વડોદરા-વાઘોડિયા રોડ ઉપર આવેલી એક કંપનીના ગેટ પાસે બાઈકની અટફેટે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં મોતને ભેટેલો વ્યક્તિ ચાલતા નોકરી ઉપર જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા.
બાઈક ચાલકે અડફેટે લેતા કર્મચારી ફંગોળાયો
વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વાઘોડિયાની સુખશાંતિ સોસાયટીમાં રહેતા અને મૂળ વાઘોડિયા તાલુકાના ગણપતપુરા ગામના રહેવાસી ઇશ્વરભાઇ પટેલ સોમવારે મોડી સાંજે વાઘોડિયા GIDCમાં નોકરી ઉપર જવા માટે નીકળ્યા હતા. ઇશ્વરભાઇ પટેલ ચાલતા વડોદરા-વાઘોડિયા રોડ ઉપર આવેલ સિદ્ધી ઇન્ડસ્ટ્રીઝના ગેટ પાસેથી ચાલતા જઇ રહ્યા હતા. તે દરમિયાન પુરપાટ પસાર થઇ રહેલા બાઈક ચાલકે તેઓને અડફેટે લેતા તેઓ રોડ ઉપર ફંગોળાઇ ગયા હતા. જેમાં તેઓનું મોત સ્થળ પર મોત નીપજ્યું હતું.
કર્મચારીના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ
આ બનાવની જાણ પુત્ર કૌશિક પટેલને થતાં તુરંત જ સ્થળ પર દોડી આવ્યો હતો. આ સાથે વાઘોડિયા પોલીસ આવી પહોંચી હતી અને લાશનો કબજો લઇ લાશને પોસ્ટમોર્ટમ માટે વાઘોડિયા સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. અકસ્માતમાં ઇશ્વરભાઇ પટેલનું મોત નીપજતાં તેઓની સોસાયટી અને તેઓના ગામમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.
બીજી બાજુ આ બનાવ અંગે અકસ્માતમાં મોતને ભેટેલા ઇશ્વરભાઇ પટેલના પુત્ર કૌશિકભાઇ પટેલની ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસે બાઇક ચાલક મહેશભાઇ રામજીભાઇ વસાવા (રહે. વેજલપુર, વાઘોડીયા) સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે પોલીસ બાઈક ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.