અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૮૦ મું અંગદાન : અત્યાર સુધીમાં ૨૩૦ પીડિતને મળ્યું નવજીવન
જીએનએ અમદાવાદ:
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૮૦ મું અંગદાન થયું છે. ૩૦ વર્ષના ચેતનકુમાર ચૌહાણ બ્રેઇનડેડ થતા પરિવારજનોએ કરેલા અંગદાનના નિર્ણય થકી હ્રદય, બે કિડની અને લીવરનું દાન મળ્યું છે.
ચેતનભાઇનું હ્રદય ઘબકતું ઘબકતું શરીરમાંથી નીકળીને ૫૨૫ કિ.મી.નું અંતર ખેડી મુંબઇની હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ થવા નિકળ્યું. સિવિલ હોસ્પિટલ થી અમદાવાદ એરપોર્ટ પહોંચાડવા માટે અમદાવાદ પોલીસની મદદથી ગ્રીનકોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી.ગ્રીનકોરિડોર મારફતે ૮ મીનિટ કરતા પણ ઓછા સમયમાં અમદાવાદ એરપોર્ટ પહોંચીને ત્યાં કાર્યરત ફ્લાઇટમાં તહેનાત તબીબી ટીમ દ્વારા હ્રદયને લઇને અન્ય પીડિત દર્દીને નવજીવન આપવાની ઉડાણ ભરવામાં આવી.
અમદાવાદથી ૫૨૫ કિ.મી.નું અંતર ખેડીને હ્રદય મુંબઇની રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ ૪૨ વર્ષના દર્દીમાં પ્રત્યારોપણ માટે પહોંચ્યું. સમગ્ર વ્યવસ્થા ગણતરીની મીનિટોમાં જ સંપન્ન થઇ. ત્યારબાદ ૫ કલાકની સર્જરીના અંતે સફળતાપૂર્ણ હ્રદયનું પ્રત્યારોપણ અન્ય દર્દીમાં થયું.
ચેતનભાઇ નાની ઉમ્રમાં માતા-પિતાનો આધાર ગુમાવીને નિરાધાર બન્યા હતા. થોડા સમય બાદ એક ભાઇનો પણ સંગાથ ગુમાવ્યો. જેના કારણે તેઓ જીવનનું મૂલ્ય સમજતા હતા. આ તમામ સંધર્ષમય પરિસ્થિતિમાંથી બહાર નિકળીને હજું માંડ તેઓ પગભર બન્યા હતા ત્યા ૩૦ વર્ષની નાની ઉમ્રે ૧૨ મી જુલાઇના રોજ તેમને ગંભીર માર્ગ અકસ્માત નડ્યો. માર્ગ અકસ્માતમાં ગંભીર પ્રકારની ઇજા પહોંચતા તેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા.
ઇજા અત્યંત ગંભીર હતી. તબીબોએ દિવસ – રાત રાઉન્ડ ધ ક્લોક સધન સારવાર હાથ ધરી છતા છેલ્લે ઇશ્વરને ગમ્યું તે જ બન્યું. ૭ દિવસની સધન સારવારના અંતે તબીબો દ્વારા ચેતનભાઇને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા. પરિવારજનોને અંગદાનના મહત્વ વિશે સિવિલ હોસ્પિટલના તબીબ ડૉ. નિલેશ કાછડીયા અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સ્વંયસેવકો દ્વારા કાઉન્સેલીંગ કરવામાં આવ્યું.
પરિવારજનોના શબ્દો હતા કે, અમેં અમારા ચેતનને બચાવી ન શક્યા પરંતુ તેના અંગો થકી અન્યોના ઘરનો દિપ પ્રજવલ્લિત થાય તો તેનાથી પૂણ્યનું કામ અન્ય વળી કયું હોઇ શકે. બસ આ જ વિચારધારાને વરેલા પરિવારજનોએ અંગદાનનો હ્યદયસ્પર્શી નિર્ણય કર્યો.
અંગદાનની સંમતિ મળ્યા બાદ ચેતનભાઇને સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા. રીટ્રાઇવલ સેન્ટરમાં ૭ કલાકની મહેનતના અંતે હ્યદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું. ચેતનભાઇના હ્રદયને ગ્રીન કોરિડોર મારફતે ફ્લાઇટમાં મુંબઇ સ્થિત રીલાયન્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ માટે પહોંચાડવામાં આવ્યું.
હ્રદય જ્યારે મુંબઇ પહોંચ્યું ત્યારે હોસ્પિટલમાં તહેનાત તબીબોએ ત્વરિત પ્રક્રિયા હાથ ધરીને ૪૨ વર્ષના દર્દીમાં સધન સારવાર હાથ ધરીને પ્રત્યારોપણ કર્યું.
ચેતનભાઇની બે કિડની અને લીવરમાં સિવિલ મેડિસીટીની જ કિડની ઇન્સ્ટીટ્યુટમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યું.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, સિવિલ હોસ્પિટલે આદરેલો અંગદાનનો સેવાયજ્ઞ આજે જન જનમાં મદદની મુહિમ બન્યો છે. સમાજમાં પ્રવર્તી રહેલી અંગદાનની રોજબરોજની જનજાગૃતિના પરિણામે આજે લોકો સ્વૈચ્છાએ પણ અંગદાન માટે સંમતિ આપતા થયા છે.
અંગદાનની સમગ્ર પ્રવૃતિ સાથે સંકળાયેલા તબીબ ડૉ. નિલેશ કાછડિયા જણાવે છે કે, દર્દીને બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ પરિવારજનોને અંગદાન માટે કાઉન્સેલીંગ કરવું શરૂઆતના સમયમાં અત્યંત પડકારજનક હતું. પરંતુ સમાજસેવી સંસ્થાઓ અને મીડિયાના માધ્યમથી સમાજમાં અંગદાન પ્રત્યે પ્રવર્તેલી જનજાગૃતિના પરિણામે આજે કાઉન્સેલીંગમાં ખૂબ જ ઓછો સમય લાગે છે વળી ઘણાંય પરિવારો સ્વૈચ્છાએ અંગદાન માટેની ઇચ્છા દર્શાવે છે.