વલસાડઃ તા. ૧૮: રાજ્ય સહિત વલસાડ જિલ્લામાં વકરી રહેલા કોરોના સંક્રમણને રોકવા જિલ્લા કલેક્ટર આર.આર.રાવલના માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ધી કલોક કામગીરી કરવામાં આવી રહી છે. વૈશ્વિક મહામારીને ધ્યાને રાખી કોરોનાથી જિલ્લાની પરિસ્થિતિ વધુ વકરે નહીં તેમજ વલસાડ જિલ્લાની જનતાની સુરક્ષા માટે આજે જિલ્લા કલેક્ટરશ્રી રાવલની અધ્યક્ષતામાં જિલ્લાના તમામ એસોસીએશનો, પ્રતિષ્ઠિત નાગરિકો, ડોકટર એસોસીએશન, બિલ્ડર એસોસીએશન, હોટલ એસોસીએશન અને સ્વૈચ્છિક સંસ્થા સંગઠનોના આગેવાનો સહિત ધારાસભ્યોની મળેલી બેઠકમાં સર્વેના એક સૂરે સર્વસંમતિથી જિલ્લા કલેક્ટરની અપીલને માન આપીને મંગળવાર તા.૨૦/૪/૨૦૨૧થી ૧૦ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સ્વૈચ્છિક લોકડાઉનમાં જિલ્લાના તમામ પ્રજાજનો સાથ અને સહકાર આપે તે જરૂરી હોવાનું પણ વધુમાં જણાવ્યું છે. આ સ્વૈચ્છિક લોકડાઉન દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ લોકડાઉન દરમિયાન કોઇપણ વ્યક્તિને મુશ્કેલી કે અન્ય કોઇ જરુરિયાત જણાય તો જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક સાધવા જણાવાયું છે. આ સ્વૈચ્છિક લોકડાઉનમાં જિલ્લાના ઔદ્યોગિક એકમોને મુક્તિ રહેશે. આ બેઠકમાં ધારાસભ્યો સર્વે કનુભાઇ દેસાઇ, ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, તમામ એસોસીએશનનના પ્રમુખો, સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.