નેશનલ હાઇવે પરના ખાડાએ યુવતીને કરી ઈજાગ્રસ્ત, ટોલ પ્લાઝાને આપ્યું આવેદનપત્ર
વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર વરસાદને લઈને પડેલા ખાડાઓને કારણે વાપીની એક યુવતીને અકસ્માત થયો છે. આ અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્ત યુવતીના ભાઈ સહિત અન્ય સ્થાનિક લોકોએ બગવાડા ટોલનાકા પર જઈ ટોલ પ્લાઝાના કર્મચારીઓને આવેદનપત્ર આપી રસ્તાઓનું સમારકામ અંગે રજૂઆત કરી હતી.
વાપી નજીક આવેલા બગવાડા ટોલ નાકાથી ઉદવાડા તરફ જતી હિના પટેલ નામની યુવતીનો હાઇવેના ખાડાને લઈ અકસ્માત થતા તેમને પારડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. આ ઘટનાને લઈને ઈજાગ્રસ્ત યુવતીના ભાઈ ઉમેશ પટેલ સહિત સ્થાનિક લોકોએ બગવાડા ટોલ પ્લાઝા ખાતે IRB ના અધિકારીઓને આવેદનપત્ર આપ્યું. હાઇવે પરના ખાડાને કારણે સર્જાઈ રહેલા અકસ્માતોને રોકવા જેમ બને તેમ વહેલી તકે ખાડાઓનું સમારકામ કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.મહિનામાં ઘણા વાહન ચાલકોના મૃત્યુ નીપજ્યા – આ પ્રસંગે બગવાડા ટોલનાકા ખાતે મેનેજમેન્ટનું કામ સાંભળતા શૈલેષ પટેલે વિગતો આપી હતી કે, હાલ વરસાદને કારણે હાઇવે પર ખાડા પડી ચૂક્યા છે. જેને કારણે 2 મહિનામાં ઘણા વાહનચાલકોના મૃત્યુ નીપજ્યા છે. ઘણા અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે. જે અંગે અમારી પાસે લોકોએ રજૂઆત કરી છે. જે રજૂઆત અમે મુખ્ય કચેરી એવી ગાંધીનગર અને ભરૂચમાં કરી છે.