર શર્માને પક્ષમાંથી હાંકી કાઢી હોવા છતાં મુસ્લિમો દ્વારા વિરોધ-પ્રદર્શન કાયમ છે. આવી સ્થિતિમાં મુસ્લિમ સમાજ સમર્થક હૅકરો દ્વારા દેશભરની મહત્ત્વની અનેક સરકારી અને પ્રાઇવેટ વેબસાઇટ પર અટૅક કરીને હુમલા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. થાણે પોલીસ સહિત મહારાષ્ટ્રની ૫૦૦ વેબસાઇટને હૅક કરવામાં આવી છે. ‘વન બૅટ સાઇબર ટીમ-ઇન્ડોનેશિયન ડિફેસર’ નામની ટીમે આ સાઇબર અટૅક કર્યો કર્યા હોવાનું તપાસમાં જણાયું છે.
હૅકરોએ થાણે પોલીસની વેબસાઇટમાં પોસ્ટ કરેલા મેસેજમાં દુનિયાભરના મુસ્લિમોની માફી માગવાનો ઉલ્લેખ કર્યો છે. ‘હેલો ભારત સરકાર, વારંવાર તમે ઇસ્લામ ધર્મ બાબતે સમસ્યા ઊભી થાય એવું વર્તન કરી રહ્યા છો. મને લાગે છે કે તમને સહિષ્ણુ એટલે શું એ સમજાતું નથી. વહેલી તકે દુનિયાભરના મુસ્લિમોની માફી માગો. અમારા ધર્મગુરુનું અપમાન થતું રહેશે તો અમે શાંત નહીં બેસીએ.’ આવા શબ્દો મેસેજમાં લખવામાં આવ્યા છે.
રાજ્યના થાણે પોલીસની વેબસાઇટ ગઈ કાલે સવારે હૅક કરવામાં આવી હતી. સ્ક્રીન પર ભારત સરકાર માટે એક મેસેજ આવવા લાગ્યો હતો કે દુનિયાભરના મુસલમાનોની ભારત સરકાર માફી માગે. મહારાષ્ટ્ર સાઇબર સેલના એડીજી મધુકર પાંડેના જણાવ્યા મુજબ રાજ્યમાં આવી રીતે ૫૦૦ વેબસાઇટ હૅક કરવામાં આવી હતી. સરકારી તેમ જ પ્રાઇવેટ કંપનીઓની વેબસાઇટ પર સવારથી મુસ્લિમોની માફી માગવાના મેસેજ આવવા લાગ્યા બાદ સાઇબર વિભાગની ટીમો કામે લાગી હતી અને ગણતરીના કલાકમાં વેબસાઇટને રીસ્ટોર કરી હતી. આ વિશે થાણે સાઇબર સેલના ડીસીપી સુનીલ લોખંડેએ કહ્યું હતું કે ‘થાણે પોલીસની વેબસાઇટ સવારના ચાર વાગ્યે હૅક કરવામાં આવી હતી. સાઇબર ટીમે આ બાબતે તપાસ શરૂ કરી દીધી હતી. અમારી ટેક્નિકલ ટીમે ડેટા મેળવ્યા છે અને વેબસાઇટને રીસ્ટોર કરી દીધી છે. આગળની તપાસ ચાલી રહી છે.’ 
મહારાષ્ટ્ર સાઇબર સેલના એડીજી મધુકર પાંડેએ માહિતી આપી હતી કે ‘હૅકરોએ રાજ્યની ૫૦૦ વેબસાઇટ પર અટૅક કર્યો હતો, જેમાંથી કેટલીકને ગણતરીના સમયમાં રીસ્ટોર કરવામાં આવી હતી. ૭૦થી વધુ વેબસાઇટને હૅક કરવામાં આવી હતી. એમાં ત્રણ સરકારી વેબસાઇટની સાથે પ્રાઇવેટ યુનિવર્સિટીની વેબસાઇટનો સમાવેશ હતો. અત્યારે ચાલી રહેલા સાંપ્રદાયિક તનાવ વચ્ચે કેટલાક હૅકરોએ એકસાથે ભારતની વેબસાઇટ હૅક કરી હતી. મલેશિયા અને ઇન્ડોનેશિયા આ બે દેશમાંથી સાઇબર અટૅક કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું. આ ટીમો ભારતમાં પણ કામ કરી રહી છે કે કેમ એ હજી સુધી જાણી શકાયું નથી.’
મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વળસે-પાટીલે કહ્યું હતું કે ‘છેલ્લા બે દિવસમાં મહારાષ્ટ્ર સહિત દેશભરની વેબસાઇટ હૅક કરવામાં આવી હતી અને એક મેસેજ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here