વલસાડ અને તાપીજિલ્લાની માહિતી કચેરીના સ્ટાફે શ્રી આર.આર. તડવીની ફરજ નિષ્ઠાને બિરદાવી
વલસાડ જિલ્લા માહિતી ખાતાના નાયબ માહિતી નિયામકશ્રી આર.આર. તડવી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમને વિદાય સમારંભ તા. 30 જૂનને ગુરૂવારે સાંજે કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો.
વિદાય લઈ રહેલા શ્રી તડવીએ સરકારી ખાતામાં 33 વર્ષની સુદીર્ઘ સરકારી સેવા બજાવ્યા બાદ પોતાના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે, તા. 17 મે 1989ના રોજ હું ડાંગ જિલ્લાના આહવા ખાતે માહિતી મદદનીશ તરીકે સરકારી ખાતામાં ફરજ પર જોડાયો હતો. ત્યારબાદ વર્ષ 1991થી પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરાના નિયંત્રણ હેઠળના પાવી જેતપુર અને છોટા ઉદેપુર પ્રચાર એકમો ખાતે વર્ષ 1993 સુધી ફરજ બજાવી હતી. ત્યારબાદ 1993થી 1996 સુધી પંચમહાલ જિલ્લાના પ્રચાર એકમ સંતરામપુર ખાતે ફરજ બજાવ્યા બાદ વર્ષ 1996માં સિનિયર સબ એડિટર તરીકે બઢતી મળતા ચોટીલા, લીંબડી, સુરેન્દ્રનગર અને ધાંગધ્રામાં ફરજ બજાવી હતી. વર્ષ
2003થી 2011 સુધી નર્મદા નિગમમાં ડેપ્યુટેશન (પ્રતિનિયુક્તિ) પર જન સંર્પક અધિકારી તરીકે સેવા આપી હતી. વર્ષ 2012થી 2015માં દાહોદ ખાતે ફરજ બજાવી હતી. 2015માં સુરતમાં સહાયક માહિતી નિયામક તરીકે બઢતી સાથે બદલી થતા ત્યાં વર્ષ 2015થી 2019 સુધી મારી ફરજ બજાવી હતી. વર્ષ 2019થી 2021 સુધી તાપી જિલ્લાના સહાયક માહિતી નિયામક તરીકે ફરજ બજાવી હતી. ત્યારબાદ વર્ષ 2021માં નાયબ માહિતી નિયામક તરીકે બઢતી સાથે અમરેલી બદલી થતા ત્યાં મે વર્ષ 2022 સુધી ફરજ બજાવી હતી. અંતે નિવૃત્તિ સમયે વલસાડ ખાતે બદલી થતા તા. 16 મે 2022ના રોજ હાજર થઈને તા. 30 જૂને અહીંથી જ વય નિવૃત્તિ લીધી છે.
વધુમાં શ્રી તડવીએ જણાવ્યું કે, 33 વર્ષની આ લાંબી મજલમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં અધિકારીઓ,કર્મચારીઓ અને પ્રજાનો પૂરેપુરો સહકાર મળતા કામ કરવાની મજા આવી હતી. સુરત કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો સુંદર સહયોગ મળતા ટીમવર્કથી પ્રશંસનીય કામગીરી થઈ શકી હતી જે મારી જિંદગી માટે સંસ્મરણીય રહેશે. ફરજ દરમિયાન હંમેશા અધિકારી તરીકે નહીં પરંતુ એક મિત્ર તરીકે તમામ સાથે સંબંધ રાખી નિષ્ઠા અને વફાદારી પૂર્વક ફરજ બજાવતા આજે લાગતું જ નથી કે સમય આટલો જલદી અને આટલો સારી રીતે પસાર થઈ જશે. સૌના સાથ સહકારથી જોત જોતામાં 33 વર્ષ કયાં પુરા થઈ ગયા તેની ખબજ ન પડી. આજે નિવૃત્તિનો દિવસ આવી પહોંચતા તમામના પ્રેમ અને લાગણી બદલ આભાર વ્યક્ત કરૂ છું.આજનો આ પ્રસંગ મારા જીવનમાં હંમેશા યાદગાર સંભારણું બનીને રહેશે.
આ પ્રસંગે તાપી જિલ્લા માહિતી કચેરીના નવનિયુક્ત સહાયક માહિતી નિયામકશ્રી નૈનેશભાઈ ભાંભોરે જણાવ્યું કે, મારા નવા પોસ્ટિંગ દરમિયાન શ્રી તડવી સાહેબનું સતત માર્ગદર્શન અને સહકાર મળતો રહ્યો હતો. હવે તેઓ તેમના જીવનની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે તેમનું બાકીનું જીવન સુખ, શાંતિ, સમૃધ્ધિ અને નિરોગીમય રહે એવી શુભેચ્છાઓ.
વલસાડ માહિતી ખાતાના ઓફિસ સુપ્રિટેન્ડન્ટ અને ઈન્ચાર્જ સિનિયર સબ એડિટરશ્રી અક્ષયભાઈ દેસાઈએ તડવી સાહેબને નોકરીના સમય ગાળા દરમિયાન મળેલા યશ, ર્કિતી, સત્કાર,બહુમાન અને સન્માનને બિરદાવી તેમનું નિવૃત્તિ જીવન જાજરમાન બની રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
વલસાડ અને તાપી જિલ્લાના માહિતી ખાતાના સર્વે સ્ટાફ દ્વારા આર.આર.તડવીને શાલ ઓઢાડી શ્રીફળ આપી પુષ્પગુચ્છ અને મોમેન્ટો સાથે ઉષ્માભેર વિદાય આપી હતી.
આ પ્રસંગે શ્રી તડવીના બંને પુત્રો જોયેલ (એન્જિનિયર, એમજીવીસીએલ) અને સિરાજ (એમએસ ઓર્થો, જામનગર હોસ્પિટલ) ઉપસ્થિત રહ્યા હતા. વિદાય સમારંભમાં વલસાડ માહિતી કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર એચ.ડી.તાડા, મદદનીશ માહિતી જિજ્ઞેશ સોલંકી,સલોની પટેલ,સુપરવાઈઝર મહેશ પટેલ, કેમેરામેન પ્રફુલ પટેલ, ફોટોગ્રાફર હિમેશ પટેલ, ડ્રાઈવર યોગેશ પટેલ, સેવક નવીન પટેલ, નરેશ આહિર, કાંતી પટેલ, તાપી જિલ્લા માહિતી ખાતાની કચેરીના સુપરવાઈઝર અલ્કેશ ચૌધરી, ફોટોગ્રાફર અર્પિત ગામીત અને ડ્રાઈવર વિપુલ ચૌધરી સહિતનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.
Ad…