આર્થિક કે શારીરિક રીતે થતા નુકસાનને તો હજીય ક્યારેક પહોંચી વળાય, પરંતુ માનસિકતાની રીતે પતન‌ થાય તો ઉપર ઊઠવામાં વર્ષો લાગી જાય છે

0
185

મિત્રો- શુભ સવાર.

હે‌ ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. યુક્રેન રશિયા યુદ્ધ, ઈન્ડો પેસેફિક ક્ષેત્રની પરિસ્થિતિ, ખાદ્ય અને ઉર્જા,કે સુરક્ષા, જળવાયુ પરિવર્તન, જેવા વૈશ્વિક પડકારોની ચર્ચા કરવા માટે G7 માં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જર્મની પહોંચ્યા, અને ત્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, એ બધી વાત તો બરાબર છે. પરંતુ ત્યાંના ભારતીય સમાજને મળવાનો એક પ્રોગ્રામ ગોઠવાયો હતો, અને તેમાં તેમણે વાત કરી કે, છેલ્લા આઠ વર્ષમાં ભારતે સફળતા તરફ એક એક કદમ આગળ વધાર્યા હતાં, તેનું પરિણામ લક્ષી તમામ મુદ્દાઓની આંકડાકીય છણાવટ સાથે વાત કરવામાં આવી, જે ખરેખર દંગ રહી જાય તેવી છે, અને આપણે વિકાસ નથી થયો! વિકાસ નથી થયો! એ વાત પર અટકી ગયેલી ઘડિયાળ જેમ અટકી ગયાં છીએ, તે ખોટું છે એવું સમજાય. કાં તો આપણી વિકાસની વ્યાખ્યા જુદી હોય, અને કાં તો પછી તેમણે શું વિચારીને વિકાસની વ્યાખ્યા કરી હશે!એવું લાગે, અને એને કારણે આ વિરોધાભાસ સર્જાય. સૌથી વધુ ચોંકાવનારી બાબત તો એ હતી કે, ભારત અત્યારે સૌથી વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરનાર દેશ સાબિત થતો જાય છે. તદુપરાંત ગામડાઓમાં પણ નેટબેન્કિંગ, ઇ પેમેન્ટ વગેરે બહુ સુલભ થઈ ગયું છે, અને લોકો વધુને વધુ તેનો ઉપયોગ કરતાં થઈ ગયા છે. સૂક્ષ્મ રીતે કહીએ તો મની ટ્રાન્જેકશન ઓન લાઈન થતાં એને કારણે ભ્રષ્ટાચાર મુક્ત કરવાની, એમની કોશિશ કામયાબ થતી દેખાય છે. પણ એક વાત તો નક્કી છે કે, થશે હવે! થાય છે હવે! શું તે આવડશે? નહીં કરીએ તો પણ ચાલશે હવે! એમ આળસ, પ્રમાદ, કે પછી સમયનું અવમૂલ્યન કરતો ભારતીય સમાજ હવે બદલાતો જાય છે. તેની નિંદ્રા કહો તો નિંદ્રા, અને તંદ્રા કહો તો તંદ્રા ઉડતી જાય છે. તેને હવે માત્ર પોતાના વિકાસમાં નહીં, પરંતુ દેશના વિકાસમાં પણ રસ છે, તેવું ઘણા મોરચે લાગે છે. નિંદ્રા એ આપણી ઇન્દ્રિયોના વિશ્રામ માટેની એક સુંદર વ્યવસ્થા છે, પરંતુ તેની માત્રા નિયત હોવી પણ એટલી જ જરૂરી છે. જ્યારે હદથી વધુ નિંદ્રા આળસુ, પ્રમાદી, કે નિષ્ક્રિય અને નિક્કમા બનાવી શકે. માનવીય બુદ્ધિ કૌશલ્યનો ઉપયોગ, તે પૂર્ણ જાગૃત હોય ત્યારે જ વધુ સારી રીતે થતો હોય છે, બાકી તો પ્રમાદ વધારનાર બુદ્ધિ અંતે પતન તરફ દોરી જાય છે. રામાયણનું પણ એક પાત્ર પણ પોતાની અતિનિદ્રા માટે જાણીતું છે, તો આજે આપણે રાવણનાં ભાઈ એવા કુંભકર્ણ વિશે ચિંતનમાં વાત કરીશું.

