ગુજરાતમાં 22થી 24 જુલાઈ વચ્ચે આ જિલ્લાઓમાં પડશે અત્યંત ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

0
234

22 જુલાઈ: આ દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, તાપી, સુરત અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ (Gujarat rainfall) વરસ્યો છે. હાલ પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે (Meteorological department) રાજ્યમાં આગામી 22થી 24 તારીખ સુધી ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી (Gujarat heavy rain forecast) આપી છે. અમદાવાદ શહેરમાં પણ આગામી દિવસોમાં હળવાથી લઈને ભારે વરસાદ થવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે. બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદની પ્રવૃત્તિ વધશે.

હવામાન વિભાગની આગાહી: અદમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં આગામી બે દિવસ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડશે. બે દિવસ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. 21મી જુલાઈથી વરસાદની પ્રવૃત્તિ વધશે. 22મી તારીખે ગુજરાત રિઝન અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે છે. 24મી તારીખે પણ આખા ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેશે. આ દરમિયાન સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. 24 તારીખે કચ્છમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે.”

23 જુલાઈ: આ દિવસે કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જામનગર, રાજકોટ, બોટાદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.

24 જુલાઈ: કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ, ગીર-સોમનાથ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યના ૩૦ જળાશયો ૧૦૦ ટકાથી વધુ પાણી: રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં તા. ૨૦ જુલાઈ-૨૦૨૨ સુધીમાં ૫૬.૫૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૧,૮૪,૬૧૯ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫.૨૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩,૧૯,૮૩૯ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૫૭.૩૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.રાજ્યમાં ૩૦ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.

જ્યારે ૪૩ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકાની વચ્ચે, ૨૯ જળાશયો (સરદાર સરોવર સહિત) માં ૫૦ ટકાથી ૭૦ ટકાની વચ્ચે, ૪૯ જળાશયોમાં ૨૫ ટકા થી ૫૦ ટકાની વચ્ચે, ૫૫ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો, કચ્છના ૨૦ જળાશયો અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૩૦ જળાશયો ૧૦૦ ટકાથી વધુ જ્યારે ૧૯ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. ૧૧ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર તથા ૧૨ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here