હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સમય જેમ જેમ આગળ ચાલતો જાય છે, તેમ તેમ માનવીય માનસિકતા પણ બદલાતી જાય છે, અને આજકાલના સમાજની માનસિકતા એ છે કે, તે અંદરોઅંદરનાં વ્યવહારમાં પાઇ પાઇનો હિસાબ કરતી થઈ ગઈ છે. પરંતુ દરેક લેવડદેવડ રૂપિયા-પૈસાથી નક્કી થતી નથી, લાગણીના વહેવારો અલગ હોય છે. આજની પરિસ્થિતિ પ્રમાણે સંતાનો મોટા થઈને જે રીતે વર્તે છે તે જોતા, જો માતા પણ પોતાના ત્યાગ બલિદાનનો હિસાબ કરવા માંડે તો, કોઈ માતા પોતાના બાળકોને ઉછેરે નહીં! કડવું છે પણ સત્ય છે. એટલે એવું નથી કે બધા જ એવાં હોય, પરંતુ જે રીતનો પ્રવાહ ચાલી રહ્યો છે, તેનું સર્વેક્ષણ તો આવું જ નીકળે. મા તો મા હોય છે,અને સંસારમાં તેની સરખામણી કોઇ સાથે થઈ શકે નહીં. ગઈકાલે ખબર નહીં પણ મમ્મીની અચાનક ખૂબ યાદ આવી ગઈ, એના ફોટા સામે જોતી હતી તો થયું કે સપ્ટેમ્બરમાં તો એની વિદાયને બે વર્ષ પૂરા થઈ જશે! સમય કેટલો ઝડપથી ચાલે છે, હજી તો તેનાં અવાજના ભણકારા પણ સમ્યા નથી. સહનશક્તિ ની મિશાલ હતી, અને અમારામાં પણ એને કારણે જ એ ગુણ આવ્યો. નાનું-મોટું કંઈ થાય તો તરત જ કહે, સહન કરતા શીખો આગળ ઉપર કામ આવશે, અને આવડી ઉંમરમાં માંદગી શું? કાલે એનું ગાયેલું એક ભજન સાંભળતી હતી, અપરાધ ક્ષમા કરો મારો, દાસ તણું રક્ષણ કરવાનો છે પ્રભુ ધર્મ તમારો…અપરાધ ક્ષમા કરો મારો! સુમધુર સ્વરની માલિક હતી, પણ એનાં જીવનમાં એવો એને કોઈ લાભ મળ્યો નહીં. આપણે હમણાં રામાયણના પાત્ર પરિચય વિશે ચિંતન કરી રહ્યા છીએ, એટલે આ ભજન જેવો જ ભાવ રામાયણમાં પણ જોવા મળે છે.
પ્રભુ શ્રીરામ જ્યારે પોતાની વાનરસેના સાથે લંકા સુધી પહોંચવા સમુદ્ર તટ પર પહોંચે છે, અને સમુદ્ર માર્ગ આપતો નથી, ત્યારે ત્રણ દિવસના અંતે પ્રભુ બાણ ચડાવે છે અને સમુદ્ર પ્રભુને શરણે આવે છે અને કહે છે અપરાધ ક્ષમા કરો મારો! દાસ તણું રક્ષણ કરવાનો છે પ્રભુ ધર્મ તમારો…તો આજે આપણે ચિંતનમાં એ વિશે વાત કરીશું.
સર્વપ્રથમ તો સમુદ્રને આપણે ત્યાં દેવ કહેવામાં આવ્યો છે, એટલે એના પરથી એવું ફલિત થાય છે કે, રામ કાર્ય કરવા માટે દાનવો જ રુકાવટ બનતા હતા કે, તેની સાથે જ યુદ્ધ કરવાનું હતું એવું નહોતું. સમુદ્ર દેવ પણ રામ કાર્યમાં વિધ્ન કર્તા સાબિત થયાં હતાં. એટલે જરૂરી નથી હોતું કે ખરાબ વૃત્તિ જ આપણને નડે, ક્યારેક કોઈ સારી વૃત્તિ પણ અહંકારી બને તો એ રુકાવટ ઊભી કરી શકે, અને એનું સૌથી મોટું ઉદાહરણ રામાયણ કાળનો સમુદ્ર છે. ભગવાન શ્રી રામ જ્યારે પોતાની સેના સાથે દક્ષિણના સમુદ્ર કિનારે પહોંચી ને સમુદ્ર પાસે માર્ગ માંગે છે, અને તે મદદ માટે તૈયાર થા, એમ નથી એવું લાગતાં, 72 કલાક ભગવાન શ્રીરામ એ સમુદ્ર તટ પર તપ કર્યા પછી, જ્યારે બાણ ખેંચ્યું, ત્યારે સમુદ્ર દાસ થઈને પ્રભુના શરણમાં આવે છે. ત્યારબાદ પછી સેતુબંધનું કાર્ય શરૂ થાય છે,અને રામ નામ બોલીને પત્થર મુકવામાં આવતા એ પથ્થર ડુબી જતાં નથી, અને એ રીતે આખા આવડાં મોટા સેતુ એટલે કે બ્રીજની રચના થઈ,જે આજે 7000 વર્ષ પછી પણ અડીખમ છે. સેતુબંધ નું કામ એમ તો ઘણું લાંબુ ચાલ્યું હતું, અને વાનરો પર્વતો ની મોટી મોટી શિલાઓ લઈને આવતાં હતાં, અને ભગવાન શ્રીરામ તેને હાથ અડાડતાં, અને એ લોકો શ્રી રામ કહીએ સમુદ્રમાં ગોઠવતા હતાં. એટલે આ પરથી બે વાત નક્કી થાય છે, એક તો સેતુ એટલે કે બ્રિજ સમુદ્ર પાર કરવાની વ્યવસ્થા પ્રભુશ્રી રામના સમયથી થઇ હતી, અને બીજું ભગવાન રામનું નામ લેનારા પત્થરો પણ તરી જતા હોય છે. એટલે કે રામનામ આ ભવ સાગર પાર કરવા માટે પર્યાપ્ત છે. ખિસકોલી જેવું નાનું પ્રાણી પણ રામ કાર્ય કર્યાનો સંતોષ મેળવતી હતી, અને એને જોઈને પ્રભુ શ્રી રામે તેને પોતાની સેનાનો સૌથી નાનો સૈનિક પણ કહ્યો હતું,અને ગુજરાતી ભાષાના ઘણા સાહિત્યકારોએ ખિસકોલીની સંવેદના તેમજ પ્રભુ રામની ભાવના વ્યક્ત કરતા પદો લખ્યાં છે. આપણે સૌ જાણીએ છીએ કે અંતે સેતુબંધ નું કાર્ય પાર પડ્યું ને ત્યાં આગળ ભગવાન શંકરના જ્યોતિર્લિંગની સ્થાપના કરી, અને આજે પણ તે રામેશ્વર નામે પ્રખ્યાત છે. પહેલાની દુશ્મની પણ કેવી હતી નહીં! એ પણ આ પ્રસંગ પરથી ફલિત થાય છે. રાવણ એ ખૂબ જ મોટો સંસકૃતનો વિદ્વાન હતો, અને ભગવાન શંકર નો મોટો ભક્ત પણ હતો, એટલે રામેશ્વર શિવ લિંગની પ્રાણ-પ્રતિષ્ઠાની વિધિ તેના હાથે સંપન્ન કરવામાં આવી હતી. સેતુબંધથી અંતિમ વાત એમ ફલિત થાય છે કે રામ કાર્ય કરવું એ સહેલું હોતું નથી, પરંતુ તેને કરવાનો સંકલ્પ લેવામાં આવે, રામ અને રામનામ પર પૂર્ણ ભરોસો કરવામાં આવે, તો એ અઘરામાં અઘરું કાર્ય કરી શકે છે.
ઐતિહાસિક રીતે રામસેતુ ૩૦ કિમી એટલે કે ૧૮ માઇલ લાંબો છે, અને મન્નારની ખાડીને ‘પાક સ્ટ્રેટ’થી અલગ પાડે છે. આખા વિસ્તારમાં કેટલીક જગ્યાએ રેતાળ પટ એકદમ કોરો છે, અને ઘણી જગ્યારે દરિયો ઘણો છીછરો છે. તેમજ ઊંડાણ ફક્ત 3 થી 30 ફીટ એટલે અંદાજે 1 થી 10 મીટર જેટલું જ છે, જેને કારણે ત્યાં વહાણવટું લગભગ અશક્ય બને છે. અમુક અહેવાલો મુજબ તો લગભગ ૧૫મી સદી સુધી ખાડીનો આ ભાગ પગે ચાલીને આ સેતુ પરથી પાર કરી શકાય તેવો જ હતો. ત્યારબાદ સમયાંતરે આવેલા સમુદ્રી તોફાનોને કારણે ખાડીની ઉંડાઈ વધી ગઈ, અને આજે એ અશક્ય બન્યું. મંદિરની નોંધ અનુસાર 1480 માં આવેલા ચક્રવાતના તુટતા પહેલા સુધી રામસેતુ સંપૂર્ણ પણે દરિયાની સપાટીથી ઉપર હતો.
દેવ હોય કે દાનવ ભગવાન શ્રીરામનો જન્મ તો એ બધાની મુક્તિ માટે જ હતો. પ્રભુ શ્રીરામ સમુદ્રના તટ પર ત્રણ દિવસ સુધી તપ કર્યું, એ પરથી સાબિત થાય છે કે ઈશ્વર હોવા છતાં એ શિસ્ત ચૂકતા નથી, નહીં તો પહેલે જ દિવસે એ બાણ ચડાવી શક્યા હોત! પ્રભુ શ્રીરામનું શરણ એટલે, કે સત્યનું શરણ, મર્યાદા નું શરણ, અને શિસ્તનું શરણ. કોઈપણ રામ કાર્ય કરવું હોય તો આ ત્રણ ગુણ આપણામાં કેળવાયેલા હોવા જોઈએ, અને તો જ તે આપણે જે પરિણામની આશા સાથે શરૂ કર્યું હોય એ રીતે પૂર્ણ થાય. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આ ત્રણેય ગુણની માત્રા હવે આપણામાં એટલી રહી નથી, અને માત્ર મોરચો કે નારાની રીતે, અમે તો રામ કાર્ય કરીએ છીએ! રામ કાર્ય કરીએ છીએ! એવી ઉદ્ભોષણા કરતા ફરીએ છીએ. તો સર્વ પ્રથમ તો ચિત્તમાંથી અન્ય પ્રત્યે નો દ્વેષ ભાવ કાઢી, અને મનને મલીન થતું અટકાવી, અને પછી આ ગુણોને કેળવીને પ્રભુ શ્રી રામનાં રામ રાજ્ય માટે આપણે સૌ રામ કાર્ય કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)