કુંભકર્ણ નાં પાત્ર પરિચયમાં એ રાવણનો અનુજભાઈ હતો, અને તે પોતાની નિંદ્રા માટે તેમજ ખાઉંધરા પણ માટે પ્રખ્યાત હતો. કુંભકર્ણ માટે એવું કહેવાય છે કે, તે છ મહિના સૂતો રહેતો અને છ મહિના જાગૃત રહેતો હતો. જાગૃત રહેતો હતો, ત્યારે તે પોતાની આસપાસનાં ક્ષેત્રમાં જીવતા તમામ જીવનું ભક્ષણ કરી જતો હતો. પરંતુ કુંભકર્ણ વિશે માહિતી મેળવતી હતી તો અમુક ચોંકાવનાર વાતો પણ પ્રકાશમાં આવી. સૌપ્રથમ તો તે અત્યંત બુદ્ધિ કૌશલ્ય ધરાવતો હતો, અને કર્તવ્યનિષ્ઠ અને સશક્ત યોદ્ધા હતો. તેની શક્તિ અને તેની બુદ્ધિથી ઇન્દ્ર પણ પ્રભાવિત હતાં. એકવાર કુંભકર્ણ એ પોતાના ભાઈઓ એટલે કે રાવણ અને વિભીષણ સાથે મળી અને બ્રહ્મદેવની આકરી તપશ્ચર્યા કરી, અને યજ્ઞ કર્યો. બ્રહ્મા પ્રસન્ન થયાં અને વરદાન માંગવા કહ્યું, ત્યારે કુંભકર્ણ ઇન્દ્રાસન માંગવા જતો હતો, ત્યાંજ માતા સરસ્વતી તેની જીભે બિરાજમાન થયા, અને નિંદ્રા માંગી બેઠો. રાવણે કહ્યું કે આ છળ છે, અને તેણે બ્રહ્માને પોતાના આ વરદાનને પાછું લેવા કહ્યું, ત્યારે ભગવાને કહ્યું કે એ મિથ્યા નહીં થાય, પરંતુ કુંભકર્ણ છ મહિના સૂઈ રહેશે, અને છ મહિના જાગૃત રહેશે, આવી પણ એક દંતકથા મળે છે.

બીજી એક વાત અનુસાર કુંભકર્ણ એક બહુ મોટો વૈજ્ઞાનિક હતો, અને તેણે કિષ્કિંધા ઓની દક્ષિણ તરફની ગુફામાં એક પ્રયોગશાળા ખોલી હતી. તે પોતે નિંદ્રામાં છે એવું સાબિત કરી,અને તે પ્રયોગશાળામાં જતો હતો, અને ત્યાં તેણે ખૂબ મોટી પ્રયોગશાળામાં પોતાના સાથીઓ‌ સાથે આજના વિજ્ઞાન ને ચોંકાવનારી ઘણી શોધ કરી હતી. તેણે પોતાની પ્રયોગશાળા માં જવા આવવા માટે વિમાનની પણ શોધ કરી હતી, જેનો ઉલ્લેખ પુષ્પક વિમાન તરીકે રામાયણમાં થાય છે. આ ઉપરાંત તેને એક ભીમ નામનૈ પુત્ર હતો, અને તે બધાને ખૂબ સતાવતો હતો, અને બધાએ ભગવાન શિવને પ્રાર્થના કરી એટલે ભગવાન શિવ ત્યાં જયોર્તિલિંગ સ્વરૂપે બિરાજમાન થયા,અને એ ક્ષેત્ર એટલે ભીમાશંકર. આ વાતમાં કેટલું તથ્ય હશે એ તો ખબર નથી પરંતુ કુંભકર્ણ બુદ્ધિશાળી હતો, કર્તવ્યનિષ્ઠ હતો, અને પ્રખર યોદ્ધા હતો, એ વાતમાં કોઈ બે મત નથી. પ્રભુ શ્રીરામ સાથે યુદ્ધ કરવા માટે રાવણ દ્વારા જ્યારે કુંભકર્ણને જગાડવામાં આવે છે, ત્યારે સૌ પ્રથમ કુંભકર્ણ તેને પ્રભુ શ્રીરામ સાથે દુશ્મની વહોરી લેવા બદલ ઠપકો આપ્યો હતો,અને કહ્યું હતું કે હજી પણ પરિસ્થિતિ સુધરી શકે તેમ છે, તું તેના શરણે ચાલ્યું જા! નહીં તો તારું પતન નિશ્ચિત છે, એમ કરી સમજાવવા ની કોશિશ પણ કરી હતી. પરંતુ ભાતૃ પ્રેમ કહો કે, મંત્રી હોવાને નાતે કર્તવ્ય નિષ્ઠ કહો એણે રામ સામે યુદ્ધ કર્યું, અને ઘણા યોદ્ધાને ઘાયલ પણ કર્યા. એટલે એમ કહી શકાય કે રાક્ષસી વૃત્તિ તેના પતનનું કારણ બની નહોતી,પણ પોતાના ભાઈની ખોટી અને અનીતિ‌ ભરી વાતમાં ટેકો આપવાને કારણે તેં માર્યો ગયો, અને વિભીષણ એ ટેકો ન આપ્યો, એટલે તે બચી ગયો, અને લંકાનો રાજા બન્યો.

