આલેખનઃ રમેશ તન્ના
ધરમપુરના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં એક યુવા યુગલ, ઋષિત મસરાણી અને પૂર્વજા ભટ્ટે લોકડાઉનમાં અનેકવિધ સેવાકીય કાર્યો કર્યાંઃ વાંચીને મન પ્રસન્ન થઈ જાય તેવી ગાથા.
કવિવર ઉમાશંકર જોશીએ એક નવદંપતિને લગ્નપ્રસંગે પુસ્તક ભેટ આપતી વખતે શુભેચ્છા નોંધ લખી હતી કે “જેટલાં સમાજનાં થશો, તેટલાં જ એકબીજાનાં થઈ શકશો. ”
રવિશંકર મહારાજે એક નવવધુને આશીર્વાદ આપતાં કહ્યું હતું કે, “તું સુખી થવા નથી જઈ રહી, પરંતુ સુખી કરવા જઈ રહી છે એટલું યાદ રાખજે.”
કવિવર ઉમાશંકર જોશી અને રવિશંકર મહારાજની આ વાતો આપણને ઋષિત મસરાણી અને તેમનાં જીવનસાથી પૂર્વજાએ કરેલાં સેવાકીય કાર્યોની વિગત જાણીને યાદ આવી જાય.
હજી હમણાં તો, 30મી નવેમ્બર, 2019ના રોજ તેમને લગ્ન કર્યું છે. ઋષિત તો ઘણાં વર્ષોથી આદિવાસીઓ અને ગરીબો માટે અનેક સેવાકીય કાર્યો કરે છે. ઝળહળતી કારકિર્દીને તેણે સેવા માટે જતી કરી છે. પ્રતિભાશાળી અને સજ્જ યુવક છે. જોકે, મગજ કરતાં હૃદયનું વધારે માને છે. તેમાંય મૂળ અમરેલીના, પરંતુ અત્યારે રાજકોટ સ્થાયી થયેલા પરિવારમાંથી આવેલાં પૂર્વજા ભટ્ટ મળ્યાં. પછી તો બંનેએ સાથે મળીને સેવા કાર્યોમાં ગતિ આણી છે, સુગંધ ભેળવી છે
22મી માર્ચ, 2020ના રોજ જનતા કરફ્યૂના દિવસથી આ યુગલે ધરમપુર અને કપરાડા વિસ્તારમાં કામ શરુ કરી દીધું. આમેય આ વિસ્તાર આદિવાસીઓનો અને ગરીબોનો વિસ્તાર છે. સૌથી પહેલાં વાત કરીએ જમાડવાની. 72 દિવસમાં આ દંપતિએ આશરે 1 લાખ ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે. ઘણી વાર તો બંનેએ 400-400 કિલોમીટરની મુસાફરી પણ કરી છે.
નિયત કરેલા રસોડે જમવાનું બનતું હોય અને ગરીબો, મજૂરો જમતા હોય. એક વાર તો એવું થયું કે રાત્રે દસેક વાગ્યે મામલતદાર ઓફિસમાંથી ઋષિત ઉપર ફોન આવ્યો કે, 300 કિલોમીટર ચાલીને 70 જેટલા મજૂરો આવ્યા છે. ભૂખ્યા છે. ઋષિતે પૂર્વજાને કહ્યું. પૂર્વજાબહેન તરત જ પોતાની ટીમ સાથે ખીચડી બનાવવા બેસી ગયા. મામલતદારે માત્ર 20-30 મિનિટનો સમય આપ્યો હતો. 30 મિનિટમાં તો 70 લોકો માટે ખીચડી અને શાક તો બન્યું જ, ગરમ ગરમ રોટલા પણ બનાવી દીધા. આને કહેવાય જુસ્સો, આને કહેવાય સંવેદના અને આને કહેવાય સાચી માનવતા.
લોકડાઉન વખતે ઋષિત અને પૂર્વજાબહેને ચા અને બિસ્કીટની પણ સેવા પૂરી પાડી. ધરમપુરની છ હોસ્પિટલોમાં તેઓ દર્દીઓ, ડોક્ટરો તથા મેડિકલ સ્ટાફ માટે ચા અને બિસ્કીટ લઈને જતાં હતાં. સવારે અને સાંજે તેઓ આ સેવા આપતાં હતાં. એ વખતે ચાની લારીઓ બંધ હતી એટલે લોકોને ચા મળતી નહોતી.
પહેલ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આ યુગલે છ હજાર પરિવારોને રાશનકીટ પણ આપી. શું શું આપતાં હતાં રાશનકીટમાં ? ઘઉં, ચોખા, મીઠું, તેલ, રાઈ, સાબુ, સેનેટરી પેડ, માસ્ક અને મચ્છરની અગરબત્તી આ ઉપરાંત પણ બીજું ઘણું આપતાં હતાં.
