અમારું ભાગ્ય ખોલનારી લાડલીને પાછી લઈ જ લેવી હતી તો આપી શું કામ હતી?

0
208

કુદરતને એ જ ફરિયાદ છે કે…
અમારું ભાગ્ય ખોલનારી લાડલીને પાછી લઈ જ લેવી હતી તો આપી શું કામ હતી? એક માતા, પિતા અને ભાઈ તરીકે આજ સુધી અમારી આંખોમાં એને માટે સપનાં શા માટે ભર્યાં? તેં ક્ષણભરમાં જ એવો વજ્રઘાત આપ્યો છે કે, જેનાથી અહોભાગ્ય અને કમનસીબી જેવા બે તદ્દન વિપરીત શબ્દો એકસમાન થઈ ગયા. એક ઝાટકે ભઈલાની ક્રિનુ અને પપ્પા-મમ્મીની ગુડ્ડીને છીનવી લીધી. જાણે ત્રણેયનાં કાળજાં કાઢી લીધાં. જે ઘરે લગ્નનાં ગીત ગાવાનાં સપનાં જોવાનો સમય હતો ત્યાં એકાએક સમૂહ પ્રાર્થના ગાવી હકીકત બની ગઈ. જિંદગીનો એકડો ફરીથી ઘૂટવો પડે એવી સ્થિતિ સર્જાઈ ગઈ. માફ કરજે કુદરત, પણ તને નિષ્ઠુર નહીં કહું તો શું કહું?

અહોભાગ્ય એવું કે, મારી ગુડ્ડી બાળપણથી જ એટલી સંતોષી કે, કંઈ મળે તો પણ ખુશ, નહીં મળે તો પણ ખુશ. ક્યારેય નાની સરખી પણ ફરિયાદ નહીં. કોઈ માગણી નહીં. માત્ર અમારે માટે એ શું બેસ્ટ કરી શકે છે અને અમે શેમાં ખુશ છીએ એ જ વિચારતી અને કરતી. એટલો નિસ્વાર્થ પ્રેમ આપનારી કે, માણસ તો ઠીક, અબોલ પશુ-પક્ષીનાં પણ દિલ જીતી લેતી. કોઈ 10 આંગળીએ પુણ્ય કરે તો પણ આવી દીકરી નહીં જ મળે, જે અમને કંઈ પણ કર્યા વગર મળી હતી.

ધીરે ધીરે ઘરકામની તમામ જવાબદારી લેતી ગઈ. અમને બેને એટલું જ કહેતી કે, તમે જોબ કરો એ જ બહુ છે. ઘરમાં આરામ કરવાનો. એના વ્હાલા ભઈલાને ભણવા માટે સતત પ્રોત્સાહિત કરતી. તો વ્યસ્ત દિનચર્યામાંથી પોતાને માટે થોડો સમય કાઢીને અભ્યાસ પણ કરતી. આજે અમને ત્રણેયને અફસોસ થાય છે કે, ખરેખર તો એ પોતાની અનેક ઈચ્છાઓને દબાવીને અમને ખુશ રાખી રહી હતી, જે અમે પારખી ન શક્યા. અમને માત્ર આપતી જ ગઈ. આપતી જ ગઈ. અમે એને માટે કંઈ જ ન કરી શક્યા. આખરે ઋણનો એવો ખડકલો મૂકીને ચાલી ગઈ, જે ક્યારેય ચૂકવી નહીં શકીએ. આટલી નિર્મળ, લાગણીશીલ અને સમજુ દીકરી આજે અમારી વચ્ચે નથી એનાથી મોટી કમનસીબી શું હોઈ શકે?

આમ તો કંઈ યાદ રાખવું મુશ્કેલ ગણાય છે, પરંતુ કુદરતે પહેલીવાર અહેસાસ કરાવ્યો કે, યાદ રાખવા કરતાં તો ભૂલવું અઘરું છે. અશક્ય છે.

દીકરા, અમને એટલો અતૂટ વિશ્વાસ છે કે, અત્યારે તું જ્યાં હશે ત્યાં ખુશ જ હશે અને ખુશી જ ફેલાવતી હશે. આમ તો તેં છેવટ સુધી અમને એકતરફી આપ્યા કર્યું છે. એટલે અમે તારી પાસે કંઈ પણ માંગવાના હકદાર તો નથી જ, છતાં એક પ્રોમિસ માગું છું કે, જન્મોજનમ તું અમને અમારી ગુડ્ડી તરીકે જ મળતી રહેજે…❤️

Now, It is our LIFE without LIFELINE…

આલેખન: વિરલ ભટ્ટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here