ખતરો વધ્યો/ કોરોનાના સંકટ વચ્ચે 4 દિવસ કડાકા ભડાકા સાથે આવી વરસાદની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું

0
240

હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે છેલ્લા થોડા દિવસોથી મહારાષ્ટ્રના મોટાભાગમાં હવામાન ઉપરતળે થઇ રહ્યું છે. ઉનાળાની ગરમી અને ઉકળાટ વચ્ચે ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા, મેઘગર્જના, તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાઇ રહ્યો છે.

હવામાન ખાતાનાં સિનિયર વિજ્ઞાની શુભાંગી ભૂતેએ એવી માહિતી આપી હતી કે હાલ મરાઠવાડા અને તેની નજીકના આકાશમાં ૧.૫ કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. સાથોસાથ મરાઠવાડાથી કર્ણાટક, તેલંગણા અને રાયલસીમા થઇને તામિલનાડુના સમુદ્રકાંઠા ઉપર આકાશમાં ૦.૯ કિલોમીટરના અંતરે હવાના હળવા દબાણનો વિશાળ પટ્ટો પણ સર્જાયો છે.

ગરમીનો પારો 35થી 40 ડિગ્રી


આવાં બદલાયેલાં કુદરતી પરિબળો સાથે મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ૩૫થી ૪૦ ડિગ્રી જેટલો ઉકળતો નોંધાઇ રહ્યો છે. બપોરે તાપમાન વધુ હોવાથી જમીન ગરમ થઇ જાય અને પરિણામે વરાળનો વિપુલ જથ્થો વાતાવરણમાં ઘુમરાઇને આકાશમાં પહોંચે. વરાળનો તે જથ્થો સાંજના ઠંડા વાતાવરણમાં પાણીનાં અસંખ્ય બિંદુઓમાં પરિવર્તિત થઇ જાય. પરિણામે સાંજે તે બધાં જળ બિંદુઓ વર્ષાના સ્વરૃપમાં વરસે.સાથોસાથ ગાજવીજનો માહોલ પણ સર્જાય. આમ આવું તોફાની હવામાન ખરેખર તો સ્થાનિક પરિબળોને કારણે પણ સર્જાતું હોય છે.

હવામાન ખાતાની આગાહી

હવામાન ખાતાએ એવી આગાહી કરી છે કે આવતા ચાર દિવસ (૨૫, ૨૬, ૨૭, ૨૮-એપ્રિલ)દરમિયાન મહારાષ્ટ્રના મોટાભાગમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે હળવી વર્ષાનો માહોલ સર્જાય તેવ શક્યતા છે. કોંકણ(રત્નાગિરિ, સિંધુદુર્ગ-૨૭-૨૮), મધ્ય મહારાષ્ટ્ર(૨૫-૨૮-કોલ્હાપુર,સાંગલી,સાતારા,સોલાપુર, ઔરંગાબાદ), મરાઠવાડા(૨૫-૨૮-પરભણી,હિંગોળી,બીડ,નાંદેદ,લાતુર,ઉસ્માનાબાદ) અને વિદર્ભ(૨૬-૨૭-ચંદ્રપુર, ગઢચિરોળી, યવતમાળ)માં હવામાનમાં આવા અકળ ફેરફાર થવાની સંભાવના છે.

આવતા ૨૪ કલાક દરમિયાન મુંબઇનું ગગન વાદળિયું રહે તેવી શક્યતા છે. મહત્તમ તાપમાન ૩૩-૩૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૪-૨૫ ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતા છે. આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૪ અને લઘુત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૩.૨ અને લઘુત્તમ તાપમાન ૨૩.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૧-૭૪ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૬૭-૬૩ ટકા જેટલું ઘણું વધુ નોંધાયુંહતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here