વલસાડ જિલ્લાનું નૈસર્ગિક સૌદર્ય સોળે કળાએ ખીલ્યું
ચીચોઝરના શિવધોધનું અનોખુ આકર્ષણ:
ધોધની ધારાઓ પાછળથી પ્રકૃતિને માણવાનો અનેરો લહાવો એટલે ‘શિવધોધ’
આલેખન- સલોની પટેલ
- અત્યંત રળિયામણો ‘શિવધોધ’. ધરમપુરથી માત્ર ૧૩ કીમીના અંતરે પ્રકૃત્તિના સાનિધ્યમાં આવેલા ચીચોઝરના શિવધોધનો સુંદર નજારો માણવા જેવો છે.
- શિવધોધને નજીકથી નિહાળવા માટે ૨૫૦ થી ૩૦૦ મીટરનું ઓછા અંતરનું પણ રોમાંચક આરોહણ કર્યા બાદ ધોધનો બેનમૂન નજારો જોવા મળે છે.
વલસાડ જિલ્લો એટલે જંગલ આચ્છાદિત અને સહ્યાદ્રી પર્વતમાળાથી ઘેરાયેલો જિલ્લો. આજ પર્વતમાળાઓમાં આવેલો ધરમપુર તાલુકો ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. લીલીછમ વનરાજી-વનસ્પતિઓથી પર્વતોએ જાણે લીલી ચાદર ઓઢી હોય એવું નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે. અંદાજીત ૧૦૦ ઈંચથી વધુ વરસાદ ધરાવતા ધરમપુર તાલુકામાં ચોમાસાની ઋતુ શરૂ થતાં જ અનેક જગ્યાએ ઝરણાઓ વહેવા માંડે છે તો કોઈક મોટા ઝરણા ધોધનું સ્વરૂપ ધારણ છે. પ્રકૃતિના સૌદર્યમાં વધારો કરતા આવા ધોધ નિહાળવાનો લહાવો અનેરો છે. આવા જ એક અનોખા ધોધની વાત કરીએ તો…
ધરમપુર તાલુકાના ચીચોઝર ગામના ડુંગરોમાં સ્થિત બીજા અનેક ધોધથી અલાયદો તરી આવતો અને અત્યંત રળિયામણો ‘શિવધોધ’. ધરમપુરથી માત્ર ૧૩ કીમીના અંતરે પ્રકૃત્તિના સાનિધ્યમાં આવેલા ચીચોઝરના શિવધોધનો સુંદર નજારો માણવા જેવો છે. શિવધોધને નજીકથી નિહાળવા માટે ૨૫૦ થી ૩૦૦ મીટરનું ઓછા અંતરનું પણ રોમાંચક આરોહણ કર્યા બાદ ધોધનો બેનમૂન નજારો જોવા મળે છે. આ ધોધની વિશેષતા અને આશ્ચર્યચકિત કરતો નજારો એટલે ધોધની પાછળના ભાગે આવેલી ‘બખોલ’. તેથી જ આ શિવધોધને સ્થાનિક કૂકણાં જાતિના લોકો એમની બોલીમાં ‘રણુની ખોરી’ કહે છે જેનો અર્થ થાય છે ‘વાઘની ગુફા’. લોકવાયકા છે કે, વર્ષો પહેલા આ ગુફામાં વાઘો વસવાટ કરતા હતા. આ બખોલ એટલી વિશાળ છે કે જ્યાં એકસાથે ૧૦૦થી વધુ લોકો ધોધની પાછળના ભાગે જઈ ધોધની ધારાઓમાંથી સામેની લીલીછમ પર્વતમાળાના આહલાદ્ક નજારાને મનભરીને માણી શકે છે.
શિવધોધની ૪૦ થી ૪૫ ફૂટ ઉંચાઈથી પડતી જળધારાઓમાં નહાવાનો આનંદ જ અનેરો છે. ધોધની જળધારાઓ એક્યુપ્રેશરની જેમ શરીરને મસાજ કરાતો હોય એવો અનુભવ કરાવે છે. આ શિવધોધનો નજારો જોવો હોય તો એકવાર અવશ્ય મુલાકાત કરવી જોઈએ. ધરમપુર-ધામણી રોડ ઉપર ઝરિયાથી કેળવણી જતા ચીચોઝર નજીક જાનલભાઈ બારિયાની દુકાનથી ડાબી બાજુ સીધા જતા શિવધોધ પાસે પહોંચી શકાય છે.
આપ જ્યારે પણ પર્વતીય જંગલ વિસ્તારમાં મુલાકાતે જાઓ છો ત્યારે કુદરતી સંપદાને નુકશાન ન થાય તે માટે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, અજાણી જગ્યાએ હોવ ત્યારે સલામતી માટે ભૌગોલિક પરિસ્થિતિ અંગે સ્થાનિકોને પુછપરછ કરી જાણકારી મેળવી લેવી અત્યંત જરૂરી છે.