વલસાડ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીને ગુજરાત માહિતી આયોગે 10 હજારનો દંડ ફટકાર્યો

0
211

  • વલસાડ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીને ગુજરાત માહિતી આયોગે 10 હજારનો દંડ ફટકાર્યો
  • અપીલ અધિકારીને દંડ ફટકારવાનો હુકમ આયોગના ઇતિહાસમાં કવચિત પ્રથમ કેસ
  • દંડની રકમ વલસાડ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીના પગારમાંથી કાપીને આયોગને જાણ કરવા આયોગનો આદેશ

માહિતી અધિકારની જોગવાઇઓનું પાલન કરવામાં અધિકારી નિષ્ફળ ગયા હોવાનું આયોગનું નિરીક્ષણ
ગુજરાત માહિતી આયોગના રાજ્ય માહિતી કમિશનર કે. એમ. અધ્વર્યુએ માહિતી અધિકારની જોગવાઇઓનું પાલન કરવામાં નિષ્ફળ જવા બદલ તત્કાલિન અપીલ અધિકારી તથા માંડવીના તાલુકા વિકાસ અધિકારી અને હાલના વલસાડના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. વસાવાને 10 હજારનો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે.

અપીલ અધિકારીને દંડ ફટકારવાની ઘટના જવલ્લે જ જોવા મળે આ દંડની રકમ તેઓએ પોતાના ભંડોળમાંથી ભરપાઇ કરવાની રહેશે અથવા તો તેમના પગારમાંથી કપાત કરી ભરપાઇ કરવાની રહેશે.

આ દંડની રકમ આદેશ મળ્યાના 15 દિવસમાં જમા કરાવવાની રહેશે. તેની પહોંચ અથવા તો ચલણ 30 દિવસમાં આયોગને મોકલવાની રહેશે. આ હુકમની નકલ વલસાડના જિલ્લા વિકાસ અધિકારીને મોકલવામાં આવે. જો પ્રતિવિવાદીએ આયોગે આપેલી સમય મર્યાદામાં દંડની રકમ ભરપાઇ ન કરી હોય તો હાલના વલસાડના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. વસાવાના પગાર- ભથ્થાંમાંથી આ રકમ કપાત કરીને 15મી ઓગસ્ટ પહેલાં સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવે અને તેનો રિપોર્ટ વલસાડ જિલ્લા વિકાસ અધિકારી 31મી ઓગસ્ટ સુધીમાં આયોગને મોકલી આપવાનો રહેશે. અપીલ અધિકારીને આયોગ દ્રારા દંડ ફટકારવામાં આવ્યો હોવાનો આયોગના ઇતિહાસમાં કવચિત આ પ્રથમ કેસ હોવાનું આયોગના સૂત્રોએ જણાવ્યું છે. જો કે જાહેર માહિતી અધિકારીને અવારનવાર દંડ થતો હોય છે. પરંતુ અપીલ અધિકારીને દંડ ફટકારવાની ઘટના જવલ્લે જ જોવા મળે છે.

અરજી બાદ અપીલ રિઓપન કરી
સુરતના ઉત્રાણ હાઉસની સામે સિલ્વર અમ્પાયરમાં રહેતાં મિતુલ નાવડીયાએ સુરત જિલ્લાના માંડવી તાલુકાના વિરપોર ગ્રામ પંચાયતમાં 1-4-2015થી આજદીન સુધીની સામાન્ય સભાની ઠરાવ બુક તથા એજન્ડા બજવણીનુ રજીસ્ટર અને સામાન્ય સભામાં હાજર રહેલાં સભ્યોના હાજરીના રજીસ્ટરની નકલો વગેરેની આરટીઆઇ હેઠળ માહિતી માંગી હતી. જાહેર માહિતી અધિકારીએ સમયમર્યાદામાં વિવાદીને માહિતી કે નિર્ણય નહીં આપતાં વિવાદી નારાજ થયા હતા. તેમણે 11-12-20ના રોજ પ્રથમ અપીલ સત્તાધિકારી સમક્ષ અપીલ કરી હતી. સમય મર્યાદામાં નિ્ર્ણય નહીં થતાં વિવાદીએ આયોગમાં 7-6-21ના રોજ બીજી અપીલ કરી હતી. આ અપીલમાં આયોગે 9-8-21ના રોજ હુકમ કરીને પ્રથમ અપીલ સત્તાધિકારીને પ્રથમ અપીલનો 30 દિવસમાં નિર્ણય કરવા જણાવ્યું હતું. આ હુકમ છતાં પ્રથમ અપીલ અધિકારી દ્રારા કોઇ નિર્ણય કરવામાં આવ્યો ન હતો. જેથી વિવાદીએ ફરીવાર આયોગમાં 4-10-21ના રોજ અરજી કરી હતી. જેથી આ અપીલ રિઓપન કરવામાં આવી હતી.

