ધરમપુરની શેરીમાળ, બરૂમાળ અને બેઝ ફળીયા પ્રાથમિક શાળામાં રાજ્યમંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ ૭૦ બાળકોને શાળાપ્રવેશ કરાવ્યો

0
240

  • કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ત્રીજો દિવસ
  • ધરમપુરની શેરીમાળ, બરૂમાળ અને બેઝ ફળીયા પ્રાથમિક શાળામાં રાજ્યમંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ ૭૦ બાળકોને શાળાપ્રવેશ કરાવ્યો
  • એક મંદિર ઓછું બનશે તો ચાલશે પણ શાળાનો એક ઓરડો બનવો બાકી ના રહેવો જોઈએ- રાજ્યમંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી

પ્રાથમિક શિક્ષણ દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સમગ્ર રાજ્યમાં શરૂ થયેલા રાજ્ય સરકારના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સ વ અંતર્ગત ત્રીજા અને અંતિમ દિવસે તા.૨પમી જૂનના રોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં પાણી પુરવઠા, મત્સ્યોદ્યોગ અને કલ્પસર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્તે વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળા, બરૂમાળ પ્રાથમિક શાળા અને બેઝ ફળીયા, બિલપુડી પ્રાથમિક શાળામાં ધો.૧માં ૫૧ બાળકો અને આંગણવાડીમાં ૧૯ બાળકો એમ કુલ ૭૦ બાળકોને સ્ટેશનરી અને પુસ્તકો આપી શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. શેરીમાળ પ્રાથમિક શાળામાં ૨૦ કુમાર અને ૧૧ કન્યા સહિત ૩૧, બરૂમાળ પ્રાથમિક શાળામાં ૪ કુમાર અને ૬ કન્યા મળી ૧૦ અને બેઝ ફળિયા, બીલપુડી પ્રાથમિક શાળામાં ૫ કુમાર અને ૫ કન્યા મળી ૧૦ બાળકોનો પ્રવેશ કરાવાયો હતો.

એક મંદિર ઓછું બનશે તો ચાલશે પણ એકપણ શાળાનો ઓરડો બનવો બાકી ન રહેવો જોઈએ એવું આહવાન કરતા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, “પ્રાથમિક શાળાનો જ સમય એવો છે કે, જે આજીવન યાદ રહી જાય છે. નાના બાળકોને પણ આજનો આ પ્રવેશોત્સવનો દિવસ હંમેશને માટે યાદ રહી જશે. પ્રાથમિક શાળાનું શિક્ષણ બાળકોના ભૌતિક અને માનસિક વિકાસમાં ખૂબ જ મોટો ફાળો આપે છે. એટલા માટે જ બાળકોને પ્રોત્સાહિત કરવા કોરોના મહામારીના લાંબા ગાળા બાદ ગુજરાતના દરેક ક્ષેત્રમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રવેશોત્સવના ૨૦ વર્ષોના ફળરૂપે આજે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટીને ૧.૩૨% જ રહી ગયો છે”

કન્યા કેળવણીનું મહત્વ સમજાવતાં મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “દીકરી ભણેલી હશે તો જ દેશ અને સમાજનો સાચો વિકાસ થશે. દીકરી દેશને નવી ઊંચાઈએ લઈ જશે. દીકરીઓમાં આજે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે એ ગર્વની વાત હોવાનું જણાવી શિક્ષિત દીકરી ભાવિ પેઢીમાં સારા સંસ્કારોનું સિંચન કરી દેશનું ભાવિ ઉજ્જવળ બનાવશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.”
આ પ્રસંગે મંત્રીશ્રીએ શાળાઓના તેજસ્વી તારલાઓને ઈનામ વિતરણ અને ૧૦૦% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓનું પુસ્તકો આપી સન્માન કર્યું હતું. હાજર દાતાઓને બાળકોના વિકાસમાં સહભાગી થવા બદલ શાલ ઓઢાડી સન્માન કરી ધન્યવાદ પાઠવ્યા હતા. આંગણવાડી અને શાળા પરિસરનું નિરીક્ષણ કરી એસ.એમ.સી. સભ્યો સાથે બેઠક કરી જરૂરી સૂચનો આપ્યા હતા.
આ પ્રસંગે શિક્ષણ અધિકારી કે.એફ. વસાવા અને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી બી.ડી.બારિયાએ આ પ્રવેશોત્સવ ને કારણે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને થયેલા ફાયદા અને શિક્ષણ દ્વારા થતાં વિકાસને જણાવતા પ્રાસંગિક સંબોધનો કર્યા હતા.
આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા લાયઝન અધિકારી ડો. બિપીનભાઈ, સંગઠન સભ્ય, ત્રણેય ગામના સરપંચો અને ઉપ-સરપંચો, ત્રણેય શાળાના આચાર્યો, શિક્ષકો, શાળા પરિવાર, બાળકો, દાતાઓ, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
-000-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here