આ યુગલે ઝીણી ઝીણી બાબતોની પણ કાળજી રાખી. લોકડાઉન હતું એટલે બધી જ દવાઓ મળતી નહોતી. જે ગરીબ દર્દીઓ ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરના દર્દીઓ હતા તેમને સમયસર દવા પૂરી પાડી. માનસિક રોગીઓની દવા માટે તો આ યુગલે ઘણી વખત વલસાડ અને નવસારી જવું પડતું. ત્યાંથી દવા લાવી કે મંગાવીને તેમણે દર્દીઓને પહોંચાડી.
આ સમયગાળામાં તેમણે 10 હજાર પાણીની બોટલો આપી. 25 હજારથી વધુ માસ્ક આપ્યાં. માસ્કની કહાની રસપ્રદ છે. વોકલ ફોર લોકલ અભિગમના પગલે તેમણે 400 લોકોને રોજગારી આપી. ખાદીના કપડામાંથી માસ્ક કારીગરો પાસે બનાવડાવ્યા. તેમાં પાછી કલાનો ઉમેરો કર્યો. દરેક માસ્ક પર વારલી પેઈન્ટિંગ કરાવ્યું. કલા અને સંસ્કૃતિનું જતન થાય, માસ્ક આકર્ષક લાગે અને લોકોને રોજગારી પણ મળે.
આ સમયગાળામાં ત્રીજી એપ્રિલ, 2020ના રોજ પૂર્વજાબહેનનો જન્મદિવસ આવે. લગ્ન પછી તેમનો આ પ્રથમ જન્મદિવસ આવ્યો હતો. ઋષિતે તેમને 20 હજાર સેનેટરી પેડ ભેટ આપ્યા. પૂર્વજાબહેને ગરીબ અને આદિવાસી મહિલાઓમાં તેનું વિતરણ કર્યું. કેવી અનોખી ભેટ ?
આ સમયગાળામાં આ યુગલ સતત દોડતું જ રહ્યું. આદિવાસી અને ગરીબ લોકોની સેવા કરવા ઉપરાંત વિવિધ સરકારી ઓફિસોના કર્મચારીઓ, હોસ્પિટલોનો મેડિકલ સ્ટાફ અને કોરોના વોરિયર્સ માટે તેમણે રોજેરોજ કામ કર્યું. આ બધું કામ જાનના જોખમે પણ થયું. તે વખતે આવા સમયકાળમાં કોરોના પોઝિટિવનું જોખમ તો હતું જ. જોકે, એ જોખમને અતિક્રમીને ઋશ્વિત અને પૂર્વજાએ કામ કર્યું છે.
તેમની સાથે તેમની ટીમમાં કરણભાઈ વસાણી, મુન્નાભાઈ ઠક્કર, હિરેનભાઈ પંચાલ, પ્રશાંતભાઈ અને બ્રિજેશભાઈ પણ જોડાયા હતા.
ઋષિત અને પૂર્વજાનું અનોખું લગ્ન છે. એ પ્રેમ માત્ર એકબીજા સાથેનો પ્રેમ નથી. સમાજ સાથેનો પ્રેમ પણ છે. સમાજ માટે કશું જ નક્કર કરવાની બંનેની ભાવના છે.
22મી એપ્રિલ, 1989ના રોજ જન્મેલા ઋષિતને સામાજિક નિસબત વારસામાં મળી છે. તેમના પિતાજી રાજેશભાઈ આ વિસ્તારના જૂના સમાજસેવક છે. ઋષિતે અંગ્રેજી વિષય સાથે એમ.એ. કર્યા પછી એમ.એડ. કર્યું છે. અમેરિકન અને બ્રિટીશ ઈંગ્લિશનો સઘન અભ્યાસ કર્યો છે. સરકારી ઉચ્ચ નોકરી, બેન્કમાં ઉચ્ચ નોકરી, જર્મની કે બેંગ્લોરમાં ઉચ્ચ નોકરીની તેને તક હતી, પરંતુ છેવાડામાં રહેતા લોકો માટે કામ કરવાની ભાવના હતી તેથી તેણે આ બધી, દુનિયાદારીની રીતે ઝળહળ લાગતી કારકિર્દીને જતી કરી. નાની ઉંમરમાં તેણે ઘણું મોટું કામ કર્યું છે.
લોકડાઉનમાં ગુજરાતમાં અનેક સંસ્થાઓએ અને વ્યક્તિઓએ ખૂબ કામ કર્યું છે. અલબત ધરમપુર જેવા છેવાડાના વિસ્તારમાં બેસીને એક યુવા યુગલે જે કામ કર્યું છે તે ખરેખર પ્રેરક છે, વંદનીય છે. આપણે આ યુગલને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને પ્રાર્થના કરીએ કે ભગવાન તેમને વધારે બળ આપે તેથી તેઓ સતત કામ કરતાં રહે.
સંપર્કઃ પૂર્વજા ભટ્ટ અને ઋષિત મસરાણી, શ્રીજી કૃપા, મોટા બજાર, ધરમપુર, જિ. વલસાડ. ફોન નં. 9724388805.
(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના 9824034475, અમદાવાદ)