અપીલને 30 દિવસમાં નિર્ણય કરવા આદેશ આપ્યો
ગુજરાત માહિતી આયોગના રાજ્ય માહિતી કમિશનર કે. એમ. અધ્વર્યુએ હુકમમાં વધુમાં નોંધ્યું છે કે, આયોગ સમક્ષની સુનાવણી દરમિયાન વિવાદીએ રજૂઆત કરી હતી કે, 4-11-20ની અરજી સંદર્ભે સમયમર્યાદામાં કોઇ જ માહિતી તેઓને પુરી પાડવામાં આવી નથી કે પ્રથમ અપીલ અરજી સંદર્ભે તાલુકા વિકાસ અધિકારી, માંડવી દ્રારા પ્રથમ અપીલની સુનાવણી કરવામાં આવી નથી. ગુજરાત માહિતી આયોગના 9-8-21ના રિમાન્ડ હુકમથી વિવાદીને સાંભળીને પ્રથમ અપીલને 30 દિવસમાં નિર્ણય કરવા આદેશ આપ્યો હોવા છતાં તેઓને કોઇ સુનાવણી આપી નથી. જાહેર માહિતી અધિકારી દ્રારા 30-6-21ના પત્રથી કેટલીક વિગતો મોકલેલ છે. પરંતુ તે મુદ્દાસર નથી. માત્ર આપવા ખાતર કેટલીક માહીતી આપી છે.

આયોગના આદેશનું પણ તેઓએ પાલન કર્યું નથી
આયોગે કરેલા હુકમમાં નિરીક્ષણ કર્યું છે કે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્રારા સમય મર્યાદામાં સુનાવણી હાથ ધરી ન હતી કે તે બાબતે તેઓ તરફથી કોઇ સ્પષ્ટતા આયોગને મળી નથી. આયોગના રીમાન્ડ હુકમ બાદ પણ તેઓએ વિવાદીને સાંભળીને અપીલનો નિર્ણય કર્યો ન હતો. જે બાબત ખૂબ જ ગંભીર છે. માહીતીનો અધિકાર અધિનિયમ 2005ની જોગવાઇ મુજબ પ્રથમ અપીલ અધિકારીએ રિમાન્ડ હુકમ અન્વયે વિવાદીની અપીલની સુનાવણી 30 દિવસની સમયમર્યાદામાં કરવાની હોય છે. આ મુજબ ફરજો બજાવવાનું તેઓ ચુકયા છે. અને માહીતી અધિકારની જોગવાઇઓ અનુસાર વિવાદીની અપીલનો નિર્ણય ન કરવા બદલ તેઓને જવાબદાર ગણવામાં આવે છે. અને વિલંબ સદર્ભે તેઓને રજૂઆત કરવાની તક આપવામાં આવી હતી. છતાં તેઓ સુનાવણી દરમિયાન ઉપસ્થિત રહ્યાં નથી કે તેઓએ કોઇ લેખિત સ્પષ્ટતા મોકલી નથી. આમ માહિતીનો અધિકાર અધિનિયમ-2005ની જોગવાઇઓનું પાલન કરવામાં તેઓ નિષ્ફળ ગયા છે. અને આયોગના આદેશનું પણ તેઓએ પાલન કર્યું નથી. જેથી ઉકત હુકમ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here