ગુજરાતમાં લઠ્ઠાકાંડ મામલે DGP આશિષ ભાટીયાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને પોલીસ કાર્યવાહી અંગે જાણકારી આપી હતી

0
184

પોલીસ કાર્યવાહી અને બનાવ અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, “અમદાવાદ રુરલના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ બનાવના સ્થળે પહોંચ્યા હતા જે દરમિયાન તેમને જાણકારી મળી હતી કે જે લોકોની તબિયત ખરાબ છે તેઓ કોઈ કેમિકલની અસરમાં હતા. આ સમગ્ર બનાવની તપાસ કરતાં જણાયું છે કે બોટાદ જિલ્લાનાં અમુક ગામડાંમાં, ખાસ કરીને રોજિંદ અને ચોકડી ગામમાં આ બનાવની અસર જોવા મળી છે.”

તેઓ કેસની તપાસ અંગે વિગતો જણાવતાં કહે છે કે, “આ બાબતની જાણ થતાં બોટાદ એસપી ઘટનાસ્થળે દોડી ગયા હતા. સાથે જ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ અને ભાવનગર રૅન્જ આઇજીને પણ મોકલવામાં આવ્યા હતા.”

અત્યાર સુધીની પરિસ્થિતિ અંગે વાત કરતાં ડીજીપી આશિષ ભાટીયા કહે છે કે, “બનાવ માટે જવાબદાર આરોપીઓને 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં રાઉન્ડ અપ કરી લેવાયા છે. ઘટના માટે જવાબદાર કેમિકલ મિથાઇલ આલ્કોહૉલ પણ કબજે કરાયો છે. ભોગ બનેલા લોકોના લોહીના નમૂનાની તપાસ કરતાં પણ મિથાઇલ આલ્કોહૉલની હાજરી જણાઈ આવી છે.”

આ અંગે વાત કરતાં ડીજીપી આશિષ ભાટીયા જણાવે છે કે, “નારોલ ખાતેની એક કંપનીમાંથી ઔદ્યોગિક ઉપયોગ માટે લવાયેલ મિથાઇલ આલ્કોહૉલના બેરલમાંથી જયેશ ઉર્ફે રાજુ નામની વ્યક્તિ જે ત્યાં જ કામ કરતી હતી, કેમિકલ ચોર્યો હતો. જયેશે 22 જુલાઈના રોજ નાભોઈ ગામના સંજયને તગડી ફાટક પાસે 600 લિટર ચોરીનો મિથાઇલ આલ્કોહૉલ સપ્લાય કર્યો હતો.”

જયેશે વિનોદ દેખુ ઉર્ફે ફાંટો, પિન્ટુ અને અજિત દિલીપ નામની વ્યક્તિને આ પ્રવાહી આગળ વેચ્યો હતો.

પિન્ટુએ 200 લિટર આગળ વહેંચ્યો. પિન્ટુએ આ કેમિકલ આગળ વહીયા ગામના બવાન નારાયણ, વલ્લભ, રાણપરી ગામના જટુભા, રોજિંદ ગામનાં ગજુબહેન અને વિપુલ વિનુને આપ્યો હતો.

તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે, “મિથાઇલ આલ્કોહૉલ એ ઔદ્યોગિક વપરાશ માટેનું સોલ્વન્ટ છે, આનું વેચાણ આગળ લોકો સુધી થતાં તેની માઠી અસર થઈ અને બોટાદના 22 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના છ લોકોનાં અત્યાર સુધી મૃત્યુ થયાં છે. આ સિવાય બે લોકોનાં મૃત્યુ શંકાસ્પદ છે.”

આશિષ ભાટીયાએ હાલમાં દર્દીઓની હાલત અંગે વાત કરતાં કહ્યું હતું કે, “આ કેમિકલ પીનાર લોકો પૈકી મોટા ભાગના લોકો ભાવનગર અને અમદાવાદમાં સારવાર હેઠળ છે જે પૈકી મોટા ભાગનાની હાલત સારી છે. તેમને યોગ્ય સારવાર અપાઈ રહી છે.”

આ બાબતમાં પોલીસ કાર્યવાહી અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “આ બાબતે બરવાળા પોલીસ સ્ટેશનમાં એક ગુનો, રાણપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો અને અમદાવાદ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે. 13 જેટલા આરોપીઓનાં નામ એફઆઈઆરમાં છે જે પૈકી મોટા ભાગનાને રાઉન્ડ અપ કરી લેવાયા છે. પોલીસ તરફથી કાર્યવાહીમાં ભાવનગરના રૅન્જ આઇજી, અમદવાદ રુરલ રૅન્જ આઇજી, એટીએસની ટીમ, અમદાવાદ રૂરલ અને બોટાદના એસપી તપાસમાં જોડાયા છે. આ સમગ્ર બનાવનો પર્દાફાશ આ ટીમની તપાસથી શક્ય બન્યો છે.”

ડીજીપી આશિષ ભાટીયાએ આગળ જણાવ્યું હતું કે, “આ ઘટનાના આરોપીઓને આ મામલે કડક સજા થાય તે માટે સજ્જડ તપાસ કરી પુરાવા એકત્રિત કરવામાં આવશે.”

તેમણે ઘટના બની તે ગામના સરપંચ દ્વારા કરાયેલ પોલીસ નિષ્ક્રિયતાના આક્ષેપ અંગે જવાબ આપતાં કહ્યું હતું કે, “આ મામલે મળેલી અરજીમાં બે વ્યક્તિ પર પ્રોહિબિશન 93, નીલ દરોડા અને એક વ્યક્તિને તડિપાર કરાયાની કાર્યવાહી કરાઈ છે.”

મિથાઇલ આલ્કોહૉલની ચોરી બાબતે કોઈ ફરિયાદ ન નોંધાઈ હોવાની વાત પણ તેમણે જણાવી હતી અને કહ્યું હતું કે આરોપીએ આગળ 40 હજાર રૂપિયામાં તે વેચ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here