જીવનમાં એવું ઘણી વાર થતું હોય છે કે આપણે જાણતા હોઈએ છીએ કે, આ ખોટું છે અને છતાં ખોટી વ્યક્તિ સાથે તેના ખોટા નિર્ણયમાં આપણે ટેકો આપી દેતા હોઈએ‌ છીએ, અને એને કારણે એનું તો પતન થાય જ છે, પણ સાથે સાથે આપણું પતન પણ થાય છે. આર્થિક કે શારીરિક રીતે થતા નુકસાનને તો હજીય ક્યારેક પહોંચી વળાય, પરંતુ માનસિકતાની રીતે પતન‌ થાય તો ઉપર ઊઠવામાં વર્ષો લાગી જાય છે, અને કદાચ તો પોતાની ભૂલ દેખાય નહીં તો આમ જ જન્મ પણ વીતી જાય છે.

સાંપ્રત સમયમાં પૂરા રાષ્ટ્રમાં હિંદુ રાષ્ટ્રની ઘોષણા થઈ રહી છે, તેમજ મૂળભૂત રીતે તો સૌ કોઈને રામ રાજ્ય પ્રસ્થાપિત કરવું છે, એવી એક લાગણીનું મોજુ પ્રવર્તમાન સમયના સમાજમાં ફરી વળ્યું છે. પરંતુ રામરાજ્ય પ્રસ્થાપિત કરવા માટે ત્રેતા કાળમાં જવું પડે, પ્રભુ શ્રીરામની સફરને જોવી પડે, અને એટલે જ આપણે તુલસીકૃત રામાયણ કે વાલ્મિકી રામાયણનો સહારો લઇ અને પ્રભુ શ્રીરામ ની જીવન યાત્રાને સાર્થક બનાવનારા સારા ખરાબ ચરિત્રો વિશે, રોજ ચિંતનમાં વાત કરી રહ્યા છીએ, અને એમાં થી સારો ને શુભ હોય એવો બોધ ગ્રહણ કરી રહ્યા છીએ. એટલે ટૂંકમાં એમ કહો કે આપણે આપણી મોહ નિંદ્રા કે ભોગ નિંદ્રા, નિંદ્રામાંથી બહાર આવી ગયા છીએ, અને આપણને રામરાજ્ય જોઇએ જ છે, અને એની માટે આપણે પણ કંઈક કરવા તત્પર છીએ. કાગળ પર થતો વિકાસ એ સારી બાબત છે, પરંતુ મૂળભૂત રીતે તો સામાજિક વલણ બદલાવું જોઈએ,અને એ હજી રહેણીકરણીની રીતે તો વૈજ્ઞાનિક સાધનો વાપરતું અને વરસાવતું થયું છે. પરંતુ એની માનસિકતામાં એટલી હદે ફેરફાર થયો નથી, અને એને કારણે આપણે વિકાસનો જોઈએ એટલા પ્રમાણમાં લાભ ઉઠાવી શકતા નથી, અથવા તો દેશના એકો એક‌ નાગરિક ને એ લાભ મળતો નથી, કારણકે વિકાસ ને માત્ર અર્થલક્ષી ગણવામાં આવે છે. તો આપણી માનસિકતાની એ તંદ્રાવસ્થા દુર થાય એ માટે આપણે જ પ્રયત્ન કરવાં પડશે, અને તો જ‌ રામ રાજ્ય ની સ્થાપના શકય છે. મૂળમાં આપણે જેની વાત લઈને બેઠા છીએ અથવા તો જે નો સંકલ્પ કરીને બેઠા છીએ એને વિશેની પૂરતી સમજ આપણી પાસે હોવી જરૂરી છે, અને એટલી સૂક્ષ્મ સમજ આપણે સૌ કેળવી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર જાણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવા ચિંતન મનન સાથે તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here