સુરત શહેરમાં સ્કૂલોની દાદાગીરીઓ થોડા થોડા દિવસે સામે આવી રહી છે, ત્યારે હવે સુરત શહેરમાં જીડી ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા છે. વાલીઓ આજે કલેકટર, DEO અને FRCને ફી બાબતે રજૂઆત કરશે. વાલીઓએ જણાવ્યું હતું કે ફી નિર્ધારણ હોવા છતાં સ્કૂલ વધુ ફી વસૂલી રહી છે, એક્ટિવિટીના નામે ઉઘાડી લૂંટ ચલાવાઈ છે.
ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
જયેશ સાવલિયા(વાલી)એ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના જે રૂલ્સ છે એ બધી સ્કૂલો માટે એનું કોઈ પણ સ્કૂલમાં પાલન થતું નથી. જીડી ગોએન્કા ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સરકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતાં લેખિતમાં કલેક્ટર, ડીઈઓ, એફઆરસીને અરજી કરી છે. 3થી 7 દિવસમાં નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સ્કૂલ દ્વારા ધમકીઓ આપવામાં આવે છે કે 20 તારીખ સુધીમાં તમામ ફી ભરવાની રહેશે, નહીં ભરો તો ઓનલાઈન ક્લાસ બંધ કરી દેવામાં આવશે.
52 હજાર રૂપિયા ફી ભરી છે, હજુ પણ 40 હજાર ફી માગી રહ્યા છેઃ વાલી
રિંકલ પટેલ (વાલી)એ જણાવ્યું હતું કે ફી અને ઓનલાઈન ક્લાસનો મુદ્દો પણ છે. ફી 25 ટકા વધારો કરાયો છે. મારી દીકરી આખા વર્ષમાં 10 જ દિવસ ઓનલાઈન રહી હતી તોપણ 52 હજાર રૂપિયા ફી ભરી છે. હજુ પણ 40 હજાર ફી માગી રહ્યા છે. ઓનલાઈન હોવાથી ફી તો ભરવી જ પડશે, નહીં તો ઓનલાઈન ક્લાસ બંધ કરી દેવાનું સ્કૂલમાંથી જણાવે છે.
લોકડાઉનને કારણે આર્થિક પરિસ્થિતિ પણ સારી નથીઃ વાલી
રીના નવીન અગ્રવાલ (વાલી)એ જણાવ્યું હતું કે સ્કૂલની ફીને લઈને ઘણા પરેશાન છીએ. લોકડાઉનને કારણે તકલીફ થઈ છે, જેને લીધે ફી ભરી નથી. જેથી દબાણ કરવામાં આવે છે કે ફી નહીં ભરો તો ઓનલાઈન ક્લાસ બંધ કરી દેવામાં આવશે. લોકડાઉનને કારણે આર્થિક પરિસ્થિતિ પણ સારી નથી અને ફી પણ વધારે હોવાથી બાળકોના ભવિષ્યને ધ્યાને રાખી નિરાકરણ લાવવું જોઈએ.
5 દિવસ પહેલાં ભગવાન મહાવીર ઈન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓએ વિરોધ કર્યો હતો
સુરતમાં આવેલી ભગવાન મહાવીર ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ફીના મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું હતું. ફી ન ભરનારા વિદ્યાર્થીઓનું સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. જેથી શાળા બહાર વાલીઓએ એકઠા થઇ વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓએ જણાવ્યું હતું કે બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે તેમજ સરકારના હિસાબે ફી ભરવા વાલીઓ તૈયાર છે, પરંતુ સ્કૂલ-સંચાલકો પોતાની રીતે વધુ ફીની માગણી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.